mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગોકર્ણમાં અવર્ણનીય પ્રાણલિંગ .

Updated: Apr 2nd, 2024

ગોકર્ણમાં અવર્ણનીય પ્રાણલિંગ                               . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- કળા રસિકો, ભક્તો અને ભક્તિનો પ્રવાહ અસ્ખલિત

આમ જોવા જઇએ તો અટન એટલે યાત્રા કે પ્રવાસ જુદા જુદા સંદર્ભે થતા જોવા મળે છે. ધાર્મિક હોય તો તીર્થાટન, નિસર્ગની આંગળી ઝાલીને કરાતો પ્રવાસ તે રખડપટ્ટી, સામાજિક પ્રસંગો કે મુલાકાતો સંદર્ભે સૌજન્યપૂર્ણ કે સૌહાર્દપૂર્ણ યાત્રા, ધંધા-રોજગાર નિમિત્તે કામકાજ સંબંધે પ્રવાસ ઇત્યાદિ. કેટલીક યાત્રાઓ એવી હોય છે જેમાં બે હેતુ એક સાથે બર આવે છે, ધાર્મિક કે ઇષ્ટદેવ દર્શનપ્રવાસ સાથે પ્રાકૃતિક સૌંદર્ય સભર સ્થળોનાં દર્શન પણ જીંદગીભરનો લ્હાવો બની રહે છે. વળી, કવચિત અપવાદરૂપે એમાં કોઇક સામાજિક કૌટુંબિક મુલાકાત પણ ભળી જાય ત્યારે એ યાત્રાનો આનંદ બેવડાઈ જાય. એમાંય જ્યારે અતિ આસ્તિક નાગરિકો ધરાવતા દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાંથી એક રાજ્યમાં તીર્થાટન અને કુદરતની કૃપા બન્ને 'બોનાન્ઝા' બનીને આવે. તેમાં સગાં સંબંધી મિત્રોના પરિવાર જોડાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય કેમ, ખરૃં ને ? કર્ણાટક રાજ્યનું નામ જ કેટલું બધું કર્ણપ્રિય છે - કાન સરવા કરીએ તો કર્ણાટકી સંગીતની સૂરાવલી કાનમાં ગૂંજન કરે અને તેમાંય જો કોઈ મંદિરે પહોંચી ગયા તો તો... મંદિર પરિસરમાં; તેના પ્રાંગણમાં મૃદંગ ઉપર પડતી થાપનાં આવર્તન કાને પડે, લાંબી એવી શરણાઈ દક્ષિણ ભારતીય રાગ છેડે તોય બનારસ ઘરાનાના ઉસ્તાદ બિસ્મિલ્લાખાન અને બનારસના ઘાટ નજરે તરે. ઉત્તર કર્ણાટકના જિલ્લા ગોકર્ણનું નામ જ વિશિષ્ટ છે અને 'મહાબળેશ્વર' એટલે કે અતિબળવાન એવા શિવજીનું અહીં મહત્ત્વ આગવું જ છે. હા, મહારાષ્ટ્રનું મહાબળેશ્વર સાવ અલગ છે. ત્યાંય ક્યારેક તો જઇશું ને?!

