રે મારા પાદરની સુકાતી વાવ .


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- વાવની પગથારે દીવાઓ થતા હતા એ હવે દીવાઓ કોણ કરશે ! સાવ અવાવરુ થઈ જશે આ વાવ પછી એના ઘેરા અંધારા કોણ દૂર કરશે ?

રે મારા પાદરની સુકાતી વાવ,

તારાં મધમીઠા નીર હાય ખૂટયાં !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારા મારગથી પગલા પણ છૂટયાં.

રે મારા પાદરની સુકાતી વાવ,

તારી પનિહારી ઓગળી ગઈ !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારી વારતાઓ વાયકા થઈ !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારી પીડાના પ્હાડ કેમ તૂટે !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારો સૂનો સૂનકાર શેણે ખૂટે !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારી પગથારે કોણ દીવા કરશે !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારાં ઘેરાં અંધારા કોણ હરશે !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારી પછવાડે પાળિયાય જર્જર !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારાં ગોખલાંની રેત ખરે ખરખર !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારી છાતીએ તિરાડ પડી નાની !

રે મારા પાદરની સુકાતી વાવ,

તને રાખશેય કોણ હવે છાની !

રે મારા પાદરની સુકાતી વાવ,

તારો લાખો વણઝારો ગયો લાખનો !

રે મારા પાદરની સુકાતી વાવ,

તેં તો આખો જમાનો ખોયો શાખનો !

- પરબતકુમાર નાયી

વા વ એટલે ઊતરવાના પગથિયાવાળો કૂવો. વાવી પણ કહે છે. રાજાઓ, દાતાઓ વાવ બંધાવતા હતા. ક્યારેક પ્રજા પોતે જ બાંધતી હતી. વાવમાં અજોડ-બેનમૂન શિલ્પ કંડારાયેલા હોય છે. અમદાવાદ પાસે અડાલજની વાવ પ્રખ્યાત છે. દાદા હરિની વાવ, રાણકી વાવ આજે પણ તેની સુંદરતાની સાક પુરે છે. ઘણી વાવો બુરાઈ ગઈ છે. પણ વાવની સાથે એક સંસ્કૃતિ અને એક ઈતિહાસ જોડાયેલા હોય છે. પરબતકુમાર નાયીની વાવ કાવ્ય સાદ્યત સુંદર કવિતા છે. રે મારા પાદરની સુકાતી વાવ... જાણે કવિના કાળજે વાવને જોયા પછી ફાળ પડી છે. મરશિયાની જેમ લખાયેલું આ કાવ્ય રે દ્વારા ઘણું બધું પ્રગટ કરે છે. વાવ સાવ સુકાઈ ગઈ નથી. હજુ ક્યાંક તળિયે સમ ખાવા માટે દેખાય છે અને કવિતા શરૃ થાય છે.

રે મારા પાદરની સુકાતી વાવ તારા જે મધ જેવા મીઠા પાણી હતા એ ખૂટયા. રે મારા પાદરની સુકાતી વાવ હવે તારા મારગ તરફ, તારા તરફ આવતા મારા પગલાં પણ છૂટી ગયા. તરત આપણા મનમાં સંદર્ભ તાજો થાય કે કવિ અહીં અંજળ ખૂટયાની વાત કરી રહ્યા છે.

વાવ પોતાના ગામના પાદરમાં આવેલી છે. એ વાવને બાળપણથી જોઈ છે. એ વાવને સુકાતી જોવી એ હૈયું ધુ્રજાવી દે તેવી ઘટના છે. વાવ હોય એટલે પાણી ભરવા માટે પનિહારીઓ આવતી હોય. એ પનિહારીઓ ક્યાં ગઈ ? ક્યાં ઓગળી ગઈ ? કેમ હવે પનિહારીઓ દેખાતી નથી. ગુજરાતમાં અનેક વાવ આવેલી છે. અનેક દંતકથાઓથી સમૃદ્ધ છે. પ્રત્યેક વાવની સાથે કેટકેટલી લોકકથાઓ જોડાયેલી હોય છે. હવે તારી એ બધી વાર્તાઓ-કથાઓ નવી પેઢીઓને કેટલી યાદ રહેશે ?

