Get The App

તળાવ બાણગંગા કથરોટમાં ગંગા

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
તળાવ બાણગંગા કથરોટમાં ગંગા 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- સ્થળથી ધર્મ નહિ પરંતુ ધર્મથી સ્થળ ઓળખાય

આપણા દેશમાં ઠેર ઠેર વિધવિધ ધર્મ અને સંપ્રદાયને અનુસરતાં સ્થાનો વિપુલ પ્રમાણમાં જોવા મળે. જે-તે સ્થળને શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાને કારણે ઓળખે છે - પછી ભલે તે જગ્યા સ્વપ્ન નગરી કે મનોરંજનનું થાણું મુંબઈ કેમ ન હોય ?! અરે ! ક્યારેક તો આ નગર આખુંય જાણે કે શ્રદ્ધાબિંદુમાં સમાઈ જઈને મ્હાલે છે. જેટલું અર્વાચીન-એટલું જ પ્રાચીન આ ફેશનેબલ શહેર એટલે જ તો 'મુંબઈકર'ને સાચવી લે છે. એટલું જ નહિ - આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને રાષ્ટ્રીય સ્તર પર પર્યટકોના ઝોલેઝોલાં આ ધરા પર ઉમટી પડે છે. રસિકોને દરિયાનો ચસ્કો લાગે, કળાક્ષેત્ર પસંદ પડે, સાહસ ગમે, સામાજિક સંબંધોમાં રસ પડે, આધુનિક સંસાધનોને જાણવા-માણવા ગમે અને એટલી જ તીવ્રતાથી શાંતિ પણ ખપે ! શાંતિ મેળવવા બધા જ પ્રકારના 'ઉધામા' પણ કરી લે અને હા, બમ્બઈ નગરિયાનાં અનેક સ્થળો હોંશથી ખૂંદી વળે. મુંબઈની વાટે ને ઘાટે અનેક ધર્મોનાં અનેક સ્થાનકો મળી આવે. એમાંય વિશ્વવિખ્યાત મરિન લાઈન્સ, ક્વીન્સ નેકલેસ, મલબાર હિલ, ચોપાટી, હેંગિંગ ગાર્ડન, બાબુલનાથ અને રાજભવન જેવાં સ્થળો જ્યાં કાકરીચાળે મળી એવા શ્રીસ્થળ 'બાણગંગા તળાવ' અને 'વાલકેશ્વર મંદિર'ની ય અચૂક મુલાકાત લેનારા ઉત્સુકોની સંખ્યા ઘણી મોટી છે. અહીં પૌરાણિક કથાઓ, સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો સહિત લગભગ પાંત્રીસેક નાનાં-મોટા મંદિરો આપણી રાહ જોતાંહોય. અલબત્ત, આ સઘળાં મંદિરો જેને કિનારે ઊભાં છે એ ઐતિહાસિક પૌરાણિક બાણગંગા તળાવની તો વાત જ કાંઈ ઓર છે અને હા ! અરબી સમુદ્રનાં ખારાં નીરની કોર આ તળાવનું પાણી મીઠું છે. જે રીતે એ બન્યું તે વાત આપણને ત્રેતાયુગમાં પહોંચાડી શ્રી રામની મુલાકાત કરાવશે એ નક્કી!

હાથ કંગન કો આરસી ક્યા ? 

