Get The App

બેલુર મઠના પિંડનું ઘડતર .

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
બેલુર મઠના પિંડનું ઘડતર                                  . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

પરિવ્રાજક તો ચલતા ભલા- નવું નવું શીખતા ભલા

અમેરિકામાં સર્વ ધર્મ અને બંધત્વની ભાવનાનો પરચમ લહેરાવી સ્વામી વિવેકાનંદ સ્વદેશ પરત ફર્યા ત્યારે એમની સાથે શિષ્યોનું એક નાનું જૂથ જોડાયું. કલકત્તાના હાવરા વિસ્તારમાં રામકૃષ્ણજીના પટ્ટશિષ્ય વિવેકાનંદે પશ્ચિમ બંગાળના બેલુર ગામે, હુગલી નદીના પશ્ચિમ કાંઠે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન માટે ૧૮૯૭ ની ચોથી માર્ચે જમીન ખરીદી. ચાળીસ એકરની જગ્યામાં મુખ્ય મઠ ઉપરાંત એક મંદિર સંકુલની સંકલ્પના કરી. આ વિસ્તાર બીરાનગર તરીકે પણ ઓળખાય. નવમી ડિસેમ્બર ૧૮૯૮માં આ પરિસરમાં રામકૃષ્ણજીનાં અસ્થિ અને સ્મૃતિચિહ્નો છાંટી બાંધકામ શરૂ કરાવ્યું. બેલુર મઠ ઉપરાંત એમની એક યોજના હતી ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના માયાવતી ગામે 'અદ્વૈત આશ્રમ' સ્થાપવાની. આ બન્ને મોનેસ્ટ્રી (મઠ)માં સેવાકાર્યોનાં આયોજન કર્યાં. મુખ્ય મઠ-મથક બેલુરમાં રામકૃષ્ણની ચળવળોની વિચારબીજના આધારે મંદિર સ્થાપત્યની સંરચનાનો નકશો મનમાં તો છપાઇ જ ગયો હતો જ્યારે તેમણે ભારત ભ્રમણ કરેલું. આ મંદિરમાં સ્થાપત્ય કળામાં મિશ્ર ધર્મોનાં પ્રતીકોની અસર એમણે ઝીલી. હિંદુ, ઇસ્લામિક, બૌધ્ધ, ખ્રિસ્તી કળાના મોટિફસ (બુટ્ટા), સર્વ ધર્મ મર્મ-સમાનતાનાં પ્રતીકો બનાવવા ચુનંદા કારીગરોની નિમણૂંક કરી. એમણે જે-જે સ્થાપત્યોની અટન દરમ્યાન મુલાકાત લીધી હતી તે હતાં તાજમહેલ, ફત્તેહપુર સિક્રીના મહેલો, દિવાને ખાસ, રાજસ્થાનના મહેલો, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુના આદિ સ્થળોના પ્રાચીન મંદિરો ઈત્યાદિ. તદુપરાંત અમેરિકા અને યુરોપના આધુનિક અને મહત્ત્વનાં સ્થાપત્યો પણ તેમણે જોયેલા અને નોંધા રાખેલાં - મધ્યયુગીન, ગૉથિક અને યુરોપિયન આર્ટને પણ આત્મસાત્ કરેલાં.

