Get The App

ખેલ બધા છે પળ બે પળના ...

- શબ્દ સૂરને મેળે- રાજેશ વ્યાસ 'મિસ્કીન

- જેને અધિકાર હોય છે એ સાચા પ્રેમમાં ક્યારેય કોઈ દાવો કરતો નથી હોતો. જેને આ જગ અને સંસાર સમજાઈ ગયા એ પણ કોઈ હક અને દાવો કરતો નથી

Updated: Jun 30th, 2020

GS TEAM

Google News
Google News
ખેલ બધા છે પળ બે પળના ... 1 - image


અહીં કશું આગળ ના પાછળ શેના હક ને શેના દાવા,

વહી રહ્યું જીવન આ ખળખળ શેના હક ને શેના દાવા.

અહીં ભલભલા સાફ થઈ ગયા, કોઈ કશું ના સાથ લઈ ગયા.

જાણી શક્યું ન કોઈ અંજળ શેના હક ને શેના દાવા.

ક્યાં બંધાયા ક્યાં દેખાયા ક્યાં ક્યાં ગરજ્યા ને ક્યાં વરસ્યાં,

લાખ છવાતા છાને વાદળ શેના હક ને શેના દાવા.

આ જ શિખર પર કાલ હતા કેં, કાલ નવા કોઈ હશે આ જગા,

ડગમગતી જુઠ્ઠી આ ઝળહળ શેના હક ને શેના દાવા.

એક હટ લગી બધુંય સાચું એક હદ પછી બધુય કાચું,

એક તબક્કે બધુંય મૃગજળ શેના હક ને શેના દાવા

યુગો યુગોથી આ પૃથ્વી પર ચંદ્ર અને સૂરજની સાખે,

જ્યાં સઘળું બદલાતું હરપળ શેના હક ને શેના દાવા.

હસવું-રડવું આવે તો પણ દૃષ્ટા ભાવ ન ફાવે તો પણ,

સતત ઘુંટાતું મનમાં કેવળ શેના હક ને શેના દાવા ?

અહીં પ્રવાસી માફક આવ્યો જ્યાં સમજાયું જબરો ફાવ્યો,

રાખે ભીતર ભાવ આ નીર્મળ શેના હક ને શેના દાવા.

બચપણથી ઘડપણ લગ મિસ્કીન સુખ-દુઃખ, ધન સત્તાય  ટક્યા ક્યાં ?

બધુંય છે જ્યારે પળ બે પળ શેના હક ને શેના દાવા.

- રાજેશ વ્યાસ મિસ્કીન

હ ક-દાવો આ બંને શબ્દો એક સાથે કોર્ટની ભાષામાં વપરાય છે. સમજૂતી કરાર વખતે પણ અમે અમારો હક-દાવો જતો કરીએ છીએ એવું કશુંક લખવામાં આવે છે. જે લોકોને કોર્ટની ભાષા ખબર નથી એ લોકો પણ પોતાના હક માટે લડતા અને દલીલો કરતા દેખાય છે. પોતાની માલિકીની ચીજવસ્તુઓ માટે દાવાઓ કરવામાં આવે છે. આ ક્ષણે મરીજનો શેર યાદ આવી રહ્યો છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,

એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

જેને અધિકાર હોય છે એ સાચા પ્રેમમાં ક્યારેય કોઈ દાવો કરતો નથી હોતો. જેને આ જગ અને સંસાર સમજાઈ ગયા એ પણ કોઈ હક અને દાવો કરતો નથી. રવિન્દ્રનાથ ટાગોરના દાદાનું નામ તમને ખબર છે  ? રાવણના પિતાનું નામ ખબર છે ? તમને તમારા દાદાના દાદાનું નામ ખબર છે ? આપણે આપણી સાત પેઢી પહેલાના પૂર્વજોના નામ ખબર નથી. આપણી પછીની પેઢીઓના નામ ક્યા હશે એ પણ આપણને ખબર નથી. ખરેખર તો આ ક્ષણમાં જીવી રહ્યા છીએ, આ પળમાં જીવી રહ્યા છીએ એ જ સાચું છે. એકવાર એક મિત્ર સલાહ આપતા હતા કે આપણે આપણી મિલકત ઉપરનો હક કે દાવો જતો નહીં કરવો. જીવન પ્રત્યેક પળમાં હોય ભારે ત્યારે આગળના કે પાછળના વિચારો શું કરવા ? એક વહેતી નદીનું જે જળ વહી રહ્યું છે એ જ જીવન છે.

