- રસવલ્લરી-સુધા ભટ્ટ
દ્વાર આપણાં સ્વજનોની રાહ જોઈ આપે છે
ભારત દેશમાં આવાં મહાકાય દ્વારો અનેક છે. દિલ્હીનો ઇન્ડિયા ગેટ, લખનઉનો રૂમિ દરવાજો અને મુંબઈનો ગેઈટ વે ઑફ ઇન્ડિયા એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ફત્તેપુર સિક્રીનો બુલંદ દરવાજો તો દેશની શાન છે. અમદાવાદ શહેર વસ્યું છે દરવાજોઓની અંદર. આમ, ભવ્ય ઇમારતોની શાન સમાન પ્રવેશદ્વારો જે તે સમયનો ઇતિહાસ સંઘરીને બેઠાં છે. જે સિમાચિહ્નરૂપ સ્મારકો તરીકે પંકાય છે. દ્વાર, કમાડ, બારણું, દરવાજો એક કોર વિશ્વદર્શન તો બીજી કોર આંતરદર્શન કરાવે છે. સ્વસ્તિકનાં શુકન સાથે એક સમયે ઉંબરા પૂજાતા. મુંબઈ શહેરના દક્ષિણ ભાગના દરિયા કિનારે કોલાબા, વિસ્તારમાં એપોલો બંદરે પર્યટકોનો પ્રિય વિરાટ 'ગેઈટ વે ઓફ ઇન્ડિયા' સૌથી વધુ વર્ષોથી અડીખમ ઊભો છે. બીજી ડિસેમ્બર-૧૯૧૧ના દિને બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ તેમનાં જીવનસાથી રાણી મેરી સહ પ્રસ્તુત બંદરે ઉતરેલા અને ત્યારબાદ દિલ્હી દરબાર ભણી જવાના હતા. એમના સ્વાગત સારુ ૩૧ મી માર્ચ ૧૯૧૧ થી ગેઈટ વે બનાવીને તેમના સ્વાગત અને ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી હતી. ભારતની મુલાકાત લેનારા એ પ્રથમ બ્રિટીશ રાજવી હતા. બાંધકામને વાર હોવાથી રાજાને પૂંઠાની પ્રતિકૃતિ (મૉડેલ) જ જોવા મળી. ત્યારબાદ ૧૯૧૫ થી ૧૯૨૦ દરમ્યાન એની સર્જન પ્રક્રિયા ચાલી. ૧૯૨૪ ના ડિસેમ્બરની ચોથી તારીખે માછીમારી માટે પ્રખ્યાત એ સ્થળે લોકાર્પણવિધિ સંપન્ન થઈ. દરમ્યાન અરબી સમુદ્ર અને જમીનના એ પટ્ટાની વચ્ચે કાળા બેઝાલ્ટ પથ્થરની દીવાલ ચણી લેવામાં આવી. ૨૬ મીટર ઊંચાઈ અને ૧૫ મીટર વ્યાસ ધરાવતી આ ધરોહર હવે ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાની દેખરેખ હેઠળ છે.
