Get The App

ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે.. એક સૂફી કથા...

- શબ્દ સૂરને મેળે- રાજેશ વ્યાસ 'મિસ્કીન

- આપણે કોઈ પણ પ્રકારની સહનશક્તિ વગર ભક્તિ કરવા નીકળ્યા છે. ખરેખર તો એ બધી આપણી માંગણીઓ હોય છે

Updated: Aug 18th, 2020

GS TEAM


Google News
Google News
ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે.. એક સૂફી કથા... 1 - image


આ હતું આજે જરૂરી

ઘર રહ્યું ના ઘર એ ચારેકોરથી ભડકે બળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

સાંજ પણ ખાલી ગઈ, ના આજ પણ ભોજન મળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

રાત આખી મન ભજન ગાતું હતું એ સાંભળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

ખૂબ ભટકીને હૃદય આશાભર્યું પાછું વળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

ને ગયા ફાટી પગરખા લોહી પુષ્કળ નીકળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

કોઈ દુ:ખ બાકી રહ્યું ના પૂર થઈને ઉછળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

કૈંજ પણ આગળ ન પાછળ, દિલ પળેપળ ટળવળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

રાખના ઢગલે અહીં હું ત્યાં જગત છે ઝળહળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

ક્યાંયથી મિસ્કીન બચું ના એમ અંતર ઓગળ્યું,

આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો.

- રાજેશ વ્યાસ મિસ્કીન

ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. ગીતાજીના સંદેશમાં પણ જે થયું એ સારું થયું, જે થશે એ સારું થશે આવું વાંચ્યાનું યાદ છે. ભાગ્યમાં જે લખ્યું હોય છે એ જ થાય છે. આવું બધું વાંચતો-સાંભળતો આવ્યો છું અને છતાં પણ જીવનમાં જ્યારે દુ:ખ પડે છે ત્યારે આક્રોશપૂર્વક ભગવાનની સાથે ઝઘડી પણ પડાય છે. હું ભગવાનમાં નથી માનતો આવું બોલી પણ જવાય છે. આટઆટલી પૂજા પાઠ કર્યા મને શું મળ્યું ? મેં તો કોઈનું કશું  બગાડયું નથી. મારા જીવનમાં જ કેમ દુ:ખ પડે છે ? ભગવાન કશું જોતો જ નથી. આમ આપણે ભગવાનને થોડુંક પણ દુ:ખ પડે છે ત્યારે બોલવામાં બાકી નથી રાખતા.

બાળપણમાં એક સદ્ગુરૂની વાર્તા વાંચેલી. એમના જીવનમાં માત્ર પૂજા-પાઠ, લોકોનું કલ્યાણ થાય તેવો ભાવએ સિવાય કશું જ નહોતું. ગામના લોકો પણ જાણતા હતા કે એ પરમ પવિત્ર માણસ છે. હંમેશા ધર્મની ચર્ચા અને જે મળે તેમાં આનંદ માનતા હતા. ચોવીસ કલાક ઈશ્વરમય રહેનારના જીવનમાં દુ:ખ પણ ચોવીસે કલાક પડતું હતું. કુટુમ્બ ચાલ્યું જાય છે. ઘર ચાલ્યું જાય છે. એક પછી એક વસ્તુઓ છીનવાતી જાય છે. જ્યાં આશરો મળે ત્યાં રાત રોકાતા હતા. પણ ઈશ્વરનો સતત આભાર માનતા હતા. મૃત્યુના છેલ્લા દિવસોમાં થોડા દિવસોથી ભોજન નહોતું મળ્યું પણ એ રાત્રે પણ તેમણે ભગવાનનો આભાર માન્યો તો કે ભગવાન તું મને કેટલો સાચવે છે. એમના એક-બે શિષ્યો હતા એ અકળાઈ ગયા હતા. ચિંતામાં-દુ:ખમાં અને ગુસ્સામાં તેમણે ગુરૂજીને કહ્યું કે તમે શું ભગવાનનો આભાર માન્યા કરો છો ? જે થાય છે તે સારા માટે થાય છે ? જીવનમાં આજે આવું બનવાની જરૂર હશે માટે આમ બન્યું આવું જ માત્ર બોલ્યા છો તમે. એકવાર તો એની સામે કશું માગ્યું હોત તો ? એકવાર તો ફરિયાદ કરવી હતી. મિત્રો સંતને માટે કહેવાય છે કે તેમને સાક્ષાત્કાર થઈ ગયો હતો. સુખ અને દુ:ખથી ઉપર ઉઠી ગયા હતા. આવી જ એક સૂફી કથા વાંચ્યાનું પણ યાદ છે.

