ઓડીશાની સૌરા ચિત્રકળા .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
આદિ ચિત્રકળા - સમસ્ત ચિત્રકળાની જનની
વિશાળ ભારત દેશના મોટા ભાગના રાજ્યોમાં આદિવાસીઓના સમૂહની આગવી જીવનશૈલીનાં દર્શન થાય છે. તેઓ તેમની પરંપરા, સંસ્કૃતિ, વારસો, સંસ્કાર અને કલાને સાચવીને બેઠાં છે. અલબત્ત, શિક્ષણનો વ્યાપ વધતાં અનેક આદિવાસી નાગરિકો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. પરંતુ તેમણે પોતાની સહજ સાધ્ય કલાને તિલાંજલિ આપી દીધી નથી. મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ પર સહ્યાદ્વિની ગિરિમાળાના માર્ગે સમુદ્ર તરફ ડગ માંડતા વારલી આદિવાસીઓની વારલી ચિત્રકળાએ આંતર રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે પશ્ચિમ ભારતની આ કળા જેવી જ અદ્દલ દેખાતી સૌરાકળા પૂર્વ ભારતના ઓડીશા રાજ્યમાં જોવા મળે છે. બન્ને પહેલી નજરે સમાન લાગે પણ બન્નેની શૈલીમાં જે સમાનતા છે તેમાં ખાસ્સો ફરક છે.કળા રસિકોને ઝીણી નજરે જે દેખાય છે તેની બારીકી ધ્યાનકર્ષક છે. તે બન્નેની કળાનાં નામ તેમની પ્રજાતિઓના નામ ઉપરથી જ પડયાં છે. બંનેમાં પ્રતીકો બોલકાં અને અર્થસભર છે. દેખીતી ભૌમિતિક ભાતનાં ભિન્ન ભિન્ન આકારો, વળાંકો, પ્રકારો, શૈલી, પ્રમાણભાન આદિમાં એક ટપકા કે એક રેખામાં ફરક પડવાથી તેની કાયા પલટ થઇ જાય અને ભાવકોની દ્રષ્ટિ, સમજ અને રસની કસોટી થઇ જાય. હજારો માઈલ છેટી રહેતી આ બન્ને પ્રજાઓમાં જે સામ્ય છે તેનું મૂળ અને તેના જૈવિક તત્ત્વો (ડી.એન.એ.) જવાબદાર હોઈ શકે. 'એક વેલનાં અનેક તૂંબડાં સૌનાં ભાગ્ય નિરાળાં રે...' ન્યાયે છૂટા પડેલા લોકો પાછલી પેઢીઓ વિશે વિચાર કરે, તેનાં પગલાં તપાસે તો કોઇક તો કડી મળે. ખેર, બન્ને કળાઓમાંથી વારલીનો આપણે વ્હાલી છે જ પણ સૌરાની ઓરા લેશે ય કમ નથી હોં ! વારલીમાં બે તીક્ષ્ણ ત્રિકોણ વડે માનવ સર્જાઈ જાય અને સૌરામાં ઉંધો ત્રિકોણ કોમળ હોય - પણ માણસ હોય !
