- રસવલ્લરી-સુધા ભટ્ટ
સંગ્રહસ્થાનોમાં 'સંઘર્યો સાપ પણ કામ લાગે'?
મર્યાદિત યાતાયાતના સમયમાં પણ આપણા દેશના વેપારીઓ અને સોદાગરો દરિયાપાર વેપાર કરવા જતા અને પરસ્પર વિનિમય પ્રથાથી ચીજવસ્તુઓની અદલબદલ થતી. ભારતના કળા ઉત્પાદકો ઠેરઠેર ફેલાયેલા હતા અને તેઓ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં પણ ભાગ લેતા. ઔદ્યોગિક કળા અને સજાવટની કળાનો પણ આપણી પાસે મહામૂલો ખજાનો હતો તેની નોંધ વિદેશમાં લેવાઈ. ૧૮૫૧માં લંડનમાં આવું જ એક પ્રદર્શન ભરાયું જેમાં મુંબઇથી કળાના નમૂનાઓની નકલ (લિથોગ્રાફી સહિત) તેમાં પ્રદર્શિત કરાઈ અને એમાંની સૌથી સરસ કૃતિઓ ત્યાં કાયમી ધોરણે રખાઈ. એ પ્રકલ્પનું નામ હતું 'કુદરતી ઇતિહાસ, આર્થિક વ્યવસ્થા, જીવશાસ્ત્ર, ઉદ્યોગ અને કળાનું સરકારી મધ્યસ્થ સંગ્રહાલય'. એ પૂર્વે ૧૮૪૮માં મુંબઈમાં આ અંગે - આ જ વિષય માટે એક સમિતિ બનાવાઈ હતી. આથી એનું પ્રથમ મ્યુઝિયમ મુંબઈમાં ટાઉન હોલમાં સ્થપાયું. ૧૮૫૬માં એનું કાયદેસર ઉદ્ધાટન કરાયું. ૧૮૫૮માં ડૉ. ભાઉદાજી અને અન્ય મહાજનોએ દાન એકઠું કરીને ૧૮૬૨માં નવા સંગ્રહાલયનો પાયો નાખ્યો. ૧૮૭૨માં તૈયાર થયેલું આ સંગ્રહસ્થાન મુંબઈના વિસ્તાર ભાયખલામાં આવેલ 'રાણીબાગ' અથવા જીજીમાના ઉદ્યાનમાં આવેલું છે. એનું નામ 'વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ' રખાયું. રાણીબાગના પ્રવેશદ્વારે 'ડેવિડ સાસૂન કલૉક ટાવર' મૂકાયો. જે પથ્થરનો બનેલો છે. યુનેસ્કોએ તેને ગ્રેડ II-B હેરિટેજ સ્ટ્રકચર તરીકે માન આપ્યું અને 'યુનેસ્કો એશિયા પેસિફિક એવૉર્ડ ઑફ એક્સેલન્સ' પણ આ સંસ્થાને મળ્યો છે. ગુણવત્તા, સતત નવીનીકરણ અને રસિકોનો સંતોષ એના પાયામાં છે. આ મ્યુઝિયમ ઈતિહાસ, કળા અને સંસ્કૃતિને સમર્પિત છે. પુરાતત્ત્વ વિભાગે કરેલાં ઉત્ખનન અને શોધોનું સુપરિણામ અહીં જોવા મળે. ૧૯૭૫ની પહેલી નવેમ્બરે તેને 'ડૉ. ભાઉદાજી લાડ મ્યુઝિયમ' નામ મળ્યું.