કમાડ વિશ્વદર્શન અને આંતરદર્શન બન્ને કરાવે
ભવ્ય ઇન્ડો-સાર્સેનિક સ્થાપત્ય શૈલી મુજબ બંધાયેલ આ પથ્થરના વિજય સ્તંભ સમાન ઇમારતની કમાનોમાં પ્રત્યક્ષદર્શીને દેશના ગુજરાતી શૈલીના સ્થાપત્યની પણ ઘેરી અસર દેખાય છે. હા, મુઘલ સ્થાપત્યની છાયા પણ એ સ્મારકમાં વરતાય. દરિયાનાં મોજાં અને ખારી હવાની લહેરખીને માણતાં માણતાં મુલાકાતીઓ ખાણી-પીણીની મઝા લે, હવે તો 'સેલ્ફી' અને એ પૂર્વે 'ફોટોગ્રાફી'નો વૈભવ હજુ આજે પણ અનુભવાય. સ્થાનિક નૌકાવિહાર સાથે એલિફન્ટાની ગુફા, અલીબાગ આદિ સ્થળોની મુલાકાતો પણ ઉપલબ્ધ ! ૧૯૧૪માં સ્કૉટિશ સ્થપતિ જ્યોર્જ વિટેટે બાંધકામની મિશ્ર શૈલી ઉપર મહોર મારી. આ સ્મારકમાં સ્થાનિક પીળા-મધ જેવા રંગના બેઝાલ્ટ પથ્થરનો વિનિયોગ કરવામાં આવ્યો છે. તત્કાલીન ગુજરાતી સ્થાપત્યનો પાશ તેના ઉપર જણાય છે. તે એક પ્રતીકાત્મક ઉત્સવી પ્રવેશદ્વાર છે ભારતનું ! પ્રસ્તુત વિરાટ દ્વાર દરિયે પીઠ કરીને શહેરે નિરખે છે. ૧૯૦૩માં બંધાયેલ તાજમહાલ પેલેસ હૉટલનું અદ્ભુત સ્થાપત્ય નયને ભરી લે છે. આ સ્મૃતિ કમાનો જાણે કે મુંબઈનો પર્યાય છે. આ લોકમેળાનું-લોક મિલાપનું સ્થળ છે. વિવિધ તહેવારો-ઉત્સવો, પાથરણાં બજાર, રોશની અને અનેક જેટ્ટીઓ આકર્ષણનાં કેન્દ્રો છે. પણ બધાં જ નાવિન્યની ઉપરવટ જઈને આ અણમોલ સ્થાપત્ય ભાવકોનું ધ્યાન ખેંચી રાખે છે. બાકી બધી ચહલ-પહલ પ્રવૃત્તિઓમાંથી પાછા વળીને
જો કાંઈક મેળવવું હોય તો તે છે આ પ્રમુખ દ્વારનાં દૂર... દર્શન... પણ મન એ સંરચનામાં પરોવીને જ હોં ! હા, પેલા પથ્થર સાથે બાંધકામ દરમ્યાન અહીં કોંક્રિટનો ઉપયોગ થયો છે. આ ઇમારત લંબચોરસ છે - આડે પટે. બે લાંબી બાજુઓ અને બે ટૂંકી. ત્રણ કમાનો પરસાળની લાંબી સાઈડે અને એ જ રીતે સિંગલ આર્ચ બે નાની બાજુ વચ્ચે પસાર થાય. ભારત-ઇસ્લામિક શૈલીની પ્રચૂર વિગતોમાં ગુજરાતી શૈલી ઓળઘોળ છે.
મુંબઈના મુગટનો એક મણિ તે આ દ્વાર
અમદાવાદની અને પાવાગઢની જામા મસ્જિદની જેમ અહીં પણ બહાર પડતી વિશિષ્ટ છટાઓ છે. મૂળ સ્થાપત્ય શૈલી અનુસાર એ અષ્ટકોણીય છે જેને આઠ સ્તંભો છે. જે વિજયકમાનોમાં વપરાયા છે. પેરિસમાં પણ આવી સ્મૃતિ કમાનો અનેક સ્થાપત્યોમાં જોવા મળી છે. મુખ્ય વચેટ દ્વારની કમાન ભીંત સોતા બે પાતળા સ્તંભો જડાયેલા નોંધાય. દરવાજાઓ ઉપર મુઘલ જાળીના પડદા રાજવી ઠાઠ-માઠ ભોગવે છે. આ જાળીઓ ગ્વાલિયરથી અહીં પધારી છે. કમાનોની પાછળ પગથિયાં છે. આ રચનાનાં સ્થપતિએ તળપદાં સ્થાપત્ય તત્વોનો પ્રયોગ કર્યો છે. જેમાં પથ્થર પર ગીચ ઝૂલ ભાત જોવા મળે છે. સોળમી સદીની ગુજરાતી સ્થાપત્ય કલાને જાણે અહીં સાંકળી છે - ગૂંથી છે. બન્ને બાજુના વિભાગોમાં વિશાળ ખંડો છે જેમાં ૬૦૦ માણસોને સમાવવાની ક્ષમતા છે. સ્થાપત્યના સ્પષ્ટ ત્રણ ઊભા ભાગોમાં બારસાખે બુટ્ટાદાર ફૂલપટ્ટીના વળાંકો પથ્થરનાં પ્રાણ પૂરે છે. ભૌમિતિક ભાત એની ઉપર લલિત વળાંકો-આકારો સર્જે છે. વચ્ચે અસંખ્ય મદલો શૈલીને સાચવે છે. સાઈડના બન્ને ભાગે 'મિરર ઇફેક્ટ' ડિઝાઈન દેખાય. સન્મુખ દેખાય બે નાજુક મિનારાઓ - જે શોભામાં અભિવૃદ્ધિ કરે. એની ઉપર ઊભી પાતળી રેખાઓ ગુજરાતી શૈલીની છડી પોકારે. મિનારાઓની કુંભીઓનું માન ભારે ! પાછળ પણ એવા જ મિનારા - જે મુઘલ શૈલીના છે પણ એની ઉપર નાનાં શિખરો હિંદુ શૈલીનો ભાવ રજુ કરે. ઉપરના કઠેડા અગાશીએ નાની છત્રી જેવા ભાસે ! ટોડલા, ફૂલ, કલાત્મકતાને સાતમે આસમાને પહોંચાડે. પરિક્રમા કરીએ તો કળાવર્તુળ પૂર્ણ થતું અનુભવાય !
