Get The App

પિછવાઇ કળામાં નવોન્મેષ .

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
પિછવાઇ કળામાં નવોન્મેષ                                . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

નૂતન પિછવાઈ હસ્તકલા સ્વરૂપે અનેક માધ્યમોમાં

રાજસ્થાનના રાજસમન્દ જિલ્લાના કોક અંતરિયાળ ગામમાં પિછવાઈ કળા વિકસી જેમાં અનેક પેટા શૈલીઓ સમાયેલી છે. પિછવાઈ એક અણમોલ-અગત્યની ચિત્ર શૈલી તરીકે ખૂબ પ્રચલિત-લોકપ્રિય થઈ. હા, આરંભે એ પુષ્ટિમાર્ગમાં એક સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઓળખાઈ. સમય સરતાં આ શૈલીની નજાકતતા, રંગછાયા, વિષયોચિત ચિત્રાંકનો અને ચિત્રોમાં ઝીણવટભર્યાં આલેખનોએ સર્વે કલારસિકોનાં મન મોહી લીધા. પિછવાઈ એટલે સંસ્કૃત શબ્દ 'પિછ' એટલે કે પાછળ અને 'વાઈ' અર્થાત લટકતું કલાખચિત કાપડ. શ્રીનાથજીની મૂર્તિ કે છબી પાછળ લટકતી કલાત્મક આકર્ષક પિછવાઈની શોભા હંમેશ મનભાવન રહી. સાત વર્ષના બાળકૃષ્ણના અવતાર શ્રીનાથજી તરીકે અહીં બિરાજમાન કરાવાયા અને શ્રીનાથજી મંદિરમાં જ પિછવાઈનાં અઢળક સર્જનો થયા, તેની અસર હેઠળ એવો અનુયોગ સર્જાયો કે ઠાકોરજી અને પિછવાઈ વચ્ચે અવિનાભાવિ સંબંધ રચાયો. પવિત્ર પ્રસંગો, તહેવારો, ઉત્સવો દરમ્યાન આ મહાત્મ્ય વધ્યું તેથી પિછવાઈની પધરામણી, વધામણી અને ભોગ તથા ધરાવવાની સામગ્રી રૂપે થઈ. મુખ્યત્વે શ્રાવણ માસે - વર્ષાઋતુમાં આ કલાશૈલીના માન-પાન-સ્થાન વધુ દ્રઢ થયાં. બાકી, કલા તો કલા છે. તે સૌને આકર્ષે તેથી મુલાકાતીઓ, ભક્તો, અનુયાયીઓ અને પ્રવાસીઓ શ્રીનાથજીની આભા-પ્રભાને ઘરે લઈ જવા માંગતા હોય તેઓ અહીંથી પિછવાઈ ખરીદવા લાગ્યા અને તેથી જ કલાકારો આ પરંપરાને ગતિશીલ રાખવા કટિબદ્ધ થઈને વધુને વધુ કૃતિઓમાં મન પરોવવા લાગ્યા. પરિણામે પેઢી દર પેઢી કલાકર્મી પરિવારો મન મૂકીને વધુ ને વધુ વિષયો, રંગો, કદ, માધ્યમ પર ધ્યાન કેન્દ્રિત કરી સમયાનુકૂળ કલાકૃતિઓ રૂપે પિછવાઈની પણ પેઢીઓ જાણે કે ક્રમશ: રજુ કરવા લાગ્યા. એ પ્રસ્તુતિઓને ધ્યાને લઈને કલા સંગ્રાહકો પણ આકર્ષાયા અને પ્રસ્તુત કલાકારોને નવા ચિત્રોમાં નાવીન્ય ઉમેરી જરા હટકે પિછવાઈઓ સર્જવા પ્રેરણા આપી.

