- રસવલ્લરી-સુધા ભટ્ટ
દેશભરમાં છૂટથી ભ્રમણ કરતી કળાના પરચા
આપણે ત્યાં એવાં અનેક ધર્મસ્થાનો છે જે બહુઆયામી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં છે. મુંબઇ શહેરથી લગભગ ચાલીસ કિ.મી.ની દૂરી પર થાણે જિલ્લાની મધ્ય રેલવે લાઈન પર 'મુંમ્બ્રા' સ્ટેશન (પશ્ચિમ)થી કાંકરીચાળે મુંમ્બ્રાદેવી મંદિર આવેલું છે. મુંબઇથી બિલકુલ વિરુધ્ધ આ શાંત અને કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ અકલ્પ્ય, મોહક, મનોહર અને અદ્વિતીય છે કારણ કે આ ગામ જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) ધરાવે છે. અહીં વનવિહાર કરતા પશુ-પંખીઓની ઝલક જોવા મળે. અરે ! અડીને ઊભેલા ઉપનગર મુલુંડની નજીક પાર્સિક ટેકરી અને એની અણીદાર શ્રેણી જાણે વિશાળ પર્વતશ્રેણી જેવી ભાસે. એની ઉપરથી ઋતુ અનુસાર ધોધની ધારા (મરાઠીમાં 'ધબધબા') વાછંટ સરતી સરતી જોવા મળે. આ અદ્ભુત દ્રશ્યોની વચ્ચે ટેકરી પર વસતી મુમ્બ્રા આઈ આપણને ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણને સમજવા પોતાનું 'શક્તિ રૂપેણ સંસ્થિતા' સૂત્ર સાર્થક કરે. આ મંદિરની રચના પરંપરાગત હિંદુ મંદિર શૈલીમાં થયેલી છે. એનું સ્થાપત્ય સ્થાનિક વાતાવરણની છાંટ ધરાવે છે. અહીં પથ્થરની કોતરણી સંગ કોળી તથા આગરી માછીમાર જાતિઓની મુખ્ય દેવીનું ભીંતચિત્ર છે. હિંદુ ભાતનાં ચિત્રો અને સ્થાનિક લોકકળાઓને પ્રતિબિંબિત કરતી કળા અહીં મૌજુદ છે. આ પહાડી મંદિરમાં અને તેની રચનામાં પથ્થરની મૂર્તિઓ પણ છે. જે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ પૌરાણિક મંદિર લગભગ ૭૦૦ વર્ષ જૂનું મનાય છે. વારસાગત માન્યતાઓ, દંતકથાઓમાં હિંદુ ધર્મની શ્રદ્ધાના પ્રતીકનો વસવાટ છે. પ્રસ્તુત મંદિરના ભૌગોલિક સ્થાનની વાત કરીએ તો એ દરિયાઈ સ્તરથી આશરે ૨૧૦ (બસો દસ) મીટરની ઊંચાઈએ પર્વત ટોચ પર સ્થિત છે. માઈને મળવા લગભગ ૭૮૦ પગથિયાં ચડવા પડે. આ પહાડી મંદિર સ્થળ મહારાષ્ટ્રની ધાર્મિક અને ભૌગોલિક સંસ્કૃતિનું વિશિષ્ટ તત્ત્વ છે.