દરેક ચિત્રને આગવી કથા - દરેક કથાને નવું ચિત્ર
દરેક પ્રદેશની આદિ ચિત્રકલા વાર્તા, કથા કે ગાથા આધારિત હોય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા પશ્ચિમભારતીય રાજ્યો જેવી જ શૈલી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પૂર્વીય પ્રદેશોમાં જોવા મળે છે. દરેકમાં વિધિ વિધાન, પૂજા, અર્ચના, સ્થાપના, પ્રસાદ-ભોગ, ંરગોળી, કથા, ગીતો, નૃત્ય, વાદ્ય અને તેમના વણલખ્યા સાહિત્યનો મહિમા હોય છે. સૌરાકલાએ રીતે સંપૂર્ણપણે ભારતીય પરિવેશમાં સોહે છે. પ્રજાતિનું નામ પણ સૌરા અને કલાય સૌરા, ઓડીશા પ્રસ્તુત ચિત્રકલા વિધવિધ રૂપે ભાવકોને ભાવવિભોર કરે છે. તેમનાં પટ્ટ ચિત્રો છે...ક અગિયારમી સદીથી ચાલ્યાં આવે છે. તાડપત્ર ચિત્રોમાં લિપિ અને ભાષા પ્રયોગ મળે. રેતકલા તો દરિયાને આભારી છે તેથી તે વિશ્વ પ્રસિધ્ધ બની છે. ઝોંટીચિતા અથવા મુરુજા એટલે કે એ પારંપરિક કલા ભીંત ઉપર અને જમીન ઉપર રંગોળી રૂપે રસળતી કરાય છે. તે ચોખાની સફેદ લુગદીમાંથી બને તે રેખા ચિત્રો દક્ષિણ ભારતની આંગળીના ટેરવેથી થતી રંગોળીને આબેહૂબ મળતાં આવે છે. સૌરા ચિત્રકલા પંદરેક હજાર વર્ષો જૂની હોઈ શકે. ચિત્રો આ કલાનાં મુખ્ય પ્રતીકો છે. જેને તેમના પૂજારી ઓળખાવે છે. પ્રત્યેક પ્રસંગ અને આસ્થા મુજબનાં ચિહ્નો પોતાના પૂર્વજો અને આત્માઓ સાથે સૌરા જાતિ જોડી દે છે. રામાયમ, મહાભારત જેવા મહાકાવ્યોમાંથી પ્રેરણા લેવાય છે. શબરી અને શ્રીકૃષ્ણને તીર મારનાર જરા અહીંની જ માટીની સોડમ લઇને જન્મેલા એમ તેઓ માને છે. આ કળાને લાંજિયા સૌરા અથવા આઈકોન પણ કહે છે. સાદી સીધી ભૌમિતિક રેખાઓ યુક્ત આકૃતિઓમાં વાઇબ્રન્ટ ચળકતા રંગોની પૂરણી થાય છે. ધાર્મિક પ્રસંગો, સામાજિક ઘટનાઓ બાળજન્મ, લગ્ન, મૃત્યુ, તહેવાર, મુંડન, ખેતીવાડી, પર્યાવરણ, વાહન વ્યવહારનાં સાધનો - મોટરકાર, બળદગાડાં, સાઇકલ, પ્લેન આદિનાં અંકન આ ચિત્રોને સાર્થ બનાવે છે.
સૌરાકળાનું પૂજન વિધિ વિધાનપૂર્વક શ્રદ્ધાથી થાય
આ ચિત્રોની સામગ્રી પણ દેશી લાલ, પીળી, કથ્થઈ માટીનું લીંપણ દીવાલ પર કરી તેની ઉપર ચિત્રાંકન કરે. જૈવિક વનસ્પતિજન્ય રંગો જેમ કે
ચોખા, સફેદ પથ્થર, રેતી, માટી, પાંદડાં, હિંગળોક, ફળ, ફૂલ, આમલીના કચૂકા અદ્ભૂત રીતે રંગરૂપે પરિવર્તિત થઇને ચિત્રનો શણગાર બની જાય. રોજિંદુ જીવન અને કુદરત તો સાથે જ હોય. પારંપરિક રીતે એમની રંગ રકાબી (પેલેટ)માં એકલરંગ જ રહેતો. આ ચિત્રોમાં ભૌમિતિક ફ્રેમિંગ ચોકઠાં, લંબચોરસ આકારમાં હોય. પ્રથમ કિનાર કરીને તેને પર્વતાકારની ભાત બાંધે. પ્રસંગ અનુસાર તે ભીંત પર કે કાગળ અથવા કાપડ ઉપર શરૂ કરે ત્યારે દેવી દેવતાઓનાં સ્થાપન પણ એમાં હોય. ઓડીશાના રાયગડા, ગંજમ, ગજપતિ ઇત્યાદિ જિલ્લાઓમાં એની બોલબાલા છે. 'ઇડિતાલ' નામના મુખ્ય દેવને તે સમર્પિત હોય છે. ચિત્રોમાં પાત્રો બહું બોલકાં ! માનવફિગર, ઘોડા, હાથી, સૂર્ય, ચન્દ્ર, જીવનવૃક્ષ, વૃક્ષો, મોર, ગરોળી, ભૂંડ વગેરે. વાસંકુરમાંથી પીંછી બનાવી તેના વડે રંગો થતાં નવા ઘરના અંધારા ખૂણાને અજવાળવા ત્યાં મ્યુરલ જેવાં ચિત્રોમાં બુટ્ટા બનાવીને વાર્તા સ્વરૂપે તેની સ્થાપના કરતા. સાવ નોખી આ કળા જીવને અંતરથી અરજ કરે છે. સૌરાપટ્ટ ચિત્ર અને મ્યુરલના સ્વાંગમાં વધુ લોકપ્રિય થયાં છે. આ કળા સ્વરૂપ પ્રતીકો અને રંગોને કારણે લોકહૈયે વસીત જાય છે. આકૃતિમાં સમરૂપતા, સમરસતા અને ક્રમ કલાત્મક અને અસરકર્તા જણાય છે. 'મંડુઆ' નામક ગ્રામ દેવીના મહિમાને લીધે ચિત્રોમાં તે પણ ચમકે છે. આ કલા આઠ સ્વરૂપે શોભાયમાન હોય છે. આ કલામાં આવતાં નિરૂપણની શૈલી લોકપ્રિય થવાથી હવે તે કાપડ, સુશોભન, રમકડાં, પુસ્તકો દ્વારા લોકહૈયે સ્થાન પામ્યાં છે. દેશને ગર્વ છે આવી આદિવાસી કલા માટે.
