પ્રતીકાત્મક દિવ્યાકૃતિઓ યુક્ત ચિત્રવિશ્વ
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- બહોળા-પહોળા કેનવાસ પર કલાકર્મમાં સઘળું એકરૂપ !
કલાકાર અને ભાવક જ્યારે એક સ્તર પર આવી બિરાજે ત્યારે સુ-યુતિ થતી લાગે. તપ્ત હૃદયથી ઉપર સંતોષ-શાંતિરૂપી અમી છાંટણાં કરતી કલા દૃશ્ય કલામાં રૂપાંતરિત થાય. ડાંગના પ્રવાસમાંથી પ્રાપ્ત થયેલી અણમોલ ભેટનું સમર્થન આ કલાકારે ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંગ્રહાલયમાં જઈને કર્યું. જેમાં એમને વરિષ્ઠ કલાકાર શ્રી. અરવિંદ ઘોષાળકરનું માર્ગદર્શન સાંપડયું અને કળા પરિપક્વ થઈ. આ મુદ્દે એમ.એફ.હુસેન સાહેબના આશિષે પણ ભૈરવી બહેનને પ્રોત્સાહન આપ્યું. આપણા પ્રાચીન સાહિત્યમાં રહેલી વાર્તાઓ અને કથાઓને એમણે વર્તમાન સાથે જોડી- જેમાં એમની કળા પડધાતી દેખાઈ. આપણે ડુંગરદેવનાં ચિત્રોમાં લટાર મારી આવેલા. 'ભવાડા'નામના તહેવારમાં નૃત્ય થકી વિધિ-વિધાન થાય છે. જેમાં મહોરાંનો ઉપયોગ થાય છે. શાંતિ, સુખ, સમૃદ્ધિ સંદર્ભે પરંપરાઓને જાળવીને થતી ઉજવણીમાં નાગલી, મક્કાઈ, ઘઉં, ચોખા અને અડદને 'ગોરમા'ના વ્રતની જેમ છાબડીમાં ઓરી 'જવારા' ઉગાડવામાં આવે. અંત 'ગોરાઈ' એટલે કે જવારાની વૃધ્ધિ ઉપરથી આગામી ખેતી અંગે વરતારા થાય. પ્રસંગાનુસાર કહારી, સૂર અને ઢાલેકી નામનાં વાદ્યો વગાડાય. હા, આ બધું જ વિગતવાર ભૈરવી બહેન પોતાનાં કલાજગતમાં વાવે છે તો એ પણ ઉગી નીકળે છે. ભીલ ઉપરાંત કણબી અને વારલી જાતિના વનવાસીઓ પણ આ ઉત્સવ ઉજવે છે. કથા-કથન સહિતનાં આ નિરૂપણ લોકકલા અને આદિવાસી લઢણ વાળાં તત્વો કલાકારને બહુ જ વહાલાં- પોરાણિક પાત્રો સાથે લેન્ડસ્કેપમાં ભૌમિતિક અભિગમ જોવા મળે. ઉભી ટટ્ટાર લકીરોમાં પ્રમાણભાન અને દિશાસૂચન પણ જોવા મળે. મહોરાંમા શસ્ત્રો પણ અતિ અગત્યનાં માસ્કને કેનવાસ પર ઉતારી એનું રૂપ પરિવર્તન પણ કર્યું આ કલાકારે.
