બેજોડ બે રે. સ્ટે. : પોંડિચેરી-જયપુર .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- ફ્રેન્ચ કૉલોનિયલ સ્થાપત્ય - સૌંદર્યખચિત
પ્રસ્તુત સ્ટેશન શહેર મધ્યે છે સાઉથ બોલેવર્ડમાં. પરાનું નામ છે સુબ્બિયાહ સલાઈ. પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર સમાન અનેક મંદિરો, ચર્ચ અને સ્થાપત્યો અહીંથી નજીક છે. 'સંકરાપરાની' નદી કાંકરી ચાળે છે. આ શહેર ફ્રેન્ચ કૉલોનિયલ સ્થાપત્ય માટે મશહૂર છે જેની ઝાંખી સ્ટેશન ઈમારતમાં પણ થાય છે. પ્રવાસી મિત્ર એવા આ સ્ટેશનની સુવિધાઓ લાજવાબ છે. સ્ટેશનના મકાનની બાંધણી વિશિષ્ટ છે. યુરોપિયન-ઈટાલિયન-રોમન
શૈલીના ગોળ સ્તંભોવાળું સફેદ સ્થાપત્ય પ્રભાવક છે. પ્રવેશે પહોળા ઊંચા સ્તંભોને ઊંચે છત મળે છે. સફેદ પીળા રંગની ઝાંય એની શોભા છે. મુખ્ય પ્રવેશદ્વારની બન્ને કોરે વધારાના બાંધકામની શ્રેણી છે. ૨૦૦૮માં મોટા પાયે એનું સમારકામ થયેલું. વચ્ચે પ્રવેશે સ્તંભાકાર ઊંચી પ્લિન્થ (જગતી) છે જે કુંભી ઉપર સ્થિત છે. સ્તંભો પર ઊભી રેખાઓ તેનો શણગાર લાગે છે જેની ઉપર આડા સ્લૅબ ટેકવવામાં આવ્યા છે. તેની ઉપર ઝીણી ફૂલપત્તીભાત નયનરમ્ય લાગે. પ્રવેશદ્વાર સન્મુખ હાથમાં મશાલ લઈને ઊભેલી સ્ત્રીનું આરસપહાણનું શિલ્પ સૌને આવકારો છે. તેના બન્ને હાથ ઊંચા છે. ઊંચા ઓટલા જેવા ચણેલા તુલસીક્યારા જેવા આકારના બેઠા ઘાટના સ્તંભ પર તે ઊભી અલંકૃત કરાઈ છે. તેનાં વસ્ત્રો પણ શ્વેત અને પાછળ સ્તંભો પણ સફેદ ગ્રેના સંયોજનમાં ભવ્ય લાગે છે. એને સ્થાનિકો અને પ્રવાસીઓ ''ટ્રાવેલર્સ એન્જલ સ્ટેચ્યુ''ના નામે ઓળખે છે. મુખ્ય પ્રવેશે યુરોપિયન શૈલીનાં બારી બારણાં અને ઈમારત ઉપર ઢળતા છાપરા-ધજા અને સ્તંભોની કુંભીનું દર્શન સરવાળે ભવ્યતમ લાગે ! છે ને સાવ અલગ સ્ટેશન ?
કેસરિયા બાલમ આઓને...પધારો મારે દેશ...
