- રસવલ્લરી-સુધા ભટ્ટ
રિદ્ધિ, સિદ્ધિ, પ્રસિદ્ધિના શિખરે મોર્ડન આર્ટ
દેશ-વિદેશમાં કળાનાં રૂપ-સ્વરૂપમાં ધરખમ ફેરફારો લઈને આવી ઓગણીસમી સદી અને પછી તરત વીસમી સદી. સાહિત્ય અને કળામાં ઓગણીસમી સદીમાં પ્રભાવવાદ આવ્યો. એ શૈલીએ ઘણી બધી કલાકૃતિઓ આપી. વીસમી સદીમાં રંગપ્રયોગો અનેક થયા. સ્વરૂપ અને સાપેક્ષ સ્થિતિ સહિત કદની યથાર્થ કલ્પના સંગ ચિત્રો આવ્યા. એ યથાર્થ દર્શન ચિત્રકળાના સંદર્ભે આવ્યું. એમાં ચાવીરૂપ આકૃતિઓ લઈને આવ્યા પાબ્લો પિકાસો, ક્લૉડ મોને, હેનરી મેટિસી વગેરે. હા, આ વિવિધ શૈલીઓ આધુનિક કળાનો અણસાર લઈને આવી જે પહેલાં કદી ઝળકી નહોતી. સ્વ-રૂપ ચિત્રો લઈને આવ્યા સબ્ઝેક્ટિવ - આત્મલક્ષી ચિત્રોના હિમાયતી વિન્સેન્ટ વાન ગૉગ. લાગણી અને અમૂર્ત (એબ્સ્ટ્રેક્ટ) ચિત્રોમાં તેઓ કુદરતને સ્થાન આપતા. ફ્રેન્ચ કલાકાર એડયુઅર્ડ માને પણ અમૂર્ત કળાને વર્યા. ત્યારબાદ વાસ્તવવાદી (રિયાલિઝમ)નંઆ ચલણ લોકપ્રિય થયું. ગુસ્તેવ કોર્બેટ કેનવાસ પર તૈલરંગ લઈને ચિત્રજગતમાં પ્રવેશ્યા. પેરિસના મ્યુઝિયમ-ડી ઓર્સેમાં આ કળાની સુપેરે ઝાંખી થાય. આ વાયરાએ જગતને ઘેલું કર્યું અને 'મોર્ડન' ચિત્રકળાએ ભારતદેશ પ્રવેશ કર્યો. વીસમી સદીમાં 'ક્યુબિઝમ' ભૌમિતિક આકૃતિઓએ ડંકો વગાડયો. કે.જી. સુબ્રમણ્યમ્ એમ. એફ. હુસેન, એસ.એચ.રઝા, વી.એસ.ગાયતોંડે, તૈયબ મહેતા આધુનિક ચિત્રજગતના ભીષ્મપિતા કહેવાયા. સાથે સાથે અતિવાસ્તવવાદ પણ લોકપ્રિય થયો. સાહિત્ય અને ચિત્ર બન્નેમાં. દેશના દરેક રાજ્યમાં 'મોર્ડન' આર્ટ તરીકે જે ચિત્ર પ્રકાર લોકપ્રિય થયો તેમાં કલાકાર અને રસિકોનો બહુ મોટો ફાળો રહેલો છે. કલા-સાહિત્ય લાલિત્ય જેમનામાં ભારોભાર હતું તેવા બંગાળી ચિત્રકારોને પણ આધુનિક કલામાં રસ પડયો. બસ, દેશની દશે દિશાએ આ કળા ફૂલીફાલી.
ખોવાયેલા વિશ્વમાં ખોવાયેલાં આપણે સૌ
એક અતિ સુંદર વાત. કળા જ્યારે ખીલી ત્યારે એકલી નહોતી ખીલી. સાથે સાહિત્ય, ટેકનોલોજી, વિજ્ઞાન અને શિક્ષણે પણ એની સાથે હસ્તધૂનન કર્યું. હા... ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નાટય, નૃત્યાદિને શિક્ષણ ભવનો મળ્યાં. શિક્ષણના માંધાતાઓ મળ્યા. પ્રત્યેક કળાના મહારથીઓએ આખીને આખી પેઢીઓનો ઉદ્ધાર કર્યો. એમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો મોટો ફાળો રહ્યો. એને અનુસરીને 'નામ આપવાની જરૂર નથી' કહેવું પડે એટલી સંસ્થાઓએ કળાકર્મીઓને પાયાનું અને ઉચ્ચતર તથા ઉચ્ચતમ શિક્ષણ આપ્યું. ગુરૂઓએ શિષ્યોને મઠાર્યા અને આઝાદી પૂર્વે તથા સ્વાતંત્ર્યોતર કળા સંસ્થાઓ ધમધમી ઉઠી. એમાંથી આપણને અનેક કલાકારો સાંપડયાં. જેમણે અસંખ્ય સીમા ચિન્હો ઊભાં કર્યાં. મૂળ ભાવનગરના કળારસિક તથા તજજ્ઞા ડૉ. સુરેશ શેઠ વડોદરા અને અમદાવાદમા ંસુપેરે પાંગર્યા. એમ. એસ. યુનિવર્સિટીના કે.જી. સુબ્રમણ્યમ્ ની નિશ્રામાં લોકકલામાં ડૉક્ટરેટ કરી સંશોધક, લેખક અને વિવેચક પણ બન્યા. કન્ટેમ્પરરી - સાંપ્રત - મોર્ડન કળા એમને વરી અને વર્ષોની જીવનયાત્રામાં અનેક કળાઓને એમણે શબ્દદેહ આપ્યો. ગૌરવ પુરસ્કાર સહિત અનેક માન-અકરામોથી નવાજ્યા અને એમની કલાકૃતિઓએ વિધવિધ સ્થળે મુકામ કર્યા. આ ગરવા ગુરૂએ શિક્ષણ જગતમાં કંઈ કેટલાય શિષ્યોને જ્ઞાન પીરસ્યું. પોતાના ચિત્રોમાં આધુનિક જીવનના પ્રતીકોનાં પ્રતિબિંબ તેમણે ઝીલ્યા. ચિત્રોમાં પ્રતીકિકરણ એમની વિશેષતા છે. આપણે ભવરણે ભૂલાં પડયાં છીએ એનો પડઘો સુરેશભાઈએ ચિત્રાંકનો વડે પાડીને આવનારા સમયની ચિંતા પણ કરી છે. હિંમત અને સાહસયુક્ત બોલકા લસરકાઓ એમની ખાસિયત છે.
