Get The App

ગગન મંડળે ગૂંજે ગૂઢ મંડળ કળા .

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
ગગન મંડળે ગૂંજે ગૂઢ મંડળ કળા                               . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

'ગોળ સર્કલ' જેવા ઓષ્ઠખૂણે સ્મિત ફરકાવતા શબ્દમાં ય ''મંડળ''

'મંડળ' શબ્દ કેટલો જાણીતો છે ને ! ભજન મંડળ, સાહિત્ય મંડળ જેવા પ્રવૃત્તિ સૂચક નામોની યાદિ લાંબી થાય. વિવિધ રાજ્યો-પ્રદેશોનાં વિભાગો મળીને એક એકમ બને તે ઓખા મંડળ, ચોલા મંડળ જેવા મંડળો પણ જાણીતા અને વ્યવસાય સંદર્ભે કે કળા સંદર્ભે પણ 'સમૂહ' માટે વપરાતા શબ્દો મંડળ એટલે કે ''વર્તુળ''નું પણ સૂચન કરે જ છે; ખરું ? આપણે તો બૌદ્ધ ચિત્રકળા અનુસંધાને મંડળીની માંડણી કરીને બેઠા છીએ એમાં પણ કેટલું વૈવિધ્ય અપાર ! કેન્દ્રબિંદુમાંથી પ્રગટી રેખાઓ નિશ્ચિત અંતર રાખી વર્તુળના પરિધ સુધી પહોંચે એ ભૌમિતિક આકૃતિમાં પણ લલિત કલાની યાદ અપાવતી પાંખડીઓ પ્રાણ પૂરે. લાગે ગીચ પરંતુ એમાંય 'સ્પેસ'નો મહિમા છે. કેન્દ્રમાં બૌદ્ધ તરાહના લોકપ્રિય દેવી-દેવતાની સ્થાપના હોય તો શિર પછવાડે આભા-પ્રભા વલય હોય અને પશુ, પંખી, અન્ય કુદરતી તત્વોનાં નિરૂપણ 'લેન્ડસ્કેપ'ની ભાવના જગાડે... કે પછી બ્રહ્માંડીય તત્વો-સૂર્ય, ચન્દ્ર, તારા, ગ્રહો અને નક્ષત્રો અહોભાવ જગાડે ! નૈસર્ગિક રંગોની ઝાંય સૌંદર્યની માઝા મૂકે. વિવિધ અન્ય-રાસાયણિક રંગોને પણ પોતાનું માન હોય છે તેની ભવ્યતા પણ રસિકોને રસતરબોળ કરી દે. કોલસા કે અન્ય શ્યામ રંગના લસરકા જેવી રેખા કાગળ કે કાપડના શ્વેતરંગ સાથે જુગલબંધી કરી અનોખો રાગ છેડે અને એ ચિત્રોમાં વિષયના મહાત્મ્યની સાથે સાથે અભિવ્યક્તિનાં રંગીન ફુવારાની છોળ દર્શકોને જરૂર આકર્ષે. આ વર્તુળવિશ્વમાં શુકનવંતી ડિઝાઈનોના ક્રમમાં અનેક વર્તુળો એકમેકમાંથી નિપજી નિતનવી ભાત સર્જે. અર્ધવર્તુળો ડોકિયાં કાઢે, ફ્રી હેન્ડ શૈલીમાં અનેક ડિઝાઈન ભાવિકોનાં મન ઠારે.

