Get The App

લઘુચિત્રોના વિશ્વમાં બેશુમાર કળાવૈવિધ્ય

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
લઘુચિત્રોના વિશ્વમાં બેશુમાર કળાવૈવિધ્ય 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય, સાહિત્ય ઉપરાંત સંગીતમાં પણ ક્રાંતિ

નવયુગમાં એક અકલ્પ્ય ફેરફાર લોકપ્રિય થઇ રહ્યો છે. માત્ર વડીલોને વ્હાલાં ભજન-કીર્તન હવે 'ક્લબિંગ' તરીકે ઓળખાઈ વૈશ્વિક મંચને ડોલાવી રહ્યા છે તેવી જ રીતે પ્રાચીનકળા 'લઘુચિત્રો' પોતાનું કૌવત બતાવી જતાવી નવાં તાજગીપૂર્ણ, કૌશલ્ય પૂર્ણ કલાકારોના કાયાકલ્પમાં કળાની કલગી ઉમેરી મ્હાલી રહ્યાં છે. વળી, લઘુચિત્રોના વિષયોમાં ઉપરોક્ત કળાઓની માંડણી તેમાં પ્રાણ પૂરે ! અત્યંત આનંદ-અહોભાવની અનુભૂતિ કરાવીને લઘુચિત્રો આજે પણ પ્રસ્તુત છે. પ્રાચીન ચિત્રો પાસેથી પ્રેરણા લઇ વર્તમાન યુવા કલાકારો આ કળાને કલાત્મક વાઘા પહેરાવી નવાં સ્વરૂપની ઝાંખી કરાવે એનાથી રૂડું બીજું શું હોઈ શકે ? એ ચિત્રોના પાટોત્સવની ઉજવણી ત્યારે સાર્થક થાય જ્યારે એમાં ઉપસ્થિત રૂપચિત્રો કુદરતી દ્રશ્યો, પશુ પંખી, સ્થાપત્ય, દરબાર આદિમાં નવી જડી બુટ્ટીઓ થકી જીવ આવે ! ચિત્રોના માધ્યમ કાગળ, કેનાવસ, વગેરેની ગુણવત્તા હવે બદલાઈ છે. નવા રંગો જૂના દિ'ના સંસ્કારો યાદ કરાવે અને જૈવિક (ઓર્ગેનિક) રંગો વધુ ચળકાટ સહિત રૂપચિત્રો (પોર્ટેઇટ) અને અન્ય પાત્રોને સુપેરે ઉપસાવે ! ગરવી ગુજરાતનો જય જય કાર કરનારા કવિ વીર નર્મદ, ઋજુ શબ્દાવલિ રચનારા કવિ ભગવતીકુમાર શર્મા અને કળાકાર કસબી વાસુદેવ સ્માર્તના શહેર સૂરતમાં નવવધૂ તરીકે પગલાં પાડી ત્યાં જ નિજનો અને કળાનો ઉદય જોનારાં રાજસ્થાનના ઉદયપુરનાં દીકરી મોનિકાએ તાપી કાંઠે ચિત્રકળા યજ્ઞા સમિધ/કુંડમાં રંગ-રેખાનાં સમીધ ઓર્યાં અને તપ આદર્યાં. પિતા-ગુરુ શ્રી ઇન્દ્રવદન શ્રીમાળીની નિશ્રામાં કાચી વયથી ચિત્રકળાનો કક્કો ઘૂંટયા પછી નાનપણથી વસ્ત્રાલંકારનાં રેખાચિત્રો દોરતા મોનિકાબહેને ગુરુજી શ્રી સુરેશ ચૌધરી પાસેથી લઘુચિત્રોની સઘન તાલીમ મેળવી હતી. મહિયરમાં બાળવયે રેખા લસરકા ઉપર, રંગછટા ઉપર જેમનો લઘુ/હાથ બેઠો એ મોનિકાબહેનને લઘુચિત્રોની કેવી પરખ છે એ તો એમના કામને નિરખીએ ત્યારે જ થાય ને !