વારેવારે ભગવાનને આપણે ફરિયાદ કરનારાઓને આવા સદ્ગુરુઓ તેમના વર્તન દ્વારા બોધ આપીને જતા હોય છે. આપણે કોઈ પણ પ્રકારની સહનશક્તિ વગર ભક્તિ કરવા નીકળ્યા છે. ખરેખર તો એ બધી આપણી માંગણીઓ હોય છે. જીવનમાં પોઝિટિવ વિચારવું અને જીવવું અનિવાર્ય છે.

ઘર ચોરેકોરથી બળી જાય છે, કંઈક સાંજે ભોજન મળતુંનથી અને છતાં પણ મનમાં માનવું કે હે ભગવાન આજે આ જરૂરી હશે એટલે આમ બન્યું. હું તારો આભાર માનું છું. ઊંઘ ના આવી અને આખી રાત ભજન સાંભળીને વીતાવવી પડી અને ભગવાનને કહ્યું કે હે ભગવાન ! આજે આ જરૂરી હશે માટે આભાર તારો. ઘેર-ઘેર કોઈ આશા લઈને ભટકીને નિરાશ થઈને પાછા ફરવાનું થાય અને ભગવાનનો તમે આભાર માનો કે હે ભગવાન તારો આભાર આજે મારા જીવનમાં આમ બનવાનું જરૂરી હશે. એ વાત નાની સૂની નથી. પગમાં પહેરેલા ચંપલ સાવ ફાટી ગયા, ઉઘાડા પગે ફરવાનું થયું અને એ દિવસે પણ ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન આજે આ જરૂરી હશે માટે આમ બન્યું. એ ફકીરના જીવનમાં કોઈ દુ:ખ બાકી નહોતું રહ્યંુ. જીવનમાં કશું જ આગળ કે પાછળ બચ્યું નહોતું. છેલ્લી રાત જ્યાં વીતાવી ત્યાં રાખનો ઢગલો હતો અને દૂર આખું શહેર ઝળહળતું હતું. બહાર કે અંદર ક્યાંય કશું જ બચે એમ નહોતું અને ત્યારે પણ એ સદ્ગુરૂ ઈશ્વરનો આભાર માને છે. 

આપણે આવું જીવન જીવી શકીએ તેમ નથી. ધારેલું કામ થાય તો ભગવાન પાસે દીવો કરીએ છીએ. ધાર્યું કામ ન થાય તો દીવો કરીને આભાર નથી માનતા. પણ ખરેખર તો જીવનમાં જે કંઈ બને છે એ સારા માટે જ બને છે. એ ભાવ રાખીને જીવવું વધુ લાભદાયી છે. મોટાભાગે આપણે દુ:ખ વખતે આપણાં દુ:ખના કારણો કોઈના ખભે મૂકી દેતા હોઈએ છીએ. આ ગઝલના મૂળમાં ઈશ્વર પ્રત્યેના આભારનો ભાવ છે. ટેકનીકની દ્રષ્ટિએ ગઝલની બીજી પંકિત આખી રદીફ છે અને આમ એક સળંગ ભાવ પૂરો થાય છે.

આભાર માનવાની વાત નીકળી છે ત્યારે આજની આ કોરોનાની મહામારીના સમયમાં માત્ર ડૉક્ટરો જ નહીં તબીબી ક્ષેત્રે સંકળાયેલા સૌને, આપણી સલામતીની ચિંતા કરનારા પોલીસ કર્મીઓને, સફાઈની કામગીરી કરતા આ મહામારીના યોદ્વાઓને, અરે ભાઈ સ્મશાનમાં અંતિમ ક્રિયા કરનારા સેવાભાવીઓને આપણે સૌએ વંદન કરવા જોઈએ. જીવ તમને પણ વ્હાલો છે. પણ છતાં આપણા સૌને માટે તેઓ ખડે પગે છે.  આપણે તમને વંદન કરીએ છીએ.

સમાજના વોરિયર્સને વંદન

મોતની સામે સતત ટક્કર, છે વંદન તમને,

સર્વની સેવા કરે જબ્બર, છે વંદન  તમને.

એક સરખું મોતનું જોખમ બધા ઉપર છતાં,

દૂર ફંગોળીને ઉભા ડર, છે વંદન તમને.

ને પથારી પણ સુતેલો જીવ સુદામા સમો,

કૃષ્ણની જેમ જ થયા ચાકર, છે વંદન તમને.

સૌ સલામત, સ્વચ્છ ને સાજા રહે બસ એટલે,

રાત-દી જોયા વગર તત્પર, છે વંદન તમને.

એમની સેવા કને તો આ ગઝલનું શું ગજું ?

ઝૂકતા જ્યાં સર્વના અંતર, છે વંદન તમને.

માત્ર માનવતા-ધરમ જેના હવે હૈયે રહ્યો,

જન્મભૂમિ લાગતી ઈશ્વર, છે વંદન તમને.

દેશ આ ભારત અલગ મિસ્કીન, છે ગૌરવ મને,

ઉજળા જેનાથી આ ઘરઘર, છે વંદન તમને.

Tags :