Get The App

મસ્ત મહારાષ્ટ્રનું પોલિસ વડું મથક .

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
મસ્ત મહારાષ્ટ્રનું પોલિસ વડું મથક                      . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- ભારતના દરેક રાજ્યની પોતીકી કળા; કળા કરે છે.

ભિન્ન ભિન્ન રાજકીય પરિસ્થિતિમાં આશ્રયદાતા પરિવારોએ દેશના ખૂણે ખૂણે કળાને જીવનદાન આપ્યું છે એમાં ભારતની આર્થિક રાજધાની મુંબઇને તો યુરોપિયન કળાનાં અમીછાંટણાં ધોધમાર વરસાદ રૂપે ફળ્યાં. 'ફૉર્ટ' એરિયા અલભ્ય - અમૂલ્ય કલાકૃતિઓથી રળિયાત છે. એમાંની મોટાભાગની કૃતિઓ એ સમયે 'આર્ટ ડેકો' તરીકે ઓળખાઈ - જેનાં અસંખ્ય ઉદાહરણોને માણી શકાય. દક્ષિણ મુંબઈમાં કોલાબા એરિયામાં રિગલ સિનેમાની સામેવેલિંગ્ટન સર્કલ પાસે એક અતિ સુંદર સ્થાપત્ય ઉડીને આંખે વળગે એવું છે - જેનું નામ છે - 'મહારાષ્ટ્ર પોલિસ હેડકવાર્ટર્સ' ના... ના... ગભરાવા જેવું નથી - આપણે 'અંદર' જવાનું નથી. ડોક્યું જ માત્ર કરીશું. ઉપરોક્ત શીર્ષક  'હાર્ડવેર' છે. આપણે એના 'સૉફ્ટવેર'ની વાત કરીશું. મૂળે તો આ ઈમારત 'રૉયલ આલ્ફ્રેડ સેઈલર્સ હોમ' હતું. દરિયાકિનારે બંદરગાહ ઉપર ખરું ને ! ગેઈટ વે ઑફ ઇન્ડિયાના સાન્નિધ્યમાં આવેલા આ સ્થાપત્યનો મૂળ કબજો તો રાણી વિકટોરિયાના સુપુત્ર પ્રિન્સ આલ્ફ્રેડનો હતો. પ્રિન્સ આલ્બર્ટ ૧૮૭૦માં આવેલા. આ સ્થાપત્યની રચના ૧૮૭૨ થી ૧૮૭૬ દરમ્યાન થઇ હતી અને એમાં માંદા યુરોપિયન સેઇલર્સ (નાવિકો-ખારવા જેવા) માટેનું થાકોડો ઉતારવાનું એક વિશ્રામગૃહ હતું જેમાં વીસ અફસરો અને સો દરિયાકર્મીઓનો સમાવેશ થઇ શકતો.

૧૯૨૮ પછી એમાં બોમ્બે લેજિસ્લેટિવ એસેમ્બલી બેસતી. એ દરમ્યાન મુખ્ય ઇમારતની પરસાળ સાથે નવો કાઉન્સિલ હૉલ બંધાયો. ૧૯૮૨ પછી તે મહારાષ્ટ્ર વિધાન ભવન તરીકે ઓળખાઈ. ત્યાર પછી આજ પર્યંત તે મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલય તરીકે ઓળખાઈ. નવા હૉલની ભીંતો પીળા બેઝાલ્ટ પથ્થરની બનાવાઈ. લોખંડના સળિયા અને કોંક્રિટનો ઉપયોગ નવી છતમાં થયો. આ ઇમારતમાં એક અનન્ય - અસાધારણ વિશિષ્ટતા છે. એના વરંડામાં રબર એસ્બેસટોસથી ફર્શ (છો) ઉપર કામ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલી એ.સી. પ્લાન્ટવાળી મુંબઇની આ પહેલી ઈમારત બની.

