- રસવલ્લરી-સુધા ભટ્ટ
જે ક્ષણે કલાકારના મનોજગતમાં રસિક પ્રવેશે ત્યારે કળા મરકે
એ તો માનવું પડે કે કળા સંદર્ભે આવી ઘટનાઓ સીમાચિહનો સર્જે છે. આદિવાસી કળા એટલે આદિવાસીઓએ કરેલું - સર્જેલું કલાકર્મ - એવું જ ને ! પણ અહીં કળાના પાયામાં પ્રાણ પૂરતી ઘટના એવી છે કે આદિવાસીઓના જીવનના ઘટનાક્રમ લક્ષમાં લઈ જન્મેલી ચિત્રકળા ! એટલે... એટલે એવું કે ડાંગી પ્રજાના રોજિંદા જીવનમાં રસીલું, અર્થપૂર્ણ ડોકિયું કરી વૈવિધ્યસભર અવસરો, તહેવારો, પરંપરા, રીતિ-રિવાજ, ધાર્મિક વિધાનો, ખેતી, કુદરતનાં અનેરા સ્વરૂપો, ઉત્સવો, ભાષા, સમાજની તાસિર આદિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને સર્જાયેલી અજોડ, અદ્વિતીય ચિત્રકળા ! અરે... ત્યાં સુધી કે મૂળ ડાંગી વિવિધ કળાને હૃદયે ધરી નૂતન વાઘા ધારણ કરાવી પ્રસવેલી તદ્દન નવી નક્કોર ચિત્રકળાનું મૌલિક અવતરણ ! આ નવલાં ચિત્રોમાં શ્વસે છે ડાંગી આદિવાસીઓનું સઘળું જીવન. રસપ્રદ વાત આમાં એ છે કે ડાંગ જિલ્લાની પ્રસિદ્ધ ચિત્રકળાનું આમાં કોઈ અનુરણન કે અનુકરણ નથી, પરંતુ અન્ય કળાઓ-નૃત્ય, ગીત, સંગીત, સાહિત્ય, વિધિ, કુદરત આદિના વૈવિધ્યપૂર્ણ પ્રસંગોને આવરી લેતું અતિ સુંદર, અમૂલ્ય ચિત્રાત્મક દસ્તાવેજીકરણ છે આ ચિત્રરાશિ. આમ તો ભૈરવીબહેને હેરિટેજ સિટી અમદાવાદનાં પારંપરિક સ્થાપત્યોને કેનવાસ અને કાગળ પર ઉતારી બહુ જ માન અપાવ્યાં છે. નિસર્ગ ચિત્રો (લેન્ડસ્કેપ) પર પણ તેઓ રસળ્યાં છે. તેમને રૂપચિત્રો (પોટ્રેઈટ્સ) પણ ખૂબ ગમે પણ ડાંગ વિષયક ચિત્રોમાં તેઓ ખીલ્યાં-ખુલ્યાં છે. પ્રત્યેક ચિત્રમાં તેઓ છલકાયાં છે અને અમદાવાદની આર્ચર આર્ટ ગેલેરી, ગુફા આર્ટ ગેલેરી આદિએ એમને આવકારીને સહયોગ આપ્યો છે.
