સૃષ્ટિ અને સંસાર એક છતાં અલગ..
- શબ્દ સૂરને મેળે- રાજેશ વ્યાસ 'મિસ્કીન
- માણસ બંધ મુઠ્ઠી રાખવામાં પોતાના જીંદગીના તમામ શ્વાસોની મૂડી ખર્ચી નાંખે છે. અને એ બંધ મુઠ્ઠીનું રહસ્ય સાવ સહજમાં ખૂલી જતું હોય છે. છતું થઇ જતું હોય છે
દુનિયા નામે ઠગ છે બાવા,
ક્યાં આ તારું જગ છે બાવા.
ધીમે રહીને કાઢી લે તું,
પથ્થર નીચે પગ છે બાવા.
વ્યર્થ પલાંઠી વાળી બેઠો,
આ રેતીનો ઢગ છે બાવા.
હોવાની ફરિયાદો ના કર,
હોવું દુ:ખતી રગ છે બાવા.
ખુશીઓની ક્યાં વાટ જુએ તું ?
માતમ મૃત્યુ લગ છે બાવા.
થાશે લીલા લ્હેર પછી તો,
ત્યાં જો તારી વગ છે બાવા.
આપણા શબ્દો અષ્ટમ પષ્ટમ્,
ભાષા પણ લગભગ છે બાવા.
- અઝીઝ ટંકારવી
અ નેકવાર ઠગાયા છતાં પણ આ દુનિયા આપણી નથી, આ જગત આપણું નથી એ માનવા આપણે તૈયાર જ નથી. ગઝલની શરૂઆત આ જ વાતથી થઈ છે. દુનિયા કહીએ છીએ ત્યારે આપણને સંસાર એવો અર્થ પ્રગટ થાય છે અને જગત કહીએ છીએ ત્યારે આ સૃષ્ટિ એવો અર્થ મનમાં કરીએ છીએ. ખરેખર તો દુનિયા અને જગત બે એક જ શબ્દ છે. સૃષ્ટિ અને સંસાર એક જ છે. પણ જ્યારે છેતરાઇએ છીએ ત્યારે એ સંસાર છે. જ્યારે ઈશ્વરે બનાવેલું છે એમ જોઈએ છીએ ત્યારે એ જગત છે. સૃષ્ટિ અને સંસાર બે અલગ નથી. દ્રષ્ટિ બદલાઈ જાય, મનનું રૂપાંતર થાય ત્યારે જગત દેખાય છે અને જ્યાં સુધી માયામાં સપડાયેલા રહો ત્યાં સુધી આ દુનિયા છે. દુનિયામાં ઠગાતા રહેવાનું છે અને જગતમાં દ્રષ્ટાભાવ રાખીને આ જગત ક્યાં આપણું છે એ ભાવથી જીવવાનું છે.
અઝીઝ ટંકારવીનો એક છેડો દુનિયા સાથે જોડાયેલો છે અને એક છેડો જગત સાથે જોડાયેલો છે. ઉમરભાઈ ઉધરાતદારને આપણે સૌ અઝીઝ ટંકારવીને નામે ઓળખીએ છીએ. ગઝલ ક્ષેત્રે એક નિષ્ઠાથી છેલ્લા ત્રીસેક વર્ષથી પ્રવૃત્ત છે. બાવા, આ શબ્દ કેટલા પ્રેમથી સંબોધાયેલો છે ? હંમેશા આપણે આપણો હાથ કે પગ પથ્થર નીચે આવ્યો હોય ત્યારે અકળાઈ જઇએ છીએ, બેબાકળા થઈ જઈએ છીએ, ધીરજ ગુમાવી દઇએ છીએ. ખરેખર તો મુશ્કેલીના સમયમાં ધીરજ એ જ આપણો સૌથી મોટો મિત્ર છે. મન પર્વતો ઉપર જઇને સાધના કરવા તપ કરવા માંગતું હોય છે. પણ આ બધું સ્મશાનવૈરાગ્ય હોય છે. હિમાલય જવાની આપણી પ્હોંચ નથી. ગામને પાદર રેતીનો ઢગલો હોય અને ત્યાં પલાંઠી વાળીને બેસીએ છીએ અને મન મનાવીએ છીએ કે પર્વત પર તપ કરી રહ્યા છીએ. અને એટલે જ કવિ આપણને ચેતવે છે કે ભાઇ તું જ્યાં પલાંઠીવાળીને બેઠો છે એ રેતીનો ઢગલો છે. હમણાં પવન આવશે અને હમણાં વિખરાઈ જશે.
ભારતીય અધ્યાત્મિક પરંપરામાં માનવામાં આવે છે કે, સદ્ગુરૂઓ અનેકવાર કહે છે કે આપણો હુંકાર એ જ મોટી બીમારી છે. આપણે આપણું હોવું મિટાવી દઇએ, આપણા અહમને મિટાવી દઈએ તો જ એ પરમની પ્રાપ્તિ થઈ શકે છે.
મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે,
કિ દાના ખાખ મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હૈ.
જો તમે તમારું માન-સન્માન ઇચ્છો છો તો પહેલા પોતાની જાતને મિટાવતા શીખવું પડશે. એક દાણો ધૂળમાં મળી જઇને પોતાનું અસ્તિત્વ સાવ ભૂંસી નાંખીને બગીચાનું ફૂલ બને છે. આખા બગીચાની શોભા બની રહે છે.
જો જીવનમાં તમે ખુશીઓની રાહ જોતા હોવ તો એ ભ્રમણા છે. મૃત્યુ લગી માત્ર અને માત્ર માતમ છે. દુ:ખ છે. એક દિવસ એવો નથી ઊગતો જેમાં આપણે કોઈ અકસ્માતના કે દુ:ખદ સમાચાર ના સાંભળ્યા હોય. જીંદગીમાં એ ઉપરવાળા સાથે જોડાયા વગર પરમ સુખનો આનંદ નહીં પ્રાપ્ત થાય. ઉપરવાળા સાથે આપણી જો લાગવક લાગી જાય ને તો આ દુ:ખોથી ભરેલા સંસારમાં પણ રોજે રોજ લીલા લ્હેર છે. પણ આ બધી વાતો શબ્દોની પેલે પારની છે. આપણા શબ્દો બધા તો અષ્ટમ પષ્ટમ છે. શબ્દો એ સૌથી નબળું માધ્યમ છે. પરંતુ શબ્દો સિવાય ચાલે એમ પણ નથી. શબ્દો તો બધા એ તરફના ઇશારા છે અને એટલે જ અઝીઝ સાહેબ કહે છે કે આ બધી ભાષાઓ તો ડગમગ થતી લગભગ છે.
ઘણાં વર્ષો પહેલા અઝીઝ ટંકારવીએ ઘણાં શાયરોના પ્રિય શેરનું સંપાદન કર્યું હતું. અને ત્યારે કયા શાયરને કયો શેર વિશેષ ગમે છે, શા માટે ગમે છે તેની વાત પ્હેલીવાર પ્રકાશમાં આવી હતી. અઝીઝભાઈની ગઝલો એ એકાંતમાં બેસીને મમળાવવા જેવી છે.
બંધ મુઠ્ઠી લાખની,
ખુલી ગઈ તો ખાખની.
પ્રત્યેક માણસ બંધ મુઠ્ઠી રાખીને જીવવા માંગતો હોય છે. પણ બંધ મુઠ્ઠી બહુ જલ્દીથી પરખાઇ જતી હોય છે. માણસ બંધ મુઠ્ઠી રાખવામાં પોતાના જીંદગીના તમામ શ્વાસોની મૂડી ખર્ચી નાંખે છે. અને એ બંધ મુઠ્ઠીનું રહસ્ય સાવ સહજમાં ખૂલી જતું હોય છે. છતું થઇ જતું હોય છે. ક્યારેક દિલના દુ:ખ જીરવી લેવાની જ મજા છે. જેવી વેદનાઓ આપણી ઘર-ઘર ચર્ચાઈ જાય છે પછી એ વેદનાઓનો કોઈ અર્થ પણ નથી રહેતો હોતો. સૂર્યને માટે ઊગવું અને ડૂબવું નવી ઘટના નથી. સૂર્ય ખરેખર તો ડૂબતો જ નથી. અહીં ડૂબ્યો હોય છે તો ક્યાંક ઊગી ગયો હોય છે. પણ સૂર્ય ડૂબે છે એની સાથે દિવસે આપણને સાથ આપતો આપણો પડછાયો પણ જાણે આપણને છોડી દે છે. આ જગતમાં આપણે કેમ આવ્યા હતા એ વાત એ પ્રશ્ન યાદ આવે છે ત્યારે કદાચ છેલ્લા શ્વાસો હોય છે. જીંદગીની દોડધામમાં એ વાત જ ભૂલાઈ જાય છે.
વિસરાઈ ગઈ
બંધ મુઠ્ઠી સહેજમાં પરખાઇ ગઈ,
શ્વાસની મૂડી બધી ખર્ચાઈ ગઈ.
એ પછી એની મજા ક્યાંથી રહે ?
એક મૂંગી વેદના ચર્ચાઈ ગઈ.
ડૂબવામાં શું ગયું એ સૂર્યનું !
આપણા સંગાથની પરછાંઈ ગઈ.
સૌ વચાળે જે મને શોધી રહી,
એ જ આંખો રૂબરૂ શરમાઈ ગઈ.
કેમ આવ્યાં'તા 'અઝીઝ' દુનિયા મહી?
વાત છેલ્લી પળ સુધી વિસરાઈ ગઈ.