Get The App

અજોડ ભરતકામ, રિબનભરતકળા- જોડાજોડ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
અજોડ ભરતકામ, રિબનભરતકળા- જોડાજોડ 1 - image

- રસવલ્લરી-સુધા ભટ્ટ

- છઠ્ઠી ઇન્દ્રિયકલા સદ્ભાગીને જ મળે-ફળે.

અમદાવાદના આયુર્વેદ નિષ્ણાત ડો.રિધ્ધિ પંકજ રાવલની વૈવિધ્યપૂર્ણ કલાયાત્રાના એક મુકામ- ચિત્રકલાના પગથારે આપણે રોકાઈને કલામૃતની અંજલિ ભરી લીધી તેટલું પૂરતું નથી. તેમના હાથમાં, મનમાં, મગજમાં, દૃષ્ટિમાં અને હૃદયમાં તો કલારાણીનાં થાણાં છે જ પણ સ્વપ્નમાંય તેઓ કલાચિંતનમાં ડૂબેલા રહેતાં હોય એમ પંચેન્દ્રિય તો જાણે કલાને વરી ગયેલી જ લાગે ! જેવી રીતે ચિત્રકલા તેમના માંહ્યલામાંથી જ પ્રગટેલી તેવી જ રીતે ભરતકામ અને રિબન(રિબિન) ભરતકામકળામાં પણ તેમણે પોતાની આંતરસૂઝથી ખૂબ ખેડાણ કર્યું. ગુજરાત લલિત કલા અકાદમીએ જેમનું ચિત્ર પ્રદર્શિત કરવા પસંદ કર્યું. તેવા રિધ્ધિબહેને આ બધી જ કળાઓ સાથે અનેકાનેક પ્રયોગો કર્યા છે. ઉપરાંત ભરતકામ અને રિબનકળાની સાથે રંગના લસરકાનાં સંયોજન કરી કલાક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે. રાષ્ટ્રીય સ્તરની ભરત ગૂંથણ સ્પર્ધા-બેંગલોર ખાતે ૧૯૯૦માં યોજાઈ હતી. એમાં આ કલાકાર મેદાન મારી ગયા હતા અને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. એ જ સ્પર્ધા ૧૯૯૯માં ફરી યોજાઈ એમાં તેઓ તૃતીય સ્થાને આવ્યાં. પ્રથમ ઇનામવાળું પક્ષી એમણે એટલું તો સઘન ભર્યું છે કે તે ચિત્ર સમ ભાસે છે. બેઠા ટાંકા સફાઈયુક્ત ભરતકામને કારણે એના દોરા ટસથી મસ થયા નથી. ઉઠાવ એવો કે 'ભાઈ.. સાચવો આને.. આ પંખી ક્યાંક ઉડી ન જાય.' એવી લાગણી અદૃલ કુદરતી તત્વોને નિહાળીને થાય. આવો ખાસ સરાહનીય પસંદગીયુક્ત વિષય અને આવી અસલ કરામત- પછી ૧૫૦૦ સ્પર્ધકોમાંથી તેઓ પ્રથમ આવે જ ને ! એમાં એમણે લોંગ એન્ડ શોર્ટ સ્ટીચ (ટાંકો) ભર્યો છે. ફ્રેન્ચ નોટ્સ એટલે ગાંઠ ટાંકોય ખરી. પ્રત્યેક ઇંચ કે સે.મી. ભરચક કેનવાસ પર સુંવાળું પોત સર્જે અને ટેપેસ્ટ્રી જેવું લાગે એ તો કમાલ જ ને વળી !

અદ્ભુત કલા-કસબનું પિયર તે ભરતકામ

કેવા રંગથી સજાવાયેલી છે આ કૃતિ ? વાહ ! ડાળીઓ, થડ, પશ્વાદ્ભૂ બધું જ ભરતકામ ! સાટીન સ્ટિચ, કાશ્મીરી ટાંકા, સાંકળીના કુળના એક મેકને લગોલગ લાગેલા ટાંકાથી ઘટ્ટ- ઠરેલા રંગના મોત જેવું એ શોભે છે. કથ્થઈ રંગની ઝાંય, ડાળીઓ ઉપર લાલ, સફેદ, આછી લીલાશ, યુક્ત ભર્યા ભર્યા દોરાથી ટાંકા જાણે કે પોત વણે ! કાળી કીકીવાળી આંખ વાળું, સ્થિર બેઠેલું એ પક્ષી રૂઆબદાર લાગે છે જેનો ડાબી બાજુનો ચહેરો દેખાય છે. ચાંચ ગ્રે-કાળી, મોઢું ડાર્ક ગુલાબી, પાછળ સફેદ રૃંવાટી, ગળા પર ને છાતી પર સફેદ, પીળી, કથ્થઇ રૃંવાટી, પાછલા ભાગે શરીર કથ્થઇ અને પેટ સફેદ-પીળું. પગને તીક્ષ્ણ નખ-ગુલાબી પૂંછડીઓ બે વાદળી આસપાસ ડાળી પર સફેદ પૂર્ણ વિકસિતફૂલમાં લાલઝાંય- ફુલ્લ સુમિત ! ત્રણકળીઓ પ્રભાતની પ્રતીક્ષામાં. આ તો જાણે જાજમ જેવી સુંવાળપ ! અન્ય એક વાદળી પતંગિયાવાળો ભરતકામનો નમૂનો જોઈએ. અલભ્ય અસામાન્ય રંગ અને ઝાંય સાથેનું એ તૃતીય પારિતોષિક વાળું કલાકર્મ-વાદળી રંગ પતંગિયાની પાંખો પર દોરામાં સમાયેલો. એન્ટેના જેવી બે મૂછ તે પણ સાંકળી ટાંકામાં. વળી, આમળો-બખિયો ખાલી જગ્યા પૂરે. કલાકારનો નિસર્ગ પ્રેમ ટાંકે ટાંકે ટહુકે છે. પાંખની કિનાર પરની લકીરો જાણે કે મહેકે ! મોરપીંછના ચાંદલા જેવી બબ્બે આંખો બન્ને વિભાગમાં. એ આંખો દોરા પર ઝૂલતી આપણી સામે ગરવાઈથી તાકે. 

