- રસવલ્લરી-સુધા ભટ્ટ
પ્રત્યેક સંસ્કારી નગરીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય જ. તેથી જ ત્રણેય કાળ-ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને આવરી લેતા સંગ્રહાલયોની આપણને આવશ્યકતા જણાય. એક છાપ એવી છે કે મ્યુઝિયમ એટલે જૂની-પુરાણી ચીજ વસ્તુઓનો ખડકલો. તો પછી વર્તમાન કે ભવિષ્યની વાત ક્યાં આવી ? અને સંગ્રહ માટેનાં આલય (નિવાસસ્થાન)નો ખપ શાને પડે ? સાવ સરળ છે એનો ઉત્તર. વીતી ગયેલા સમયના અનુભવોમાંથી વર્તમાનને ઉજળો બનાવી શકાય અને આજના ઉપક્રમ ઉપરથી ભાવિનાં સ્વપ્નોને નિખાર આપી શકાય. હજારો વર્ષો પહેલાંની સંસ્કૃતિનો પરિચય જ્યારે સંગ્રહસ્થાનમાંથી મળે છે ત્યારે આપણા વર્તમાન સાથે એની સહજ સરખામણી થવા માંડે છે અને તો પછી ભાવિમાં એ ઉપલબ્ધ વારસાને આગળ વધારી, એમાં સમયોચિત સુધારા-વધારા કઈ રીતે કરી શકાય એ મુદ્દે આપણે વિચારાધીન થઈ જઈએ ત્યારે એ ભૂતકાળ આપણા ભાવિને ઘડનાર એક શિક્ષકની ગરજ સારે. હા, દર વખતે ગઈકાલની કે આજની ઘડી રળિયામણી હોય એ જરૂરી નથી. ક્યાંક કોઈક ભૂલ કે અનાવશ્યક પગલાં ઉપર ડસ્ટર ફેરવવું પણ પડે. નવા વિચારો, નવી પદ્ધતિ, નૂતન ટેકનોલોજી ભૂતકાળના અને વર્તમાનના વહાણે ચડીને ભાવિને ઝળહળતું કરેય ખરું. તે સમયે મ્યુઝિયમમાં સચવાયેલાં દસ્તાવેજોમાં જીવ આવે. પ્રાચીન-પૌરાણિક વિવિધ કલા અને જ્ઞાાનના પટારા ખુલે ત્યારે લાગે કે 'ઘરડાં ગાડા વાળે'. આપણી પાસે ભૂતકાળનો ચોતરો છે જેની ઉપર આપણે આજે બેઠાં છીએ અને દ્રષ્ટિ સમક્ષ નૂતન પથ છે - જેને કંડારવા સૌ થનગની રહ્યાં છીએ ત્યારે યોગ્ય શીખ આપનાર સંગ્રહાલયો તેની ઉપર બેક્નલાઈટ ફેરવવા સક્ષમ છે.
જેવાં સંગ્રહસ્થાનો એવાં ભિન્ન ભિન્ન વિષયો અને વિભાગો
આ ક્ષણે હડપ્પા, મોહેંજો ડેરો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન ઇત્યાદિ પ્રાચીન સંસ્કૃતિઓને આપણે યાદ એટલા માટે કરીએ કે જે તે સમયે એ સમય 'વર્તમાન' હતો ત્યારે અખંડ ભારતની અસ્મિતા ઝગારા મારતી હતી. ધાર્યામાં કે માન્યામાં ન આવે તેવી તેની પ્રગતિ હતી. નગર રચના, સ્થાપત્યો, વ્યવસાયો, ખેતી, પાણી અને ગટરની સવલતો, કોઠારો, કળા, સંસ્કૃતિમાં એ વસાહતો આધુનિક જીવન જીવતી. પણ એ બધું સમજાયું કઈ રીતે ? અલબત્ત, સંગ્રહાલયો થકી. કારણ તે સમયની જીવનરીતિનાં પ્રમાણો આપણને ઉત્ખનન પશ્ચાત્ત મળ્યાં અને પુરાતત્વ વિભાગે એનાં રખોપાં કર્યાં. તેથી જ અલગ અલગ 'સાઈટ' પરથી ઉપલબ્ધ પુરાવાઓ જુદી જુદી જગ્યાએ સંગ્રહાયા. ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ગુજરાતના લોથલ અને ધોળાવીરાના - જેના પરિસરમાં આજે પણ એ પુરાતન સંસ્કૃતિ જીવિત છે અને લોથલને તો હવે 'મેરી ટાઈમ બોર્ડ' સાચવી રહ્યું છે ત્યારે આપણા બધાની નજર એ ભવિષ્યની રાહે છે જેમાંથી જળમાર્ગો અને એના થકી ધમધમતા દરિયા તથા નદીના કિનારાઓ પુન: જીવંત થઈ ઉઠશે. તો, આ ક્ષમતા છે મ્યુઝિયમ્સની - જેની મુલાકાત આપણને ટાઈમ મશીનમાં બેસાડી ભૂતકાળમાં ડોકિયું કરવા પ્રેરે છે. વળી, દરેક સંગ્રહસ્થાનમાં એકસરખી કૃતિઓ ન હોય. સમય- સ્થળ - સંજોગ અનુસાર ટેરાકોટા (માટી)થી માંડીને સ્પેસ ટેકનોલોજી જેવા વિષયો સંગ એ આપણને ન્યાલ કરી દે અને વિકરાળ - મહાકાય... ડાયનોસોર જેવા
જીવોનો પણ પરિચય કરાવી દે !
આમ, પ્રત્યેક સંગ્રહ સ્થાન વિશિષ્ટ અદ્વિતીય હોય છે. પછી ભલે ને તેની તાસિર - તેનો મિજાજ સાવ અલગ જ જોવા મળે !
ઓઝલમાં કલાકૃતિઓ... ધીરી બાપુડિયા
પ્રાચીન સંગીતવાદ્યો અને શિલાલેખોનાં દોહરા તથા શ્લોક (હાલ્મીડી) એ અહીંના ઘરેણાં ગણાય. સંત કવિઓનાં સર્જન ચોથી સદીથી તે છેક દસમી-બારમી સદીની અલભ્ય અન્ય રચનાઓ સાથે અત્રે મ્હાલે છે. તસવીરો આધારિત અંદરનો ભાગ મ્યુઝિયમને જાજરમાન બનાવે છે. વિશાળ સ્તંભદાર કતારબદ્ધ ઉંચેરી છતવાળા ભવ્ય ઓરડા, અનેરી સજાવટ-રખરખાવટ, પ્રકાશ આયોજન, સુંદરતમ ગોઠવણી, કાચનાં કબાટો અને સ્વચ્છતા આ સંગ્રહસ્થાનનો જીવ છે. જાણે અહીં હાલ કલાકૃતિઓ એકાંતવાસ (ક્વોરન્ટાઈન) ભોગવે છે. એમને કલારસિકોની રાહ છે. ઝંખના છે. રસિકો પણ કૃતિઓ સાથે વાર્તાલાપની વાટ જુએ છે. આ કલાધનને ભેગું કરી એના સાહિત્યને પણ સમજીએ. માત્ર ભૌતિક રીતે નહિ પરંતુ આંતર ચક્ષુ ખોલી આપતા દર્શનની અપેક્ષાને પોષે છે પેલી ઓપન ગેલેરીની કલાકૃતિઓ. એ તો છે કળાની ખરી છડીદાર ! એમાં બિરાજે છે વિશ્વયુદ્ધની ટ્રૉફી જેવી તોપ, પથ્થરનાં શિલ્પો, ગણેશજી, મહેશ્વરી દેવી તથા ગ્રામ્ય લોકો, શહીદો અને શિલાલેખો, સંગ્રહસ્થાનનું પરિસર લીલું છમ અને મુખ્ય આલય છે વિક્ટોરિયન ગૉથિક-નિયો ક્લાસિકલ ગ્રેકો રોમન શૈલીની ઇમારત. નૂતન છતાં શાસ્ત્રીય તત્વોથી બનેલું ઘેરા ગેરુઆ-મરૂન રંગનું મહેલનુમા મકાન. પથ્થરોના ગોળ અગણિત સ્તંભોની હાર. કુંભીઓ અને કેપિટલ્સથી સજ્જ. સફેદ બાસ્તા જેવા કેપિટલ્સ અને ઝીણી સફેદ જાળીઓ આંખને મિજબાની આપે. રવેશે - મુખ્ય પ્રવેશે આગળ પડતી છજા તેની શોભા છે. વિશાળ પ્રાંગણને સજાવતી ઇમારતની બે પાંખો ખૂબસુરત. એક સમયે આ ઇમારત લોકપ્રિય અંદાજમાં 'તમાશા હાઉસ' તરીકે પ્રખ્યાત હતી. વાહ !!
