Get The App

કોપેશ્વર મહાદેવ : રૂઠયા કે રીઝ્યા? .

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
કોપેશ્વર મહાદેવ : રૂઠયા કે રીઝ્યા?                                         . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

શિવજી અને વિષ્ણુજીનો દુર્લભ સુમેળ

હા, ભારતના આ એક માત્ર મંદિરમાં બન્ને પૂજનીય દેવતાઓ એક સાથે બિરાજે છે. સ્વર્ગદ્વાર મંદિરમાં અને મંડપમાં. બન્ને જગ્યાએ માનવને દર્શન દે ! આ સ્વર્ગ મંડપમાં ભોંય પર શ્યામલ ખડક-પાષાણનો બનેલો સંપૂર્ણ ગોળાકાર, દળદાર અંશ છે જેનું માપ ઉપરના ખુલ્લા ભાગની સમકક્ષ છે. કલાકારો, નૃત્યકારો, નાટયકારો, સાહિત્યકારો આજે પણ આ સ્થળે પોતાની કલા રજુ કરી નાટય અને નૃત્યના દેવ નટરાજને હૃદયભરી અંજલિ અર્પે છે ત્યારે ઉપસ્થિત સૌ સ્વર્ગીય આનંદનો અનુભવ કરે છે. અહીંની દીવાલો અને સ્તંભો પર જટિલ શિલ્પો કોતરાયેલાં છે. પ્રકૃતિ અને ઈતિહાસના પડદાથી ઢંકાયેલું છે આ છૂપું રત્ન. અહીં સ્થિત બાર સ્તંભો રાશિચક્ર અને તેની નિશાનીઓ ધરાવે છે. અહીં પૂનમનો ચન્દ્ર રાત્રે ૧૨.૩ મિનિટે દર પૂનમે ડોકું કાઢે છે તે આ સ્થાપત્યની નોંધનીય બાબત છે. અહીં બ્રહ્માંડીય તત્ત્વોની હાજરી અનુભવાય. દર મે માસની ચોથીથી આઠમી તારીખની વચ્ચે સૂર્યકિરણ ગર્ભગૃહના બન્ને દેવોને ઝળાંઝળાં કરી મૂકે છે ! બધું થઈને મંદિરમાં કુલ ૧૨૬ સ્તંભો છે એવો દાવો કરાયો છે. આખું મંદિર તારા આકારનો વૈભવ ધરાવે છે. બાહ્ય સ્તંભો શક્તિ અને સૌંદર્યનાં પ્રતીકો છે. કુદરતી તત્ત્વો, પૌરાણિક કથાઓ આ આદરણીય મંદિરને સૌંદર્ય બક્ષે છે. મનના શુદ્ધિકરણ સુધી પ્રેરી જાય અને તેનાથી મોહિત પણ થઈ જવાય. ખુલ્લા આકાશમાંથી પ્રભુ આશિષ વરસાવતા હોય એવી પ્રતીતિ થાય - અને મંચ સમાન દીસતો પેલો પથ્થર છે તેનું નામ છે ''રંગ શિલા'' ! જઈએ અંદર સભામંડપ તરફ : આ વિભાગ સ્વર્ગમંડપ સાથે જોડાયેલો છે. અહીં એક અદ્ભુત દ્વાર સ્તંભ છે જેની ઉપર મા સરસ્વતીના શિલ્પનો મુગટ મન હરી લે. અહીં પૂર્ણ કળશ પ્રતીકો અને દસ દ્વારપાળો છે. ગીચ અલંકૃત નકશી સામ સામા બ્રેકેટ્સ (મદલ) પર ચાલુક્ય શૈલીનો પરિચય કરાવે છે.

