Get The App

ચિત્રોની રિદ્ધિ - ચિત્રકારોની સિદ્ધિ .

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
ચિત્રોની રિદ્ધિ - ચિત્રકારોની સિદ્ધિ                                     . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

ચિત્રોના ચિત્રણની કલાયાત્રા

વિવિધ ક્ષેત્રોમાં ખૂંપેલા, અત્યંત વ્યસ્ત એવા કેટલાય મહારથીઓને એવું કહેતાં સાંભળ્યાં છે કે નાનપણથી જ એમને તો કળામાં જ રસ હતો પણ કર્મજોગે એ માર્ગ ફંટાઈ ગયો પરંતુ 'દેર સે આયે દુરુસ્ત આયે' ન્યાયે અનેક કલાકર્મવીરો અનુકૂળતાએ ફરી કળામાર્ગે વળ્યા છે. જે કલાકારો સહિત સૌ રસિકજનો સારુ શુભ સમાચાર જ કહેવાય. અમદાવાદના આયુર્વેદ નિષ્ણાત ડૉ. રિદ્ધિ પંકજ રાવલ પણ એ જ રસ્તે આગળ વધ્યાં છે જ્યાં કળારાણીનાં પણ પગલાં પડયાં છે. ચિત્રની કોઈ ઔપચારિક તાલીમ કે ડિગ્રી એમણે લીધી નથી છતાં ચિત્રકલા અને હસ્તકલામાં મહારતપૂર્ણ પગલાં તેઓ પાડી રહ્યાં છે. અલબત્ત, શાળા સમયમાં ભાવનગરનાં ચિત્રકલાકાર અને કળાગુરુ એવા શ્રી ઉષાબહેન પાઠક પાસેથી એમને સીમિત સમય માટે પ્રેરણાનાં પિયૂષ અને ચિત્રકલાની ઝીણી 'ટીપ્સ' સહિત મહામૂલું માર્ગદર્શન અવશ્ય સાંપડયાં છે. એ રંગોની રસલ્હાણને પગલે આ કલાકારના હૃદયમાંથી રસછોળો ઉડી, કેનવાસ પર તૈલ રંગો, એક્રેલિક રંગો, કાગળ પર ઇન્કની રમત, પેન્સિલ ડ્રોઈંગ અને ફેબ્રિક પેઈન્ટના વિશ્વમાં તેમણે ચકરાવા લેવા માંડયા. પોર્ટ્રેઈટ (રૂપચિત્રો) અને નાઈફ પેઈન્ટિંગમાં પણ રસ જાગ્યો. વિષયો પણ ભાતીગળ ! નિસર્ગ ચિત્ર (લેન્ડસ્કેપ), પક્ષીઓ, ફૂલો, વૃક્ષોને આલેખવામાં અને રંગરસની છોળો ઉડાડવામાં અપ્રતીમ આનંદની અનુભૂતિ તેમને થઈ. એના પગલે પ્રયોગાત્મક કામ પણ કર્યું. નદીના ભાઠામાંથી મળતા લીસ્સા પથ્થરો ઉપરનાં કૂણાં-કોમળ ફૂલનાં રેખાંકનોમાં પથ્થરની કઠોરતા ઓગળતી એમણે પારખી. એક તબક્કે રિદ્ધિબહેને એક પ્રયોગાત્મક સાહસ કર્યું જે સ્વયમ્ એમને અને ભાવકોને ખૂબ 'ભાવ્યું'.