ઘેરા, ઘાટા રંગો-જાડી લકીરો, માણસો, વાહનો, રસ્તા, વાડ, વૃક્ષો, મકાનો, પવનચક્કી, વળાંક, ખાડા-ટેકરાને તેમણે લાલ,લીલા, પીળા, કેસરી, જામલી, કથ્થઈ, કાળા, વાદળી રંગોથી સજાવ્યાં છે. તેમની કોલાજ કળાને તેઓ 'ઇલેકટ્રીક વર્લ્ડ ઓફ આર્ટ' તરીકે નવાજે છે. જે મનમાં તરંગો પેદા કરે છે.
શબ્દોથી નહિ - રંગો દ્વારા બોલનારા કલાકાર
સુરેશભાઈનાં તાજેતરનાં ચિત્રોને મળવા જેવું છે. આમ તો મોર્ડન આર્ટને 'સમજાઈ ગયું હોં' કહીને સ્વીકારનારાં અનેક છે પણ આ કલાકાર ભાવકોને અઘરા પડતા નથી. તેમના મન જેવાં જ સરળ ચિત્રોમાં એમનાં વાચાળ પાત્રો આપણને 'સાવધાન' કરે છે અને કહે છે. એમના લસરકા ઊંડી સમજના અવતાર સમાં છે. ટપકાં, આડી-ઊભી રેખાઓ, પ્રતિનિધિ ઘાટા રંગો રસિકોને આસાનીથી પચી જાય ! કુદરતી દ્રશ્યો, વાદળો, વૃક્ષો અને વાહનો યોગ્ય પરિસ્થિતિથી આપણને વાકેફ કરે - સૂચિત કરે. હળવી પશ્ચાદ્ભૂમાં નદી, ખેતર, ઘાસ, વૃક્ષોને ઢાળે ત્યારે લસરકો શોધે રેતી, જળ, કિનારાને અને ધ્યાનાકર્ષક 'નાવને નજીક શું દૂર શું ?'ની ફિલસૂફી પણ રજુ કરે. મંદિરમાં માનવમેદનીનાં રૂપકો, શ્વેતશ્યામ રંગમાં પવનની વાતો અને તેનાં પ્રતિબિંબો આ કલાકાર કવિ કે લેખકની જેમ સમજાવે. માનવાકૃતિમાં પરસ્પર બદલાયેલી વિભાવના કહે - 'આ તો એકમેકમાં ગોપાયેલું છે....' ધારો તે જુઓ ! કેટલાંક ચિત્રોમાં મળે રંગીન વ્યસ્ત નગરનો નજારો, ટ્રાફિક અને બીજી કોર ખેતરમાં ઊભા મોલ (મોલ કલ્ચર નહિ - પણ 'પાક'), નગર દ્વારે ભર બજારે ફુગ્ગાનો વેપાર, બાળકોની રોમાંચક ગેમ ઝોન સફર, રસ્તા જાણે લપસણી, નિરાકાર લાગે છતાં સાકાર-કલ્પના શક્તિનું વૈવિધ્ય કલાકાર સાથે દર્શક, ભાવક અને રસિકો જ જાણે ! કલાકારના મનને પામીએ.. માપીએ નહિ... એ તો છે અમાપ ! શહેર વચાળે રંગભર કુદરતના નજારાને શોધતો - કલ્પનાશીલ કવિ જેવો આ કલાકાર કહે... 'મને તો આમ જ ગમે... આ જ ગમે... તમારી પસંદગી બોલો' ! ચિત્રદર્શક સ્વયમ્ વિચારશીલ બની રંગ દરિયે - રંગ લસરકે ખોવાઈ જાય એવાં ડૉ. સુરેશ શેઠનાં ચિત્રો સાપેક્ષ છે. જે શક્તિશાળી છે, અસરકારક છે અને સુંદર છે. રંગ ઢળે અને ચિત્ર થાય. સહજ રીતે... શું બોલ્યા આ અઠંગ કલાકાર ?!
લસરકો
કળાવલ્લરીએ બેઠાં અનેક તુંબડાં
સૌનાં ભાગ્ય નિરાળાં... રે
કર્મ નોખાં, રીતો વેગળી
પરિણામ અધધ... અપાર... હોજી
એનાં સૌંદર્યનો નહિ પાર... એનાં .....!!
ચિત્રકળા એ ચિત્તની કળા છે