અદ્ભુત છાપ છોડી જતા સ્થાપત્યના આકાર-પ્રકાર

સભામંડપના ૬૦ સ્તંભો અને છત અહીં ત્રિસ્તરીય પધ્ધતિથી બનાવાયાં છે. અહીં છત આચ્છાદિત છે જેને કારણે ચોરસ આકાર સર્જાય - વળી બહારની દીવાલ સાથે તે દોસ્તીય કરે. અહીં અપૂર્ણ ચન્દ્રશિલા, દર્પણ અને કલાત્મક બુટ્ટાઓનો પાર નથી. મગર, મોર, નૃત્યકારો, દિવ્યતત્ત્વો, ગરૂડ, દેવી-દેવતા, વિષ્ણ, શિવ, સાધુઓ, ફળ-ફૂલ-પાન-વલ્લરી. જમણે પત્રલેખિકા કહેવાતી સૂરસુંદરી - કમર પથ હાથ રાખીને ઊભી હોય ! ટોડલા ઉપર ઉભેલી સુંદરી, ગારૂડી, મકરમુખ, અષ્ટકોણી, ત્રિકોણી છજાનું વૈવિધ્ય મળે. ભૌમિતિક રચનાનું બાહુલ્ય ચારે મંડપોને એકસૂત્રે વણી લે છે. અહીંથી ૧૩ ફૂટ ડાયામીટરનો સ્વર્ગમંડપનો દ્વાર પણ દેખાય. જે સ્વર્ગનો પ્રતીકાત્મક માર્ગ બતાવે. અહીંથી ગર્ભગૃહની ત્રિકોણી રચનાય દેખાય. સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય એવા આ કલાકર્મમાં મૂર્તિઓનાં પાત્રો એકમેકનો હાથ ઝાલતા લાગે, અભિસારિકા પગની પાનીમાં ખૂંચી ગયેલો કાંટો કાઢતી હોય - અને વળી પાલવ સરકી જાય ! અશક્ય કહી શકાય એવી કોતરણીની ભૂલભલામણી જેવી માયા આ સ્થળે બાળકોને પણ મોજ પડી જાય એવી કોતરણીમાં ભીમરડો, દોરી અને અન્ય રમતોનાંય અંકન છે. શિલ્પમાં શરીરના અદ્ભુત વળાંકો, મનોભાવ, મુખભાવ સુપેરે કોતરાયેલાં છે જે નિરખ્યા કરવાનું મન થાય. ત્રિકોણાકાર ભાસતા થાંભલા અને સંપૂર્ણ પરિવારોનાં શિલ્પો, ખૂણા-ખાંચરાવાળાં શિલ્પો હાજરી પૂરાવે છે. અંતરાલ કક્ષ આ ખંડોને જોડતી કડી છે. પ્રાચીન શિલ્પકલાનું પ્રમાણ અહીં છે જેમાં ''શિવલીલામૃત'' કંડારાયેલું છે. અર્ધવર્તુળાકાર છત હેઠળની ભીંત પર રામાયણ, પંચતંત્ર અને જૈન તીર્થંકરોનાં શિલ્પોને નમન કરવાનું મન થાય. આ વિભાગ પ્રાર્થના અને ધ્યાન માટે અનુરૂપ છે.

શ્યામ બેઝલ્ટ પથ્થર ઉપરનું પોલિશ જાણે દર્પણ !

ચતુર્થ અને અંતિમ વિભાગ છે ગર્ભગૃહ - જે આ મંદિરનો આત્મા છે. અહીં વિષ્ણુ ભગવાનને ''ધોપેશ્વર'' નામના શિવલિંગ સ્વરૂપે ઓળખ મળી છે. બન્ને ઉત્તર બાજુએ દ્રષ્ટિ કરતા હોય એવું લાગે. ''દેવકુષ્ટ'' નામના શિલ્પમાં માણસના હાથમાં પોપટ (શુભ સંકેત)ની નકશી છે. માતૃકા ભાવ વાળી સ્ત્રી, ધન્વતંરી, કળશ, યુદ્ધ કરતી સ્ત્રીઓ, અન્ય દેશોના વેપારીઓ, લોલક વાળા ટોડલા, જાળી, સુંદર ભાત સહિતની કમાનો, મંદિરોની લઘુ આકૃતિઓ, ગાયનવાદન કરતા પાત્રો, નૃત્ય કરતા ગણેશ, બે હાથીઓ વચ્ચે ગજલક્ષ્મી, વિષ્ણુ-લક્ષ્મીનાં શિલ્પો ઉપરાંત પ્રભુ પરિવારો ભૂલ્યા ન ભૂલાય એવા છે. ખૂબસૂરત કમળભાત, ગૌમુખ જેવી બારીઓ અને હરિહરની મૂર્તિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. મંદિરની બહારની ભીંત પરની ભાત અને આંતરિક શોભા - શું જોવું તે પ્રશ્ન. ''હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલાં વખાણું'' જેવો ઘાટ થાય. ઉપરોક્ત ચારેય વિભાગો મંદિરનાં હૃદયસ્થ ભાગો છે. આંતર સંબંધથી જોડાયેલા આ ચારેય ભાગ ગગનના સિતારા જેવી નોખી ભાત ધરાવે છે. અરે ! સ્થપતિઓ અને રાજાઓની ઉજળી બાજુ જુઓ ! વધેલા પથ્થરમાંથી અહીં નગારખાનું પણ બનાવ્યું છે જ્યાંથી ઢોલ-નગારાંની ગૂંજ આકાશ સુધી પહોંચતી. આ મંદિર બહાર પાયા અને જગતીને આવરી લેતી ૯૬ હાથીઓની સવારી હતી જેમાંથી અનેક ખંડિત છે. એ ગજપદ (પટ્ટો) આનંદ આનંદની અનુભૂતિ કરાવે. ગોળ ફરતી - સાવ નોંખી આકૃતિઓ આપણને કલારસથી ભીંજવી દે. દરેક અદ્વિતીય કલાત્મક રચના સાથે દિશાઓના વાલી અષ્ટદિક્પાલ આજે પણ મંદિરના રક્ષણ માટે કટિબદ્ધ છે. કીર્તિમુખ આંગણામાં સૌને આવકારે. કાળ ભૈરવને સૌ નમન કરે.