'નાનો પણ રાઈનો દાણો' જેવાં સ્વયંસંપૂર્ણ લઘુચિત્રો

પહેલી અને અગત્યની વાત તો એ કે પ્રસ્તુત કલાકારે કોઈ એક શૈલી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એવું નથી. આ મિનિયેચર ચિત્રકલાની વિવધ શૈલીઓ છે જે સ્થળને અનુલક્ષીને છે. કાંગડા, મુઘલ, રાજપૂત, મેવાડ, બુંદી, કોટા, પહાડી ઇત્યાદિ. આ પ્રાચીન શૈલીને વધુ સ્પષ્ટતા અને ઉઘાડ એમણે જરૂર આપ્યા છે પરંતુ તેના બંધારણ, નિયમો કે શૈલીમાં કોઈ બાંધછોડ નહિ. વિષયપરસ્ત એવાં કે નકારાત્મક વિષયોને એમણે ત્યજ્યા છે. શિકાર, યુદ્ધ, ખાનાખરાબીની બાદબાકી કરીને મોનિકા બહેને હિમાલયના ખોળામાં વસેલાં ગામોની ગુલેર, બસૌલી, ચંબા, નૂરપુર, બિલાસપુર, મંડી, સુકેત, કુલુ અને તહેરી ગઢવાલ સુધીની કલાનો અભ્યાસ કર્યો છે. આ બધી શૈલીઓને રાજપૂત વંશો દ્વારા રાજ્યાશ્રય પ્રાપ્ત થયેલો છે. વધતે ઘટતે અંશે આ પહાડી કલાઓ ઉપર કાંગડા શૈલીની મહત્તમ અસર છે. આ શૈલીમાં શૃંગાર રસનું પ્રાધાન્ય છે. 'ગીતગોવિંદ' ગ્રંથ પર અને ભક્તિચળવળ યુગ પર પુરાણો અને રાધાકૃષ્ણની લીલાનો પ્રભાવ છે તેને મોનિકાબહેને પીછાણીને નિરૂપ્યો છે. વનરાજી તો અદ્ભુત વણી લીધી છે. નાયિકાઓની મુખ મુદ્રા અને નાક, આંખ જેવા નાજુક તીણાં અંગોને એમણે વધુ ન્યાય આપ્યો છે. કુદરતી રંગો ચિત્રોમાં ઊર્મિકાવ્યો રચે ! તેનાં સ્વરૂપ અને અંગ ઘેરા ઝગમગતા રંગોથી ઉઠી આવે. ઝીણી વિગતો અને લગણીઓનાં પ્રતિબિંબ એમની ખાસિયત છે. મુઘલ અને પર્શિયન આર્ટને આ અદના કલાકારે 

વાસ્તવવાદમાં નિરુપી યુરોપિયન ટેકનિકસનો સ્પર્શ આપ્યો છે. એમની કળામાં ભારતીય અને ઇસ્લામિક કળાનું પણ નજરાણું હોય ! શૈલીઓનાં સંમિશ્રણમાં બાદશાહ અકબર અને જહાંગીરનાં સ્મરણ દેખાય. ફૂલપત્તી અને સજાવટ એ લઘુચિત્રોનાં આભૂષણો છે. રાગ રાગિણી (રાગમાળા) આધારિત ચિત્રોમાં અભિવ્યક્તિ પ્રતીકાત્મક બને અને વર્ણનાત્મક ચિત્રોમાં બહેન વધુ ખીલે. મજબૂત સ્પષ્ટ આઉટલાઈન આ ચિત્રોની વિશેષતા છે.

લોકકળાની ઉત્ક્રાંતિ - કળાકારો કરે સુક્રાંતિ

જીવનસાથી સમીર કડીવાળાના સધ્ધર નૈતિક ટેકાથી મોનિકાબહેન ચિત્રકળાને ધ્યાન, સાધના, વળગણ અને આનંદરૂપે જીવી રહ્યાં છે. ધીરજપૂર્વક બનાવેલાં ચિત્રો ખિસકોલીની પૂંછના વાળની પીંછી વડે શોભે છે જેમાં તેઓ સોના ચાંદીની પેસ્ટનો ઉપયોગ કરી તેને અકીકથી ઘસીને ચમકાવે છે. ચિત્રોમાં જળરંગ અને કુદરતી રંગોનો સંગમ જોવા મળે. આછા, ઘેરા રંગોના વિશ્વમાં તેનો રંગ વિનિમય ગજબનું સંતુલન સાધે છે. માધ્યમમાં તો પેપર જ ઉત્તમ એમ માનનારાં આ રંગ કર્મીનાં નમૂનારૂપ ચિત્રો જોઇએ : 'પેલેસ મ્યુઝિયમ દરબાર ચિત્રમા ૩ઘ ઇફેક્ટ અને જીણેરી ભાતનો સુમેળ છે. પ્રસંગ ઉજવતા પાત્રોનાં નિરૂપણ પણ ગજબ ! છો થી છત સુધીનું આકર્ષણ આ મુઘલ શૈલીના ચિત્રમાં છે. ફૈઝાબાદ નગરીનું ગીચ માહિતી ધરાવતું અદ્ભુત રેખાઓનું મંડળ છે જાણે ! ધરાથી આકાશના વાદળ સુધી, મકાનો, ઉત્સવો અને વન પણ હસ્તકલાયુક્ત બ્રશ વડે અહીં નિરૂપાયાં છે. જેમાં રંગો અપાર ! રાધાકૃષ્ણ મહેલમાં ઝુમ્મર તળેની બેઠક પર બેસી, ટાઢમાં રજાઈમાં ગોપાઇને વાર્તાલાપ કરે તે ભાગ લાલ, લીલા ઘેરા રંગોમાં અને છો, છત, બારી, બારણાં, ભીંતો પર આછા કથ્થઇ રંગનો ઉપયોગ કલાકારની વિશિષ્ટ કલાદ્રષ્ટિનો પરિચય કરાવે. કાંગડા શૈલીના આ ચિત્રમાં સોનેરી આભા ! જળ ધોધ અને વિશાળ પાષાણની બેઠકવાળા વનના એક ભાગમાં રાધાકૃષ્ણ ગોષ્ઠિ કરે ત્યારે પણ કથ્થઇ, પિતાંબરી, લાલ રંગોની કમાલ અને લસરકા સુંવાળા ! અન્ય એક અપ્રતીમ ચિત્ર 'રામદરબાર'માં નિયત માપના લઘુચિત્રમાં અગણિત પાત્રોના મેળામાં સૌનું મહત્ત્વ તેઓ જાળવી શક્યાં છે. રંગપૂરણી અને રામ, સીતા, ગણેશ, શિવ, શિવલિંગ ઉપરાંત અનેક દેવગણ અનુરૂપ સ્થાને સ-સન્માન બિરાજ્યાં છે ! 'મધુરેણ સમાયેત' જેવું આ શ્રેણીનું અંતિમ ચિત્ર તે એક પર્શિયન લઘુચિત્ર છે જેમાં મેટ (આછા રંગનાં) પીળા રંગની પાશ્ચાદભૂમાં પર્ણ પુષ્પથી ખચિત એક વૃક્ષ પર ચડવાનો પ્રયત્ન કરતું એક પાત્ર હરણાં અને ખિસકોલીઓથી આકર્ષાયું છે. કવિકલ્પના જેવું આ ચિત્ર અન્ય ચિત્રોમાં નોખી ભાત ધરાવે છે તે આ યુવાકલાકાર મોનિકા કડીવાળાની સિધ્ધિ છે.