લસરકો : પૂર્વાનુભાવિત અવલોકનના આધારે આંતરદ્રષ્ટિથી થયેલું આકલન
અગાઉના સ્મરણ વલોણાનું તાજું નવનીત
હાલ આ સંગ્રહાલય જિર્ણોદ્ધારને કારણે જાહેર જનતા સારુ બંધ છે તોય એની ઇમારત અને મધ્યસ્થ કચેરીમાંથી મળતી માહિતી પણ ઘણી રસપ્રદ હોય હોં ! અને હા, એના પરિસરમાં આવેલ ઓપન મ્યુઝિયમ અંદરની બધી જ માહિતીની છડી પોકારી દે ! આવું જ કાંઈક આપણે દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં આવેલ બંગાલુરુ શહેરના સરકારી સંગ્રહાલય સંદર્ભે જાણીએ. ભારતના સૌથી જૂનાં મ્યુઝિયમ્સમાંનું એક તેવા આ સંગ્રહાલયની સ્થાપના બ્રિટીશર્સ હસ્તગત ૧૮૬૫માં ૧૮ ઑગસ્ટે થયેલી. માયસોર રાજ્યસરકારે એની નોંધ એક વર્ષ પછી પોતાના ગેઝેટના આર્કાઈવમાં લીધી હતી. અલભ્ય ચીજ-વસ્તુઓના આ સંગ્રહમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી કલાકૃતિઓ, આભૂષણો, શિલ્પો, સિક્કાઓ, હસ્તપ્રતો અને શિલાલેખોનો બહોળો સંગ્રહ છે. કન્નડ ભાષાનાં અતિ પ્રાચીન (૪૫૦ A.D.) કોતરકામના નમૂનાઓ અહીં છે. ૧૮૫૧ના નાણાં ભંડોળમાંથી અંગ્રેજ અમલદાર બાલફોરે એ આ સંગ્રહસ્થાનમાં જીવવિજ્ઞાાન અને કુદરતી સંપત્તિને સ્થાન અપાવ્યું. પ્રથમ તો એક જેલ પરિસરમાં શરૂ કરાયેલ આ સંગ્રહાલય બેંગાલુરુના સિડની રોડ (આજનો કસ્તુરબા ગાંધી રોડ) પર ખસેડાયું. આ મ્યુઝિયમની પડખે વિશ્વેશ્વૈયા સાયન્સ મ્યુઝિયમ અને વેંકટ્ટપ્પા આર્ટ ગેલેરી છે. બે મજલાની આ ઇમારતમાં અઢાર ગેલેરીઓમાંથી આર્કિયોલોજિકલ (પુરાતત્વ સંશોધન) નમૂનાઓ પ્રદર્શિત થયેલા છે. જેમાં ૭૦ ચિત્રો, ૮૪ શિલ્પો, સેંકડો અન્ય કલાકૃતિઓનો અદ્વિતીય સંગ્રહ છે. શિલ્પો હોય સાલાગંધાર અને નોલામ્બા પિરીયડ્સનાં છે. પથ્થર યુગ પહેલાંની પૉટરી ચંદ્રાવલી ઉત્ખનનમાંથી મળી જે મોહેં જો દડોની કૃતિઓ હતી. મથુરાની ટેરાકોટાની શ્રેણી અને કોડણુ ગામેથી શસ્ત્રો પ્રાપ્ત થયા, અહીં ૫૦૦૦ વર્ષો પુરાણાં ભગ્નાવશેષો છે. આ અલભ્ય સંગ્રહ ડેક્કન (દખ્ખણ), માયસોર અને તાંજોર રાજવંશની માલિકીનો હતો.


