- રસવલ્લરી-સુધા ભટ્ટ
કલાકારો કરે કાપડ પર ભીંત પર કવિતાઓનું સર્જન
ઇટાલિયન સંશોધિકો ઇલિયાનાએ કાર્યશીલ કલાકારોની સંખ્યામાં આવેલી ઓટને નોંધી હતી અને રઘુરાજપુરના કલાકારોને 'ઉઠો, જાગો અને આગે બઢો'નો સંદેશો આપેલો. એક અમેરિકન મહિલા હલીનાએ તો મૂળ કલાકારો માટે જંગ છેડયો અને ફરીથી સ્થાનિક કળાકારોએ રંગ અને બ્રશ હાથમાં પકડયાં. જગન્નાથ પુરિ જિલ્લાના ભારતીય સાંસ્કૃતિક નકશાનું આ નજરાણું સચવાઈ ગયું. હવે તો આશરે ત્રણસો ઘર અને પાંચસો જેટલા કલાકારો કમર કસી રહ્યા છે. હા, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધિ મેળવી પોતાની આવકને પણ સધ્ધર કરી રહ્યા છે. આવી જગ્યાએ સીધી જ ખરીદી થતી રહે તો વચેટિયાઓના મારથી બચી શકાય. ભાર્ગવી નદીનાં દક્ષિણ કિનારે આવેલું આ નમણું ગામ ઉષ્ણકટિબંધ વૃક્ષોનાં ઝુંડ વચ્ચે ઝુલે છે. નારિયેળી, ખજૂરી, આંબા, ફણસ જેવા વૃક્ષોના ફલોની સુગંધ સાથે સોપારીનાં અનેક ઝાડ ડાંગરનાં ખેતરો પર ઝળુંબે છે. ગામમાં શેરીમાં સામસામા ઘરોની શ્રેણીઓ વચ્ચે ક્યાંક ક્યાંક નાની દેરીઓ દેખાય. અહીં ગામલોકો માટે સભાસદન પણ છે. ગ્રામમાતા ભુઆસુનિ ઉપરાંત અનેક દેવોના હાથએમના શિરે છે. ખાસ તો, પટ્ટચિત્ર માટે વિશ્વવિખ્યાત થઇ ગયેલી ચિત્રકળા ઉપરાંત અહીંની કળાની અન્ય બે ખાસિયતો છે : એક તો ભીંત ચિત્રો અને બીજી હસ્તકળા જેમાં નાવીન્યની ભરતી છલકાય છે. પટ્ટચિત્ર કાપડ પર વીંટા (જીબર્નિન) સ્વરૂપે મળે. જ્યારે કાપડ, કાગળ ઉપર ફ્રેઇમમાં પણ તેઓ ચિત્રણ કરે સાથે સાથે હસ્તકલાનાં વૈવિધ્ય અપાર ! સ્તબ્ધ કરી દેતી કળા ભીંત ચિત્રોને પણ રળિયામણાં બનાવે છે. પ્રત્યેક દાર અહીં કલાકારની જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને છે. દરેક ઘરની બાહરી ભીંત પર અનન્ય ચિત્રાંકનો જોવાં મળે. સાથે સાથે બારી, બારણાં, બારસાખ, ગોખલાના આકારે આકારે સુંદર મઝાની બોર્ડર (કિનાર) મળે. જીવંત વારસાનું આ ગામ પોતે જ ચિત્રાત્મક છે.
રઘુરાજપુર સ્વયમ્ કલાસારુ કલાત્મક બનેલી સંજીવની છે
જ્યાં સમયાતીત વાર્તાઓ કળામાં રસળે છે એ આદર્શ ગામ આખુંય પ્રકૃતિના પ્રેમમાં પાગલ છે. તેમનાં ભીંતચિત્રો જે પરસાળમાં મન ખોલીને મ્હાલે છે અને દર્શકને રસિકને આકર્ષે છે એમાં એમનાં પ્રિય વૃક્ષો - કદંબ, બિલ્વ અને દુર્વાનું જાણે કે પૂજન કરે છે ! જળ કે જમીનના જીવો, પશુ-પંખીઓ, માનવપાત્રોને અહીં આગવું મહત્ત્વ મળે છે. ચિત્રમાં ખાલી જગ્યા પૂરવા બારીક રેખાઓ કટિબધ્ધ થઇને પોતાની ફરજ અદા કરે છે. હરણાં તો જાણે વૃંદાવનનાં વૃક્ષોની ચોમેર કૂદકતાં લાગે ! અરે ! અનેક મકાનોમાં તો ગેરુઆ પશ્ચાદ્ ભૂ પર સફેદ આકારો ભૌમિતિક ભાત રજુ કરે છે. લાગે છે તો એ કળા વારલી ચિત્રકળા જેવી પણ એ છે ઓરિસ્સાની 'સૌરા કળા !' ત્રિકોણ, વર્તુળ, અર્ધવર્તુળને અહીં વાચા બને છે જે પોતાની આગવી ભિન્નતાનો પરિચય આપે છે. પરસાળના સ્તંભ ફરતે કંદોરા પહેરાવ્યા હોય એવી આ ભાત ક્યાંક વળી રંગોળીની પણ યાદ અપાવે છે.