દેશના દરેક રાજ્યની અલગ અલગ ઓળખ છે તેમાં રાજસ્થાન એવું એક રાજ્ય છે જે રાજાશાહી ગૌરવ અને જીવનશૈલી સાથે આજે પણ જીવે છે. રાજસ્થાની રાજાઓની કલાપ્રિયતાના નમૂના જેવી અગણિત ઈમારતો આજે યથાવત સૌંદર્યમંડિત છે. આપણે આ રાજ્યની રાજધાની જયપુરના કલાના નમૂના સમ સ્ટેશને પહોંચી રહ્યા છીએ ત્યારે જાણીએ કે આ ''પિન્ક સિટી'' તરીકે ઓળખાતા રાજસ્થાનના સૌથી મોટા શહેરની સ્થાપના સવાઈ જયસિંહે ૧૮ નવેમ્બર ૧૭૨૭ ના દિને કરેલી જેનો એરિયા છે ૪૯૭ કિ.મી. મહેલ, કિલ્લા, બાગ બગીચા ફુવારા, સંગ્રહાલયોના રાજવી ઠાઠ આપણને ઠેર ઠેર દેખાય. ૧૯૫૬ માં મહારાજા સવાઈ માનસિંહે એને મઠાર્યું ત્યારે અહીંના સ્ટેશનને પણ સજીવન રાખવા તેનાં માનપાન વધાર્યાં. સ્ટેશનની મૂળ સ્થાપના ૧૮૭૫માં થઈ જે 'નૉર્થ-વેસ્ટર્ન રેલ્વે'માં ગણાયું. નવ પ્લેટફોર્મ અને સોળ પાટાજોડની સહાયથી આ ગુલાબી સ્વભાવનું ગુલાબી શહેર દેશ સમસ્ત સાથે સંપર્કમાં રહે છે. હા, જેટલો એનો વૈભવ વારસાગત રાજાશાહીને આભારી છે એટલું જ આધુનિક આ સ્ટેશન પણ છે અને શહેર પણ છે. પ્રવાસી સુવિધામાં કોઈ કચાશ નહિ. અહીં ફૂટબ્રિજ, લિફટ, એસ્કેલેટર છે, તો, પર્યાવરણના રક્ષણ માટે ૨૦૧૯ થી અહીં પ્લાસ્ટિક રિસાઈક્લિંગ થાય છે. સ્ટેશનનું સ્થાપત્ય સ્વાભાવિકપણે ગુલાબી છે, પણ સાથે સંયોજન સારુ સફેદ રંગનો સહારો પણ લેવાયો છે. વૈભવી મહેસુલના બાંધકામ આપણો ્સ્થાપત્ય વારસો યાદ કરાવે. અગાશી ઉપર કલાત્મક છત્રી સ્થાપત્ય ધરાવતું ગૉથિક બારી-બારણાંવાળું દ્રશ્ય અહીં સહજ છે. ભોંયતળિયે બારીઓ જાળીદાર અને ઉપરની ભીંત ઉપર બારી અને વળાંકદાર ભાતની ડિઝાઈન નોખી ભાત પાડે.
રેતિયા પથ્થરનાં સ્થાપત્યો ચિરાયુ હો !
બારણાં ઉપર જાળીદાર કઠેડા સાથે બાજુમાં અને ઉપર પણ કલાત્મક ગુંબજવાળી છત્રીઓ ગુલાબી-શ્વેત થીમ સાથે દેખાય. એ કઠેડા નીચે પાછા ચાર ગુલાબી મદલની હાર મળે ! મુખ્ય પ્રવેશદ્વાર પર પણ ગૉથિક બારીઓ, વર્તુળાકર ભાત સાથે છત્રીઓ દ્રષ્ટિગોચર થાય - જે ઝરૂખા જેવી લાગે... સળંગ આડા પટે આખી ઈમારત ઉપર છત્રીઓ હાજરી પુરાવે. આગળના ભાગે દીવાલની બહારની બાજુએ દીવાલને અડીને ગૉથિક શૈલીના અનેક ઝરૂખા, ગોખલા, નાના ગુંબજ અને કળશ શોભે. ગુલાબી ઉપર સફેદ જાળી સાતે ફૂલ-વેલ-પાન ભાત શોભે - વળાંકદાર અને આકર્ષક. અહીં નાનાં શિલ્પો, પાળિયા, ક્યારીઓ, વળિયાભાત, લકીરો લીલાછમ સજીવ ગુલમહોરને સંગ જીવંત લાગી ઉઠે. સ્ટેશન પરનો મોટો ગુંબજ ધ્યાને લઈએ તો ઉપરના કઠેડા ઉપર ફૂલપત્તી-વલ્લરી ભાત વડે કુંજા જેવો ઘાટ રહ્યો છે. વચ્ચે થોડી ભીંતભાત પીળાશ અને કથ્થઈ પડતા રંગવાળી નાની થાંભલીઓની રચનામાં હામી ભરે. વચ્ચે અવકાશમાં લીલાશ ડોકું કાઢે પણ હા, ગુલાબીનું વર્ચસ્વ ખરું જ ! ગુંબજ ગોળા ઉપર કમળપાંખડીની એક ઉપર એક પાંખડીઓની રચના. ગુંબજની ટોચે ડમરૂ આકારનો આધાર, ને તેની ઉપર કળશ. કુંભ- ગુંબજ પરનાં ઝરૂખા ઝીણી જાળીવાળી મુઘલ શૈલીને ઉજાગર કરે. ગોથિક બારીઓમાં કુંભ અને ભૌમિતિક ભાત. લંબગોળ કાંગરી ગુંબજ ફરતે ફરે. ઈમારતની બહારની બાજુએ પ્રસિદ્ધ હવામહેલનું ચિત્ર. પડખે કિલ્લો જેવો આભાસ. મહાકાય હાથીનું વૈભવશાળી ચિત્ર અને સ્થાનિક નારીઓનાં અંકન સાથે દીવાલ પર બુટ્ટાદાર-ફુલદાર ડિઝાઈન મનને તૃપ્ત કરે - જે રાજસ્થાનની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે.
