બુંદી ચિત્ર શૈલીનો અનહદ નાદ .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
કલાદર્શન અશક્ય-તો એનો પ્રસાદ ભલો!
કળાયાત્રા દ્વારા કળાની શોધ કરી એની ભવની ભૂખ ભાંગવા દરેક જણ ન જઈ શકે પણ રસિકો એ કળાથી વંચિત ન રહી જાય એ માટે વડોદરાના એક સંવેદનશીલ કળાચાહક સાચા અર્થમાં કળાપ્રવાસી બની નીકળી પડે - ખભે કેમેરા, ઝોળામાં ડાયરી અને પેન લઈને ! પછી અવતરે તસવીરોયુક્ત નોંધપાત્ર, ઝીણી વિગતોવાળું નિરીક્ષણ - તેનું બયાન. તેનું રસભર સાહિત્ય - જેમાં ઠલવાય એમનો અધ્યાપકનો આત્મા-કવચિત્ પુસ્તક સ્વરૂપે તો વળી ક્યારેક ચર્ચા-વિચારણા રૂપે અને મંથન પછી નીતરે તેમાંથી નવલાં નવનીત ! શ્રી પ્રદીપભાઈ ઝવેરીના મહામૂલા એ ફાળાનું મહત્ત્વ તો જાણે અને સમજે કળાકારો, સાહિત્યકારો અને સૌ રસિકજનો ! દેશની પશ્ચિમે ગુજરાતની સાથે સીમા વહેંચતા એવા રાજ્ય રાજસ્થાનની મૂડી સમાન ત્યાંના લઘુચિત્રો અને ભીંતચિત્રોના વિશ્વમાં ભ્રમણ અને રમણ કરવાની તક ઝડપીને આપણેય કળા ઓવારે ખોબલે ખોબલે કળાજળ અંજલિમાં ભરી, એનાં રસઘૂંટ ગળી સંતુષ્ટ થઈ કળા તેજ થકી પ્રદીપ્ત થઈએ ! રાજસ્થાનના નગર કોટાની નજીક ''બુંદાકી નાલ'' નામની એક સાંકડી ખીણ એને બાથ ભરીને બેઠેલું એક નાનું ગામ - તે કહેવાયું ''બુંદી''. છેલ્લા મીના દાદા બુંદા પાસેથી રાવ દેવાએ આ પ્રદેશ ૧૩૪૨માં હાંસલ કરી જીતી લીધો અને એ ''દેશ''ને નવું નામ મળ્યું. ''હરાવતી'' એની ઉપરથી ''હડોટી'' તરીકે જાણીતા એ વિસ્તારના રાજાઓની ''બુંદીના રાવ'' તરીકેની ઓળખ ચાલુ રહી. તત્સમયે ''ધી મુઘલ'' અને પછીથી બ્રીટીશર્સ આ સ્થળ પર હાવી થવા છતાં તેમનું સ્વતંત્ર પ્રિન્સલીસ્ટેટ અરવલ્લીની પર્વતમાળાઓમાં ૧૯૪૭ સુધી અક્ષુણ્ણ રહ્યું.
વિસ્તાર બુંદી અને ચિત્રશૈલીય બુંદી.