કલા કલાકાર-બન્ને હટકે રસનાં ચટકાં પણ હટકે
'બેલપોડા' ઉત્સવને 'પોળો' ઉત્સવ પણ કહેવાય. એ બળદો જે આખું વર્ષ ખેડૂતના સદાયના સાથી બનીને અડીખમ રહ્યા હોય એમને સારુ આ કર્મઠ અને શ્રધ્ધાળુ ખેડૂતોએ દિવસે ઉપવાસ કરે. બળદોને સ્નાનાદિ પછી શણગાર સજવે. સુંદર રંગો પસંદ કરે. ઘૂઘરા- ગળપટ્ટા લગાવે. રંગીન પાથરણાંથી આખેઆખા- સુવાંગ ઢાંકે. હનુમાન મંદિરે દોરવી જઈ તેમની પૂજા કરે. ઘરે લાવીને ગૃહિણીઓ આ માનવતા મહેમાનોને પુરાણ પોળી જમાડે. પ્રેમ અને લાગણીથી એનાં ઓવરણાં લે. સદીઓથી ખેડૂતોના જીવનના આવશ્યક અંગ એવા પ્રાણીઓ કેનવાસ ઉપર પણ જીવંત બને. ગેરુઓ રંગ, ગુલાબી રંગ હોશે હોંશે વાપરી ભૈરવી બહેન હસ્તછાપ વગે એને બહેલાવે. સામાજિક તત્વોની તરફેણમાં રહી આ સન્નિષ્ઠ કલાકાર સાદી ભૌમિતિક અને ટપકાંભરી ડિઝાઇન કરે. અહીં બળદનાંય પોટ્રેઇટ્સ (રૂપચિત્રો) થાય. સ્ત્રી-પુરુષોનાં ચહેરા પણ ચિતરાય. બળદો તો જાણે 'ડોલે ડોલે રોજ રમકડું' જેવા ફાંફડા લાગે. હવે વારો 'હોળી'ના લોકપ્રિય તહેવારનો. આદિવાસીઓ માટેનો આ સૌથી મોટો તહેવાર છે જે દસ દિવસ સુધી ચાલે.
ડાંગીઓ તેને 'શિમગા' કહે. યુવા સમૂહો તેને રંગપંચમી સુધી ઉજવે. ઢોલના તાલ, દરેક ઘરને શણગાર, નૃત્ય ગીતો, સ્વાદિષ્ટ ભોજન આ બધું આવશ્યક અને પસંદગીનું ! મેળા લાગે, ખરીદીઓ થાય અને જીવન સાથી પસંદગી મેળા પણ ભરાય- છુંદણાં છુંદાય. આ વિષય પર ભૈરવી બહેને અનેક ચિત્રો હોળીને-ફાગણને અર્પિત કર્યા. માસ્કનું ય મહત્ત્વ અહીં ખરૃં. બાળકો 'ફાગ' એટલે કે ફાળો ઉઘરાવે. ચિત્રોમાં કલાકારે લાગણીઓનાં મૂડનાં ઘોડાપૂર નિરૂપ્યાં છે. અભિવ્યક્તિથી ભરપૂર !
આ પ્રસંગચિત્રોમાં સફેદ પશ્ચાદ્ભૂ અને શ્યામલ રેખાઓનું મહત્ત્વ
પ્રસ્તુત કલાકારને પ્રેમ, કાળજી અને મોજમાં બહુ જ મોજ પડે. આખીય એ ચિત્રાત્મક ભાષાની યાત્રામાં વાસ્તવદર્શી સ્પર્શ જોવા મળે. અરે ! હોળીનાં રંગભરપૂર ગીતોને પણ એમણે માણ્યા અને એ રંગ છોળોમાં ગોપાયેલા પાત્રોને મુખે એ ગીતો જાણે કે ચિતરાઈ ગયાં હોય- ચિત્રમાંથી ગીત પ્રગટતું હોય એ ભાવ ભાવકો ઝીલે એમાં અતિશયોક્તિ નથી. ઇન્દ્રિયાતીત અનુભવ આને કહેવાય ! પ્રજવલિત હોળીમાંથી ય તડતડ થતી જવાળામાંથી સૂર પ્રગટે.. હોળીબાઈ રહ્યા લગ્નાલા- 'દેવાદારી ઉતરીલ,' 'કાલિયામા ઉચિત' અને 'ડોંગરીથી માઉલી' જેવા ન સમજાય છતાં કર્ણમધુર લાગે એવાં સ્વરોથી રસિક ભીંજાય એથી વધુ શું ખપે કલારાણીને ?! આવી સુંદર આ રંગયાત્રામાં મહોરા સાથેનાં ચિત્રો મેદાન મારી જાય છે. પ્રસંગાનુસાર ચિત્ર સાથે આ કલાકર્મી મહોરાને સાંકળી 'ટાટી' બનાવે છે. વાર્તાની યાત્રા આગળ વધે તે અનુસાર ચિત્રના પટમાં વ્યક્ત પાત્ર આ એક બેનર જેવું હસ્તકલા મુજબ નિર્મિત ટાટી ઉપાડતા લાગે. એટલા ભાગને વાંસકે લાકડાની પટ્ટીથી એ ઉપાડયું હોય તેવો આભાસ થાય. આમ, આ ચિત્રકલા સંગ હસ્તકલા પણ મહેકે. ચિત્રોના આવા પડાવો આપણી આ કળાને તેના વિસ્તારને અને વિષયને સમૃધ્ધ બનાવે છે. આ કળાને ગળે લગાડી આ કલાકાર નવા વિષયો પણ અપનાવીને તેની મજલ કાપી રહ્યાં છે. અમદાવાદની આર્ચર આર્ટ ગેલેરીમાં તેમનાં ચિત્રોના મુકામને સલામ !