રસતરબોળ અને રંગતરબોળ કરતી 'ખાસ' ઇન્કનો ઇલમ

૩૨૦ બી.સી.ના પ્રારંભે ઇજિપ્તમાં લેખન અને ચિત્રકામ માટે માધ્યમ તરીકે 'આલ્કોહોલ ઇન્ક'નો ઉપયોગ થતો. સમય જતાં એ કલા અને માધ્યમ થોડાં ઝાંખાં પડયા પરંતુ વીસમી અને એકવીસમી સદીમાં આ કલા પુન: 'કન્ટેમ્પરરી આર્ટ' તરીકે પ્રકાશમાં આવી છે. આ શાહી આકર્ષક રંગદ્રવ્યોવાળી હોય છે જેનાં રંગો તાજાં અને આકર્ષક હોય છે. 'જળરંગ'નું માધ્યમ જળ-તેમ આ ટેકનિકમાં એક વિશેષ 'આલ્કોહોલ માધ્યમ' હોય છે જેને 'આઈસોપ્રોપાઈલ' એવું નામ મળ્યું છે જે એક પ્રકારનું રસાયણ છે. તેના ગુણધર્મ પ્રમાણે તે શુદ્ધ હોય છે આથી 'આલ્કોહોલ' શબ્દ માટેની ગેરસમજને અહીં કોઈ સ્થાન નથી તે સ્પષ્ટતા ખાતર. હવે, એને માટેનાં પેપર્સ પણ ખાસ આવે - જેનું નામ છે 'Yupo- યુપો પેપર્સ. એ જાડા, લીસ્સા, બિન શોષક હોય છે જેને લીધે એની ઉપર 'વૉશ' દીધેલો યોગ્ય માત્રાનો આલ્કોહોલ ઝટ ઉડી જતો નથી. વૉશ પછી તરત જ એને માટેની જે ખાસ શાહી-આલ્કોહોલ ઇન્ક વિવિધ રંગો અને ચળકાટવાળી ઉપલબ્ધ હોય છે તેના વડે ઇચ્છિત આકૃતિઓ બનતી ત્વરાએ કરવાની હોય. 

કલાકાર કહે છે કે પેપર પર રેલાઈ જતા રસાયણ અને રંગની ગતિ-પ્રગતિ જોઈ અત્યંત રોમાંચ થાય. એની મેળે એમાં ઝાંય પડે, આકૃતિઓ થાય. એ રેળાય. એ રસને અને ધાર્યા મુજબ ઉત્તમ ચિત્ર તૈયાર થાય. આ કળાનો પ્રયોગ ટાઈલ્સ ઉપર પણ થાય છે. પરિણામે આ રસાયણની નજાકતતા જોઈ તેની ભયાનકતાનો ભાવ અને ભ્રમ ઉડી જાય. પ્રક્રિયા દરમ્યાન પીંછી વડે રંગોને કાબુમાં લઈ એ ઢળે તેમ લકીરો અને આકારો વળે એ જોઈ મંત્રમુગ્ધ થઈ જવાય. કાચ અને એક્રેલિક પર પણ નૈસર્ગિક તત્વોનો સાક્ષાત્કાર કરી શકાય. પ્રસ્તુત કલાકારનાં અનેક પ્રકારનાં ચિત્રોમાંથી કેટલાંકના રસદર્શન !

કલાત્મકતા અને કલાસર્જનને સંખ્યામાં નહિ, ગુણવત્તામાં મપાય

આ સૃષ્ટિમાં છે માનવો, પશુ, પંખીઓ અને હરિયાળી વનરાજી ! સૌનાં જીવન અલગ અને કેટલાંય વળી મનમોજી ! જંગલનું સૌંદર્ય કેવું હોય છે એનું આલેખન વિચારપ્રેરક. વડીલ વૃક્ષની સુદ્દઢ ડાળ (બાહુ જેવી) ઉપર સુકોમળ નાજુક અંકુર ભાવિ તરફ મીટ માંડે. સુરક્ષિત પાયાના આધાર પર ઉગવું મુબારક હો ! આછા લીલાપીળા રંગોવાળા ઝીણેરા પાન આલ્કોહોલ ઇન્ક પેઈન્ટમાં શોભે છે. અન્ય એક ચિત્રમાં ઘાસ અને ઝાડીઝાંખરા પર બહુરંગી વૃક્ષ એકલવાયું પાન, ફૂલ, ફળ વગરનું ઊભું છે અને પશ્ચાદ્દભૂમાં વાદળો એવી રીતે કલાકારે ચિતર્યાં છે કે એ વૃક્ષાકાર લાગે ! આ જ શૈલીનું એક ફૂલગુલાબી ચિત્ર ચેરી બ્લૉસમના ઉત્સવને આવકારો મીઠો દે છે. મૂળ તરફનો વૃક્ષનો ભાગ ભોંયસોતો છે તે પણ ખુશ ! બાગ સુહાવન-સુરભિભર્યો. જાપાન સહિતના અન્ય દેશોની ઉજવણીની યાદ અપાવે. તડકાના અજવાસમાં નીચે પથરાયેલ ઘાસની જાજમ ચમકે ! વૃક્ષના આગોશમાં કોળતા કુસુમ નિસર્ગની અણમોલ રચના જાણે ! એક વધુ વૃક્ષ તેની વયની કસોટીમાંથી પસાર થઈ રહ્યું હોય મક્કમ રીતે અને વળી સદ્ધર અને સક્ષમ પણ લાગે ! નીચેથી ઉપર જતાં પાતળું થતું જતું થડ, રૃંવાટી જેવી દાંડલીઓથી ભર્યું ભર્યું લાગે છે. આળસ મરડતું હોય એવું લાગતું આ વૃક્ષ ઇન્ક પેઈન્ટિંગનાં રેલાયેલા રંગોનું અજબ ગજબનું પરિણામ છે. એના શેઈડ સ્વયંસંપૂર્ણ છે અને વૃક્ષ વર્ષોના ઇતિહાસ વડે રળિયાત ! બારીક નજરે રિદ્ધિબહેને એની નસો, વલયો અને વર્તુળોને કથ્થાઈ રંગમાં આલેખી વૃક્ષ પાછળના ઉજાસને પણ ઉજાગર કર્યો છે. પ્રકૃતિને પીછાણી તેને પામવાના પ્રયત્નો એ જ આપણો અભિગમ !