બુંદી વિસ્તારમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોની ખાસ્સી બોલબાલા રહી. બન્ને કળાક્ષેત્રે એને પ્રસિદ્ધિ સાંપડી. વિશ્વસ્તરે બુંદીને એની આ કળાસાધનાને બળે ઓળખ મળી છે. રંગની સ્પષ્ટતા અને સાદ્રશ્ય વિષય પસંદગીને કારણે આ વિપુલ ખજાનો આજની તારીખે પણ ઉત્સુકોને આકર્ષે છે. સદ્નસીબે ચિત્રો પ્રમાણમાં હજી સારી પરિસ્થિતિમાં ''જીવે'' છે. બુંદીના ''ઉમ્મેદ ભવન''ની કલાવીથિકા (આર્ટગેલેરી) ચિત્રશાળામાં કલાકૃતિઓનો સમૃદ્ધ ખજાનો માંણવા મળે એ તો આપણાં સદ્નસીબ છે પરંતુ એ ઉપરાંત આખાય પ્રદેશમાં જે સ્વયમ્ સંપૂર્ણ સ્થાપત્યો છે એના દેહ પણ કળારંગે રંગાયેલા છે. અહીંનાં ચિત્રોમાં જે નિરૂપણ થયેલું છે તે અહીંના રાજાઓ અને તેમના વારસદારોએ સાચવી રાખ્યું છે. રાવ ઉમ્મેદસિંહે સર્વધર્મ (નિરપેક્ષ) અને પવિત્ર પેઇન્ટિંગ્ઝ વડે ગઢ પેલેસની દીવાલોને સુશોભિત કરી છે જેમાં ચિત્રશાળા સામેલ છે. અહીં સંગ્રહિત બુંદી સ્કૂલ (શૈલી) ઓફ મિનિયેચર પેઇન્ટિંગ્ઝ (લઘુચિત્રો) અતિમહત્ત્વની શૈલીઓમાંની એક છે. જેને રાજસ્થાનની શૈલીનાં ચિત્રો તરીકે પણ માન મળે છે. આ કળામાં મુઘલ અને ડેક્કન (દક્ષિણી) કળાનું સંમિશ્રણ છે. બુંદી શૈલીનાં એ અગત્યનાં અદ્વિતીય તત્ત્વો છે - લક્ષણ છે. બુંદી શૈલી ૧૬મીથી ૧૯મી સદી સુધી જીવંત રહી. ૧૮મી સદીમાં તે ઉન્નત શિખરે બિરાજી. ૧૫૫૪થી ૧૫૮૫ દરમિયાન રાવ સુરજનના રાજ્ય દરમિયાન આ શૈલીનો નોંધપાત્ર વિકાસ થયો. અનુગામી રાજવીઓ દ્વારા એ કળા વધુ વિકસી. આ ચિત્રકળામાં કૃષ્ણલીલા અને રસિક પ્રિયાનાં ચિત્રણ સર્વશ્રેષ્ઠ સાબિત થયાં. તેમાં ગતિ આવી અને અન્ય થીમ-વિષયમૂળ ઉમેરાયાં.
તસવીરો અને સાહિત્ય કરે કળાનાં રખોપાં
બુંદી શૈલીનાં લઘુચિત્રો અને ભીંતચિત્રોએ આવકાર્યજનક એકમેકનો હાથ સાહ્યો અને પ્રયોગાત્મક અંકનોએ જાદુ સર્જ્યો. લઘુચિત્રોનાં ''કોલાજ'' એક નવતર પગલું બની રહ્યું. પ્રત્યેક ચિત્ર સ્વતંત્ર છતાં એકમેકનું સાયુજ્ય સર્જાયું. વૈવિધ્ય તો જુઓ ! એમાં નાયક-નાયિકા ભેદ, બારમાસા, જનાના, શિકાર, રાજવીઓની શોભાયાત્રાઓ, હાથી યુદ્ધ રાજવી પ્રતિભાનાં રૂપચિત્રો આદિને છૂટો દોર મળ્યો. શતરંજની રમતવાળાં ચિત્રોનાં ભારે માનપાન ભાઈ ! જેટલા રાજવીઓ પુષ્ટિમાર્ગના અનુયાયીઓ હતા તેમણે સોળમી સદીમાં આચાર્ય વલ્લભાચાર્યજી સ્થાપિત પંથ અને વિચારધારાને અપનાવ્યાં. અહીંનાં ચિત્રોમાં આ મહાનુભાવો કૃષ્ણને અંજલિ અર્પતા દેખાયા. ચિત્રશાળા-ગઢ પેલેસમાં ચિત્રો સાંસ્કૃતિક અને રાજનૈતિક શુદ્ધ આચરણનાં મિશ્રણ સમાન હતાં. માનવતાના ધર્મને પણ અહીં સ્વીકારવામાં આવ્યો. આ વિખ્યાત બુંદી લઘુચિત્રોનાં લક્ષણો એ છે કે તેમાં પર્વતીય ક્ષેત્રો, ખળખળ વહેતી નદીઓ, ખીણ, વન્ય વિસ્તાર, લીલીછમ વનરાજી, સુંદર નિસર્ગ ચિત્ર (લેન્ડસ્કેપ) અને ચોમેર કુદરતી વાતાવરણની છાંટ અનુભવાય. ઝીણી વિગતો, ખનિજ અને વનસ્પતિજન્યરંગો, રત્નો અને શુદ્ધ સોના-ચાંદીના પ્રયોગો એની કેન્દ્રીય થીમમાં જીવ લાવે - જેનાં દર્શનનાં આપણે અનુરાગી - અભિલાષી છીએ....