આ છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ - ગ્રેડ 

પ્રસ્તુત સ્થાપત્યની શૈલી, ગૉથિક આ સ્થળને 'કલ્ચરલ સાઈટ' બનાવે છે. એમાં ગૉથિક રિવાઈવલ વેનેશિયન સ્ટાઇલ છે અને તે 'વિક્ટોરિયન ગૉથિક એન્ડ આર્ટ ડેકો એસેમ્બલ્સ ઑફ મુંબઈ' નો એક અમૂલ્ય હિસ્સો છે. બોરીબંદર સ્ટેશનના શિલ્પી બ્રિટીશ સ્થપતિ ફેડરિક વિલિયમ સ્ટિવન્સે જ મુંબઈના દરિયાઈ વ્યાપારની સફળતાની ઊંચાઈના સમયે આની રચના કરી. વડોદરાના મહારાજા ખંડેરાવ (બીજા) ગાયકવાડે એ સમયે આ મકાનના બાંધકામ પેટે બે લાખ રૂપિયાનો ફાળો નોંધાવેલો. આ ગૉથિક સ્થાપત્ય સાથે મુઘલ કળાનાં નાજુક, ભાવયુક્ત તત્વોનો સમાવેશ કરવામાં આવેલો. આ ઈમારત બ્લ્યૂ બેઝાલ્ટ પથ્થરથી બંધાઈ. ખાસ તો તેને કુર્લા સ્ટોન કહેવાતા. છાપરા ઉપર મેંગલોરી લાલ નળિયાં ગોઠવાયાં. આ બહુરંગી સ્થાપત્ય રત્ન બે માળનું છે. ભોંયતળિયે મુખ્ય પ્રવેશ દ્વાર વચ્ચોવચ્ચ છે જેના વડે સ્પષ્ટ ત્રણ ભાગ દેખાય છે. એની ઉપર બ્રિટીશ સ્થાપત્ય મુજબ એક અદ્ભુત ત્રિકોણીય રચના છે જે છાપરા ઉપરનું છજાદાર સ્થાપત્ય છે. શિખરના એ ત્રિકોણ ભાગ ઉપર રોમન શૈલીનાં શિલ્પો શોભે છે.જળના દેવ વરૂણ (નેપચ્યુન) રોમન સાગર દેવ કહેવાય છે. દરિયાના પૌરાણિક દેવના નિમ્ફ, જળઘોડો અને પડખે સાગર જળનાં ઉછળતાં મોજાંનું સાન્નિધ્ય અભૂતપૂર્વ 

દ્રશ્ય રચે છે. આ શિલ્પો જેમાં મ્હાલે છે તે સ્થાપત્યના દરેક માળે સફેદ અને લાલ રંગવાળી ગૉથિક કમાનો સ્તંભો સહિત ધ્યાન ખેંચે રસિકોનું. ઉપર ગૉથિક સ્ટ્રકચર કઠેડાવાળી ગેલેરીઓ સહ મનને હરી લે. વચ્ચે વચ્ચે ગોળાકાર વેન્ટિલેટર્સવાળી બારીઓનું બાહુલ્ય દેખાય. પ્રવેશે બન્ને બાજુએ વિશાળ પરસાળ ભવ્યતામાં ઉમેરો કરે. મોટા મેદાન અને પ્રવેશના વચ્ચલા ભાગે ધ્વજદંડ પર ધ્વજ ફરફર ફરકે. સુંદર કોલોનિયલ (બ્રિટીશ) કમાનો અને છતનો હિસ્સો દર્શકોને સ્તબ્ધ કરી દે એટલો પ્રભાવી ! ફળિયામાં અસંખ્ય નારિયેળી લીલા ઘાસ ઉપર ઝૂલતી હોય. આ દ્રશ્યોનો સરવાળો એમ કહે છે કે, 'અરે ! આ તો વિકટોરિયન ડોમેસ્ટિક (સ્થાનિક) ગૉથિક શૈલી છે !'

ઉપર-નીચેલી સુંદર કમાનો ગુલદસ્તા જેવી જણાય

ખૂબ સરળતાથી સહજ ભાવે લાગે કે આ સ્થાપત્યમાં ઘણું ઘણું મિશ્રણ-ફ્યૂઝન છે. એક અદ્ભુત મુદ્દો. સાહિત્યકાર રૂડયાર્ડ કિપલિંગના પિતાશ્રી જ્હોન લોકવુડ તે સમયે જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સના આચાર્ય હતા. તેમણે સ્તંભો ઉપરના ટોડલા અને કાંગરી ઉપર કામ કર્યું અને વિદ્યાર્થીઓને શિલ્પકળાની બારીકી અંગે તાલીમ મળે એવી વ્યવસ્થા કરી હતી. અરે હા ! મુંબઈ પોલિસ મુખ્યાલય પણ અહીંથી કાંકરી ચાળે જ છે. એ પણ ગૉથિક રિવાઈવલ શૈલીનું પ્રતીક છે. બન્ને - રાજ્ય અને શહેરના આ મથકમાં લોકો મૂંઝાઈ જાય છે કારણ બન્ને પહેલી નજરે સરખાં લાગે છે. પ્રસ્તુત કાર્યાલય નોખું પડે છે એની ઝીણી બાંધકનામની વિગતોમાં એમાં પીળા બેઝાલ્ટ પથ્થરો વપરાયા છે. અહીં પહેલે માળે કમાનો અણિયાળી છે. ઉપરની અને નીચે ભોંયતળિયાની ગૉથિક કમાનો ગોળ છે. સન્મુખ પથ્થરો ભાવકોનું ધ્યાન ખેંચે. મુખ્ય પ્રવેશે અહીં પણ ધ્વજદંડ દેખાય. અગાશીએ ત્રિકોણ છાપરાવાળી બારીઓ અને ઉપરનું સ્ટ્રકચર વળી પાછું અણિયાળી કમાનોવાળું. બાલ્કનીના કઠેડા અને બારીઓ ભૌમિતિક છે. ટોચ ઉપર ત્રિકોણ છાપરાની ટોચ વળી પાછી અણીકાઢેલી પેન્સિલ જોઈ લો. આ ઈમારત પણ ઉન્નત મસ્તકે વટભેર ઊભી છે. વિશાળ પરિસર અને ગીચ લીલોતરી એને ખાસ બનાવે છે. બોરીબંદર નજીક દાદાભાઈ નવરોજી રોડ પર ક્રાફર્ડ માર્કેટની સામે, ધોબી તળાવ પાસે આ ઐતિહાસિક ઈમારત રસિકોનું ધ્યાન ખેંચે - જેની ડિઝાઈન જ્હૉન આદમ્સે ૧૮૯૪માં કરી હતી. સાથે સાથે રૉયલ બૉમ્બે યૉટ કલબ પણ બાંધેલી. મુંબઈ પોલિસ મુખ્યાલયની આ સ્થાપત્યને પણ 'લિસ્ટેડ હેરિટેજ આર્કિટેકચર' - ગ્રેડ  તરીકેની ઓળખ મળી છે. મુંબઈ શહેરની કલાત્મકતા સચવાઈ રહે તો ઈતિહાસ જીવંત રહે !

