- રસવલ્લરી-સુધા ભટ્ટ
કલકત્તાનું દિવ્ય, રમણીય મંદિર
ધર્મપ્રધાન એવા ભારત દેશમાં યુગોથી તે આજની આ ક્ષણ સુધી નાનાં-મોટાં દેવસ્થાનો રચાતાં જ રહ્યાં છે અને કોઈ પણ સ્થાનને નકારી ન શકાય તેવી શક્તિ અને તેવો જ વિશ્વાસ પ્રત્યેક સ્થળે અનુભવાય. મુખ્ય મુદ્દો માત્ર એ જ કે શ્રદ્ધા કે વિશ્વાસ શબ્દની આગળ પૂર્વગ 'અંધ' લાગવો ન જ જોઈએ. વૈવિધ્યપૂર્ણ વિકલ્પો જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે માત્ર દેવ-દર્શન પૂરતાં નથી. એનાં આવર્તનો આપણે અનુભવી શકીએ તો ભયો ભયો ! એટલે જ દેશભરમાં સ્થપાયેલાં આવાં પવિત્ર ઇશનિલયો સતત વ્યસ્ત રહે છે અને હા ! આબાલવૃદ્ધ સૌની ઉપસ્થિતિ વડે એ રળિયાત છે ! દેશની દશે દિશાએ પેઢીઓથી પૂજાતા દેવી-દેવતાઓનાં પાવન દર્શન કરતાંની સાથે સાથે એ સ્થળો સાથે સંકળાયેલા અનેક મહાનુભાવોની જીવની જોવા જાણવા મળે અને હયાત ન હોય એવા વ્યક્તિ વિશેષ વિશે પણ જાણવાની ઉત્કંઠા સંતોષાય ત્યારે ધન્ય થઈ જવાય. મંદિરમાં માત્ર મૂર્તિ પૂજા નહિ, પરંતુ દેશસેવાનો ધર્મ પણ નિભાવાતો અનુભવાય ત્યારે થતો આનંદ વિરલ હોય છે. 'આનંદનું નગર' તરીકે ઓળખાતા, ભારતની ભૂતપૂર્વ રાજધાનીની ફરજ નિભાવેલી એવા પશ્ચિમ બંગાળના પારંપારિક બહુવિધ સંસ્કારને આધુનિક જીવનશૈલી સાથે જોડી રાખનાર અદ્ભુત સુંદર નગર કલકત્તાની આ વાત છે જે દેશની પૂર્વ દિશાનું ઘરેણું છે. હુગલી નદી, હાવરા બ્રિજ, ટ્રામ, મેટ્રો, બોટિંગ, બોટનિકલ ગાર્ડન, વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ, સાહિત્ય-કળા સંસ્થાનો થકી દેશનું નાક બનેલા આ શહેરની ઉત્તર દિશાએ આવેલા દક્ષિણેશ્વર કાલી મંદિરના મહોલ્લામાં કલકત્તાનો આત્મા વસે છે. હા, કાલીઘાટ પર પણ સોળમી સદીથી 'શક્તિપીઠ' કાલી મંદિર શ્વસે છે એ તો છોગામાં.