દક્ષિણ ભારતનું 'કાશી' છે ગોકર્ણ

ગોકર્ણ નગર અને દાંડેબાગ વિસ્તાર કર્ણાટકના કારવાહ નગર નજીક અરબી સમુદ્રના પશ્ચિમ કિનારે એટલે કે ભારતના પશ્ચિમી દરિયા કાંઠે વસેલાં છે. દરિયાનાં અમોદા જળનાં ઊંચા ઉછળતા મોજાંને અથડાય છે. કાળમીંઢ ખડકોના ઘસાતા જતા પથ્થરો. દરિયા કિનારે મોં કરી ઊભા રહીએ તો ડાબે લીલી છમ ટેકરીઓ સાગર જળને ટેકો કરતી ઊભી દેખાય. પાછળ વટપૂર્વક વિલસે છે. ગોકર્ણ મંદિર...સમુદ્રમાં પગ પખાળીને, કોરી રેતીને ભીની કરીને મંદિર તરફ પગલાં માંડીએ ત્યાં તો એનું સૌંદર્ય અને એની વિશાળતા મનભરી દે. આ પવિત્ર સ્થળ ગોકર્ણ ગંગાવલ્લી નદી અને આગનાશિની નદીની વચ્ચે સચવાઇને બેઠું છે. ગોકર્ણ બીચ અને ઓમ બીચ પર્યટન માટેનાં ચહીતાં સ્થળો છે. આદિ શંકરાચાર્યજીએ અહીં 'શ્રી રામચન્દ્ર પુર મઠ' અર્થાત્ 'ધ જગતગુરુ પીઠ'ની સ્થાપના કરી છે. દંતકથા મુજબ રાક્ષસ રાજા રાવણનાં માતાએ શિવભક્ત પુત્ર કાજે શિવલિંગની ઝંખના કરી. ભગવાન ઇન્દ્ર અહીં રમત રમી ગયા પરંતુ રાવણે સ્વયમ્ કૈલાસ પર્વત જઇ, શિવજીની પ્રખર સેવા કરી, તાંડવનૃત્ય કરી, સુસ્વરે પ્રાર્થના કરી આકરી તપસ્યા કરી. શિવજીએ પ્રસન્ન થઇ તેને આત્મલિંગ આપ્યું અને એને વગર નુકસાને, ક્યાંય જમીન પર મૂક્યા વગર બારોબાર શ્રીલંકા જવાનું સૂચન કર્યું. હિમાલયથી સ્વગૃહે જતાં રાવણ ગોકર્ણ રોકાયા અને બ્રાહ્મણરૂપે આવેલા ગણેશજીને આત્મલિંગ સાચવવા આપ્યું. ગાયો ચરાવવા આવેલા ગણેશની બૂમ રાવણે ન સાંભળી અને તેઓ ગાયો લઇને ચાલતા થયા. લિંગ ભોંય પર મૂકાઈ ગયું. રાવણે ગાયો પાછળ હડી કાઢી પણ ગાયો તો પાતાળમાં સરકવા માંડી. છેલ્લે એક ગાયનો કાન રાવણના હાથે પકડાયો તે અહીં પથ્થર સ્વરૂપે દેખાય છે માટે આ સ્થળ તે ગોકર્ણ. શિવલિંગ 'મહાબળયુક્ત ઇશ્વર' તેથી આ મંદિર મહાબળેશ્વર.

શ્રી ક્ષેત્ર ગોકર્ણ એકમાત્ર મંદિર છે જેમાં એકમાત્ર આત્મલિંગ શિવલિંગ છે

મંદિરમાં મોટો પ્રદક્ષિણા પથ છે. આખું મંદિર કોતરણી નકશીયુક્ત પથ્થરોથકી બનેલું છે. ઠેર ઠેર ગુલાબી વાદળી રંગમાં દીવાલો, મદલો અને છજાઓ દેખાય. પથ્થરનાં શિલ્પો પર ઝીણી કોતરણીમાં અલંકાર, વસ્ત્ર અને શસ્ત્ર તથા વાહન પણ જણાય. સભાગૃહ મંડપમાં ભીંતો પર દેવી દેવતાઓનાં ચિત્રો છે. કાળાપથ્થરના નંદીના ગળે ઘંટડી રણકે. મંદિરની દિવાલની રચના ભૌમિતિક, ચોરસ થાંભલા અને ઊંચી પીઠ (બેઝ) વાળી છે.

 ચોરસ સ્તંભો અડખે પડખે ખૂણિયા સર્જે જેની ઉપર તુલસી ક્યારાની ભાત દેખાય. હવા ઉજાસને આવકારતી જાળીઓ શોભે સૌને આવકારે. ખાંચેદાર સ્તંભોની હાર વચ્ચે મદલ, કમાનનો આધાર તો ખરો જ. ઊંચી અટારીે કાંગરીદાર કઠેડો. મંદિરમાં શિવપ્રતિમા ઉપરાંત હનુમાન, રામ, સીતા અને અન્ય અલૌકિક મૂર્તિઓ આપણે કૃતકૃત્ય કરે. શિખરની ભવ્યતા અપરંપાર ! શિખરારંભે ગોખલા અષ્ટકોણીય આભા ઊભી કરે. ગૂંથણી સમ ઝીણી કમાનો અને ઉપર આમલક સ્પષ્ટ દેખાય. જેમાં ગુંબજ બિરાજમાન ! જાણે કુંભ ઉપર શ્રીફળ. પૌરાણિક આકૃતિઓ અને ઘટનાથી ભરપૂર શિખર પરની ભાતમાં શિવદરબાર, છડી, ચક્ર, ગદા, શંખ, કમળ, પર્ણ, પશુ, પંખીનાં લાલિત્યપૂર્ણ અંકન મળે. રથપ્રસંગો, સાંકળ, ઘંટ, ફળ-ફૂલ, ટોડલા, તોરણ આદિનું સંતુલન મંદિરને ભવ્યતા અપાવે છે. આ ઉપરાંત ઉત્સવો રથયાત્રા અને રોજીંદા ક્રમમાં ભવ્ય પૂજા વિધિ ગોકર્ણની શાન છે. આસપાસ અન્ય શ્રધ્ધા સ્થળો પણ ખરાં.

