Get The App

એ વિરાટ પાસે આપણે સૌ બાળક... સરળ-સચોટ પ્રાર્થનાનું રહસ્ય...

Updated: Jan 24th, 2023

GS TEAM

Google News
Google News
એ વિરાટ પાસે આપણે સૌ બાળક... સરળ-સચોટ પ્રાર્થનાનું રહસ્ય... 1 - image


શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આટલી પ્રાર્થના પછી કશું જ કરવાની જરૂર ના રહે એવો અદ્દભૂત ભાવ એવી અદ્દભૂત મનઃસ્થિતિમાં આ પ્રાર્થના આપણને મૂકી આપે છે

પ્રાર્થના

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ,

ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ,

હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ,

ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ.

ભા ગ્યે જ કોઈ આ પ્રાર્થનાથી અજાણ હશે. બાળપણમાં બાળમંદિરમાં આંખ મીંચીને કડકડાટ આ પ્રાર્થના ગાતો મેં મને જોયો છે. કોઈ પણ બાળકને આ પ્રાર્થના એક સમયે મોંઢે આવડતી જ હતી. કેટલી સરળ પ્રાર્થના છે ? કેટલી ટૂંકી પ્રાર્થના છે. પ્રાર્થનાઓ બધી જ સરળ અને ટૂંકી જ હોય છે. માત્ર આપણો અહંકાર પ્રાર્થનાઓને લાંબી અને અઘરી બનાવે છે. આ એવી સચોટ પ્રાર્થના છે જાણે આ ચાર પંક્તિઓ બોલતાની સાથે ભગવાન આપણને સાવ હળવા ફૂલ કરી દે છે.

પ્રાર્થનાનું રહસ્ય મને હંમેશા ભાવ અને શ્રધ્ધામાં સમાયેલું લાગ્યું છે. જરૂરી નથી અઘરી ભાષાઓમાં, અટપટા ઉચ્ચારોમાં પ્રાર્થના થાય તો જ ભગવાન સાંભળે. હ્ય્દયની પોકાર જ્યારે પ્રાર્થના બની જાય છે ત્યારે શબ્દોની જરૂર રહેતી નથી. જ્યારે... જ્યારે મેં મારા હ્ય્દયને શબ્દમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે - ત્યારે શબ્દો અને હું બંને દરિદ્ર લાગ્યા છીએ. ઘરની સામે મંદિર છે, મંદિરમાં ભજનો થાય છે. ક્યારેક મેં આ પ્રાર્થના ત્યાં પણ ગવાતી સાંભળી છે. ખરેખર તો આટલી પ્રાર્થના પછી કશું જ કરવાની જરૂર ના રહે એવો અદ્દભૂત ભાવ એવી અદ્દભૂત મનઃસ્થિતિમાં આ પ્રાર્થના આપણને મૂકી આપે છે.

પ્રાર્થનાનું રહસ્ય.

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ...

આ ચાર પંક્તિની પ્રાર્થના ગાતા પહેલાની એક શરત જાણી લેવા જેવી છે. સાવ બાળક જેવા બનીને ગાવાની છે. બાળક ક્યારેય પૂછતું નથી કે ભગવાન છે ? બાળકના મનમાં ક્યારેય એવું થતું નથી કે મારી આ પ્રાર્થના ભગવાન સાંભળશે કે નહીં ? બાળક તો સાવ સહજ ભાવે, ખુલ્લા હ્ય્દયે ભગવાન બધ્ધું જ સાંભળે છે એ શ્રધ્ધાથી પ્રાર્થના કરતું હોય છે. આથી જ પહેલી શરત છે આ પ્રાર્થના બાળક જેવા બનીને કરવાની. આ પ્રાર્થનાનો બીજો હિસ્સો એટલે કે આ પહેલી પંક્તિનો બીજો ભાગ બહુ મહત્વનો છે. મોટું છે તુજ નામ... બાળપણમાં ખબર હોય છે કે ભગવાન સૌથી મોટું નામ છે પણ જેમ-જેમ આપણે મોટા થતા જઈએ છીએ, જેમ-જેમ આપણો અહંકાર મોટો થતો જાય છે તેમ-તેમ ભગવાનનું આ મોટું નામ એટલું મોટું નથી લાગતું.

જીવનમાં બાળપણમાં પૂરી શ્રધ્ધાથી ગાયેલી આ પંક્તિ આખરી શ્વાસ સુધી એટલી અસરકારક છે. માત્ર ઈશ્વર સૌથી મોટું નામ છે એ જો કબૂલીને ગાતા આવડે તો આપણે મોટા થતા ગયા તેમ ઈશ્વરનું નામ નાનું થતું ગયું છે. ઈશ્વરનું નામ સૌથી મોટું છે એટલું જે દિવસે આપણો અહંકાર જાણી જાય છે તે દિવસે આપણા વંદન વધુ ભાવમય બની જાય છે. આપણી પ્રાર્થનામાં પ્રાણ પ્રગટે છે.

ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ...

આપણું મન થોડાક શબ્દો બદલીને એટલી હોંશિયારીથી ગમતો અર્થ ઊભો કરી દે છે કે પ્રાર્થના પ્રાર્થના ન રહેતા કોઈક સોદાબાજી બની જાય.