તમારી આસપાસ પણ એવા ઘણાં કુટુંબ હશે કે જેનો સૂરજ સોનાનો મધ્યાહને તપતો હોય સાત પેઢી સુધી ના ખૂટે એટલું ધન હોય અને આખું કુંટુંબ ક્યાં સાફ થઈ જાય એ ખબર ના પડે મોંઘી મોરોમાં, સોનાના ઘરેણાઓ લાદીને ફરનારાઓ પણ સાથે કશું નથી લઈ જઈ શકયા. માઈકલ જેકસન જેવા તો ડૉક્ટરોનો મોટો કાફલો પોતાની સાથે રાખતો હતો. એને તો સો વર્ષ જીવવું હતું. પરંતુ એનું મૃત્યુ ક્યારે થશે એની એને પણ ખબર ન હોતી. આપણા આ પૃથ્વી ઉપર ક્યાં સુધી અને કેટલાક અન્ન અને જળ એટલે કે અંજળ લખેલા છે એ આપણને ક્યાં ખબર છે? આપણને કશી જ ખબર ના હોય ત્યારે હક અને દાવા શેના કરવા ? કોને માટે કરવા ? શું કામ કરવા ?

એક જમાનો હતો રાજકપૂરનો, દિલિપકુમારનો, દેવાનંદનો, ધર્મેન્દ્રનો.... એ પછી રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન... એ પછી શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષયકુમાર... આજે રણવિર સિંહ, રણબીર કપૂર વગેરે... જે આ ઊંચા શિખરો છે એ શિખરો ઉપર કાલે કોઈ બીજા હતા, કાલે કોઈ બીજા હશે. પ્રસિદ્ધનો ઝળહળાટ ભલભલાની આંખ આંજી નાંખે તેવો હોય છે. પરંતુ ઝળહળતી સ્થિર જયોત તો બે જ સ્થળે હોઈ શકે. એક મંદિરના ગર્ભગૃહમાં અને બીજી દેહની ભીતર આત્માની. આ બધી ઝળહળતી જયોત, પ્રસિદ્ધના અજવાળા ડગમગતા છે. જૂઠ્ઠી ઝળહળ છે ત્યાં વળી કોઈ સ્થાન કે હોદ્દા માટે શેના હક અને શેના દાવા કરવાના.

પૈસો ન હોય તો કશું જ નથી. પરંતુ પૈસો જ એ બધું નથી. એક હદ સુધી  આ સંસારનું બધું જ સાચું લાગે છે અને જીવનમાં એક તબક્કો એવો આવે છે કે... એક ભૂમિકા એવી આવે છે કે બધુંય મૃગજળ લાગે છે, ત્યાં કંઈ ચીજ કે કઈ વસ્તુનો હક કે દાવો કરવો ?

આ પૃથ્વી હજારો વર્ષથી છે. ચંદ્ર અને સૂરજ પણ હજારો વર્ષથી છે. આ પૃથ્વી ઉપર ચંદ્ર અને સૂરજની સાક્ષીએ બધું જ સતત પ્રત્યેક પળે બદલાયા કરતું હોય ત્યારે ચિરંતન તત્ત્વની શોધ ન કરીએ તો મૂર્ખ ગણાઈએ. ક્ષણભંગુર વસ્તુ ઉપર હક ને દાવા કર્યા કરીને જીવનને વેડફી ના નાંખવું જોઈએ. જીવનમાં સૂફિયાણી વાતો કરવી સરળ છે. સુખના પ્રસંગે હસવું આવે અને દુઃખના પ્રસંગે રડવું આવે એ સામાન્ય વાત છે. જીવનમાં સતત દષ્ટાભાવ કેળવીને જીવવું એ જરાય સરળ વાત નથી. છતાં પણ મનમાં એક ભાવ સતત ઘૂંટેલો રાખવો કે કોઈ ચીજવસ્તુ ઉપર શેના હક અને શેના દાવા રાખવા ? જેમ-જેમ આ ભાવ દૃઢ થતો જાય છે, મનમાં ઘૂંટાતો જાય છે. તેમ તેમ ધીરે-ધીરે આપણામાંથી આ માલિકીભાવનો ભ્રમ પણ ચાલ્યો જાય છે.

જન્મ પહેલા કયાં હતા એ ખબર નથી. પાછા જવાનું છે એ ખબર છે. આ પૃથ્વી ઉપર તો આપણે કોઈ પ્રવાસીની જેમ લટાર મારવા આવ્યા છીએ. હું એક પ્રવાસી છું આ ભાવ મને નિર્મળ રાખે છે. આ સમજણને લીધે જ બધા જ હક અને દાવા છૂટતા જાય છે. બાળપણથી આજ સુધીના કોઈ સુખ કે કોઈ દુઃખ ક્યાંય ટકેલા જોયા નથી. કોઈનો પૈસોય ટકેલો જોયો નથી. કોઈની સત્તા પણ ટકેલી જોઈ નથી.

ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે,

કૈસે કૈસે ઐસે વૈસે હો ગયે.

Tags :