લસરકો :
પાત્રોને કેનવાસ પર નિરૂપવાં ગમે :
મનમાં ઉગાડવા નહિ.
તે તો યથાસ્થાને જ શોભે.
શાંત ઝરૂખે શાંત ચિત્તે થતું નિરીક્ષણ : કુદરત, માનવ, વસ્તુઓ, અવસર જ પાત્રો
કલાનો પિંડ વર્ણનોથી ઘડાય છે. તેમાં પ્રાકૃતિક વર્ણન, માનવ અને આપણાં સદાના સાથી એવાં પશુ-પંખી, જીવ-જંતુ દરેકનું વિશદ વર્ણન જોવા મળે. ડાંગના પ્રાકૃતિક વિસ્તારમાં , તેની વનચેતનામાં એકાકાર થઈ ગયેલાં કલાકાર ભૈરવી મોદી ભલે અમદાવાદમાં વસે છે. પરંતુ તેમના હૃદયના ચીતળ ઊંડાણમાં ભારતની અસલ સંસ્કૃતિ જ્યાં વસે છે એવા ગ્રામ્ય અને ડુંગરાળ પ્રદેશો સ્વયમ્ વિચરણ કરતાં લાગે છે. કળાની ઝલક માત્ર નહિ, પરંતુ કળાને પામી જઈને તેને પચાવીને લોકભોગ્ય બનાવવાની તેમની નેમ કારગત નીવડી છે. આદિવાસીઓની સર્જનક્ષમતા, તેમની કલ્પના અને વિચારશક્તિનો જ્યારે એક સંપુટ રચાય ત્યારે નવસર્જન થાય એ વિચારબીજને આ કલાકાર પચાવી ગયાં છે અને એટલે જ એમની કલાકૃતિઓમાં આદિવાસીઓ, તેમનાં જીવન અને તેમની પ્રવૃત્તિઓ કળામય સ્વરૂપ ધારણ કરી વિલસે છે. કલાકારની પીંછી તેલરંગમાં ઝબોળાઈ કેનવાસ પર અદ્ભુત અંકનો કરે છે જે રસિકોના હૃદયમાં ચિરસ્મરણીય બની જાય છે. રંગ, રેખા, રગઝાંય, વિવિધ પાત્રસૃષ્ટિ, પ્રસંગો અને ઉત્સવો જાણે કે એક જીવંતવિશ્વ બનીને નજરે ચડે છે ત્યારે ત્યાંના લોકોના જીવનની પધ્ધતિનો પણ કંઈક અંશે ચિતાર ઉભો થાય છે. સમાજ-જીવન, ખાસ કરીને યુવાધન પ્રકૃતિનાં તત્ત્વો બનીને ઝૂમી ઉઠે છે, સંસારની શોભા સમાન યુવાનો- યુવતીઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઝળકી ઉઠે કોળી ઉઠે એનાંય ચિત્રો બનાવવાની પ્રેરણા ભૈરવી બહેનને થાય એનાથી રૂડું બીજું શું?