ગુણ તારા જો ગાઈએ તો થાય અમારા કામ

ના મારું મન નથી માનતું. જો ભગવાનના ગુણગાન ગઈએ તો જ આપણા કામ થાય આ કેવી વાહિયાત વાત લાગે છે. ભગવાન એવો ખુશામત ખોર નથી. આ તો પ્રાર્થના છે. પંક્તિના બંને ભાગમાં એક જ ભાવ પ્રગટેલો છે. હું રોજ તારા ગુણગાન ગઉં. અમારા હાથે જે રોજ કામ થાય છે, કાર્યો થાય છે એ થતા હોય ત્યારે એ તારા ગુણગાન સ્વરૂપ બની રહો. સૂક્ષ્મ અર્થમાં કર્મયોગ પણ કહી શકાય. અમારા પ્રત્યેક કાર્યોમાં તારા ગુણ પ્રગટે. તારા ગુણગાન ગાતા-ગાતા અમે અમારા કાર્યો કરીએ, આપણું પ્રત્યેક કાર્ય ઈશ્વરનું કાર્ય બની રહો. એ ભાવ આ પંક્તિમાં સમાયેલો છે.

હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ,

ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ.

સદાય ઈશ્વર તેનું હેત આપણા ઉપર વરસાવતો રહે. આપણે સુખમાં કે દુઃખમાં હસતા રહીએ એનાથી વધારે રૂડું શું હોઈ શકે ? પ્રભુની ઈચ્છા વગર પાંદડુએ હલતું નથી... ધાર્યું ધણીનું થાય છે... સાચો ભક્ત જાણતો હોય છે કે બધું જ ભગવાનની મરજીથી થાય છે. આપણે પ્રાર્થના કરી શકીએ છીએ એ ઈશ્વરની કરૂણા છે એટલે. અહંકાર કઈ હદે છોડી દેવાનો છે ? મારા હ્ય્દયને હે ભગવાન તું સાફ રાખજે. આપણા હ્ય્દયને તો આપણે જ શુધ્ધ રાખવાનું હોય, સાફ રાખવાનું હોય. જે કામ આપણે કરી શકતા હોઈએ એમાં ભગવાનની શી જરૂર ? પણ ના. એવું નથી. આ વાત Childish  નથી, બાલીશ નથી. Childlikeછે. બાળસહજ છે. મારો અહમ જાણી ગયો છે કે મારા હ્ય્દયને શુધ્ધ રાખવું એ પણ મારા હાથની વાત નથી. હે પ્રભુ, તું એટલી કૃપા કરજે કે હું મારા હ્ય્દયને ચોખ્ખું રાખી શકું, સાફ રાખી શકું. અહીં ચોખ્ખા શબ્દ કરતા સાફ શબ્દ જ વધારે યોગ્ય છે. અને આ બધું છતાં પણ જો અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો હે પ્રભુ તું અમને માફ કરજે.

પહેલી પંક્તિથી લઈને ચાર પંક્તિ સુધીમાં ઈષોપનિષદથી લઈને જાણે Confesion સુધીની સમજણ મુજબ પ્રાર્થના કરનાર યાત્રા કરી શકે તેવી આ સરળ, સચોટ અને અદ્દભુત પ્રાર્થના છે. આ ક્ષણે યાદ આવી રહ્યો છે ક્યાંક વાંચેલો પ્રસંગ. એક નાનકડી છોકરીએ ભગવાન પાસે જઈને આખી  A, B, C, D ના બધા અક્ષરો બોલી ગઈ અને પછી તેણે કહ્યું ભગવાન મને પ્રાર્થના કરતા નથી આવડતી, તને આમાંથી જે યોગ્ય લાગે તે શબ્દો ગોઠવીને તું પ્રાર્થના બનાવી લે જે. જેનામાં સરળતા છે, જેનામાં શ્રધ્ધા છે એ જ ભગવાનને તુંકારે બોલાવી શકે. જ્યાં અપાર પ્રેમ છે ત્યાં જ તુંકારો હોય.

ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ...

ભગવાનને તુંકારા સાથે કહેવામાં આવ્યું છે. એ વિરાટ પાસે તો બધા જ બાળક છીએ. એણે તો માફી આપેલી જ હોય છે. માત્ર બાળક બનીને માફી માંગીએ એની જ રાહ જોવાતી હોય છે. આ જ ઉત્તમ આત્મ. નિવેદન છે. આ પ્રાર્થનાએ મને અનેક વખત ખેંચ્યો છે. કોઈ અઘરા શબ્દો વગરની, ભગવાનને આંખ સામે બેસાડીને, હ્ય્દય ખોલીને કહી દીધેલી વાત એટલે આ પ્રાર્થના.

અહીં ટાગોરના એક કાવ્યને વારંવાર પ્રાર્થના રૂપે જે ગાયું છે. તે મૂકવાનું મન થાય છે. બંગાળી ભાષામાં લખાયેલું આ કાવ્ય બંગાળી લાગતું નથી. આમેય પ્રાર્થનાઓ બંગાળી કે ગુજરાતી હોઈ જ ના શકે. યુક્ત કરો, સબાર, સંગે, શાન્ત તોમાર છંદ આ શબ્દો આપે છે ત્યારે ખબર પડે કે આ બંગાળી શબ્દો છે. ભાષા ઓગળી જાય અને માત્ર ભાવ પ્રગટાવે એવી આ પ્રાર્થના જોઈએ.

અંતર મમ વિકસિત કરો

અંતર મમ વિકસિત કરો અન્તરતર હે,

નિર્મળ કરો, ઉજ્જવલ કરો, સુંદર, કરો હે...

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,

નિર્મલ કરો, નિરલસ નિઃસંશય કરો હે...

યુક્ત કરો હે સબાર સંગે મુક્ત કરો હે બંધ,

સંચાર કરી સકલ કર્મે શાન્ત તોમાર છંદ...

ચરણપદ્મે મમ ચિત્ત નિસ્પંદિત કરો હે,

નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે...


Tags :