બેલુર ખાતે રામકૃષ્ણ મિશનનું વડું મથક છે

પ્રસ્તુત વૈવિધ્યસભર કળાઓની છાંટ બેલુર મઠના સ્થાપત્યમાં લઇએ તો કેમ એવો વિચાર એમને આવ્યો અને આ સર્વે શૈલીઓનો સુભગ સમન્વય, સુયોગ અને સુમેળ તેમણે સાધ્યો અને મિશ્ર સ્થાપત્ય કળાનો એક અદ્ભુત નમૂનો તૈયાર કરવાનો મનસૂબો કર્યો. સ્વામી રામકૃષ્ણના પૂર્વ શિષ્ય, વિવેકાનંદના શિષ્ય બંધુ - સ્વામી વિજ્ઞાનાનંદ હતા. તેમણે સ્વામી વિવેકાનંદ અને સ્વામી શિવાનંદના વિચારબીજ આધારિત મંદિર ડિઝાઇન કર્યું. બેલુર મઠના અધ્યક્ષે ૧૩ માર્ચ- ૧૯૨૯ના દિવસે પાયાનો પથ્થર મૂક્યો. આ વિશાળ બાંધકામની જવાબદારી 'માર્ટિન બર્ન એન્ડ કંપની' એ ઉપાડી. આ સ્થળે આવવા માટે હાવારથી જળ માર્ગે અથવા 'બાય રોડ' તો વિકલ્પ ઉપલબ્ધ છે. હવે તો, ૨૦૦૩માં બેલુર મઠ રેલ્વે સ્ટેશન પણ શરૂ થયું છે જે બેલુર મઠને સમર્પિત છે. આ બંને મઠોમાં યુવા સંન્યાસીઓને રામકૃષ્ણ મિશન દ્વારા તાલીમ મળવા માંડી. તેમને કેટલીક ફરજો પણ સોંપાય. સ્થાપના વર્ષે જ માનવતાવાદની પ્રવૃત્તિ શરૂ થઈ. જેમાં દુષ્કાળ પીડિત ક્ષેત્રોમાં રાહતકાર્યો માટે પણ વિશિષ્ટ તાલીમ શિબિરો યોજાઇ. માતૃભૂમિ - દેશપ્રેમને લગતાં નેક કાર્યો માટે પણ ખાસ સમિતિઓ બનાવવામાં આવે એવો ઉપક્રમ પણ છે. અન્ય અનેક સ્થાનિક સંસ્થાઓએ સેવા કાર્યમાં હસ્તધૂનન કર્યાં છે. હા, સ્થાપત્યોની જાળવણી માટે પણ વિવિધ પ્રકલ્પો કરવા પડે એ માટેસૌ કટિબધ્ધ છે. સર્વ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ વડે પરિસર ધમધમતું રહે છે. સુંદર નયનરમ્ય દ્રશ્યો ધરાવતા આ સ્થળે ચોમેર લીલોતરી, બાગ, ઘાસ, ફૂલ, છોડ, વૃક્ષો શ્વસે છે.

તહેવારો અને મહાનુભાવોના જન્મ દિવસની ઉજવણી 

મુખ્ય બેલુર મઠ ઉપરાંત અહીં દેવી શારદાનું મંદિર અને સ્વામી વિવેકાનંદનું મંદિર પણ છે. 

દરેકમાં રામકૃષ્ણનાં અસ્થિ અવશેષો છાંટવામાં આવ્યાં છે. વિવેકાનંદ મંદિરમાં કાળીનું મંદિર પણ છે જે મા શારદાને અર્પણ થયેલું છે. બેલુર મઠના પ્રવેશે જ આ પવિત્રમાનાં મંદિરનાં દર્શન થાય. આ સ્થળે માના અસ્થિ જવાના રૂપે દર્શન દે. ૨૧ જુલાઈ ૧૯૨૦ના દિને આ મંદિર ખુલ્લું મૂકાયેલું. સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર અહીં છે. આ સ્વામી રામકૃષ્ણજીના સીધી લીટીના શિષ્ય હતા - તેથી તેઓ મઠ અને મિશનના પ્રથમ પ્રમુખ તરીકે વરાયેલા. અહીં એમની સમાધિ છે. 'રામકૃષ્ણ સંગ્રહ મંદિર' એક મ્યુઝિયમ છે. આ પરિસરમાં - જયાં અનેક કલાકૃતિઓ છે, રામકૃષ્ણજી વાપરતા તે સામાન છે, અન્ય શિષ્યો અને દેવીજીની વસ્તુઓ, વિવેકાનંદનો લાંબો ડગલો છે. ભગિની નિવેદતાનું ટેબલ છે. આ મંદિર 'પંચવટી'ની થીમ પર છે તેથી પાંચ પવિત્ર વૃક્ષોની કલાત્મક આવૃત્તિઓ અહીં જોવા મળે. દક્ષિણેશ્વર કાલી મંદિર આધારિત અનેક શિષ્યો અને કર્મવીરોનાં પૂતળાં છે. સ્વામી રામકૃષ્ણનું કોલસાથી કરાયેલું ચિત્ર છે. કેટલાક દસ્તાવેજો અને શિકાગો આર્ટ સંસ્થાની પ્રતિકૃતિ છે. જમશેદજી ટાટાનો પત્ર આ સંગ્રહસ્થાનમાં સચવાયેલો છે. આ ઇમારતમાં લાકડાની સીડીઓ અને કમળભાતવાળી કાષ્ઠકળાના નમૂના છે. અહીં રામકૃષ્ણજીની ક્રિસ્ટલ ઈમેજ છે - જેને પેરિસના ઝવેરી રેને લાલીકે બનાવી હતી. આ લોકપ્રિય તીર્થ સ્થળને વધાવી ડૉ. અબ્દુલ કલામે એને હેરિટેજ સ્થળ તરીકે રાષ્ટ્રીય મહત્ત્વની મોંઘી મિરાત તરીકે નવાજ્યું હતું... બેલુર મઠની મુખ્ય ઇમારત ભણી જઈએ..

