પૂર્વજો અને આપણું જીવન...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન
- પ્રત્યેક વારસદારમાં પ્રત્યેક વ્યક્તિનો ધર્મ કુળના રીત-રિવાજો પોતાનો સંસ્કાર વારસો ધબકી રહ્યો હોય છે
પૂર્વજો
ક્યાં હશે? કેવા હશે? છે માત્ર અટકળ પૂર્વજો,
યાદ આવે છે ઘણીવેળા પળેપળ પૂર્વજો.
શ્વાસ એકેએક ઋણી લાગતા હર હાલમાં,
આપતા કેવા ગયા છે શ્રેષ્ઠ અંજળ પૂર્વજો.
કોઈને નડતા નથી, મા-બાપ તે કોને નડે?
રાખતા આપીને આશીર્વાદ, ઉજ્જવળ પૂર્વજો.
સર્વ વારસદારમાં ધબકી રહ્યો સૌનો ધરમ,
છે - હતા - રહેશે અદીઠી થઈને સાંકળ પૂર્વજો.
એ જ રસ્તે ઓ ઋણાનુબંધ આગળ સૌ વધે,
માત્ર આગળ પૂર્વજો છે માત્ર પાછળ પૂર્વજો.
દીકરાની દીકરી જ્યાં કોડિયું પ્રગટાવતી,
સાવ નાના હાથથી દેખાય ઝળહળ પૂર્વજો.
થાય છે ધબકાર જ્યાંથી, જોઉં ત્યાં સુરધન વસે,
બ્હાર અંદર રાખતા મિસ્કીન નિર્મળ પૂર્વજો.
- રાજેશ વ્યાસ મિસ્કીન
ભા દરવા સુદ પૂનમ, પ્રથમ શ્રાધ. આજે સહજ પૂર્વજોનું સ્મરણ થયું. તમને તમારી કેટલી પેઢીના નામ યાદ છે? આપણા બાપ-દાદાઓ એમના દાદાઓ કદાચ એમના ફોટા પણ જોયા નહીં હોય. મારા માતા-પિતાને મૃત્યુ પામે વર્ષો થયા. દાદા-દાદીનું તો સ્મરણ પણ નથી. મનમાં થાય છે કે મૃત્યુ પછી એ લોકો ક્યાં ગયા હશે? ફરી જન્મ્યા હશે? કેવા દેખાતા હશે? કેવા હાલમાં હશે? પૂર્વજો વિશે ઘણો બધો વિચાર આવે છે. વંશ-વૃક્ષ, વંશનો આંબો આવા ચિત્રો બાળપણમાં જોયાનું યાદ છે. ઘણીવાર પ્રત્યેક પળે પૂર્વજો ખૂબ યાદ આવે છે. જેમને જોયા નથી તેમના માટે ખેંચાણ થાય છે. આપણા શરીરમાં આપણા પૂર્વજોનું લોહી વહી રહ્યું છે. કુટુમ્બીજનો જ ફરી-ફરી જન્મતા હોય છે એવું પણ સાંભળ્યું છે. એવું અનુભવાય પણ છે. શાસ્ત્રમાં જણાયું છે કે દેવ-ગુરૂ અને પિતૃઓનું ઋણ કદી ચૂકવાતું નથી. વાત બિલકુલ સાચી છે. પ્રત્યેક હાલમાં એકે એક શ્વાસ મને તો પૂર્વજોના ઋણી લાગે છે. એમનો કેવો આ સંસ્કાર વારસો આપણને મળ્યો છે કે આપણે દુ:ખમાં ય ટકી શકીએ છીએ. આપણા ભાગ્યમાં પૂર્વજો કેવા અંજળ લખી ગયા છે!
શું પૂર્વજો નડતા હોય છે ખરા? એક જાણીતા જ્યોતિષિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. તેઓ એક ઘરડા ઘરના ટ્રસ્ટી પણ છે. છોકરો એક વૃધ્ધ પિતાને ઘરડા ઘરમાં મૂકીને જતો રહ્યો. ભઈ કોઈક દિવસ તેડવા આવશે એ આશામાં બાપ જીવતો'તો. પછી એ ખૂબ મોટો માંદગીમાં સપડાયા. ઘરડા ઘરના ટ્રસ્ટીઓએ તેમના દીકરાને ફોન કરીને જણાવ્યું કે તમારા પિતા બચે એમ નથી. દીકરાએ કહ્યું મારી પાસે ટાઈમ નથી. થોડા દિવસ પછી ટ્રસ્ટીઓએ ફોન કરીને જણાવ્યું કે તમારા પિતા અવસાન પામ્યા છે તમારે લઈ જવા હોય તો. તમારા જે રીત-રિવાજો કરવા હોય તો તે માટે જણાવીએ છીએ. છોકરાએ કહ્યું કે તમારા ઘરડા ઘરવાળાએ જે કરવું હોય એ કરો. ટ્રસ્ટીઓએ અંતિમ ક્રિયા પણ પૂરી કરી. ફરી છોકરાને જણાવ્યું, કે તમારા પિતા તમારે માટે કશુંક આપીને ગયા છે તે લઈ જાઓ. દીકરાએ જણાવ્યું કે હું ત્રણ દિવસ પછી ફલાણા મંદિરમાં દર્શન કરવા જવાનો છું ત્યારે લઈ જઈશ. દીકરો આવે છે ટ્રસ્ટીઓ પિતાએ સાચવેલી સોનાની વીંટી, રોકડા રૂપિયા અને એક ચાંદીની દીવી પુત્રને આપી. પિતાની પાસે આટલી મૂડી બચી હતી. મિલકત આપી દીધા પછી જે કંઈ ગણો એ આ ચાંદીની દીવી હતી. પિતાના માટે શ્રદ્ધાનો સહારો હતો. પુત્રની દ્રષ્ટિએ પચાસ ગ્રામ ચાંદી હતી. જે બાપને ના સાચવી શક્યો એ શું તીર્થયાત્રા કરતો હશે? અને જે પિતા આવી ખરાબ સ્થિતિમાં પણ પોતાના પુત્રને પોતાની છેલ્લી મૂડી આપતા જાય એવા મા-બાપ તે કંઈ નડતા હશે?