પાંખના નીચલાભાગે ચણિયાળા મસ્ત વળાંક. વચ્ચે કાળી ઇયળ-ધબકે. સુંવાળપનું સાચું સરનામું છે આ પતંગિયું ! રિધ્ધિ બહેનનું હૈયુ ધબકે છે એમની કૃતિઓમાં. ચાલો એક નવા પડાવે. ભારતમાં અને ગુજરાતમાં સાવ નવીનક્કોર રિબન ભરંતકામ કળા લઈને આવ્યાં છે આ અદના કલાકાર, હસ્તકલાના વર્ગમાં આવતી આ કળા ભારતીય વિષય બીજને યુરોપિયન રિબન કળામાં એમ્બ્રોઇડરીમાં હસ્તાંતરણ કરાવે છે આપણાં રિધ્ધિ બહેન. એ જ એમની સિધ્ધિ ! વિધ વિધ ફ્રેઇમ્સ, પર્સ, બટવા, વેશ પરિધાન, બટન, આભૂષણ, પગરખાં, જાતજાતના કવર્સ આદિ પર જોવા મળે આ પ્રયોગ ! તેથી જ પ્રસિધ્ધિ!

સોય-દોરાની દોસ્તી શું ન કરી જાણે ?

૧૨૦૦ બી.સી.ની. આસપાસ ચીનમાં રમતી આ રેશમ કળા રેશમ પોત પર બેસીને રસળીને યુરોપ પહોંચી. સોળમી સદીમાં રેશમકાપડનાં પરિધાનોનો ચાલ યુરોપમાં વધ્યો અને ખાસ તો નવવધૂનાં પોષાકોમાં રેશમી રિબનનાં સુશોભન ઝૂલવા લાગ્યા. ગ્રીસ, જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલીમાં તે પુરુષો માટે 'મોભાદાર પ્રતીક' તરીકે સમૃધ્ધ-સંપન્ન લોકોમાં પ્રચલિત થયું. અઢારમી સદીનાં રિબન ભરતકામ યુરોપિયન દરબારમાં દાખલ થયું. રાજવી પરિવારના રાજા-રાણીઓ, કિવન વિકટોરિયા સુધી આ ફેશન લોકપ્રિય થઈ. તોરણો જેવી ઝૂલ, ઝાલર, સુંદરતાની નિશાની ગણાવા માંડી. તેમાં પ્રેમ, શાંતિ, કૃતજ્ઞાતા અને મૈત્રીભાવ ઉમેરાયાં. રોમાંચક, લાલિત્યપૂર્ણ લસરકા વડે તે કળા જીવનમાં વણાઈ ગઈ. રિધ્ધિ બહેને પ્રસ્તુત રિબન કળા અપનાવી એમાં ઢગલાબંધ પ્રયોગો કરી કલાચાહકોનો પક્ષપાત જીતી લીધો. એમની કૃતિઓમાં સાટીન-રેશમની રિબનો રંગબેરંગી પુષ્પોરૂપે શોભવા લાગી. સાથે, ભરતકામના ટાંકા-આમળા, સાંકળીએ પાન અને ડાળીઓને શણગાર્યા. બાસ્કેટમાં, ટ્રેમાં, ફ્રેઈમમાં આવા કલાકર્મોમાં રંગના આટાપાટા-લસરકોપણ તેમણે સ્થાન આપ્યું. પુષ્પગુચ્છ, કૂકડો આદિ કૃતિઓ અદ્ભૂત બની. ઓછા- ઘેરા, વિવિધ આકારો અને રંગો થકી નજીકતાનું નજરાણું પેશ કર્યું. એક અદ્ભુત કૃતિ વાસ્તવમાં ૩ઘ - ત્રિદિશ લેન્ડસ્કેર (નિસર્ગ ચિત્રમાં) કેનવાસ ઉપર રંગો વડે લાદીદાર, વળાંકદાર રસ્તો ડાબે વળતો જોવા મળે. આછા કથ્થઇ રંગની મેચિંગ ગેટ પરની પટ્ટીઓ વાસ્તવિક લાગે. આઘે આઘે દેખાય વાદળાં, લિલોતરી, ઘાસાંકુર ! મેદાનમાં લીલા, પોપટી, વાદળી રંગના લસરકામાં તૃણ ઉભાં ઉભા ડોલે. વનાંચલ ઉભુ કરી એમાં કલાકારે ઘાસનાં ફૂલને પણ રિબન વડે દેહ આપ્યો છે, તો રસ્તાની બન્ને બાજુએ ગુલાબી મજન્ટા, મરૂન, લવંડર, પીળા, શ્વેત, લાલ ફૂલોનો ઝૂલતો અંબાર પાંદડાના વૈભવ સાથે પુષ્પ સૌંદર્યમાં સાખ પૂરે. પારિજાત, ટયુલિપ, ગલગોટાનો વૈભવ ડાળીઓ પર્ણો સાથે હવામાં હિલોળા લે અને મનમાં ટાઢક વળે એવી કળા ચિરંજીવ બને અને ધન્ય થઈ જવાય !

