- રસવલ્લરી-સુધા ભટ્ટ
મંદિરની ફળદાયી સર્જનયાત્રાની મહત્ત્વપૂર્ણ ક્ષણો
પ્રસ્તુત સ્થળથી ખાસ્સી દૂર સ્થિત સહ્યાદ્રી પર્વતમાળાઓમાંથી મેળવેલા આ ટકાઉ પથ્થરો મંદિરના કારીગરો માટે ભયંકર મોટો પડકાર હતો. કુશળ હાથે પેઢીઓ સુધી તેને મંદિર સ્વરૂપ આપવાનું ઘડતરયુક્ત કલાકર્મ હજી બરકરાર છે. સાતમી સદીમાં આરંભાયેલી આ યાત્રાનો અંતિમ મુકામ લગભગ પાંચસો વર્ષો પછી બારમી સદીમાં હાથ લાગ્યો. આ દીર્ઘ કાલિન બાંધકામ દરમ્યાન એના ભારેખમ પથ્થરોને અહીં લવાયા કઈ રીતે ? અતિ રસપ્રદ ! કૃષ્ણા સહિત નદીમાં વહેતી પંચગંગા નદીના પ્રવાહના આધારે અને સહારે લાકડાના પાટિયા ઉપર કાળજીપૂર્વક પથ્થરો અને ખડકોએ પણ લાંબી પ્રતિક્ષા કરેલી. અરે ! જો પેલી નદીઓમાં પૂર આવે તો જ આ પ્રકલ્પ શક્ય હતો. પૂર દરમ્યાન જ એ પથ્થરોને વાળી શકાતા હતા. નદીનો ધસમસતો પ્રવાહ વધવા માંડે ત્યારે જ એ શક્ય બને. સહ્યાદ્રિ પર્વતમાળામાંથી પસાર થતા નદી- નાળા- નાળીઓ એ કુદરતી સામગ્રીના પરિવહન માટે નિમિત્ત બન્યા અને તો જ એક અલભ્ય અતિ કલાત્મક રહસ્યમય મંદિરનું નિર્માણ પૂરું થયું. ભલે લાગ્યાં એને પૂરા પાંચસો વર્ષ - પણ એ લંબાવાયેલો ગાળો 'કોપેશ્વર મંદિર'ના નિર્માણના પાયાનો મુખ્ય હિસ્સો બન્યો. અજાણ્યા મૂળમાંથી મળેલી આ રેતીએ મંદિરના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ખડકીને ઉપર તરફ વળીને કાળજીપૂર્વક મૂકવામાં આવતા.
રેતીએ પાયા અને ટેકા બંન્નેના કામ કર્યાં. એને કારણે અને રેતીના સંચયને કારણે આસપાસનો લેન્ડ સ્કેપ (નિસર્ગ ચિત્ર) ઊંચો દેખાય છે. ભૂપ્રદેશની શ્યામ પૃષ્ઠભૂમિ સામે રેતીનો શ્વેત-રંગ તદ્દન વિપરીત લાગે છે. આજે પણ ઊભી રહેલી મંદિરની ભવ્ય ઇમારત આ રંગોની સાક્ષી છે. મંદિરની આસપાસનું ઊંચુ ગામ આ સ્મારકની બાંધણીના અવશેષોને સંઘરીને ખુશ છે. આ લેન્ડસ્કેપને આ સામગ્રીએ આકાર આપી અમરત્વ બક્ષ્યું છે.
