Get The App

ચોંસઠ જોગણીઓનાં શિલ્પચિત્રો .

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ચોંસઠ જોગણીઓનાં શિલ્પચિત્રો                       . 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

વાસ્તવિકતાની સાથે સાથે કલ્પના વિહાર

આદિકાળથી નારીસહજ પવિત્રતા જાળવીને બેઠેલી ચોંસઠ જોગણીઓ, સાંપ્રત સમયમાં પણ કઈ રીતે પ્રસ્તુત છે તેનું મંથન કરતાં એવું લાગે કે એ શક્તિ સર્જનહાર છે. પાલક-પોષક છે અને આપણા અસ્તિત્વમાં એ બધાં તત્વોને સુપેરે તબદીલ કરે છે. ભારતની આધ્યાત્મિક, તાંત્રીક પરંપરા મુજબ ચોંસઠ જોગણીઓ શક્તિસ્વરૂપા દેહયષ્ટિ ધરાવે છે. તેમનામાં બ્રહ્માંડીય બુધ્ધિમત્તા, સર્જનાત્મકતા અને સર્વત્ર શક્તિરૂપાંતરની ખૂબી છે. પ્રત્યેક યોગિની એક મૌલિક, નોંધપાત્ર નારીગત ડહાપણ-પ્રેરણા ધરાવે છે. એ શક્તિ દુઃખ ઉપર શીતળ લેપ લગાવે, વિનાશ થાય તો પુનઃ સ્થાપન અને અતિક્રમણ કરવાની શક્તિ ધરાવે છે. જે આધ્યાત્મિક છે અને તે પવિત્ર ગણાય છે. મા જાણે કે મનુષ્ય અને બ્રહ્માંડીય શક્તિનો નકશીદાર નકશો બનાવે છે. આવાં પવિત્ર માતૃશક્તિ મંદિરોની શ્રદ્ધાપૂર્ણ મુલાકાત લીધા પછી કોઈ કલાકાર જ્યારે એ મૂર્તિઓનું ચિત્રમાં રૂપાંતર કરે ત્યારે પ્રત્યેક વ્યક્તિમાં સ્ત્રી અને પુરુષની સંયુક્તશક્તિનો અનુભવ થાય. નારીમાં રહેલી સ્થિરતા અને ડહાપણ સંતુલન સાધવા માટે ખૂબ જ આવશ્યક છે. ઉપરાંત એનામાં સમાનુભૂતિ અને તાદાત્મ્ય, સર્જનાત્મક અને આંતરિક તાકાત છે એને પણ એ બહાલી આપે છે. અલબત્ત, શક્તિનું  એ અવતરણ પવિત્રતા સાચવીને માનવના મનોજગતમાં વિહરે છે. કેરલમ્ના કલાકાર કળા-સંસ્કૃતિનાં ચાહક, ઉદ્યોગ સાહસિક, સમાજ સેવિકા, લેખિકા,ફિલ્મ મેકર ડો. બીના ઉન્નીકૃષ્ણને  ભારતમાં ઠેર ઠેર ફરીને પ્રાચીન શિલ્પકળા અને ધર્મનાં તત્ત્વોને સાંકળીને સાંપ્રત ચિત્રકળામાં ઢાળવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વારસાગત આધ્યાત્મિક પરંપરાને આજની સંસ્કૃતિ અને નૂતન સંવાદમાં ચિત્ર દ્વારા રજુ કરવાનો તેમનો આ પ્રયાસ છે. દેશમાં દસ હજાર કિ.ંમીનો પ્રવાસ ખેડી આ ચિત્રો થકી રસિકોને એમણે જોગણીઓનાં શિલ્પદર્શન ચિત્રોમાં કરાવ્યાં છે.