લસરકો :

ઈતિહાસવિદોના મતે 'બંદર, સ્થાપત્યના સંદર્ભમાં - મુંબઈનું સેઈલર્સ હોમ ઘર કરતાં વધુ તો લકઝુરિયસ હૉટલ જેવું ભાસે છે - જેમાં હવા-ઉજાસવાળા ઓરડાઓ અને બાથરૂમ્સ છે.''

કળાનો તે કાંઈ છોછ હોય ?

કલાસમૃધ્ધ એવા ભારત દેશ પાસે પ્રાચીનકાળથી બહુ આયામી કળાઓનો સંગ્રહ તો હતો જ - પણ સાથે સાથે પૌરાણિક કળાઓનો સંદર્ભ પણ એમાં ભળ્યો. આદિ માનવોની ખાસિયત સમા ભીંતચિત્રો, શિલ્પો, હળવે રહીને માનવ અસ્તિત્વ સાથે ભળેલાં સ્થાપત્યો, લલિતકળાઓ - નૃત્ય, નાટય, ગીત-સંગીત અને સાહિત્ય સિખ્ખે એજ ક્ષેત્ર અંતર્ગત આપણા જીવનના પોતમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયેલાં અનુભવાયાં. દેશ સમસ્તમાં કળા વ્યાપેલી હતી - જે સમય અને સ્થળ મુજબનાં લક્ષણો ધરાવતી હતી. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન અને અતિ આધુનિક યુગમાં ધીરે ધીરે કલા પોતાનાં સ્વરૂપ બદલતી જોવા મળી. જેમ જેમ સમય વીતતો ગયો - માનવ વધુ ને વધુ સુદ્રઢ થતો ગયો તેમ તેમ બહારના નવાનવા પવન વાતા રહ્યા અને દેશ બહારથી, વિસ્તાર બહારથી, ગામ બહારથી કળાઓ પરસ્પર અતિક્રમણ કરવા લાગી. માનવીઓએ જાણે કે કળાને ખભે-માથે ઉપાડી અને તેને વિહાર કરાવ્યા. કલાકારો અને કારીગરોએ સ્થળાંતર કર્યાં, જુદા જુદા રાજવંશોના આગ્રહ, મહેનત અને મદદથી કળાનું આવાગમન શરૂ થયું અને કળાના અનેક પ્રકારોએ મુકામ બદલ્યા અને જ્યાં એ કળા પહોંચી ત્યાં જ એ સ્થિર થઈ. આમ, પરસ્પર હસ્તધૂનન કરતી કળા અને તેના રક્ષકો પણ જાગૃત થયા. હવે, સમય સાથે પરદેશની અનેક કળાઓએ વિચરણ કર્યું અને ભારત દેશમાં યુરોપિયન દેશોની સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર કળાના પુનિત પગલાં પણ થયાં. પરદેશીઓના અને દેશના અન્ય રાજ્યોના રાજનૈતિક આક્રમણોને નજર અંદાજ કરીને માત્ર લાલિત્યપૂર્ણ કળાના અનોખા અંદાજની વાત છેડીએ તો યુરોપિયન (બ્રિટન સહિત), પોર્ટુગલ, ડચ, મુઘલ, મરાઠા આદિ કળાએ આપણી ઉપર લાંબી છાપ છોડી છે.