લસરકો :

દ્રાવિડિયન મંદિર કળાની ખાસિયત એ છે કે મંદિર-ગર્ભગૃહમાં કોઈ ચોક્કસ દેવતાનું સ્થાપન હોય પરંતુ મંડપમાં અને શિખર પર દરેક ભારતીય દેવી-દેવતાનું થાય સ્વાગત !

પર્વત, જંગલ વન, ભવ્ય સાગર એ મીઠડી બે નદીઓથી ઘેરાયેલું ગોકર્ણ

ચોથી સદીમાં ૩૪૫થી ૩૬૫ દરમ્યાન પ્રસ્તુત મંદિરની રચના થઇ. કદંબ રાજવંશના રાજા મયુરા શર્માએ અને ત્યારબાદ એમના સુપુત્ર કાંગા શર્માએ જુદી જુદી પરંપરાવાળા બ્રાહ્મણોની મદદથી ગોકર્ણ મંદિરની જાળવણી કરી. આ પવિત્ર શ્રીસ્થળનો ઉલ્લેખ રામાયણ, મહાભારત અને સ્કંદપુરાણમાં છે. કવિકુલગુરુ કાલિદાસે ચોથી સદીમાં પોતાના ગ્રંથ 'રઘુવંશમ્' માં તેનો ઉલ્લેખ 'ગોકર્ણના દેવતા' તરીકે કર્યો છે. સાતમી સદીમાં તેને 'પાડલ પૈત્રા સ્થલમ્' અંતર્ગત અપ્પાર, નાયનાર અને સંબંદર જેવા ભક્ત કવિઓએ ધર્મસિદ્ધાંતની યાદીમાં મૂકી આપ્યું છે. ૧૩૩૬થી ૧૬૪૬ દરમ્યાન વિજયનગરના રાજાએ આ મંદિરમાં પોતાની સુવર્ણ તુલા કરી હતી અને સત્તરમી સદીમાં રાણી ચેન્નમ્માજી તથા તેમના કુંવર શેખર નાયકે અહીં ચન્દ્રશાળા અને નંદી પેવેલિયન બંધાવ્યાં. અહીં અન્ય રાજાઓ, છત્રપતિ શિવાજી અને ૧૬૭૬માં પરદેશી પ્રવાસીઓએ આવી આ અનન્ય કલાત્મક મંદિરની નોંધ લીધી. શાસ્ત્રીય સ્થાપત્ય શૈલી શુધ્ધ દ્રાવિડિયન પધ્ધતિથી ગોકર્ણ મંદિરની રચના થઇ છે. મંદિરમાં બહુવિધ ગાદીઓ ગર્ભગૃહ છે જેને મધ્યસ્થ કલાત્મક શિખર છે. ગર્ભગૃહમાં આત્મલિંગની સ્થાપના ઘણી સૂચક છે જેને 'પ્રાણલિંગ' પણ કહેવાય છે જે ભક્તો ઉપર ભરપૂર આશિષ વર્ષા કરે છે. આખે આખું મંદિર શ્વેત ગ્રેનાઇટ પથ્થરનું બનેલું છે જેને સમય જતાં દરિયાના ખારા પાણીનો લૂણો લાગ્યો છે અને શ્યામલતા સ્પર્શી ગઇ છે. ગર્ભગૃહમાં ચોરસ શાલિગ્રામ પીઠ ઉપર વચ્ચોવચ છિદ્ર છે જેમાંથી ભક્તો આત્મલિંગ દર્શન કરી શકે છે.

Gujarat