લસરકો

મન, ઉમંગ, રંગને છલકાવે એવી રિબનકળા સ્હેજ જાડા, જાળીદાર કાપડમાં વિંધ પાડીને થાય- જેમાં ઓરગેન્ઝા કાપડ પણ નોખી ભાત પાડે : સાદાં સુંદર સાધન સૌંદર્યવાન બને !

ભરતકલા- અનેકતામાં એકતાનો અનુભવ

કાપડકળાની જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે કદાચ કોઈને એના ઉજ્જવળ ભાવિ અંગે વિચારો નહી આવ્યા હોય. જેમ-જેમ ઝાડની છાલ ત્યજીને માનવી ભિન્ન ભિન્ન આવરણો શોધતો ગયો. તેમ તેમ શણ સુતરાઉ, ઊની, રેશમી, સિન્થેટિક આદિ કાપડ અસ્તિત્વમાં આવ્યું. હવે શરીરને તો ઢાંક્યું- પણ કંઈક એવું ન હોવું જોઈકે કે જેનાથી એ આવરણ રૂપાળું લાગે ? મનભાવન લાગે ! અને ચાલી ગાડી... હાથવણાટ, શાળ, પાવરલૂમ અને મશીનોવાળી મિલના માન-મોભા વધવા માંડયા. હવે આધુનિકતમ શોધ મુજબ તો કમ્પ્યુટરે આ ક્ષેત્રમાં પણ પદાર્પણ કર્યા છે અને કાપડ ઉદ્યોગમાંય ક્રાંતિ આવી ગઈ છે. જ્યારે પ્રશ્ન કાપડથી શરૂ થઈ કપડાં સુધી પહોંચે છે ત્યારે એની પણ કહાણી રસપ્રદ થતી ચાલી છે. કાપડમાંથી કપડાં સીવડાવતી વખતે કેટલી બધી પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ આપણે ! એની સિલાઈ માટે આપણી પસંદગીઓ દરજી ભાઈઓની કરામત સમાંતર ચાલે. ત્યારે એના સુશોભનનો મુદ્દો આવે. કપડાં વટ પાડવાનું એક મસમોટું સાધન અને નિમિત્ત છે. તેથી જેવું લાવ્યાં એવું પહેરી લીધે કાંઈ ચાલે ઓછું ? એમાં કાંઈક વિશિષ્ટ હોવું જોઈએ. છાપકામ (પ્રિન્ટ), ભરતકામ, રંગવૈવિધ્ય અને તૂઇ, ટીકી કે ચિતરામણ, ફૂમતાં, ગોટ, ઝૂલ, પેચ વર્ક, આભલા અને હા,ભરતકામ એટલે તો આખુંય વિશ્વ એમાં સમાઈ જાય- સમાઈ જવું જોઈએ, ખરૃં ને ! સમય અને સંસ્કૃતિ આધારિત ભરતકામ કળા વિશ્વસ્તરે વિસ્તરી છે, તેમાં બદલાવ પણ આવ્યા છે અને સૌથી જૂની કળા તો અમૂલ્ય છે આ વારસાગત કળા આપણી મૂડી છે અને આજે પણ એટલી જ પ્રસ્તુત છે. અરે ! ફેશન વિશ્વમાં પણ તેની બોલબાલા છે. ભરતકામવાળાં વસ્ત્રો રોજિંદા જીવનમાં પણ દેખાય અને તે સંગ્રહાલયોની શોભા પણ વધારે ! ફેશન પરેડમાં, તહેવારોમાં, ઉત્સવોમાં ભરતકામમાં કળાદેવી રીઝે !