યાદ છે ને શ્રી રામ, જાનકીની શોધમાં બંધુ લક્ષ્મણ સંગ દક્ષિણ ભારતના આજના રામેશ્વરમ્ ના દરિયા કિનારે પહોંચ્યા ત્યારે તેમણે રેતીનું શિવલિંગ જાતે બનાવી તેની પૂજા કરી હતી અને લક્ષ્મણે લાવેલા શિવલિંગને આગવું મહત્વ આપ્યું હતું તેવું જ આ બાણગંગા પરિસરમાં બન્યું. રામે મીઠા જળની અપેક્ષાએ અહીં દરિયાકિનારે મુંબઈમાં બાણ વડે મીઠા પાણીની સેર સેરવી હતી. ત્રેતાયુગમાં રામની આ દ્વિવિધ યાત્રા બન્ને મુકામે એક સરખા મહત્વની હતી. અહીં પણ તેમણે રેતીના શિવલિંગને વાળુકેશ્વર મંદિરમાં પધરાવ્યું ! વાળુક એટલે રેતી : તેથી વાલકેશ્વર પણ કહેવાયું અને વિસ્તાર પણ એ જ ! ગૌતમ ઋષિની સલાહથી આ બે પ્રકલ્પો પાર પાડયા અને લક્ષ્મણ બનારસથી શિવલિંગ લઈને પહોંચ્યા. અહો આશ્ચર્યમ્ ! ખારા સાગર જળમાંથી પ્રગટેલાં ગંગાનીર અને આ પવિત્ર મંદિર - આજે પણ ક્ષેમકુશળ છે અને ભાવિકોને હેમખેમ રાખેય છે. બાણગંગા તળાવ અને વાલકેશ્વર મંદિર દક્ષિણ મુંબઈના સૌથી ઊંચા પોઈન્ટ પર બિરાજે છે. તળાવથી લઈને મંદિરો અને દેરીઓ અનેરું સ્થાપત્ય મહત્વ ધરાવે છે. બાણગંગા તળાવમાં ઉતરવા માટેનાં પગથિયાં સૂર્યમંદિરોનાં કુંડ જેવા તો છે જ - સાથે સાથે સીતા માતાની હાજરીમાં રામે મીઠા જળનો સંકલ્પ કરેલો તે હજી બરકરાર છે અને તળાવની દરેક દિશાએ અલગ અલગ સ્થાપત્યો - સંરચનાઓ પ્રાચીન સમયની યાદ દેવડાવે છે. આ લોકપ્રિય હિંદુ તીર્થધામ સિલહરા વંશના રાજાએ બંધાવ્યું. ૮૧૦ થી ૧૨૪૦ છ.ઘ. સુધી એમનું રાજ્ય ચાલ્યું એ દરમ્યાન તેઓ થાણા અને મુંબઈના ટાપુઓના રાજા હતા. તેમના મંત્રી કાયસ્થ લક્ષ્મણ પ્રભુએ તળાવ અને મુખ્ય મંદિરો બંધાવડાવ્યાં. ૧૧૨૭માં એ બાંધકામ સ્થપતિ એડવિન લૉર્ડની મદદથી પૂર્ણ થયું પરંતુ સોળમી સદીમાં પોર્ટુગીઝોએ અહીં વિનાશ વેરેલો.

મૂળ વાલકેશ્વર મંદિરના ભગ્નાવશેષો બાણગંગા તળાવના પગથિયે !

૧૭૧૨માં મુખ્ય મંદિર વાલકેશ્વરનો પદ્ધતિસરનો જીર્ણોદ્ધાર ગૌર સારસ્વત બ્રાહ્મણ રામા કામતે 

કરાવેલો જેઓ 'કમાટી' કે 'કામાટી' તરીકે પ્રસિદ્ધ હતા. ૧૮૬૦ સુધીમાં તો પરિસર આખું મંદિર સ્થાપત્યોથી છલોછલ થઈ ગયું. ધર્મશાળાઓને નવજીવન મળ્યું તે લટકામાં ! પ્રસ્તુત સમૃદ્ધ વિસ્તાર જી.મ્. સાઉથ બોમ્બે ઇતિહાસનું સમૃદ્ધ મિશ્રણ ધરાવે છે. આ અદ્ભુત પરિસર સાંસ્કૃતિક રીતે પણ અનુઠું છે. હવે તો બાણગંગા ફરતે ઊંચા ઊંચા ટાવરોની વચ્ચે તળમાં ગયેલાં જળયુક્ત તળાવનું સૌંદર્ય સત્ત અક્ષુૂણ્ણ રહ્યું છે. મુંબઈના આ લગરીક નાનકડા ખૂણામાં હજી શાંતિના શ્વાસ લઈ શકાય છે તે તેનું જમા પાસું છે. પ્રસ્તુત બાણગંગા તળાવના નીર પવિત્ર છે અને તે વૈદિક ગુણધર્મ ધરાવે છે તેથી એનું સેવન અનેક રોગોમાં રાહત અપાવે છે એવી માન્યતા છે. થોડો સમય અહીં ગાળીએ તો ઘણું પામીએ. મંદિરોને અનેક મઠના સાન્નિધ્યે આ સ્થળે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઉચ્ચકક્ષાનાં કાર્યક્રમો વખતોવખત યોજાય છે. આમ, સાહિત્ય, સંગીત અને વિવિધ કળાઓનો સંગમ બાણગંગા કાઁઠે વર્તમાનમાં પણ માણવા મળે છે એ આપણી કલાપ્રીતિ દર્શાવે છે. નાંનાં મોટાં મંદિરો કાળક્રમે આ શ્રીસ્થળે સ્થાપત્ય સૌંદર્ય સભર ઉભરી આવ્યા એનો શ્રેય કિનારે રહેતા આસ્તિકોને જાય છે. તેમની ધર્મ, કલા, દિવ્ય આધ્યાત્મિકતા તરફની શ્રદ્ધા ખીલતી રહે છે. અરે... સમયની સાથે કલાપ્રકાર પણ બદલાતા રહે અને અહીંની ભીંતો ઉપર પૌરાણિક પાત્રોનાં ચિત્રો જોવા મળે ત્યારે કલાવર્તુળ પુરું થયાનો આનંદ-સંતોષ આપણા ચહેરા પર અંકાી જાય. આ કળાયાત્રા લાંબી છે. તેના અલગ અલગ મુકામો તરફ ડગ માંડીએ...!