લસરકો

રૂમઝુમ પગલે ચાલે, ડોલે, મળે, મ્હાલે એવી નાનકડી પરી જેવી ગમતીલી નાજુક નમણી કળા તે લઘુચિત્ર !!

પ્રયોગાત્મક કળામાં ગળાડૂબ યુવાધન

આધુનિક સમયના બે શબ્દો હવે આબાલવૃધ્ધ સૌને સમજાઈ ગયા છે : સોફ્ટવેર અને હાર્ડવેર. બન્નેના શાબ્દિક અર્થ મુજબ એક નરમ સુંવાળો છે અને બીજો અઘરો અને ખરબચડો છે. કોઈપણ ટેકનિકલ સંદર્ભ લાગુ કર્યા વગર આ બન્ને વિભાવનાને આપણે સમજીએ તો સોફ્ટવેર હળવા સરળ અર્થ તરફ રસળે છે. તો, હાર્ડવેર જટિલ વિષય તરફ અંગૂલિ નિર્દેશ કરે છે. આમ જનતા તેનાથી સો જોજન દૂર ભાગે છે અને સર્વજનપ્રિય કળાના પ્રત્યેક પ્રકારનું મૂળ સરનામું જ સોફ્ટવેર છે. અલબત્ત, યુગોથી પૃથ્વી પર રાજ કરતી કળાને પોતાને આ શબ્દ એક સમે તો અજાણ્યો લખ્યો જ હશે પણ લલિતકળા, લાસ્ય, સુંવાળપ, નાજુકાઈ અને નરમાશથી જેનો પિંડ ઘડાયેલો છે એવી આદિ ચિત્રકળાથી માંડી આજની ચિત્રકળા માનવમનનો કબજો લઇને એને પોતાનું ઘર સમજીને એમાં અડ્ડો જમાવીને બિરાજમાન થઇ છે. અધધ... પ્રકારો છે એ ચિત્રકળાના ! નવલાં રૂપ ધારિણી આધુનિક ચિત્રકળાના મુકામના શિખરો સર કરીને ભૂતાળમાં નજર કરીએ તો ભારત દેશમાં લઘુચિત્રકળા વિવિધ ભૌગોલિક સ્થાનોમાં ઠે...ઠ ચૌદમી પંદરમી સદીથી (મતભેદ હોઈ શકે) રસિકોની ચાહના મેળવી રહી છે. તો, સાંપ્રત સમયમાં લઘુચિત્ર (મિનિયેચર પેઇન્ટિંગ) નું શું સ્ટેટસ (સ્થાન) છે ? આમ તો દેશના મહત્તમ રાજ્યોમાં તેમની પોતીકી કળા શ્વસે છે. અનેક રાજ્યો અને ગામોનાં નામ ધારણ કરીને એ ચિત્રકળા આગેકૂચ કરતાં કરતાં કળાની આળપંપાળ કરે છે. સાથે સાથે પોતાના માહ્યલાની મૌલિકતાને છૂટો દોર આપી એને વધુ અર્થસભર બનાવે છે. 'નવી પેઢી વારસાને શું સમજે ?' એ વિચારને રદિયો આપી રસિકો, ભાવકો, કળા સાધકો અને મહાજનોએ કળાની નવી તરાહોને આવકારવાની એન અપનાવવાની આવશ્યક્તા છે.