કળા, આસ્થા અને કુદરતી સૌંદર્યનો સંગમ
અહીંનું સ્થાપત્ય સાદું છતાં વિશિષ્ટ છે. બાંધકામની સામગ્રી, નકશી અને ઇમારત મુખ્યત્વે પથ્થરનાં છે. જટિલ કોતરણી અને પથ્થરની મૂર્તિઓ હિંદુ મંદિરની શૈલીની છડી પોકારે છે. મુખ્ય પ્રતિમાઓમાંની એક દેવી આઈ મુંમ્બ્રાની છે. અન્ય નવ દેવીઓની પથ્થરમાં કોતરાયેલી મૂર્તિઓ છે. એના પર કરોડરજ્જુ અંકિત કરેલી છે. 'મુંમ્બ્રા' શબ્દનો અર્થ જ 'નવદુર્ગા' થાય છે - જે આ નવ દેવીઓની ઉપસ્થિતિની સાક્ષી પૂરે છે. નવાઇની વાત એ છે કે પ્રસ્તુત મૂર્તિઓ મંદિરના પ્રવેશદ્વારથી અંદર જતાંવેંત દર્શન દે છે. મંડપ કે ગર્ભગૃહ જેવી રચના નથી. હા, મંદિરને વિશાળ સ્તંભદાર પરસાવી છે અને દૂરથી જ્યારે આ સ્થાન તરફ દ્રષ્ટિ કરીએ તો મા પહાડોની અંદર સંતાયેલાં અને સચવાયેલાં જણાય. માછીમારો અને કોળી જાતિઓનાં આ તો કુળદેવી છે અને એ લોકો માનું પ્રતિનિધિત્વ હોંશે હોંશે સ્વીકારે છે. મહારાષ્ટ્રની પહાડી મંદિર પરંપરા અનેક શૈલીઓનું મિશ્રણ ધરાવે છે. જે તે સમયે અખંડ-સળંગ ભૌગોલિક સ્થળોમાં કળા મુક્ત રીતે વિચરતી. એને કોઈ સરહદ નથી હોતી. ભારત ભરમાં પ્રચલિત અને પ્રસિધ્ધ નાગર શૈલીની અસર પણ વરતાય, અહીં મંદિર સ્થાપત્યના લક્ષણોમાં શિખર, શૃંગાર ચોકી, જગતી આદિની કોઈ સ્પષ્ટતા કે લાઈનદોરી દેખાતા નથી. કહેવાય છે કે એકવાર સ્થાનિકોએ ટેકરી પર પ્રજ્વલિત જ્યોત જોઈ અને સ્થાનિક ભક્ત નાના ભગત સાથે સૌ ટેકરીએ ગયા તો મા મુમ્બ્રાની સ્વયંભૂ પ્રતિમા મળી આવી. તત પશ્ચાત્ તેની સાચવણ અને પુનઃ નિર્માણની જવાબદારી ભગત પરિવારે જાળવી રાખી છે.
મુમ્બ્રાદેવીનાં ચરણકમળ પહેલે પગથિયે કોરાયેલાં છે
આધ્યાત્મિક ધાર્મિક મહત્ત્વવાળા આ મંદિરમાં મા નવદુર્ગાનું 'મ્યુરલ' (મિશ્રચિત્ર) મળી આવ્યું છે. જેને દશ મુખારવિંદ છે. તે એક અદ્વિતીય અને ભાગ્યે જ જોવા મળતી કળા છે. દુર્ગાનું આ એક માત્ર મ્યુરલ આ સ્થળે જ છે - જે અજોડ છે. કદાચ વિશ્વમાં તે એકમાત્ર ચિત્ર છે.
અહીં નવરાત્રીનું મહાત્મ્ય છે. વળી, સંતાન પ્રાપ્તિની બાધા અહીં રખાય છે અને તે પૂર્ણ પણ કરાય છે. વિશિષ્ટ આર્કિટેકચર, ઝીણી નકશી આકર્ષક છે એવા મંદિરનાં પગથિયાં ચડતાં જ પહાડમાં કોતરાયેલા સંતાયેલા મંદિરનું 'દૂર...દર્શન...' થાય. આ સ્થળ ટ્રેકિંગ અને ટ્રેઇનિંગ માટે પણ પ્રખ્યાત છે. પગથિયાં સરળ છે. વચ્ચે વિશ્રામ સ્થળો છે. હનુમાનજીનું નાનું મંદિર છે. સોપાન પૂજતાં પૂજતાં ભાવિકો આગળ વધે. વચ્ચે એક વૃક્ષ પર દોરા-ધાગા-ચુંદડી ધરાવે અને જેવા ઉપર પહોંચે તો સ્તબ્ધ થઇ જાય ! અદ્ભુત કુદરતી સૌંદર્યમાં લીન થઇ જવાય. ટેકરીઓની શ્રેણી સાથે ઉત્તરે વળાંક લેતી ઉલ્હાસ નદી દેખાય. તે દક્ષિણે વળીને છેક બેલાપુર અને પછી પનવેલ સુધી પહોંચે. ખાડીને મળે. અહીં પણ 'ક્રીક' એટલે કે અખાત કે ખાડીમાં ઉછળતાં નીરનો સુંદર નઝારો માણવા મળે. પાર્સિક હિલ્સનો પ્રાકૃતિક વૈભવ મુલાકાતીઓનાં મન હરી લે. નદી અને ટેકરીની જોડી અનન્ય દ્રશ્ય સંરચના ઊભી કરી જાણે કે મુમ્બ્રાઇને નમન કરી તેનાં ચરણ પખાળે છે. આ શ્રી સ્થળે જવા માટે 'બાય રોડ' - શલ્લ૪ અથવા છલ્લ ૪૭ (એશિયન હાઈવે)નો ઉપયોગ કરી શકાય. બાયપાસ પર મંદિર પ્રવેશ સ્વાગત કરે - ત્યાંથી દોઢસો બસો પગથિયાં ઓછાં ચડવા પડે એ લાભ ! બાકી, ઉતરવું તો બહુ સહેલું જ છે !