વાવને પણ એ સુકાઈ રહી છે એની પીડા તો હશે. એ પીડા કઈ રીતે ઓછી થાય એની પણ કવિને ચિંતા છે. વરસાદ ઓછો પડતા પાણી સુકાયા હશે. ઘેર ઘેર પાણીના નળ આવી ગયા છે એટલે વાવનો ઉપયોગ ઓછો થઈ ગયો હશે. હવે કોણ આટલા બધા પગથિયા ઉતરીને એક બેડું પાણી ભરવા જાય. વાવ સુની જ સુની થતી જતી હશે અને કવિ વાવને પૂછે છે તારો સૂનો સૂનકાર જો ખૂટવાડવો હોય તો કઈ રીતે ખૂટવાડાય ?

એક પછી એક પ્રશ્નો કવિ વાવને જ પૂછતા જાય છે. પણ ખરેખર તો કવિ પોતાના મનને આ પ્રશ્નો પૂછે છે. આખા ગામને આ પ્રશ્ન પૂછે છે. સમયને ને સમાજને આ પ્રશ્ન પૂછે છે. એક જમાનામાં ગામની આ વાવની પગથારે દીવાઓ થતા હતા એ હવે દીવાઓ કોણ કરશે ! સાવ અવાવરુ થઈ જશે આ વાવ પછી એના ઘેરા અંધારા કોણ દૂર કરશે ? પછી તો એ વાવમાં સૂરજ પણ ઉતરતા ડરવાનો.

ગામનું પાદર હોય, પાદર પાસે વાવ હોય, દેરી હોય, પાળિયા હોય અને પાળિયાઓ એ શૂરવીરોના સ્મરણમાં હોય છે. એ પાળિયા ય હવે તો સાવ જર્જર થઈ ગયા છે. વાવના પથ્થરોમાં સુંદર કોતરણીઓ કરી હશે. સુંદર ગોંખલાઓ હશે. એ ગોંખલાઓમાં પણ દીવાઓ મુકાતા હશે, મૂર્તિઓ હશે. હવે તો એ ગોંખલા પણ રેતી બનીને ખરખર ખરી રહ્યા છે. કવિને દેખાય છે કે વાવમાં હવે તિરાડ પડી ગઈ છે. એકલી-એકલી આ વાવ જ્યારે રડતી હશે ત્યારે તેને હવે કોણ છાની રાખશે ? વાવની સાથે લાખા વણઝારાની વાત જોડાયેલી જ હોય છે. દરેક વાવને તેનો એક લાખો વણઝારો હોય છે. જે લાખો વણઝારો તારો લાખનો હતો એ તો ના રહ્યો. તારા નામે તારી શાક એવી હતી કે લોકો તારા સોગંધ ખાતા હતા. હે પાદરની વાવ હવે આ બધું ક્યાં જોવા મળશે ?

પરબતકુમાર નાયી ગીત અને ગઝલ બંને ક્ષેત્રે કાર્યરત છે. વાવ જેવા ભૂલાતા અનેક શબ્દો અને પ્રતિકો આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો હતા એ કદાચ ભવિષ્યની પેઢી માટે કાલ્પનિક વાત જ બની રહે એવું બને. તેમનું એક બીજું સુંદર ગીત જોઈએ.

ભાભીનું ગીત

ખેતરનો શેઢો ને શેઢાની પાળ ઉપર બપ્પોરી ભાથું અણમોલ,

એમાં ભાભીના મીઠા બે બોલ.

ચૂરમાની તાંસળીમાં માંખણના લોંદાને મુક્યો છે સાચવીને કોરે,

મધમીઠા રોટલામાં ઓકળીની ભાત રૃડી ભાભીની આંગળીઓ દોરે,

ભાઈના છાયડામાં લ્હેરાતો લીલીછમ લાગણીના ખેતરોનો 

મોલ ?

એમાં ભાભીના મીઠા બે બોલ.

ખોળામાં બેસી રોજ રમતા દેવરજીને ફૂટી છે દોરા-વા મૂંછ,

ભાભીને જાણ હવે ભોળી બે આંખોને ગમતો ગુલાબોનો ગુચ્છ !

પીઠી ચોળાવી દઉં, પાટે બેસાડું અને વગડાવું આંગણામાં ઢોલ.

આવા ભાભીના મીઠા બે બોલ.

City News

Sports

RECENT NEWS