ડાંગના તહેવાર ચાર : ડુંગરદેવ, ભવાડા, બેલપોડા અને હોળી
ડાંગ જિલ્લાના અનેક તહેવારોમાં ઉપરોક્ત મુખ્ય ચાર તહેવારો ખૂબ પોંખાયા છે. એ તહેવારોને ધ્યાને લઈને આ યુવા કલાકાર, ભૈરવીબહેને અસંખ્ય વિરાટ ચિત્રો બનાવ્યાં છે જેમાં 'કોલાજ'નો અણસાર આવે. દરેક ચિત્રમાં પાત્ર મહિમા તો છે જ - સાથે સાથે મહોરાંનો પણ મોટો રોલ છે. તદુપરાંત પ્રાકૃતિક વાતાવરણ, વાદ્યો, ઓજારો, ગોફણ, શસ્ત્ર, ઔષધો, નૃત્ય, કથા-વાર્તા વગેરેનું મહાત્મ્ય છે. પ્રસ્તુત કલાકારનાં ચિત્રોમાંથી વાત, કથન અને કંઈક વહેંચવાની વૃત્તિ ડોકિયાં કરે છે. પ્રાસંગિક એવાં ચિત્રોમાં આદિવાસીઓની સર્જનક્ષમતા, કલ્પના અને વિચાર શક્તિ થકી થતાં સર્જનનાં પણ અણસાર મળે. આબાલ વૃદ્ધ - સૌના જીવનને સ્પર્શતા પ્રસંગોની અહીં હારમાળા છે. એ સમૂહ સાથેના અનુભવોને વહેંચતા ભૈરવી બહેને અદ્ભૂત કલાકૃતિઓ બનાવી છે. ત્યાંના પારંપરિક મહોરાં પ્રતીકાત્મક છે. તે જાતિ, પ્રસંગ, સ્વભાવ અને વાતાવરણને અનુરૂપ હોય છે તેનું નિરીક્ષણ કરી આ સર્જનાત્મક કલાકારે તાવડી પર, વાંસ પર અને અન્ય માધ્યમોના સહારે એક ખૂબ જ સુંદર મહોરાં શ્રેણી બનાવી. પૌરાણિક પાત્રો અહીં બોલકાં બન્યાં છે. ઘેરા, ઘાટા રંગો, ભૌમિતિક લકીરો, મોટાં કદ એ એમની કળાની ખાસિયત છે. કેનવાસ પર તૈલરંગ વડે કરાયેલાં ચિત્રો સંગ મહોરાંનું સંયોજન કરી એક નવું જ કલાકર્મ તેમણે કર્યું. ડાંગ જિલ્લાના આદિવાસીઓના જીવનના અંતરંગ પ્રસંગો અને અનુભવોને એમણે સટીક રજૂ કર્યા છે. આદિવાસીઓનાં વાદ્યોમાં ઢોરનાં ચામડાં, ગાય-ભેંશ અને બકરાનાં શિંગડાં, દૂધી, કોળું, ચીભડાં, ગાજર, ગુંદર, લાખ અને મીણનો વ્યાપક ઉપયોગ એમણે નોંધ્યો છે.
જાગૃતપણે નિરીક્ષણ-જીવને સ્પર્શ કલા તૈયાર - કેનવાસ બોલે
ડાંગનાં અનેક વાદ્યોમાં વાંસળી જેવું ''પાવરી'' તેમનું દૈવી સંગીત વાદ્ય છે. તે ઉપરાંત તાડપુ, ઢોલક, મંજીરા, પદારી, વાંસળી, થાળી, કહાણ્યા, કિરયા, તુંબડી, માદળ, નગારુ, ઘાંઘરી, ઝાંઝળાં (કાંસીજોડા) શરણાઈ તો ખરાં જ. ચાલો, આ વાદ્યોના નાદે તેમના એક તહેવાર ''ડુંગર દેવ''નું અદ્દલ ચિત્રણ ભૈરવી બહેનના ચિત્રમાં મોજથી માંણીએ. મોટા ભાગની વિગતોની ઝાંખી મોટા કદના ચિત્રમાં ઉત્સવી રંગોમાં થાય, માનવપાત્રોની ભરમાર જુદી જુદી મુદ્રામાં અલગ અલગ પ્રસંગોમાં જોવા મળે છે. ડુંગરદેવ તહેવારે થતા નૃત્યને ''ભાયાનૃત્ય'' પણ કહેવાય. લોકનૃત્યનું એ સ્વરૂપ ટેકરીઓના સાન્નિધ્યમાં જોવા મળે. ડુંગરદેવની પૂજા પ્રસંગે ટોળાબંધ આદિવાસીઓ ઉમટે. નાગલી, ચોખા, અડદ આદિની શોધમાં ''ભાયા'' અર્થાત્ પુરુષો નીકળે. રસ્તા પર પાવરી કે ઘાંઘરી સહનૃત્ય કરે. વચ્ચે ઉદ્ગાર સંભળાય... ''બિલો... રી... શો... !'' 