લસરકો :
જંગલ, જળ, મંગળમય વાતાવરણ ઊંચાઈ, અઘરાં ચઢાણ પણ... દેવી-દેવતા સાથેના પરસ્પર સંધાણ વિવિધ કળાની વરતાય આણ
ઇશ્વરીય અંશ અને કળા તત્ત્વ એકમેકમાં વસે
માથું ટેકવવું, દંડવત કરવા, નમન કે પ્રણામ કરવા બે કાન પકડી માફી માંગવી, આંખો બંધ કરી નામ સ્મરણ કરવું, સેવા, પૂજા-પાઠ કરવા, પ્રદક્ષિણા કરવી, મનોમન ઇશ્વર સાથે વાર્તાલાપ કરવો, મોટે ભાગે તો કાંઈક માંગવું, બાધા રાખવી, બાધા પૂરી કરવા વગેરે ઉપક્રમ માટે મોટેભાગે લોકો મંદિરે જતાં હોય છે. અલબત્ત, મંદિર સ્થાપત્યનાં દર્શન પણ દેવનાં દર્શનને સમાંતરે થઇ જતાં હોય છે ત્યારે ભક્તોને સ્થાપત્ય કળા અંગે પણ ઉત્સુકતા થાય. માત્ર સ્થાપત્ય, શિલ્પ, ચિત્રાદિનાં દર્શન કાજે બહુ ઓછાં રસિકો ધર્મસ્થાને પહોંચે છે. પણ એ તો સર્વવિદિત છે કે આસ્થા અને શ્રદ્ધા જેટલી પ્રભુમાં હોય છે એટલી જ રસાત્મક દ્રષ્ટિ કળામાં પણ દેખાય છે. હા, બન્ને વર્ગને 'પ્રસાદ'માં રસ ખરો; સાથે સાથે ખરા કળાપારખુઓને શૃંગાર, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, ભજન-કીર્તન ગાયન-વાદન આદિમાં પ્રમાણમાં વધુ રસ હોય છે અને એટલે જ કળામિમાંસા થતી રહે અને કળાની ઝીણી ઝીણી વિગતો અને હકિકતોને જાણવા માંણવા, પામવાની વૃત્તિ વધતી જાય. અદ્ભુત ! એક સાથે કેટલા બધા રસના પાન કરવાની તક મળે ! મુંબઇનાં પ્રાચીન મંદિરોના દોરમાં કેટલી બધી સદીઓને વટાવીને આપણે ભૂતકાળમાં પહોંચી ગયાં ત્યારે એક હકીકત નજરે ચડી. રાજ્યોના વાડાઓમાં વિરોધનાં વા-વંટોળ વચ્ચે કળારાણી તો મોકળા મને વિચરતી હતી. ગુજરાત-મહારાષ્ટ્ર વગેરેના ભેદ ભરમને ભૂલી કલાકારોએ પોતાની હસ્તકલાનાં દર્શન કરાવ્યાં છે તે આપણાં અહોભાગ્ય છે. ભગવાન પણ ભલે ભિન્ન ભિન્ન સ્વરૂપે બિરાજે શ્રદ્ધા અને કળા-બન્નેની આણ વરતે જ !