રામકૃષ્ણ પરમહંસનાં સ્વસ્તિવચનો
કલકત્તાની ગંગા-હુગલી નદીને પૂર્વીય કાંઠે રિવરફ્રન્ટને અડીને દેવી ભવતારિણી (કાલી) - આદિ શક્તિ કાલિકા... મહાદેવી કે પછી પરાશક્તિ આદિ કાલીનું 'દક્ષિણેશ્વર કાલી મંદિર' નામે પવિત્ર શ્રીસ્થળ ભવ્યાતિભવ્ય સ્થાપત્ય સહ કળાની, ભક્તિની અને અધ્યાત્મની છડી પોકારતું તીર્થયાત્રીઓને આવકારે છે. મા કાલી અહીં જગદીશ્વરી અને ઠકુરાણીના નામે પણ ઓળખાય છે. આ મંદિર ઓગણીસમી સદીના મધ્યકાળે મહિષ્ય જામીનદાર રાણી રશ્મોનિ દ્વારા સ્થપાયું. તેઓ પોતાની માનવપ્રેમ અને સેવાની પ્રવૃત્તિને કારણે જાણીતા હતાં. ૧૮૪૭ માં તેઓ તીર્થયાત્રાની તૈયારી કરતાં હતાં પરંતુ દિવ્ય સ્વપ્ન સંકેતને કારણે તેમણે યાત્રા મોકુફ રાખી અને સ્વપ્નમાં કાલીમાતાએ કહ્યા મુજબ દક્ષિણેશ્વર નામના ગામડામાં ૩૦,૦૦૦ એકર જમીન ખરીદી એક વિશાળ મંદિર સંકુલ ૧૮૪૭ થી ૧૮૫૫ દરમ્યાન ઊભું કર્યું. અલગથી વીસ એકર જમીન પર 'સાહેબાન બગીચા'ની રચના કરાવી. નવ લાખ રૂપિયા બાંધકામમાં વાપર્યા. એકત્રીસ મે ૧૮૫૫ ના દિને સ્નાનયાત્રા ઉત્સવ ટાણે કાલીમાતાની ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. એ સમયે મુખ્ય પૂજારી રામકુમાર ચટ્ટોપાધ્યાય હતા. જેમની સાથે તેમના નાના ભાઈ ગદાધર (જે પછીથી રામકૃષ્ણ તરીકે ઓળખાયા) અને ભત્રીજા હૃદય માતા શારદાદેવી સાથે જોડાયા. ઓગણીસમી સદીમાં મંદિરને પ્રતીકાત્મક, આધ્યાત્મિક, રહસ્યપૂર્ણ ગુરુઓ અને સાધકો સાંપડયા. મોટા ભાઈના નિર્વાણ પછી શ્રી રામકૃષ્ણ સપત્નીક મંદિરની હૃદયપૂર્વક સાચવણી કરી. દરમ્યાન રાણી રશ્મોનિ મંદિર માટે અતિરિક્ત ભંડોળની વ્યવસ્થા કરી સ્વર્ગે સિધાવ્યાં. અનેક ભક્તો શ્રી રામકૃષ્ણને 'કથામિત્રો' કહેતા. તેમાંના એક હતા નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ). પ્રસ્તુત મંદિરમાં એક મુખ્ય મંદિર, બાર શિવમંદિરો, એક રાધા-કૃષ્ણ મંદિર અને એક સંકીર્તન (માટે) મંદિર છે.
બંગાળી સ્થાપત્યની નવરત્ન શૈલીનું મંદિર
વિશાળ સંકુલમાં નવ શિખરોવાળા મુખ્ય મંદિરની ફરતે મોટું પ્રાંગણ છે. નદી કાંઠાને અડીને
દીવાલે અન્ય મંદિરો, સ્નાનઘાટ, નોબતખાનું અને રાણીની સમાધિ છે. ત્રણ માળનું મંદિર ઊંચી જગતી ઉપર ઊંચા દાદરે ચઢાણ સાથે છે. ચૌદ મીટર પહોળું અને ત્રીસ મીટર ઊંચું મંદિર ગર્ભગૃહમાં મહાકાલી અને શિવની પ્રતિમા ધરાવે છે. ચાંદીની હજારો પાંખડીઓનું સિંહાસન અદ્ભુત/એકસરખાં શિવ મંદિરોમાં બંગાળી સ્થાપત્ય 'આતચલા' મુજબ છે. વિષ્ણુ મંદિરમાં ચાંદીના સિંહાસન પર એકવીસ ઇંચની શ્રીકૃષ્ણની અને સોળ ઇંચની રાધાની મૂર્તિ બિરાજે છે. પ્રસ્તુત મંદિર ૧૭૦ વર્ષથી ભીની લથપથ થતી માટી ઉપર અડીખમ ઊભું છે. સતત ભીનાશને લીધે તે બેસી જાત પરંતુ સ્થપતિઓએ 'કાચબા પીઠ કેટનિક' અંતર્ગત મંદિરના તળને કાચબાની પીઠ જેવો આકાર આપ્યો