લસરકો
બુંદી શૈલીનાં ચિત્રોમાં વાસ્તવિકતા અને કલ્પનાનો સંગમ છે. રાજસ્થાની હસ્તકલા સાથે એમાં પણ સંશોધન અને દસ્તાવેજીકરણને અવકાશ છે.
ભાવકોને ત્યાં કળારાણીનાં પુનિત પગલાં
વિશ્વમાં કોઈ દેશમાં ન હોય તેવો કલાવારસો આપણા ભારત દેશમાં છે. પ્રાચીન સમયથી ચાલી આવતી ચિત્રકલાના અનેક આયામોના પ્રદેશોમાં ઘૂમી વળીએ તો આખી જિંદગી ઓછી પડે એટલો ખજાનો આપણા જુદા જુદા રાજ્યોમાં સચવાયેલો પડયો છે. અલબત્ત, સમયનો લૂણો તો દરેક સજીવ-નિર્જીવને લાગે, છતાં હજી પ્રાચીન ભીંતચિત્રો અને લઘુચિત્રોનો સંપુટ તત્કાલીન સમયના ઇતિહાસના પરિણામ સમો આપણને હાથવગો છે. નરી આંખે તો એ કળા મા'ણવી ગમે જ, પણ જો પ્રત્યક્ષ શક્ય ન બને તો સંગ્રહાલયમાં સચવાયેલ, વ્યક્તિગત સંગ્રહમાં સચવાયેલ એ વારસાને આપણે પરોક્ષ રીતે અલગ અલગ માધ્યમમાં મા'ણી જ શકીએ. મૂળ ચિત્રો સંગ્રહાયાં હોય એવાં શ્રીસ્થળો ધર્મ-સ્થાનોથી સ્હેજે ય ઉતરતાં નથી. અનેક સંગ્રહાલયો એવાં છે જ્યાં મૂળ ચિત્રોની પ્રતો-લિથોગ્રાફી, સેરિગ્રાફી અને પુન: છપાયેલ નકલો મળી જાય. અલબત્ત, મૂળ કળાની ઝાંખી કરવી એ અનુપમ લ્હાવો છે અને એની અવેજીમાં જો કોઈએ એની તસવીરો પાડી હોય તો તે પણ રસિકો માટે તો અમૂલ્ય જ છે. હા, યાદ છે ને દક્ષિણ ભારતના મહાન રાજવી અને ચિત્રકાર રાજા રવિ વર્માએ મોટું મન રાખી પોતાનાં ચિત્રોની નકલ કરાવી એને ઘરે ઘરે પહોંચતી કરી, કળાની અદ્વિતીય સેવા કરી હતી ! કળાનો પ્રચાર અને પ્રસાર પ્રત્યેક ઘરે સંસ્કૃતિ અને સંસ્કારની લ્હાણી કરાવે એવી રૂડું બીજું શું હોઈ શકે ?