મુંબઈનું આ પ્રથમ મ્યુઝિયમ મુંબઈનું રત્ન છે
પ્રસ્તુત સંગ્રહસ્થાનના પ્રાંગણમાં મોનોલિથિક (સળંગ પથ્થર) કાળા બેઝાલ્ટ પથ્થરનું હાથીનું મહાકાય શિલ્પ છે જે ધારાપુરિ ટાપુની એલિફન્ટા ગુફા નજીકના દરિયામાંથી મળી આવેલું છે. સંગ્રહસ્થાનને અંદર-બહાર ગૉથિક સ્થાપત્યની ભેટ મળી છે. આ ભવ્ય ઈમારતનું સર્જન રેનેસાં રિવાઈવલ શૈલીમાં થયેલું છે. ગૉથિક બારી-બારણાં, સ્તંભો, કમાનો, વિશાળ પરસાળો સહિત અહીં બ્રિટીશ / યુરોપિયન સ્થાપત્યો અને સંગ્રહાલયોની અસર વરતાય છે. મકાન બહાર બાગમાં તોપ અને વ્યવસ્થિત રીતે મૂકાયેલાં શિલ્પોમાં ભૂતકાળ પડઘાય છે. આંગણું લીલુંછમ 'ઉદ્યાન' નામને સાર્થક કરે. અહીં ગોઠવાયેલ વૈવિધ્યસભર કૃતિઓમાં એક મોટું યોગદાન અરેબિયન રાજા હાતિમતાઈ દ્વારા પ્રાપ્ત થયું છે. તેઓ તાઈ આદિજાતિના રાજા હતા. તેઓ કવિ, લેખક, પ્રેરક અને માનવપ્રેમી યુગપ્રવર્તક વ્યકિત હતા. છઠ્ઠી સદીમાં થઈ ગયેલા આ મહામાનવીની સ્મૃતિ અહીં જળવાઈ રહેલી છે. સંગ્રહિત ચીજ વસ્તુઓમાં. આ સ્થળે પ્રદર્શન યોજવા માટે કલાવીથિકા પણ છે. મહેલનુમા આ મકાનમાં થોડા કલાકો ગાળી શકાય. આ એક કલામંદિર છે પણ માત્ર તેની પ્રદક્ષિણા ન કરાય. એના સંગ્રહમાં તો ખૂંપી જવાય. અંદરના માળખાના પ્રેમમાં ન પડી જવાય તો જ નવાઈ. અદ્ભુત નકશી અને રંગછાયાવાળી ડિઝાઇન છતને રાજવી ભાવ અપાવે છે. મોટા મોટા ખંડોમાં કોતરણીયુક્ત જાળીવાળા કઠેડા છે જેની મદદે ફરતે નજર કરી શકાય. ઉપર-નીચે- બન્ને માળે ગૉથિક બારી બારણાં ને કાચની બારીઓ છે. મ્યુઝિયમની અંદર બોમ્બે કેસલનું મૉડેલ, નાનાં મોટાં માટીનાં મોડેલ્સ, કલાત્મક પ્રાચીન મૂર્તિઓ, ભીંતચિત્રો અને ભારતની ભિન્નભિન્ન જ્ઞાતિ-જાતિના લોકોની પ્રતીકાત્મક પેશકશ ધ્યાનાકર્ષક છે. તેમનાં મુખ, વસ્ત્રો- અલંકારો અને મુદ્રા તેમની ઓળખ છે.
આ બધી મિનિયેચર કલાકૃતિઓમાં સોના, ચાંદી, તાંબાની કલાકૃતિઓ વાસણ-સુરાહી, ટ્રે, સુશોભન, પ્લેટ, પ્યાલા સ્વરૂપે જોવા મળે.
સંગ્રહાલય એક ઉદ્યોગ છે - જે અનેકનું પોષણ કરે છે
અનેક વિભાગોમાં વસ્ત્રો, વાસણો, પ્રાચીન કૂંજા, રૂપચિત્રો, નકશા, તસવીરો, લિથોગ્રાફ, અલભ્ય પુસ્તકો બહુકોણીય છિદ્રાળુ યંત્ર - દ્રશ્ય નિરખવા માટે ગોઠવાયેલાં છે. દેશભરમાંથી અદ્વિતીય સંગ્રહ અહીં આવી લાગેલો. પૌરાણિક શાસ્ત્ર વિભાગમાં ચિત્રો, વર્ણનો પણ ખરાં. ઉપરાંત હાથીદાંત, લાકડું, આરસ, પથ્થર, મૂળભૂત ભવ્યતા વડે જાજરમાન લાગે છે. ખંડોમાં ડિઝાઈનયુક્ત ટાઈલ્સમાં પ્રકાશ પાડતા વિશાળકાય ઝુમ્મરો ખંડ મધ્યે શોભે. ભવ્યતામાં રાચતી આ ઈમારત અને અંદરનું સુશોભન સ્તબ્ધ કરી દે એવું છે. અસમપ્રમાણતાવાળી કલાકૃતિઓ મિશ્ર ધાતુમાં પણ જોવા મળે. જેમાં ચતુર્ભુજ નારીના હાથમાં કમળ શોભે. મૂળ સૌંદર્ય સહિત અલંકૃત સ્તંભો કલાત્મક- મોટી કુંભી સાથે ખંડને મહત્ત્વ અપાવે. શિલાલેખો, હસ્તપ્રતો, મ્હોરાં, સિક્કા, ધાતુકામ, ભરતકામના કલાંશો વ્યવસ્થિત કાચની પેટીમાં ઝળાહળાં થતાં શોભે છે. બારીબારણાં ઉપરનાં નકશીકામ ઈમારતનાં અલંકાર છે. મુરાદાબાદી વાદળી પૉટરીમાં ફૂલપત્તી મહેકે. ભીંત પરની પિછવાઈ, હવે ઉપરની જાજમ સહિત અહીં ત્રણ હજાર પાંચસો જેટલી કલાકૃતિઓ છે અહીં. વનસ્પતિજન્ય રોગાન પ્રાચીન કળાની યાદ અપાવે. ધાતુની કૃતિઓ પરના ઢોળને કારણે તે પણ સચવાઈ છે. ભવ્ય પૉટરી અને અલંકૃત કૉલમ્સ એકમેકનાં પૂરક બની અહીં ગોઠવાયાં છે. સમય સાથે રહીને સંસ્થાના વડવાઓ આ સ્થળને જાળવીને પોતાની ફરજ બજાવતા રહે છે. બજાજ પરિવારે એની દેખરેખ રાખવાનું પ્રણ લીધું છે.