લસરકો :

કોપેશ્વર રૂઠયા પછી રીઝ્યાનું કારણ - સંમોહિત કરતી વૈવિધ્યપૂર્ણ કલાત્મક અભિવ્યક્તિ અને દ્રશ્યકળાની મિજબાની.

શિવજીનો કોપેશ્વર અવતાર - છે તો કલાવતાર!

ખિદ્રાપુર કોપેશ્વર મંદિર અનેક રીતે અન્ય મંદિરોથી જુદું પડે છે. કર્ણાટકની કન્નડા ભાષામાં પણ ''કોપ'' એટલે ''ક્રોધ''. દંતકથા અનુસાર આ ગામનું નામ પણ ''કોપ્પમ'' હતું. ખેર ! મંદિરની ખાસિયતો જ એને અલગ દરજ્જો અપાવે છે. મંદિરની અંદર અને બહાર બારેક શિલાલેખો મળે. બે-ત્રણ સુવાચ્ય છે જેમાં અનેક રાજાઓનાં નામોલ્લેખ છે. માત્ર એક શિલાલેખ સંસ્કૃતમાં છે. બાકીના બધા કન્નડામાં છે - જે વિવિધ પ્રવેશદ્વારો પર મોજુદ છે. હા, કાળની થપાટ એને લાગી છે, પરંતુ મંદિરની સ્થાપત્ય શૈલી અટલ રહી છે. તે છે 'વેસારા' શૈલી. કેદારનાથની જટિલ શૈલીની યાદ અપાવતી રચનાઓ અહીં વિવિધ ભાત દ્વારા વર્ગીકૃત કરાઈ છે. મોઢેરા જેવું બાંધકામ જગતી (પ્લિન્થ)માં જણાય. કર્ણાટકની 'બદામી' ગુફા ચાલુકયે બંધાવેલી તેની અસર, હોયસાલા, હળેબીડુ અને ચિન્ના કેશવા મંદિરની છાયા પણ અહીં વરતાય. પ્રસ્તુત મંદિર બાંધણીની દ્રષ્ટિએ ચાર ભાગમાં વહેંચાયેલું છે. સાથે સાથે સ્તંભો અને અંદર-બહારની ભીંતો પર જે કળાકર્મ છે તે જાણે કે એકમેક સાથે હસ્તધૂનન કરી તાલમેલ સર્જે છે. મંદિર પ્રવેશ કરતાંવેંત જ એક અનુપમ ઝાંખી થાય છે તે સ્વર્ગમંડપ : એને દ્વારમંડપ, દેવડી અથવા ઓસરી પણ કહેવાય. પ્રથમ પગલે જ ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં ઉપર ગગન વિશાળનાં દર્શન થાય. જાણે કે પાયામાંથી મજબૂત-૪૮ શક્તિશાળી સ્તંભો ઉગ્યા હોય એવું લાગે. હાથેથી કોતરેલાં અને નકશી કામના બેનમૂન સ્તંભો છતને ટેકો કરે છે. ગોળ ફરતે ગણેશજીની અસંખ્ય મૂર્તિઓ, કાર્તિકેય સ્વામી, રાજા કુબેર, યમરાજ આદિ તેમના વાહન સહ દેખાય. મંડપ મધ્યે ઊભા રહી કુદરતી તત્ત્વો-પ્રાણી પંખી-મોર, હાથી ઈત્યાદિ ઉપરાંત ભગવાન બ્રહ્મા દીવાલ પર ડાબી બાજુએ મંડપના દ્વાર નજીક દેખાય અને એની સીધમાં ગર્ભગૃહ મધ્યે શિવલિંગ- કોપેશ્વરનાં દર્શન થાય ! સાથે વિષ્ણુજી પણ હોય બિરાજમાન!