''મંડળ કળા થકી સારવાર''નો ખ્યાલ અતિ પ્રાચીન

બૌદ્ધ મંડળમાં એકથી વધુ આકૃતિઓ અને મુદ્રાવાળાં ચિત્રો પ્રખ્યાત થયાં છે. ''મંજુવજ્ર'' મંડળમાં કેન્દ્રસ્થ દેવી દેવતાઓ ત્રણ ચોરસની વચ્ચે વર્તુળમાં દેખાય છે. વર્તુળની ચારેકોર પ્રતીકોમાં બુદ્ધાવતારનાં રેખાચિત્રો મળે. ઘેરા ઘાટા લાલ રંગના આ ચિત્ર ઉપરાંત અન્ય એક ચિત્રમાં વૈરોચનાની યુવા વયનું પ્રતિનિધિત્વ જોવા મળે છે જે આઠ અન્ય બુદ્ધથી ઘેરાયેલા છે. અનેક બૌધિસત્વો છે એ. રત્નસંભવ, સમાંતભદ્ર, સંકુસુમિતરાજા, મંજુશ્રી, અમિતાભ, અવલોકિતેશ્વર, અમોઘ સિદ્ધિ અને મૈત્રેય અહીં તપસ્વીઓ તરીકે ઉપસ્થિત છે. વજ્રયાન શાખામાં રેત મંડળનો આરંભ થયેલો. અનુત્તર યોગ તંત્ર ધ્યાનના મહાવરા રૂપે એનો ઉપયોગ થાય. આવાં ચિત્રો નાશવંત હોય. વજ્રયાનમાં 'માનવ'નું મહત્વ છે જે રેશમી કાપડ કે ટેપેસ્ટ્રી ઉપર કરવામાં આવતું. સત્તરમી સદીના તિબેટીયન ચિત્રોમાં ''પંચદેવ મંડળ'' ઘેરા લાલ રંગમાં થયેલું મંડળ છે. મેરુ પર્વતના પારંપરિક નિરૂપણ સહિતનું ઉત્તમ ચિત્ર છે. જેમાં મેરુ વિવિધ ખંડોથી ઘેરાયેલો છે. એ ચિત્ર રેશમી ટેપેસ્ટ્રી પર યુઆન રાજવંશ દરમ્યાન બનેલું. મહાયાન તરાહમાં બુદ્ધની મૃત્યુ અંગેની વિચારણાનો પડઘો છે. સંસારમાં બધું જ નાશવંત છે તેવું તે સૂચવે છે. જીવનના પરિવર્તનશીલ સ્વભાવને દર્શાવવા આવાં ચિત્રો થતાં હતાં. આનાથી પ્રેરાઈ પાશ્ચાત્ય વિચારધારાઓ પણ મંડળ ચિત્રકળામાં રસ લેતી થઈ હતી. આ કળાએ કાઠું તો ત્યારે કાઢ્યું કે તેણે ચિત્રમાં સ્થાપત્યની આકૃતિઓને સમાવી. મંદિર, મઠ, સ્તુપ ઈત્યાદિ નવમી સદીમાં ઈન્ડોનેશિયાના બોરોબુદુરમાં દેખાઈ. વિશાળ તાંત્રિક-પિરામિડ જેવા મંડળ બન્યાં. વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને પુરાતત્વ ક્ષેત્રે પણ આ કળા પ્રવેશી.

મંડળમાં ''નામ તેનો નાશ'' નિર્લેપભાવનો સંદેશો

ભારતભરમાં દરેક પ્રદેશમાં રંગોળી-અલ્પનાનો રિવાજ સદીઓ પુરાણો છે જેમાં વર્તુળમાં વૈવિધ્યસભર ભાત નિહાળી અચૂક મંડળ કળાની યાદ આવે. હિંદુ ધર્મમાં વ્યાપકપણે મંડળો આદિકાળથી 

ચાલ્યા આવે છે તેને શ્રીયંત્ર કહે છે. માતાજીનાં યંત્રોમાં અંબાજી, કાલિકા, જોગેશ્વરી, મહાલક્ષ્મી, સરસ્વતી યંત્રની પરખ ભક્તોને છે. એ ઉપરાંત સમૃદ્ધિ, શાંતિ અને જ્ઞાનયંત્ર પણ પ્રચલિત છે. આ યંત્રો અલબત્ત, ચોરસ હોય છે જેમાં મધ્યે વર્તુળ સાથે તે જોડાય છે. એ મંડળ કરતાં નાનું અને મર્યાદિત રંગોવાળું હોય છે. મંત્ર-તંત્ર, પૂજા, ધ્યાન આદિમાં તેનો ખપ પડે છે. તેના વડે દેવી દેવતાઓનું આવાહન થાય છે. તે બ્રહ્માંડીય સત્યના તથ્યને ઉજાગર કરે છે. યંત્ર કોઈનું પ્રતિનિધિત્વ ન કરે પરંતુ એને તો જીવી જવાય ! ઋગ્વેદમાં મંડળને ફરજના ભાગરૂપે નવાજ્યા છે; તો, વેદિક વિધિમાં ''નવગ્રહ મંડળ''નું આજદિન સુધી સ્વીકારાયું છે. યંત્ર, તંત્ર, મંત્રના હકારાત્મક્તા તરફ લઈ જતા ચિત્રાત્મક સ્વરૂપો હિંદુ સમાજના કેટલાક વર્ગોમાં સ્વીકારાયેલા છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે ''સર્વતોભદ્ર મંડળ''. કાગળ કે કાપડ પર એ ચિત્ર ભીંત પર તો શોભે જ પણ શુભ ધાર્મિક પ્રસંગે એ ભોંય પર કલાત્મક રંગોળીની અદામાં શોભે. આ ચોરસ મંડળમાં અંદર એકસરખા ચોરસ ખાનામાં અનાજનું મંડળ ભરાય. લીલા મગ, કાળા અડદ, સફેદ ચોખા, ચણાની દાળ, લાલ ઘઉં અદ્ભુત ભાત પાડે. કૃતિને જાણે કે પાળ (કિનારે) બાંધી પૂર્ણ કરે અને પછી ચારે ખૂણે શંખ, ચક્ર, ગદા અને પદ્મથી વિભૂષિત કરે. મંડળ ફરતે કાંગરા કૃતિની ચોકી કરતા ભાસે. મધ્યમાં અને ચારે ખૂણે સૌભાગ્ય છાબડી સહિત કુંભ અને અખંડ દીવો પવિત્ર વાતાવરણ ઊભું કરે. ધર્મ અને કળાનો સંગમ આનંદ-ઉત્સાહની અનુભૂતિ કરાવે.