લસરકો : ભલે રાજા પંચમ જ્યોર્જે આ સાચુકલું સ્થાપત્ય જોયું નહોતું પણ મૉડેલ દ્વારા ભારતની કળા-એકતાનાં દર્શન એમણે જરૂર કર્યાં હશે.
બારણું એટલે 'ભલે પધાર્યા'નું નજરાણું
કળાના અનેકવિધ પ્રકારોથી આપણે સૌ કોઈને કોઈ રીતે અવગત છીએ. પ્રત્યેક કળાના પેટા પ્રકારોથી પણ આપણે વાકેફ રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એમાંય સ્થાપત્યકળામાં વૈવિધ્યનો કોઈ પાર નથી. વિશ્વભરમાં નોખી-અનોખી ભાત અને છાપ ધરાવતા સ્થાપત્યો વિવિધ શૈલીના આધારે રચાયાં છે. પ્રત્યેક સંરચના પોતાના નોખા અંદાજમાં પેશ આવે છે ત્યારે કળાપ્રેમીઓ અને રસિકો 'વાહ' પોકારી જાય ! વળી, સ્થાપત્યનાં વિવિધ અંગો પણ આગવી છાંટ ધરાવતા હોય છે ત્યારે ચાલો, આપણે આંગણામાં રહેલાં બારણાંનું બહુમાન કરીએ. જ્યારે કોઈ ઇમારતની રચના થતી હોય છે ત્યારે એમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવા પણ બારણું તો જોઈએ છે. એની ડિઝાઈન, કદ, શૈલી, રંગ, ઝાંય, બારસાખ, ખીલ્લા, જાળી, સ્તંભ, કુંભી, મદલ, ટોડલા, ઉંબરા, બારણાં ઉપર થોભતાં નાનાં-મોટાં શિલ્પો, ભોગળ, આંગળા, સ્ટોપર, નકૂચા, કડા, સાંકળ, ફૂમતાં, વળિયાં, ખૂણિયાં, ડોકાબારી, તોરણ, દીપસ્થાન, ગોખ, અનેક પ્રકારનાં સુશોભનો ધ્યાનાકર્ષક હોય ! વળી એ ભૌમિતિક પણ હોય અને લાલિત્યપૂર્ણ તો ખરાં જ ! અન્ય એક રસપ્રદ નિરીક્ષણ ! ઇમારત વગર પણ દરવાજા હોય. ગામ પ્રવેશદ્વાર એનું જ એક ઉદાહરણ છે. તો પછી, મોટાં મેદાનોનેય પ્રવેશદ્વાર હોય. પોળ સંસ્કૃતિમાં 'ખડકી'માં પ્રવેશી ગૃહદ્વાર તરફ જવાય. એ ખડકીને પણ કમાડ હોય એ આપણી ભારતીય સંસ્કૃતિ હોય. ઉંબરો અને દ્વાર મર્યાદાનાં પ્રતીકો છે. એની બન્ને બાજુએ મર્યાદા લાંઘતાં જ જગત-જીવન બદલાઈ જાય. બારણાં અનેક રૂપકો લઈને આવે છે. ઉંબરો એટલે તો પૂજાય છે ! પ્રાચીન સમયમાં રાજા-મહારાજા-બાદશાહો વિરાટ દરવાજા બંધાવતા અને એની ઉપર તેમનાં રાજચિહ્નો કોતરાવતા.