જેથી પીઠ ઉપરથી વરસાદનું પાણી લસરી જાય. બાજુમાંથી નીકળી જમીન સાથે લૉક થઈ જાય અને પાયો નક્કર બની રહે. નદીની લહેરોને નીકળવા માટે ઇમારતમાં સીડી જેવો ઘાટ આપ્યો જેમાંથી પાણી નીતરી જાય. મૂળ ઇમારત કોરી થઈ જાય. નવરત્ન શિખરો એરોડાયનેમિક આકારનાં રાખ્યા. ખતરનાક વંટોળ તેને તોડી ન પાડે અને હવાને શિખરો કાપી નાખે - કુદરતી રીતે હવાનું દબાણ દૂર થાય. તેને પ્રિકમ્પ્રેશન કહેવાય. આથી મંદિરની મોટી મોટી કમાનો એકબીજાના આધારથી લૉક થઈને રહે. ઘૂમ્મટના આકારની છતો વાળા શિવમંદિર પરથી પણ તરત જળ સરી જાય. વચ્ચેનો ગૅપ વીન્ડ ટનલનું કામ કરે અને તેની ગતિ વધી જાય. પરિસર ઠંડું થઈ જાય. એક રહસ્ય... સિમેન્ટ વગર ઇંટો કઈ રીતે જોડાઈ ? વજ્ર લેપ (ગરમ મસાલો), ચૂનો, સુરખિ (ઇંટનો ભૂકો), ગૉળ, અડદ દાળ, કદુકડી નામના ફળનો રસ. આ બધાને એક રસ કરી પંદર દિવસનો આથો લાવી ઓર્ગેનિક પેસ્ટ બનાવી સિમેન્ટથી વધુ મજબૂત જોડ બનાવ્યો. લાલ ઇંટ અને ટેરાકોટા પડદાની ગરજ સારે અને ઊંચા તાપમાને તપાવી તેથી મસાલો પણ મજબૂત બની ગયો અને આમ આ ખૂબસૂરત મંદિર ચિરંજીવ બની ગયું !!
લસરકો :
મંદિરને મળ્યો અજોડ જોડ ઝિકાળાનો (પથ્થરનો ભૂકો) અને સ્વામી રામકૃષ્ણના આધ્યાત્મનો.
અમર આસ્થા અને એન્જનિયરિંગની કમાલનું સંયોજન
આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ પર ભલભલી ભારે ઇમારત ટકી જાય. પછી એ 'ઇમારત' શબ્દનાં અનેક સ્વરૂપો કેમ ન હોય ? ધાર્મિક, સામાજિક, આસ્થિક, વૈયક્તિક, આર્થિક, શૈક્ષણિક કે જીવનના અનેક પ્રશ્નો - ગૂંચ શ્રદ્ધાથી ઉકલી જ જાય અને એનો નીવેડો કે ઉપાય માનવીના જીવનને શાતા આપે. પણ આપણું એવું માનવું છે અને નિરીક્ષણ પણ છે કે ઉપરોક્ત શબ્દો પ્રતીકાત્મક છે. એમાં એક ઇશારો એ પણ છે કે માનવીએ ક્યાંક-કોઈક રીતે મનને કાબુમાં રાખવા ધ્યાનસ્થ થવું જરૂરી છે. મનને શાંત કરવા, રાખવા અને એ પરિસ્થિતિમાં ટકાવવા કોઈ તો નિમિત્ત ખપે જ. મનને સ્થિર, મક્કમ રાખવા સારુ પણ કોઈ કારણ - એકાદું સાધન જરૂરી છે. વિચારોના વા-વંટોળ જ્યારે માનવીને ચલિત કરી દે ત્યારે આસ્થાની કોઈ ડાળને પકડી મન સ્થિર કરવાના પ્રયત્નો કરવા પડે. આપણા સંસ્કૃતિપ્રધાન દેશમાં એને માટે ઘણા ઉપાયો છે, અનેક વિકલ્પો છે. વાંચન-લેખન, મનન-ચિંતન, કામ-કાજ, પ્રકૃતિને ખોળે જવું, દેવ-દર્શને જવું ઇત્યાદિ. ટૂંકમાં, ભાવજગત, મન અને બુદ્ધિને કામે લગાડી દેવાં ! સીધા-સરળ રસ્તા ઉપલબ્ધ છે આપણી પાસે. એમાં 'દેવદર્શન', પૂજા, અર્ચના, પ્રદક્ષિણા, પ્રાર્થના, ભજન, કીર્તન ને તો અવકાશ છે જ પણ સાથે સાથે એ શ્રીસ્થળની સ્થાપત્ય શૈલી, ત્યાંના સ્વચ્છતા-શાંતિ, સુશોભન-સજાવટ-સુવાસ આદિનો પણ મોટો ફાળો છે. આ બધાં તત્વોની પરિસીમા સમાન આધ્યાત્મિકતા માનવીને મૂંઝારામાંથી બહાર નીકળવાની સંકટ સમયની સાંકળ બની રહે છે.