લસરકો :
પારંપરિક અલભ્ય સ્ટેશન સ્થાપત્યોને નેત્રભરી નિરખ્યાં. ઘડીક પોરો ખાઈ અન્ય કળાઓનાં હૂંફાળા પોતને ઓઢશું ?
વિશ્વનું એકમાત્ર સ્ટેશન - બે મહાસત્તાઓનું સંયોજન
અહો આશ્ચર્યમ્ ! અહો વૈવિધ્યમ્ ! પાર નહિ એટલું સૌંદર્ય ભારતભૂમિ પર સોહે છે. પ્રશ્ન ફક્ત એની જાળવણીનો સતત રહે છે. અનેકવિધ હુમલાઓ અને આક્રમણોથી જેની છાતી ચિરાઈ ગઈ હતી એવી આપણી માતૃભૂમિના કલેજે ટાઢક ત્યારે વળી કે જ્યારે એની કાયા ઉપર કલાના અવ્વલ ક્રમના નમૂનાઓ એને શોભાવી રહ્યા. ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની એવી તો કમાલ ભારતમાતાના અંકમાં આવી પડી કે તે બધી કૃતિઓ એની ધરોહર થઈ પડી. અતિ ગૌરવાન્વિત એ પળો હશે જ્યારે માતૃભૂમિ મનોમન હરખાઈ હશે. ગરવાં અને કલાના પર્યાય સમા ભારતીય રેલ્વે સ્ટેશનોનો નઝારો દરેક ભારતીયનું ધ્યાન અવશ્ય ખેંચે. ચૌદિશ ઘૂમી વળ્યાં હતાં ને આપણે... તો આજે ફરીથી બે સ્ટેશનોએ મનની આંખો લઈ પહોંચી જઈએ. દક્ષિણ ભારતના તામિલનાડુમાં આવેલ પોંડિચેરી શહેરની ખાસિયતો સાથે તેના રેલ્વે પ્રવેશદ્વારને પણ પોંખીએ. પોંડિચેરીનું મૂળ નામ પુડુચેરિ. દરિયાના વૈભવ અને સ્થાપત્ય સૌંદર્ય સાથે અરવિંદ આશ્રમના સાધ્યાત્મિક સ્પર્શનો લાભ ત્યાં મળે તો જઈએ જ ને વળી ! ૧૪૫ વર્ષ પહેલાં ૧૬ ડિસેમ્બર ૧૮૭૯ માં પુડુચેરિ (પુડુશેરિ ઉચ્ચાર પણ થાય) જંકશન રેલ્વે સ્ટેશનનો પાયો નંખાયો. દેશના દક્ષિણ ઝોન રેલ્વેના તિરૂચિરાપલ્લી વિભાગમાં આવેલ આ સ્ટેશન રેલ્વે ટર્મિનસ છે. યુનિયન ટેરિટરી - એટલે કે કેન્દ્ર સરકાર હસ્તક આ સ્થળનો વહીવટ ચાલે. દેશની અનેક જૂની રેલ્વે લાઈનોમાંની એક આ લાઈન ફ્રેન્ચ અને બ્રિટીશ શાસનકાળમાં સંયુક્તપણે નખાયેલી. દક્ષિણ ભારતીય રેલ્વે અંતર્ગત આવેલ આ સ્ટેશનથી પુડુચેરિ બંદરને દેશ આખા સાથે જોડાયું છે. ફ્રેન્ચ-અંગ્રેજ મહાસત્તા વચ્ચે દુશ્મનાવટ હોવા છતાં જ્યારે આર્થિક વિકાસની વાત આવી ત્યારે તેઓ સંપી ગયા. ગરજના માર્યા બિચારા... છૂટકો ન્હોતો.