દેશના ખૂણે- ખાંચરે સંતાયેલા ભવ્ય સ્થાપત્ય રત્નો
પૂર પર સવાર થઈને આવેલા કાળા બેઝાલ્ટ પથ્થરો પાયાના ભાગે વરસાદ અને પૂરના પાણીથી પ્રભાવિત થઈને ભીનાશયુક્ત ગ્રે- સફેદ લાગે છે અને ઉપર કાળાશ વર્તાય છે. આમ કોપેશ્વર મંદિર બહારથી જોતાં ગોળ ફરતે દ્વિરંગી દેખાય છે. પ્રતિ વર્ષ વર્ષા ઋતુમાં તેનો અડધો ભાગ પાણીમાં ગળાડૂબ રહે છે. અલબત્ત, મંદિરનું વજન સહન કરવાની શક્તિ પેલા મજબૂત પથ્થરોમાં છે. સહ્યાદ્રિ પર્વત પંચગંગા, ભોગાવતી નદીનું ઉદ્ગમ સ્થાન છે એ હકીકતને અહીંની રેતી અને માટી અનુમોદન આપે છે અને તેથી જ આ સ્થાપત્ય રત્ન હજી ટટ્ટાર- અડીખમ ઉભું રહ્યું છે. હા, પ્રથમ નજરે કોપેશ્વર મંદિરને જોતાં અન્ય બે અદ્ભુત મંદિરો યાદ આવે ઃ એક તો થાણા મહારાષ્ટ્રનું હેમાડપંથી સ્થાપત્ય શૈલીનું અંબરનાથ મંદિર અને બીજું ગરવી ગુજરાતનું મારું ગૂર્જર અથવા ચાલુક્ય શૈલીનું સૂર્યમંદિર. આ ત્રણેય મંદિરો કાંઈ અતિ વિશાળ કદ નથી ધરાવતાં- છતાં કોઈ ભવ્યાતિભવ્ય વિશાળકાય મંદિરની સમકક્ષ સ્થાપત્ય સૌંદર્ય એમાં છલોછલ ભરાયેલું છે. એ ત્રણેયનો કલાપક્ષ ભલભલા કલાપ્રેમીને વશ કરવા પૂરતો છે. તો, ખિદ્રાપુરના કોપેશ્વર મંદિર પરિસરમાં ઊભા રહી, અંદર- બહારની શિલ્પ સમૃદ્ધિ, કોતરણી, નકશી, તેના ઐતિહાસિક, ધાર્મિક અને ફિલસૂફીથી ભર્યા પાસાને ન માત્ર નિહાળીએ પણ એનું ઝીણવટભર્યું અવલોકન- નિરીક્ષણ કરી એને હૈયે ધરવાનો- ચાહવાનો ઉપક્રમ કરીએ તો ધન્ય ધન્ય થઈ જવાય. વિગતવાર જોઈએ અને અહીં 'સ્વર્ગની સીડી'નો ઉલ્લેખ થાય તો છે..ક હિમાચલપ્રદેશની કાંગડા વેલીમાં આવેલા 'મસરૂર રૉક કટ ટેમ્પલ' સાથે મનોમન સરખામણી થઈ જાય... કારણ કે ત્યાં પણ 'સ્વર્ગની સીડી'નો સંદર્ભ છે. છે ને 'મેરા ભારત મહાન !' વિચારોમાંથી પાછા વળી કોપેશ્વરને મળીએ.
નંદી વગરનું વિશ્વનું એકમાત્ર શિવમંદિર
બારમી સદીમાં શિલહરા રાજા ગંડરાદિત્ય દ્વારા બંધાવાયેલું શિવમંદિર સ્વયમ પોતાનામાં સમાવાયેલું એક અચરજ છે. 'કોપેશ્વર' એટલે ક્રોધાયમાન થયેલા શિવજી. સતી પાર્વતી પિયરમાં અગ્નિમાં સમાઈ ગયાં એનો વસવસો. સતી શિવજીના મૂળ વાહન નંદી પર સવાર થઈને ગયેલાં અને દુઃખી નંદી ત્યાં જ રોકાઈ ગયો તેવી એ અનુસંધાને આ અસામાન્ય નામ પડયું એવી લોકવાયકા છે. વિષ્ણુ ભગવાને શિવજીને ટાઢા પાડયા અને પ્રસ્તુત મંદિરમાં એ બન્નેની મૈત્રીના પ્રતીકરૂપે સ્થપતિએ વિષ્ણુને પણ શિવજી સાથે લિંગસ્વરૂપે સ્થાપ્યા. નંદી આવ્યા નહિ તેના સંભારણાને કારણે આ મંદિરમાં એમની ગાદી રખાઈ નહિ. આ પ્રાચીન મંદિરમાં ચાલુક્ય વંશ પ્રેરિત સ્થાપત્ય શૈલીના દર્શન થાય છે એને 'વેસરા' શૈલી પણ કહેવાય છે જેમાં નાગર શૈલી અને દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે. આમાં શિખર નાગર (નગર) શૈલીનું હોય અને નકશી કોતરણીયુક્ત મંદિર શરીર દ્રવિડ શૈલીનું હોય. મૂર્તિઓ- શિલ્પો, અંદર- બહારની દીવાલ સુંદર અને ખીચોખીચ નકશી- કોતરણીવાળી કલાત્મક અને આશ્ચર્યકારક સંરચના મનમોહક લાગે. અત્યંત વર્ણનાત્મક અને બોલકી શૈલીવાળી આવી સંરચનાઓ કર્ણાટકમાં ચિન્ના કે શવા, હોઈસાલા અને હળેબીડુમાં પણ માણવા મળે છે. પ્રસ્તુત મંદિર ચાર ભાગમાં વહેંચાયેલું છે (૧) સ્વર્ગમંડપ, (૨) સભામંડપ, (૩) અંતરાલ કક્ષા અને (૪) ગર્ભગૃહ. ચાલો, તૈયારી કરીએ નાના છતાં વિશાળ સ્થાપત્ય રત્નને હૃદયસ્થ કરવા જવું છે ને !