લસરકો :

કળા આરાધના માટે સમય સામેથી આવે છે.

કળાકાર સમ્યક્ દ્રષ્ટિ રાખી તેને પોંખે છે - નવાજે.

કળા વ્યવસાયમાં અને વ્યવસાય કળામાં તબદીલ થાય!

કળાના દરેક આયામમાં સાબિત થયેલું એક સત્ય અને તથ્ય એ છે કે કલાકારનાં હૃદયના ઊંડાણમાં ક્યાંય કલાપ્રેમ બીજ પડયાં જ હોય. તેને પૂરતા પ્રમાણમાં અનુકૂળ વાતાવરણ મળે, હવા, પાણી, પ્રોત્સાહનરૂપી ખોરાક મળે, તક મળે અને કલાને સમર્પિત થાય તો જરૂર સુપરિણામ પ્રાપ્ત થાય. ઉપરથી જો પદ્ધતિસરની તાલીમનો યોગ થાય તો જરૂર સોનામાં સુગંધ ભળે. એના કલાવ્યક્તિત્વને છીણી, હથોડી અને ટાંકણાંથી કંડારનાર સદ્ગુરુ જડી જાય તો કલાકાર સ્વયમ્ એક શિલ્પાકૃતિની જેમ ઘડાઈને બહાર પડે. ત્યારબાદ એ પોતે શિલ્પી બનીને પોતાની જાતને અને અન્ય કલાકારને ઘડવા સક્ષમ બની જાય. આવા સુયોગ સર્જાય ત્યારે સમાજને ઉત્તમ કલાકારોની ભેટ મળે છે. જેમ જેમ એ સંખ્યા વધતી જાય તેમ તેમ નાવિન્ય પાંગરતું જાય, વૈવિધ્ય વધતું જાય અને જેમ કુદરતમાં બને છે ને કે કોઈ બે વસ્તુઓ સરખી હોતી નથી એમ કલાકારોમાંય બને છે. કલા કે કલાકારોની 'જોડ'ન હોય. એ તો અજોડ-બેજોડ હોય. વિશ્વની સુંદરતમ કૃતિઓના બધા જ કલાકારો તાલીમસજ્જ નહોતા. એ તો આત્મસૂઝવાળા, સ્વયમ્ સ્ફૂર્તિ કલાકારો હતા. ઇતિહાસમાં તો ઉદાહરણો છે કે કલાકૃતિ પૂર્ણ થઈ જાય પછી કલાકારોની આંગળીઓના છેદ ઉડાડી દેવામાં આવતા. બાકી, આજની તારીખે પણ અલ્પ શિક્ષિત કલાકારો ઉત્તમ કૃતિઓનાં જનક-જનની હોવાના દાખલા છે. વળી, અભ્યાસ અને કલાઆરાધના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં હોય-બન્નેમાં ઊંચાઈને પામ્યાં હોય એવાં ઉદાહરણો પણ ઓછાં નથી. અંગત કે પારિવારિક વ્યવસાયને કળા સાથે ન્હાવા નિચોવવાનો પણ સંબંધ ન હોય એવી વ્યક્તિઓએ કલાની ઊંચાઈને આંબી છે એવાં ઉદાહરણો અગણિત છે.

Tags :