લસરકો :

મંડળ જાગૃતતાનું વર્તુળ છે જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે.

ભૌમિતિક અને લલિત કળાનું 'કોમ્બો' તે મંડળ

સંસ્કૃત શબ્દ 'વર્તુળ' કે 'કેન્દ્ર' આપણને 'મંડળ' સુધી લઈ ગયો. આ આધ્યાત્મિક પ્રતીકાત્મક કળા બ્રહ્માંડને માનવના જીવમાં ઉતારવા સક્ષમ છે. 'સ્વ'ની શોધ અને સાજા થવાની પ્રક્રિયાને વેગવંતી કરે છે આ કળા. બીજનો ચન્દ્ર, સૂર્યકિરણો, ઝબુક તારલિયા, પતંગિયા, પુષ્પો, પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા પાત્રો એક જાતનું 'મ્યુરલ' (મિશ્રકળા) રચે છે - મનમાં અને ચિત્રના માધ્યમમાં પ્રત્યેક સ્થળે. આ કળામાં આપણી પોતાની પ્રાચીન કળાઓ પિછવાઈ, લેન્ડસ્કેપ, રૂપચિત્ર આદિ પ્રતિબિંબિત થાય છે. વિધિ વિધાનયુક્ત આ કળા ભારતમાં પ્રથમ સદીમાં જન્મી અને પછી આખા એશિયામાં પ્રસરી. વિવિધ સંસ્કૃતિનાં વર્ણન અને પરંપરાનાં અંકનનાં અનુરણન થયાં. પેલી કેન્દ્રમાંથી નીકળતી આરીઓ (કિરણ) સાધકને ધ્યાન અને શાતા અર્પવામાં નિમિત્ત બની. માનવીની આંતરિક એક્તા અને પ્રદીપ્તમાન-પ્રકાશમય થવાની ઝંખના તેને સમાધિ સુધી લઈ ગઈ. 'સ્વ'ની ઓળખની આ રીત બૌદ્ધ સાધુઓને તાલીમ દરમ્યાન શીખવાડવામાં આવતી. આપણા દેશમાં હિમાલય શ્રેણી સહિત ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આ કળા વિકસી. કમળ ફૂલ, ચક્ર, સૂર્ય, ચન્દ્રનાં પ્રતીકો સમતુલન અને શાશ્વત હયાતી સૂચવે છે. મંડળ કળાનાં સર્જન અને રસળતા રંગોની દુનિયા કલાકાર અને રસિકો સૌને ચિંતામુક્ત કરી હળવાંફૂલ કરી દે અને તે વ્યક્તિ પોતાની જાત સાથે સંવાદ કરતો થઈ જાય એવો દાવો બૌદ્ધ મંડળ કળાના હિમાયતીઓ કરે છે. અલબત્ત, હવે નવયુગમાં આ કળા સાથે અન્ય કળાઓ પણ જોડાઈ. ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, શ્રી કૃષ્ણ, મહાદેવ અને અન્ય દેવી-દેવતાઓનાં મંડળ જાપાનની ''શિન્તો'' કળા મુજબ નવા અવતારમાં અવતર્યાં. સાથે સાથે આ ચિત્રોમાં લિપિ, નૃત્ય, હૃદય, યોગ, દરિયાઈ જીવ, કલમકારી, લોકકલાનાં આલેખન આવકાર પામ્યાં છે.


Google NewsGoogle News