લસરકો :
ક્રોધથી શાંતિ સુધીની આ યાત્રામાં સમાધાન સાધવાની વૃત્તિની દૈવી ગાથાનાં ગુણગાન કરીએ.
જ્વાળામુખીમાંથી જન્મેલા અગ્નિકૃત ટકાઉ પથ્થરો
ભારતભરમાં ફેલાયેલા પ્રાચીન મંદિરોના ઇતિહાસ અને તેની વાસ્તુકળા- સ્થાપત્યકળાની ચર્ચા વિશ્વભરમાં થતી રહે છે. એનાં બાંધકામ, સ્થાપત્ય, શિલ્પ, ચિત્રાદિ એટલાં અનોખા હોય છે કે તે દરેકની આગવી સર્જનાત્મકતાનો ચિતાર પામવા બેસીએ તો વર્ષોના વર્ષો લાગે. આપણા પૂર્વસૂરિઓ આર્ષદ્રષ્ટા હતા, બુદ્ધિશાળી હતા એટલા કલાપ્રેમી પણ હતા. ઇષ્ટદેવો, તેમનાં ધર્મસ્થાનોના વૈવિધ્યનો કોઈ પાર નથી. દેવી- દેવતા કોઈપણ હોય, કલાસૌંદર્યનું પાસુ હંમેશ સબળું જ હોવાનું એટલું નક્કી. પ્રભુ સ્વયમ સુંદરતાના ચાહક હોય છે એ માન્યતા આદિકાળથી ચાલતી આવતી હોવાથી આપણાં ધર્મસ્થાનો ખાસ કરીને મંદિરો ખૂબ કલાત્મક અને અનેરી ફિલસૂફીના વાહકો હોય છે. એને બંધાવી આપીને સમાજને સુંદર સંદેશો આપનારા રાજાઓ, મહાજનો અને એના રક્ષકો, આશ્રયદાતાઓ પણ સમાજના અગત્યના અંગો સમાન બની રહે છે.હવે, પ્રશ્ન પેલા રખરખાવનો રહે છે તેની પણ કાળજી રાખનારા વિરલાઓ હોય છે. ખાનગી સંસ્થાઓ અને સરકારી ખાતાઓ આ ફરજ સુપેરે બજાવે છે. મહારાષ્ટ્રના દક્ષિણ છેડાને અડે છે કર્ણાટકનો ઉત્તરીય ભાગ. બન્નેને સરહદો પર વચ્ચોવચ વહે છે કૃષ્ણા નદી. જિલ્લા કોલ્હાપુરમાં ૬૦ કિ.મી. દક્ષિણે શિરોલ તાલુકામાં ત્રણ બાજુએ કૃષ્ણા નદીથી ઘેરાયેલું ટાપુ જેવું એક નાનકડું ગામ છે ખિદ્રાપુર. ખિદ્રા નામના એક સેવકની કામગીરીના સ્મરણાર્થે એ ગામ ખિદ્રાપુર તરીકે ઓળખાય છે. નદીના સાન્નિધ્યમાં શ્વસતી આ ધરતીમાં નરી રેતી જ રેતી છે. ક્યાંય પથ્થર, કાંકરા, ખડક કે પર્વતનું દૂર- સુદૂર સુધી કોઈ નામોનિશાન નહિ, અને તો ય અહીં એક મંદિર બંધાયું બેશુમાર જાડા, કડક, કાળા બેઝાલ્ટ પથ્થરો થકી.