લસરકો

શ્રદ્ધાની વાત હોય ત્યાં શંકાનું કોઈ સ્થાન નથી. જુઓને ! ખારા સાગરજળમાંથી કેવી નીકળી વીરડી મીઠી !

'પ્રતીક' પ્રત્યેક ઘટનાને સમજવાની ચાવી છે

કહેવાય છે કે આપણા પૌરાણિક ગ્રંથોમાં આખાય બ્રહ્માંડની હકીકતો સમાયેલી છે. મહાકાવ્યો, વેદ, ઉપનિષદમાં છે તે બધે જ છે અને એમાં જેનો ઉલ્લેખ નથી થયો હોતો તે વિશ્વમાં ક્યાંય વિદ્યમાન નથી. વળી, અન્ય એક ખાસિયત તરફ વારંવાર ધ્યાન દોરાય એવું છે. એ છે ઘટનાઓનું પુનરાવર્તન સ્થળ બદલાઈ જાય અને પછી યથાવત્ રહે ! એમાં વર્ષોનો અંતરાલ હોય છતાં એ બધું જાણીતું લાગે. એનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાંના કેટલાંક સ્મરીએ તો ભારતનાં અનેક શ્રી સ્થળોએ 'સીતામાતાની રસોઈ' હોય. ઠેર ઠેર કેટલાંય રાજ્યોમાં શબરીનું પંપા સરોવર હોય. 'પંચવટી' નાશિકમાંય મળે અને દેશ બહાર શ્રી લંકામાં પણ મળી આવે. ગુફાઓનાં ઇતિહાસની એવી નોંધો મળે જે હિમાલયમાં પણ હોય અને નીલગિરિ કે સહ્યાદ્રિ પર્વતોમાં સુદ્ધાં દેખાય. તો દેશ આખામાં દરેક રાજ્યમાં આવો ઐતિહાસિક-પૌરાણિક સંદર્ભ મળે તો માનવું કોનું ? ક્યાંનું અને કઈ રીતે ? ભૌગોલિક અંતરને કઈ રીતે ઉવેખી શકાય ? મનમનામણું શી રીતે કરવું ? તો, એનો એક ઉત્તર છે - આસ્થા... શ્રદ્ધા.. પૌરાણિક માનવો માનવેતર લક્ષણો ધરાવતા હતા એથી તેઓ અતિ શક્તિશાળી હતા અને વિવિધ સ્વરૂપે તેઓ વિચરણ કરતા. શરીરનાં પરિવર્તન કરી શકતા રૂપાંતર કરી શકતા તેઓ સંકેતો વર્ષો સુધી જીવતા. આ અતિ આધુનિક યુગમાં માન્યામાં ન આવે એવી આ વાત છે.... તો ક્યારેય 'ફેન્ટસી' કે 'ફિક્શન' કે 'ક્લોનિંગ' જેવા શબ્દો આપણને ચકરાવે ચડાવી દે.