લસરકો

પ્રભુનો સાક્ષાત્કાર ભૌતિક- ઔપચારિક પૂજા પણ છોડાવી દે છે. દરેક સજીવ-નિર્જિવ શુધ્ધાત્મા છે - પૂજાનાં વાસણો અને સામગ્રી ધરવાની વેદી પણ.

- સ્વામીશ્રી રામકૃષ્ણ પરમહસં

સ્થાપત્યોનાં ઝીણાં નિરીક્ષણનું કલાત્મક પરિણામ

કલકત્તાના દક્ષિણેશ્વર મંદિરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ પૂજારી તરીકે જોડાયા હતા. આધ્યાત્મિક પત્ની મા શારદા દેવીના સંગે તેમની રોજનીશીમાં કાલીપૂજા, ભજન, કીર્તન, પ્રવચનના ઉપક્રમ ચાલુ જ હતા તેવે સમયે એમની ધર્મસભામાં એક યુવાન - નામે નરેન્દ્રનાથ પધાર્યા અને ધ્યાનસ્થ ગુરુ રામકૃષ્ણજીના અંતરમનમાં કોઈક ઈશારો થયો. એમણે એ યુવાનને કાવ્ય પંક્તિો સંભળાવવાનો આગ્રહ કર્યો. નરેન્દ્રનાથે જે કાવ્યપાઠ કર્યો એના સિલસિલામાં રામકૃષ્ણજી ખોવાઈ ગયા-એકાકાર થઈ ગયા અને એમની શિષ્ય માટેની ખોજ પૂરી થઈ. તત્ક્ષણ એ યુવાનના મન-હૃદયમાં પણ ચહલ-પહલ મચી ગઈ. તેને થયું કે 'હું જેની શોધમાં ફર્યો તે પૂરી થઈ. આ જ મારું પ્રથમ કે અંતિમ સ્થાન છે.' અને બંને ગુરુ-શિષ્ય એક સૂત્રમાં એક તાંતણે બંધાઈ ગયા. એ મંદિર શું કંઈ વિધિવિધાન માટેનું જ એક સ્થળ હતું ? ના.. ના.. અહીં આધ્યાત્મિકતાનો વાસ હતો. ભૌતિકવાદ ઓગળીને વૈચારિક પાવન સ્થિતિમાં પહોંચ્યો અને બંનેને તથા મા શારદાને પણ થયું કે આ પવિત્ર ભૂમિ તો ભારતદેશની ગરિમા સાચવવા માટેનું શ્રી સ્થળ છે ! ગુરુ-શિષ્ય પૂજા-પાઠ ઉપરાંત દેશ સેવા અને માનવ સેવા તથા અન્ય જીવોની સેવા તથા કરૂણાના ઉપદેશનું ચયન કર્યું. ત્યાં તો વિવેકાનંદ બનેલા નરેન્દ્રનાથને શિકાગો વૈશ્વિક ધર્મ પરિષદમાં જવાનો મોકો મળ્યો અને તેઓ એના પૂર્વ અભ્યાસ સારુ ભારત દેશના ખૂણે-ખૂણે ફરી આવ્યા. દેશની સર્વ પ્રકારની પરિસ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ તો તેમણે કર્યો જ પણ સાથે સાથે અનેકનિક કળાઓનો પરિચય પણ મેળવ્યો અને કેળવ્યો.