પ્રવેશ દ્વારે સિંહજોડ ગર્જના કરે અને ફૂલ કળી, પાન, વેલ, ઝીણવટ ભર્યં સૌંદર્ય છલકાવે ! મૂળ કચ્છના અને હવે વડોદરા વસતા અદ્ભૂત તસવીરોના પ્રણેતા અને આગવી શૈલીમાં કલન્યાસને ન્યાય આપતા લેખત શ્રી પ્રદીપભાઈ ઝવેરીએ આ સ્થળે રૂબરૂ જઇને ખેંચેલા ફોટામાં રાજાશાહી ઠાઠથી માંડી શાસ્ત્રીય સંગીતના રાગો ઉપર આધારિત પ્રાચીન ચિત્રો મોટી સંખ્યામાં આપણને રસતરબોળ કરી દે. ચિત્રોમાં દ્રશ્યમાન માનવમહેરામણ, કુદરતી તત્ત્વો, સ્થાપત્ય શિલ્પ, પાત્રોની વિશિષ્ટ મુખમુદ્રા ભાવકનું ધ્યાન ચોરી લે. બોલકી અને જીવંત અભિવ્યક્તિનો પાર નહિ. અરે ! નિર્જીવ વસ્તુ પણ સજીવ લાગે એવી આ તસવીરોમાં સ્થાપત્યની પણ વિગતો નોંધલેવાયેલી છે. એક તસવીરમાં મહેલનો એક ઓરડો કોઈ પ્રાચીન શિલ્પ જેવો લાગે ! પાટ ઉપર બેઠેલા રાજા-રાણીની ગોષ્ઠિ સ્તંભદાર ઓરડામાં પડઘાતી ભાસે. તો, ઝરૂખા અને ગોખલા તો એ કલાકૃતિના અગત્યના અને જીવંત પાત્રો જ ભાસે ! ભીંત ચિત્રોમાં કોલાજ પણ હોય જેમાં અલગ અલગ આકૃતિઓ રસ ઘોળે.
તાડપત્રી, ચટાઈ, ટશર-કૉટન કાપડ અહીંની પ્રયોગશાળા
સાધુ પુરુષો, દેવી-દેવતાઓ, અસુરોના પાત્રોનાં મહોરાં ઘાટા ઘેરા રંગોમાં ઉઠાવ આપે. શ્રીકૃષ્ણલીલા, ગોપીઓનાં વૃંદો, બંસી, વનરાજી, પનિહારીઓ- દરેક જીવંત કથાના સજીવ પાત્રો લાગે. ચિત્રો અને તેના ફોટા આદિવાસી કળાની યાદ અપાવે. વિરહિણી નાયિકાના રાત્રિ વિહારની સાક્ષી બનતા સૂમસામ રસ્તાવાળા ચિત્રમાં શ્યામલતાનો પાશ ધરાવે છે. વીણાવાદિની નાયિકા અને રસિક શ્રોતાજનોનું ચિત્ર 'રાગ માલવી' આધારિત છે, તો રાગ ખંબાબતીમાં ત્રિદેવ અને સંગીતકાર નાયિકાની પ્રાર્થના દ્રષ્ટિગોચર થાય છે. તપસાધના કરતા ઋષિવાળા ચિત્રમાં વાટિકા, કુટિર, વ્યાઘ્રચર્મ, હરણાં, વાદળ, વૃક્ષો, પંખી અને ભૌમિતિક કિનાર છે. જેમાં લખ્યું છે 'રાગ વંગાલી'. અન્ય એક ચિત્રમાં સંગીતકાર નાયિકા અને દાસીઓ જેમાં તે 'રાગ માલકોષ' હોવાનું લખ્યું છે. (તસવીરમાં દેખાય છે તે મુજબ રાગનાં નામ અહીં લખ્યા છે) તદુપરાંત વસંતવિહારના નિરૂપણવાળું ચિત્ર પણ રંગરાગની પુષ્ટિ કરે છે. ખૂબ જ ઝીણી પત્તીવાળી કમનીય ડાળીઓ અને નાજુક સ્ત્રીઓની રમતવાળું ચિત્ર લોકરમતની છડી પોકારે છે. આછા પીળા, લાલ, લીલા રંગની માયા અદ્ભુત છે એમાં ! સામાન્ય રીતે ઘેરી ઘાટા, કાળી આઉટલાઇનવાળાં ઉડીને આંખે વળગતાં ચિત્રોમાં લોકકલાની ઝાંખી થાય છે. આવી આ ગ્રામ નગરીમાં ભિન્ન ભિન્ન ચિત્રો ઉપરાંત લાકડાનાં રમકડાં, મહોરાં, કુંજા, બાટલી, પંખીનાં લટકણ, નાનાં ઘડા, માનવઆકારોવાળા 'શો પીસ'નો પાર નથી. ઝીણાં નિરીક્ષણ સહ કુદરતી ્ને ખનિજ રંગોવાળી કલાત્મક કૃતિઓ હવે છૂટથી ઉપલબ્ધ થાય છે. લોકકથા જેવું જીવન અને તેવી જ કળા ! ખંતીલા મોજીલા લોકો અને આગવી કળાનો સંગમ છે અહીં.