પિછવાઈનું નવલું સંસ્કરણ પણ આહલાદક-પ્રેરક

અમદાવાદના શ્રી અનિલ રેલિયા અને મનન રેલિયાએ આવા આધુનિક કલાકર્મો અને કલાકર્મીઓને સાદર આગ્રહ કરી નૂતનતમ પિછવાઈઓનાં સર્જન કરવાનું ઈજન આપ્યું અને તેને પોંખીય ખરી. તેમની આર્ચર આર્ટ ગેલેરીએ ચિત્રોનું નિવાસસ્થાન ! આ ચિત્રોની મધ્યમાં કલાનો સંપૂર્ણ અહેસાસ અને સ્વરૂપ મળે. પિછવાઇના મહાનાયક છે શ્રીનાથજી. એક હસ્ત ઊંચો કરી ગોવર્ધન પર્વતને બિલાડીના ટોપની જેમ ઊંચકી ગામ લોકો, ગોધણ, માલ-મિલકતને રક્ષણ આપનાર આ કૃષ્ણાવતાર કુદરતી સંપત્તિને પણ સાચવતા. વનરાજી, નદી, તળાવ, પર્વત, કમળ, અન્ય પુષ્પો, મોર, ગાય, હાથી, આકાશી તત્ત્વોના નિરૂપણમાં કલાકારો મંદિરમાં ગવાતાં પદો આધારિત કથાને અનુરૂપ ચિત્રણ કરતા તે મુદ્દાને બરકરાર રાખી હવે કલાકાર પરિવારો પોતાનાં આપ્તજનોને ભેળાં કરી સામૂહિક રીતે તેમાં નૂતન તત્ત્વો ઉમેરતાં થયાં છે એ આ કળાનું ઉજળું ભાવિ ઉજાગર કરે છે. નવીનતા, નવોઉન્મેષ, ઉન્માદ આ કળાને હવે ''નવનવોન્મેષ શાલિની''નું સ્વરૂપ આપે છે. એ રૂએ આ ચિત્રોમાં ઝીણી માહિતીસભર નવા ચિત્રો એક જ ફ્રેઈમમાં શ્રીનાથજીનાં ચોવીસ સ્વરૂપો દર્શાવે છે, તો એક જ ચિત્રમાં આખુંય નાથદ્વારાનગર અને તેનાં કલાકર્મીઓની હયાતીની એંધાણીઓ પણ ટાંકે છે. ખબર છે ને... દક્ષિણ ભારતની તાંજોર ચિત્રકળા ! એમાં ચમકતા સોનાના લસરકા કે સોનેરી રંગોને આ નવલાં ચિત્રોમાં નાથદ્વારાના અનેક કલાકારોએ રસળતાં કર્યાં છે. 

અલબત્ત, અગાઉ ચિત્રોમાં સોનેરી લકીરો ચમકતી જોવા મળતી, પણ આમાં તો આખી પશ્ચાદભૂ અથવા અન્ય રંગોના વોશ ઉપર સોનારંગે મઢ્યાં પાત્રો, પ્રસંગો અને વિગતો શોભતાં દેખાય ! પિછવાઈની ગરિમા સાચવી, એ જ થીમને વિવિધ સ્વરૂપે કલાચરણે ધરવી એ આ કર્મનિષ્ઠ કલાકારોની નમ્રતાનો પુરાવો છે.

''શ્યામરંગ સમીપે જરૂર જાવું મારે'' ગાતી ગોપી

પિછવાઈનાં પ્રાણ છે શ્રીનાથજી, ગૈયા, કમળ, વનરાજી, સ્થાપત્ય અને ગોપ-ગોપીઓ સહિતનાં બાલકૃષ્ણ લીલાના વિષયો - પ્રસંગો. બંસી બજૈયા જ્યારે વેણુ વગાડે ત્યારે ગાયો દોડી આવે. તેના શીંગડાં, કપાળ, ખૂંધ, ખરી પરની મેંદીનો રંગ મલકી ઉઠે. ગળે ઘંટડીનો રણકાર અને દ્રષ્ટિ ઈષ્ટદેવ પરત્વે. શ્રીનાથજીનો મોરપિચ્છ મુકુટ, વાંસળી, વસ્ત્ર બધું જ ગોરી ગોરી ગૈયાને પગલે ડોલે. પ્રસ્તુત ચિત્રમાં સોનેરી પીળાશનું સામ્રાજ્ય દેખાય. અન્ય ચિત્રમાં શ્યામ પશ્ચાદ ભૂવાળા ચિત્રમાં આઠ ગોપીઓ ''માથે મટુકડી મહીની દોણી...'' ગાતી કદલી વૃક્ષ, આમ્રવૃક્ષ, મોર, કદંબવૃક્ષ વચ્ચે લીલા, શ્વેત, પીળાં, કેસરી રંગના વસ્ત્રોમાં મ્હાલે. પ્રભુ અને ગોપીઓનાં આભરણ પણ એકમેક સાથે મેળ બેસાડે. આ બધાંય ચિત્રોમાં જૈવિક રંગો ઉપરાંત હવે નવા પ્રકારના રંગો, મોતી, આભલાં, પેચવર્ક, કિંમતી નંગો ઈત્યાદિના શૃંગાર ધ્યાનાકર્ષક હોય છે. કદ, રંગ, માધ્યમ- દરેકમાં ક્રાંતિ ! ડાર્ક બ્લ્યૂ-નેવી બ્લ્યૂ રંગના વોશ વાળી ફ્રેઈમમાં ફૂલ-પત્તી-વલ્લરી વાળી કિનાર... અને વચ્ચે વિલસે શ્રેણીબદ્ધ ઊભેલી ત્રીસ કામધેનું ! ગાયો ચાલવા પ્રવૃત્ત... તૈયાર, સીધી જાય તોય ડાબે-જમણે સોનેરી રૂપે સોહતી મૈયાઓ ચાલે. તેમના પેટ ઉપર કંકુવરણા હાથના થાપા. કેમ આ ધણ એકલું ? ક્યાં છે કૃષ્ણ ? ઘેરા રંગ ઉપર સોનેરી ગાયોની ઝાંખી તાંજોર શૈલીની યાદ અપાવે. શૈલી જાજરમાન લાગે - વાહ ! અન્ય આધુનિક પિછવાઈઓમાં ચામર ઢોળતી ગોપીઓ, ટ્રી ઓફ લાઈફ, વનરાવનમાં વનવિહાર કરતી ગોવાલણો, પ્રાકટયની વાર્તાઓનાં નિરૂપણ ખાનાંવાળી ફ્રેઇમમાં નોખી ભાતનાં લાગે. પૂર્વ સૂરિઓનાં માન જાળવી કરાયેલાં આ ચિત્રોમાં નાવીન્ય ભરપૂર - પૂર્વજો - વંશજોની જોડીઓ જાણે હાજરાહજૂર !!