લસરકો :
ભૂતકાળ એક બહુ મોટો શિક્ષક છે. એટલે જ સંગ્રહાલય એક આશિષ છે, અહોભાવ છે, સંદેશો છે. વિસરાતા વારસાનું મંદિર છે. એમાં બેસીને કળા આરાધના કરાય.
એક સુંદર બોધ - વણજોતું નવ સંઘરવું
અપરિગ્રહની ભાવનાને સમજીને ઝાઝો બધો સંગ્રહ ન કરવાની વૃત્તિ કેળવવી જોઈએ એવું બૌધ્ધિકો, વિચારકો અને ફિલસૂફોએ કહ્યું છે એ પરમ સત્ય છે. વ્યકિતગત ધોરણે આ માન્યતામાં દમ છે પરંતુ સમાજ માટે, માનવીના રસની પુષ્ટિ કરવા માટે, વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓનો અને કળાનો સંગ્રહ આવશ્યક છે - અરે ! અનિવાર્ય છે. સાથે સાથે ઇતિહાસમાંથી કાંઈક નવું જાણવા, શીખવા મળે અને એના આધારે આગળના સમય માટે રીતિ નિતિમાં ફેરફાર સારુ પણ ઐતિહાસિક નોંધો ઉપર ધ્યાન દેવું જરૂરી હોય છે. 'સંગ્રહાલય' શબ્દ કાને પડે કે વાંચવામાં આવે ત્યારે આપણા મનમસ્તિષ્કમાં એની એક સુંદર-ભવ્ય છબી ઉપસ્થિત થાય છે.ભારતમાં સંગ્રહાલય માટેની અલગ ઈમારતનો ખ્યાલ રેનેસાં પછી આવ્યો. યુરોપના અને અન્ય દેશોમાં 'મ્યુઝિયમ' શબ્દ ખાસ્સો ચલણમાં હતો. હા, આપણે ત્યાં રાજા-રજવાડાંઓના ભવ્ય મહેલો મ્યુઝિયમ જેવા જ હતા. જયાં એ રાજવી પરિવારોનાં રહેઠાણ પણ હતાં અને એ એવાં વિશાળ, સુશોભિત અને ભવ્ય હતાં કે જાણ્યે અજાણ્યે એ સંગ્રહસ્થાન જેવાં જ ભાસતાં. એ મહેલોના સ્થાપત્યથી લઈને તેને અલંકૃત બનાવતા શિલ્પો, ચિત્રો, ફર્નિચર, વન્ય પ્રાણીઓ - પક્ષીઓનાં હવા ભરેલાં શરીરો, શસ્ત્રો કૌતુકથી કમ ન્હોતાં. હવે તો રાજા-રજવાડાંની આવી મિલકતો હોટલ કે સંગ્રહસ્થાનમાં તબદીલ થતી જતી આપણે જોઈએ છીએ. અંગ્રેજોએ ભારતમાં ઘણાં સંગ્રહસ્થાનો સ્થાપ્યાં જેના વિચાર અને યોજનાના મૂળમાં ગ્રેટ બ્રિટનમાં આવેલા સંગ્રહાલયો હતાં - જેની ડિઝાઈન ઉપરથી પ્રેરણા લઈ તેમણે અહીં અનેક ઈમારતો બાંધી.