'બિલોરી' એટલે સરહદ ત્યાં પથ્થરથી સીમા દોરાય. ટેકરી પ્રમાણે દેવ હોય - ગાવલ્યો દેવ, કંસારિયો દેવ, દિવાળીઓ દેવ... ઈત્યાદિને માનપૂર્વક સાદ કરે - યાદ કરે. આ તહેવારમાં માત્ર પુરુષો જાય... સ્ત્રીઓ નહિ. તેમને આરતીની છૂટ પણ ગાવા-નાચવા પર પાબંદી. આ તહેવાર સંદર્ભે ભૈરવીબહેનના એક ઊભા (વર્ટિકલ) ચિત્રમાં પુરુષો એકમેક પર ઊભા દેખાય. સાથે વાંસનાં થડ અને નાની મોટી ડાળીઓ ઝળકે. સાથે ગેપમાંથી પૂજા-પાઠ કરતા બેઠા પુરુષોની નાની આકૃતિઓ જણાય. લાલ, પીળા, ભૂરા, કાળા, લીલા રંગમાં માનવો વિવિધ પોષાકમાં કોઈ કાર્યમાં વ્યસ્ત દેખાય - તો ક્યાંક સંયોજનમાં મોટી તીક્ષ્ણ આંખો આપણને જુએ. અન્ય તહેવારો પણ માણીશુંને ?!
લસરકો :
મહોરાંની કળા એટલે નિર્જીવમાં જીવ પૂરીને તેને સજીવ બનાવવાની કળા
સમર્પિત કલાકારને મન કલા એ જ જીવન
આહા ! ચિત્ર વિશ્વમાં ભ્રમણ-રમણ કરવાનું થાય ત્યારે કલાકારની સાથે સાથે - સમાંતરે આપણે પણ રસિક કે ભાવક મટીને કલાકારની જ અદાથી એ ચિત્રોને જોઈએ, જાણીએ, માણીએ અને નાણીએ ત્યારે મનના અતળ ઊંડાણમાં આપણેય કલાકર્મીનો ભેખ ધારણ કરી લઈએ. કદાચ, કલાની સફળતા એમાં જ છે અને કલાકારની સિધ્ધિ પણ ત્યારે ઉચ્ચતમ શિખરે બેસી છડી પોકારે છે. રોજિંદા જીવનની ઘટમાળમાંથી બહાર નીકળી કળાને શરણે જવાથી દૈવી અનુભૂતિ થાય છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી. એમાંય આપણી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી કળાના સંપર્કમાં આવવાનું થાય ત્યારે તો ભાઈ વાહ ! આપણું મન મોર બની થનગાટ કરે ! આપણને આદિવાસીઓની કળા વિશે ઘણી પ્રાથમિક માહિતી છે. આદિવાસીઓના જીવનક્રમ અંગે પણ ઘણું બધું જાણતાં હોઈએ છીએને આપણે ! એમના ચિત્રો, શિલ્પો, ગીત, સંગીત, ધર્મ, રીત રિવાજો, પરંપરા, ભાષા એકદમ આગવાં અને વેગળાં હોય છે એ જાણનારા આપણે એ બધું માણી તો આવીએ છીએ... પણ ક્યારેય ત્યાર બાદ એમની એ લાક્ષણિકતાઓને દિલથી યાદ કરી એના અનુસંધાને આપણે કોઈ વિચાર, કર્મ કે કલાકર્મને ગાંઠે બાંધી, કોઈ કામ કરીએ છીએ ખરા ? હા, આપણે ક્લિક કરેલી ક્ષણોને સંબંધીઓમાં વહેંચી સંતોષ અને આનંદનો શ્વાસ લઈ ગૌરવ કરીએ છીએ... વાર્તા પૂરી. અમદાવાદનાં અદના કલાકાર ભૈરવી મોદીની વાત જુદી છે. એમનાં ચિત્રોના જન્મ અને વિકાસની વાત પણ વજુદવાળી છે - સાવ નોખી અનોખી છે કારણકે ગુજરાતના સૌથી નાના જિલ્લા ડાંગની એક નાની અમથી મુલાકાતે એમને અને એમની કળાને ક્યાં પહોંચાડયાં એ છે એક અચરજ !