કોઈને ક્યારેય પૂર્વજો નડતા નથી. એ તો તેમના સંતાનોને આશીર્વાદ આપીને સદાય સુખી રાખવા માંગતા હોય છે. તેમનું ભવિષ્ય ઉજ્જવળ રહે તેવું ઈચ્છતા હોય છે.
પ્રત્યેક વારસદારમાં પ્રત્યેક વ્યક્તિનો ધર્મ કુળના રીત-રિવાજો પોતાનો સંસ્કાર વારસો ધબકી રહ્યો હોય છે. શરીરમાં માત્ર શ્વાસ ને ઉચ્છવાસ નથી ધબકતા, તમારું આખું કુળ ધબકતું હોય છે અને આ સંસ્કાર વારસામાં આપણે માનીએ કે ન માનીએ આપણા મા-બાપ, આપણા પૂર્વજો એક અદીઠી સાંકળની કડી બનીને હતા, છે અને રહેતા હોય છે. મા-બાપ યુવાન હતા ક્યારે એ ઘરડા થઈ ગયા ખબર જ ના પડી. જોત જોતામાં આપણે પણ ઘરડા થઈ રહ્યા છીએ. કાલે આપણે પણ પૂર્વજો બની જઈશું. આપણા પુત્રો પણ ઘરડા બની જશે. આમ જોવા જઈએ તો આપણી આગળ અને પાછળ માત્ર પૂર્વજો જ છે અને પૂર્વજો જ રહે છે.
મારા દીકરાની દીકરી રોજ પૂજાની રૂમમાં દીવો કરતી હોય છે. ગોંખલામાં પિતાજી હું નાનો હતો ત્યારે દીવો કરતા હતા એ પ્રસંગ યાદ આવે છે. દીવો પ્રગટાવેલો હોય છે ત્યારે એ કોડિયાના અજવાળે સાવ નાના હાથથી હું પૂર્વજોને ઝળહળ થઈ જતા જોઉં છું. બાળપણમાં વતનમાં ઘરના આંગણમાં સુરધનભાભાનું સ્મારક હતું એ યાદ આવે છે. હવે જઈ નથી શકાતું. આ સુરધનભાભા એટલે કોણ? એ ક્યાં રહેતા હશે? એમની પાસે નિયમિત ન જઈ શકીએ તો? આંખોને અને શરીરને ઉમ્મર આંટો મારી ગઈ છે ત્યારે ખૂબ ઊંડે-ઊંડે અનુભવું છું કે આ શરીરની અંદર એક કેન્દ્ર છે જેને આપણે હૃદય કહીએ છીએ. એ માત્ર શ્વાસ અને ઉચ્છવાસનું પંપીંગ સ્ટેશન નથી. ત્યાં જ સમગ્ર ચેતના કેન્દ્રસ્થ થયેલી છે. મારા સુરધાનભાભા ત્યાં વસે છે. જે સતત મને ધબકાવતો રાખીને મને નિર્મળ રાખે છે. જે મને સારા કામ કરવા માટે પ્રેરે છે. જે મને ખોટું કરતી વખતે ટોકે છે. રોકે છે. પૂર્વજો ગઝલ લખતો હતો ત્યારે પિતાની આંગળી પકડીને ચાલતો હતો ત્યાંથી શરૂ કરીને દીકરાની દીકરી આંગળી પકડીને મારી સાથે ચાલી રહી છે ત્યાં સુધીની મેં યાત્રા કરી. કેવો યોગાનુયોગ?
કપાતર પુત્રને...
લાત મારીને ભર્યા ભાણાને ઠુકરાવ્યું હતું,
જીંદગીભર ભૂખને એ સ્વપ્નમાં આવ્યું હતું.
દુશ્મનો પાસે હમેશા ભાગ્ય વંચાવ્યું હતું,
બારણે આવેલ સુખને આમ ધમકાવ્યું હતું.
ને હવે હાંફીને મોઢે ફીણ આવ્યા છે તને,
કલ્પનામાં આયનામાં શું ય હંફાવ્યું હતું.
ક્યાં થયું નુકસાન કોઈને? મઝા કોને પડી,
તેં કરી અવળા વિચારો સવળું અટકાવ્યું હતું.
વંશ શેનો? કોણ વારસદાર? રખડી ખા હવે,
પાત્ર એકે એક કરવા શોખ વેચાવ્યું હતું.
થાય ના સંતાન મિસ્કીન તો દુ:ખ થાવું નહીં,
કૈંક પુત્રોએ જગતમાં ઘરને સળગાવ્યું હતું.