આત્મસાક્ષાત્કાર કરાવે એવાં સાહસપૂર્ણ ચિત્રો

સ્વનામધન્ય યોગીનીઓનાં દર્શન કરતાં કરતાં બીનાજીએ 'અર્ધનારીશ્વર'ને પણ સલામી આપી છે. એમણે દેશભરમાંથી આવા પ્રાચીનમંદિરોની મુલાકાત લીધી અને મંદિરોને પરસ્પર વધાવ્યાં અને સરખાવ્યા. ઓડીશામાં ગામ હરિપુરની આસપાસનાં જોગણીઓના પ્રાચીન મંદિરે ગયાં. મધ્યપ્રદેશના જબલપુરના ભેડાઘાટ ઉપરનાં મંદિરનો અને મધ્યપ્રદેશના જ મોરેના જિલ્લાના મિતાવલિગામે આવેલ પ્રાચીન મંદિરનો તુલનાત્મક અભ્યાસ કર્યો. પ્રસ્તુત મંદિર અગિયારમી સદીનું છે જેને રાજવંશપુત્ર કચ્છપ ઘટે બંધાવ્યું છે. તે ગોળ મંદિરની પરસાળમાં રોમન શૈલીનાં સ્તંભો છે. તેમા લગભગ પાંસઠ ઓરડા છે. આ મંદિરની ઊંચાઈ સો ફૂટ છે જેના બંધારણ મુજબ તે વચ્ચેથી આકાશદર્શન કરાવે છે. એટલે કે તેમાં છત નથી. જબલપુર- નર્મદા ઉપરનું મંદિર પણ વર્તુળાકારે છે અરે હા ! મોરેના મંદિરના હરોળમય સ્તંભોની ડિઝાઈનનાં આધારે આપણા જૂના સંસદભવન (દિલ્હી)નું નિર્માણ કરવામાં આવેલું. ડો.બીનાએ કેનવાસ પર એકેલિક ઘેરા ઘાટા રંગોનો ઉપયોગ કરી વિશાળકદનાં પ્રથમ નજરે ઉડીને આંખે વળગે તેવાં ચિત્રો સર્જયા છે. દરેક ચિત્રમાં પ્રથમ તિલક કરીને આરંભ કરતા આ કલાકારે ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ જાળવી એમાં કલાત્મકતા નિરૂપી છે. ચિત્રો એકોકિત અને સંવાદ- બને રજુ કરતાં લાગે. વિવિધ રંગોના સંયોજનો દર્શકને રસીલી મિજબાની આપે. આપણે તો ભાઈ, નમૂના દાખલ ચિત્રોને માંણીએ અને કલાકારનાં મનોજગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરીએ. 'અર્ધનારીશ્વર' ચિત્રથી પ્રારંભીએ. પુરુષ-પ્રકૃતિ, શિવ-પાર્વતીને ભૂરા-પીળા રંગથી ઉભી લીટીએ જુદા પાડયા છે. એમના જુસ્સાદાર લસરકા રંગને વધુ બોલકા બનાવે અને દરેક ચિત્રમાં મુખ્ય 

પાંત્રના ચહેરા પર અભિવ્યક્તિની રેખાઓ છવાયેલી લાગે. પશ્ચાદ્ભૂનાં રંગો પણ ઘેરાં પણ 'ગોડી' નહિ. સહ્ય ! પ્રત્યેક પાત્રની આંખ તેજસ્વી અને એ આપણી આંખમાં જુએ ! પાત્રોનાં 'મેક અપ' અને 'પ્રોપર્ટી' પણ અનોખા ! શિવ એટલે જટાં, ચંદ્ર, સાપ, રૂદ્રાક્ષ- આ બધું જ કથ્થઈ, સફેદ અને ગુલાબીમાં શોભે.

શક્તિની શક્તિને સરળતાથી સમજવાની શક્તિ શક્તિમાં છે ?

ઓડીશા જોગણી ચંડીમાતા ત્રિભંગમાં ઉભા અસ્મિ શક્તિ ધરાવતાં 'દૈવી મહાત્મ્ય'નાં મુખ્ય દેવી છે. શ્યામવર્ણ, ભયનિવારક, શુભને સાચવનારા ડમરૂ, ત્રિશૂળ, મુંડમાળ, તલવાર, સાપ, બાર હાથ વાળાં તેઓ પીળા, કથ્થઈ, ગુલાબી, લાલ રંગમાં શુભકારી લાગે. રંગોમાં વીજળી ચમકે. કમળ, કેશકલાપ પ્રભાવી ! તીક્ષ્ણ આંખો નજર માંડતી લાગે. યોગિની તારા બૌદ્ધ દેવી-મહાકાળીનું સ્વરૂપ છે. તે સમય અને મૃત્યુની દેવી ગણાય છે. પીળું વ્યાધ્રચર્મ કલાકારની ઝીણી સૂઝ સૂચવે. દેવી તારાએ શિવજીને ખોળે લીધેલા. આ દેવી બોધિસત્ત્વનું નારી સ્વરૂપ છે. જ્ઞાન પ્રકાશને કારણે તેઓ 'સરસ્વતી' તરીકે પૂજાય. જોગણી નર્મદા હંમેશા વહેવા આતુર. જેવી નર્મદાની ગતિ એવી જ ડો.બીનાની શાંતગતિ વહેણરૂપે વહેતી લાગે. જાણે કલાકાર હાથમાં માટી લઈને ઘડતાં હોય એવું લાગે ! આ નદી શિવના પરસેવા તરીકે ઓળખાય. અમરકંટકના પર્વતોમાંથી લસરતી આ નદીની સંતાકૂકડી આ ચિત્રમાં કલાકારના મન, હૃદય અને આંગળીઓમાંથી સરકી હોય એવું લાગે. રંગોની ઝાંય પણ સરિતાજળ સમ મીઠી અને ઠંડક આપતી હોય તેવી ! રમતિયાળ આ નદીના ચિત્રમાં રેવા શુધ્ધ વાદળી, પીળા, લીલા રંગનો અંચળો ઓઢે છે.