લસરકો
પાત્રો માટે વિવિધ આકારોના મુગટના નામ
બાંકા ચુલિયા (કૃષ્ણ માટે)
ટોપી કિરીટી (રાજવી પાત્રો માટે)
અંબા કાસિયા (કૂણી કેરી જેવો આકાર)
પાન પત્રી (સોપારીનાં પાન જેવો)
અનેક કળા-એકમેવ સ્થળ વિવિધ શૈલી
કોણે કહ્યું કે કળાની અભિવ્યક્તિ ત્યારે જ થાય જ્યારેવ્યક્તિએ તાલીમ પ્રાપ્ત કરી હોય ! એ સદા સર્વદા સાચી વાત નથી. કોઠામાંથી કળા સ્વયંભૂ પ્રગટે, વિકસે અને ખ્યાતિ પામે એનાં ઉદાહરણો બેશુમાર છે. અનેકતામાં એકતા અને માત્ર એક કળામાંથી અનેક કળાઓનાં જન્મ થાય એ તો કેવી અજબ જેવી વાત છે ! ભારત એક એવો દેશ છે જેમાં દરેક પગલે-ડગલે વૈવિધ્યપૂર્ણ કળાનાં દર્શન થાય. પછી ભલે ને ચિત્ર, સ્થાપત્ય, શિલ્પ, ગીત-સંગીત, નાટય, નૃત્ય કે સાહિત્યના પ્રકાર કેમ ન હોય ! પારંપરિક ચિત્રકળાને સંભારીએ તો ગુફામાં વસતા આદિ માનવોથી લઇને વર્તમાનના વિકસિત સમાજના સંત્રી સમા કળાકારો પ્રાચીનથી તે આજ લગીની કળાને વરવાનું પસંદ કરે છે. તેમાં પ્રયોગો, ઉમેરણ, સુધારા-વધારા, સાંપ્રત ઘટનાઓનાં અંક ન બધું જ આવરી લેવાય છે. ઘસાઈ ગયેલી ભૂંસાઈ ગયેલી ભૂલાઈ ગયેલી કેટલીક ચોક્કસ ચિત્રકળા નવજીવન પામી નવયુગમાં પોતાની શાખ ફેલાવતી સોહે છે. આપણા દેશના દરેક ખૂણે વસતી શ્વસતી વિવિધ કળાઓ આજે માન-પાન-શાનની અધિકારિણી છે. ચિત્ર ઉપરાંત નૃત્ય, નાટય, શિલ્પ, સંગીતનાં નવલાં સ્વરૂપોને નવયુવાનો અને નવયુવતીઓ પણ ચાહવા લાગ્યાં છે તેનાં પ્રમાણ મળતાં થયાં છે. પૂર્વ ભારતના છેવાડાના કહેવાતા રાજ્ય ઓરિસ્સા (ઓડીશા)ના જગન્નાથ પુરિથી માત્ર દશ-બાર કિ.મી.ના અંતરે આવેલા 'નાનો પણ રાઈનો દાણો' સમકક્ષ ગામ રઘુરાજ પુરની તાસીરમાં જ કળા અભરે ભરી છે. હા, એક સમે મૂળભૂત મૌલિક કળાને કારણે પંકાયેલું આ કળાગ્રામ આઝાદીની આસપાસના ગાળામાં વસુકી ગયેલું. પણ કલાપ્રેમી બે વિદેશિનીઓએ તેને બચાવી લીધેલું. આપણાં જ કેટલાક કહેવાતા કલાકારોને તેમણે પાઠ ભણાવ્યો હતો.