લસરકો :

પિછવાઈ માટેના ખાસ કાપડને સજ્જડ ફ્રેઇમમાં કસીને એની પશ્ચાદભૂમિકા તૈયાર કરી તેને ચોક્કસ સ્વરૂપ અર્પવા નૂતન વિચારો અને વિષયોનાં આલેખન થાય - જે મૂળ કળાનાં પોષક હોય.

નવલી કળાનો સ્વીકાર - આવકાર આવશ્યક

આપણો સાંસ્કૃતિક વારસો સાચવતી બહુવિધ કળાઓ આપણા ભારત દેશને અન્ય દેશોથી નોખો-અલગ તારવી આપે છે. ઋષિ પરંપરાથી ચાલી આવતી અને હા, અલબત્ત નોંધાયેલી કળાઓ આપણી મોંઘેરી જણસ છે. વળી, એ બધાયનાં દસ્તાવેજીકરણની જવાબદારી વિવિધ સાહિત્ય પ્રકારોએ લીધી જ છે ને હજારો વર્ષોથી ચાલ્યા આવતા આ મહામૂલા યજ્ઞા સમાન પ્રકલ્પો આપણા જીવનમાં પ્રાણ પૂરે છે. ચિત્ર, સ્થાપત્ય, શિલ્પ, સંગીત, નૃત્ય અને નાટય જેવી કળાઓએ તો આપણું જીવન ઘડયું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. બલ્કે તેનાં વિવિધ સ્વરૂપો અને આયામોએ તો આપણને જીવતાં શીખવ્યું છે. કળાની એક ખાસિયત નોંધપાત્ર છે. હંમેશ એ સમયના વારિમાં વહેતી રહે છે, ઘડાતી રહે છે, માનવને ઘડતી રહે છે અને કાયમ મોજમાં વિલસતી હોય છે. યુગ પ્રમાણે, કલાના આશ્રયદાતાઓના વલણને કારણે તેની ગતિમાં, તેની ચાલમાં ફેરફાર વરતાય છે - પરંતુ આખરે કલા તો કલા જ રહે છે. એનો આત્મા અને કલાકારનો આત્મા જ્યારે એકીશ્વાસે જે નિર્ધારે છે તે થઈને જ રહે છે. એમાં અનેક પરિબળો પોતાનો ભાગ ભજવે છે. નવયુગ તરફની દોટ, જીવનની ગતિવિધિ, બેશુમાર નવી નવી શોધો, વિજ્ઞાાન, ટેકનોલોજી અને વ્યક્તિગત વિકાસને કારણે કળાક્ષેત્રે પણ જાણે ઉત્ક્રાંતિ જેવી ક્રાંતિ થતી રહે છે. બદલાવ, પરિવર્તન એ સંસારનો નિયમ કળાના પ્રત્યેક વિષય અને ક્ષેત્રને ધમરોળતો રહે છે એમાં કોઈ શક નથી. શૂરવીરોની રણભૂમિ રાજસ્થાનના હૃદય સમા મેવાડના શ્રીનાથ દ્વારાના શ્રીનાથજીના મંદિરિયે પ્રગટેલી પિછવાઈ કળા ચારસો વર્ષની થઈ છે ત્યારે એને પણ હોંશ હોય ને કે ચાલો, સમયને અનુસરીએ સાથે સાથે મૂળ મૂળિયાંને પણ અમીસિંચન કરતાં રહીએ !