જોગણી વારાહી એટલે વરાહ (ભૂંડ)નું નારી સ્વરૂપ શક્તિશાળી હિંમતનો અવતાર. વાદળી રંગના સ્પર્શથી કલાકારે સરળતાથી રંગપૂરણી કરી છે. આ આદિવાસી નારી વંદનની અધિકારી યોગિની વિધ્યવાસિની મા દુર્ગાનું સ્વરૂપ અને મોક્ષદાત્રી. વિંધ્ય પર્વતની અધિષ્ઠાત્રીને કલાકારે કુદરતી વાતાવરણમાં નિરૂપીને રંગ ઉજાણી કરાવી સર્વે દેવીઓની પવિત્રતા સાચવી છે.

લસરકો

ચોંસઠનો આંકડો અદ્વિતીય : ચોંસઠ પારંપરિક કળા, માનવના ડી.એન.એમાં ચોંસઠ ત્રિઅંકી સંકેત, માનવ શરીરમાં ચોંસઠ મર્મસ્થાન અને તત્વો વિજ્ઞાન- ફિલસૂફીનાં ચોંસઠ તત્વો, ચેસના ચોંસઠ ચોકઠાં. ઇત્યાદિ.

દેશભરમાં દર્શન દેતી ચોંસઠ જોગણીઓ

શ્રદ્ધા, સેવા, દર્શન પ્રવાસ, મંદિર સ્થાપત્ય, મુખ્ય મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહ, પરિક્રમા, ઇતિહાસ, પુરાણો, વેદ, મહાકાવ્યો, વિવિધ શાસ્ત્રો, વિધિવિધાન આદિનો સરવાળો જ્યારે એક વિશાળ પિંડમાં રૂપાંતરિત થાય ત્યારે બ્રહ્માંડનું મહત્ત્વ સમજાય કે ન સમજાય. પરંતુ પરસ્પર પ્રેમ, સૌંદર્ય, આનંદ અને કળાની અણસાર જરૂર આવે. આમ તો ભારતદેશમાં ધાર્મિક સ્થળોનો તોટો નથી અને તે દરેકનું અલગ મહાત્મ્ય છે. વિવિધ પ્રકારની શૈલી અને બાંધણીને કારણે એ હૈયે પણ વસી જાય છે. વળી, દેવી-દેવતાઓનાં નામ, સ્વરૂપ, મહત્ત્વ મુજબ એ બંધાય સ્થળોના ભૌગોલિક છેડા મળે ન મળે. પરંતુ આસ્થિકતાના અંશો એ દૂર-સુંદર વસતા લોકોને એકસૂત્રે બાંધે અને ધર્મસ્થાનો પણ ઇષ્ટદેવની જેમ ભાવિકોનાં હૈયે વસી જાય. પછી વારો આવે સરખામણીનો એની ચર્ચાઓનનો, એનાં વર્ણનોનો અને એના ચમત્કારોનો, હા દેવી દેવતાઓનાં નામ અને સ્વરૂપગત ઓળખ અનુસાર જે-તે સ્થળે મંદિર સ્થાપત્યમાં પણ વિવિધતા જોવા મળે પણ અંતે તો આસ્થા જ જીતી જાય ! પ્રકૃતિ અને પુરુષના ઐકયમાં માનતા આપણે ભારતીયો પ્રકૃતિને માતૃસ્વરૂપે જાણીએ, માનીએ અને પૂજીએ છીએ ત્યારે ચારે ખૂણે પ્રસરેલી એની કળાને પણ વંદન કરીએ છીએ. એની સાથે સાથે કેટલી બધી પ્રતીકાત્મક કળાઓને એની સાથે જોડી દઇએ છીએ ! એ પ્રકૃતિનું બીજું નામ શક્તિ છે. એ નારીલક્ષી વારસાનું જતન, મનન અને ચિંતન કરતા મંદિરોનાં સ્થાપત્યો તો બહુમૂલાં-અનેરાં છે જ પણ એમાં વસતા ચોંસઠ જોગણીઓનાં શિષ્યો-એમની પ્રતિમાઓ પણ અલભ્ય- બેમિસાલ છે.