લસરકો:
'જોડીસમ' અને 'જંગલાસુમ' ગ્રામ દેવતા - ચિત્રનાયકો.
'અન્દુમિયામ પુર' બીજારોપણ પ્રક્રિયા
'ગેંગસમ' રોગોનો સામનો અને મૃત્યુ પછીની વિધિમાં પણ શ્રદ્ધા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા સૌરામાં સમાયાં છે.
(સાભાર: સૌરા ચિત્રકળા સંશોધન સૌજન્ય: ચિત્રકાર શ્રી પરમ ગજ્જર)
આદિવાસીઓની મૌલિક ચિત્રાભિવ્યક્તિ
એવું કહેવાય છે કે માનવનો જન્મ થયો પછી એને ધીરે ધીરે સમયાંતરે 'જીવન'નો પરિચય થયો. આકસ્મિક પગ પર ઊભા રહીને ચાલવું, રાંધેલો ખોરાક ખાવો, 'કલા' શબ્દનો પરિચય ન હોવા છતાં ભોંય પર બેઠાં બેઠાં રેતી, માટી, પાણીમાં આંગળીઓ બોળી અજાણતાં જ ચિત્ર વિચિત્ર આકારો બનાવવા, આકાશીતત્ત્વો અંગે જ્ઞાાન નહિ-પરંતુ જિજ્ઞાાસા જરૂર થતી તેથી અનિમિષ નજરે ઊંચે જોવું, વનસ્પતિ સૃષ્ટિનો પરિચય કરવો, નદી નાળા, સરોવર-સાગર તરફ આશ્ચર્યચકિત થઇને જોયા કરવું... બસ ! આ બધી અગણિત પ્રવૃત્તિઓ તે કરતો અને ભાષા ? અભિવ્યક્તિ ? એનો કોઈ અંદાજ ન હતો. હા ! પંચેન્દ્રિયો જાગૃત થતી જતી હશે તેમ એને દ્રશ્ય-શ્રાવ્ય-સ્પર્શજન્ય અનુભવો અને કંઇક અસ્ફૂટ વાણીમાંથી નીકળતા નાદને પરખવાનો મહાવરો પણ થતો ગયો હશે. આમ તો પ્રથમ નાદ ઁ બ્રહ્માંડમાંથી નીપજેલો તેના આધારે આદર્યા અધૂરા અક્ષરો શબ્દ અને વાક્યોમાં પરિવર્તિત થઇ ભાષાનું સર્જન થયું હશે એમ માની લેવાય. ખેર ! જ્ઞાાનીઓના મંતવ્યો મુજબ ચિત્રકળા એ આપણી પ્રથમ કળા કહેવાય છે. આદિ માનવોએ ગુફાની ભીંતો ઉપર, ખડકો પર્વતો ઉપર, ધરતી પર આમ તેમ વિખરાયેલા પથ્થરો ઉપર ચિત્રો કર્યા જ હતાં. 'ભીંતચિત્રો'ના નામે જાણકારોએ એને નોંધીને વધાવેલાં ય ખરાં ! હવે, એમાં વપરાયેલાં માધ્યમોની શોધ કે ચિંતા કર્યા વગર એ ચિત્રકળા કઇ રીતે આગળ વધીને આધુનિક 'અમૂર્ત' (એબ્સ્ટ્રેક્ટ) કળામાં પરિણમી એનો વિચાર કરીએ તો ભારતમાં અઢળક પ્રાચીન ચિત્રકળાઓનાં દર્શન થાય.