જીંદગીનો સૌથી મોટો અને અઘરો પ્રશ્ન
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ'મિસ્કીન'
- પ્રત્યેક માણસમાં બે માણસ જીવતા હોય છે. એક અત્યંત સ્ચોિીગ અને એક તદ્દન બાળક જેવો.
સૌથી મોટો પ્રશ્ન
એક દિન મે'તાજીએ છોકરાને પ્રશ્ન કર્યો
'ઇતિહાસ વિષે પ્રશ્ન સહુથી કયો મોટો છે ?'
યાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે,
મે'તાજીની આંગળીની ચીંધ સહુ માથે ફરે
કુરુક્ષેત્ર ! ટ્રેય કેરો ? ઇતિહાસ ખોટો છે
ફેન્ચ રાજક્રાન્તિ ? એવી ક્રાન્તિને ય જોટો છે
રાજ્યકેશ ધારા ? એવા ધારાનો ક્યાં તોટો છે ?
વીજળી ને સંશોધન ? એ તો પ્રશ્ન છોટો છે.
નોખા ધર્મ પંથ ! એમાં ગડબડ ગોટો છે
સિપાઇના બળવાના વાંસા પર સોટો છે.
સત્યાગ્રહ ! એમાં ય તે કૈંક વાળ્યો ગોટો છે,
આવડે ન તો તો ગાલે મે'તાજીની થોંટો છે
છેલ્લી બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે !
'સાબ ! સાબ ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે'
- મુકુંદરાય પારાશર્ય
સૌથી મોટો પ્રશ્ન ખૂબ સરળ કાવ્ય છે. સરળતામાં કવિતા સિધ્ધ કરવી એ ખૂબ અઘરી વાતછે. આ કવિતા વાંચતા વાંચતા કવિ દલપતરામની શૈલી અને કવિ દલપતરામના કાવ્યો યાદ આવે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા બીજા... કે પછી એક શરણાઈવાળો તરત યાદ આવે. કવિતાના લયની આ જ મજા છે. તમને છંદ ખબર હોય કે ન હોય તમારા ચિત્ત ઉપર, મનમાં લયના સંસ્કાર કવિતા મૂકતી જતી હોય છે.
હમણાં જ ઉદ્દેશનો અંક વાંચતો હતો, તેમાં પ્રતિભાવમાં જાણીતા સંગીતના આરાધક અમર ભટ્ટનો પત્ર વાંચતો હતો. તેનું શિર્ષક છે કવિતા ક્યાં નથી ! એક અદ્ભૂત અનુભવ. ઉમાશંકરની કવિતા ટાંકે છે.
સહો હસો, હસો સહો
અને જગે લદાય ભાર તે અબોલ સૌ વહો.
આ પંક્તિઓ લખ્યા પછી તેઓ જણાવે છે કે નર્મદાષ્ટક કે શિવતાંડવ સ્તોત્રના છંદમાં આ પાઠ કરવાનો અનેરો આનંદ આવ્યો. કવિતા તેના લય દ્વારા પણ ભાવકના હૃદયને ખેંચતી હોય છે. મુકુંદરાય પારાશર્યના આકાવ્યનો છંદ, લય અને ગૂઢાર્થ દલપતરામની શૈલી જેટલો જ સરળ છે. પરંતુ જો સરળતાની ઊંડાઈ આપણને સ્પર્શે નહીં, તો આપણે એટલું સમજવું જોઇએ કે આપણે ખૂબ અઘરા છે.
શાળાના શિક્ષકને એક સમયે મહેતાજી કહેવામાં આવતા હતા અને એ મહેતાજી ઇતિહાસના શિક્ષક હશે અને એથી જ ઇતિહાસના પીરિયડમાં બાળકોને પ્રશ્ન કરે છે કે ઇતિહાસની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન કયો છે ? જાણે આજે ક્લાસમાં કોઈ નવો ટોપિક શરૂ કરવાના હોય અને તેની પૂર્વભૂમિકા રૂપે આ પ્રશ્ન પૂછ્યો હોય એમ લાગે. છોકરાઓ પણ વિચારમાં પડી ગયા છે કે ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મોટી ઘટના કઈ ? કયો મોટો પ્રશ્ન ? અને મહેતાજીની લાંબા કરેલા હાથની આંગળી દરેક છોકરાની સામે ફરતી જાય છે. કોઈ છોકરાને કૌરવો અને પાંડવોના યુદ્ધવાળો કુરૂક્ષેત્રનો પ્રશ્ન મોટો લાગે છે. કોઇને વિશ્વના મહાકાવ્યમાંનું એક મહાકાવ્ય'ઇલિયડ'માં બતાવેલા ટ્રોયના યુદ્ધનો પ્રશ્ન મોટો લાગે છે. કોઇને ફ્રેન્ચ રાજક્રાંન્તિ મોટી લાગે છે. શિક્ષક મનમાં વિચારે છે કે આ બધી ઘટનાઓનું એટલું મહત્ત્વ નથી. એનાથીએ મોટી ક્રાન્તિઓ થયેલી છે. યુદ્ધોના ઇતિહાસ પણ ખોટા-ખોટા લખાયેલા હોય છે.
કોઈ વિદ્યાર્થીને રાજ્યોના જે કાયદાઓ બનેલા છે એ મોટા લાગે છે કોઇને વીજળીની અને મશિનોની શોધ થઇ એ વાત બહુ મોટી લાગે છે. પણ વિજ્ઞાાન તો સતત નવી નવી શોધો કરતું રહ્યું છે. એક એકથી ચડિયાતી શોધો. ધર્મની શ્રેષ્ઠતા વિશે પણ ઘણી ગરબડો છે અને સિપાઇઓના બળવા પણ અનેક થયેલા છે. સત્યાગ્રહની વાતોમાં ય તે જાણે કંઇક ગોટાળા હોય તેવું લાગે. ટૂંકમાં એક પછી એક વિશ્વની ઘટનાઓની યાદ વિદ્યાર્થીઓ તાજી કરતા જાય છે અને છતાં એ બધી જ ઘટનાઓ શિક્ષકને નાની લાગે છે. આવા સમયે છેલ્લી બેન્ચે બેસેલો એક છેલ્લો રાંક છોકરો જવાબ આપે છે. સાહેબ...સાહેબ સૌથી મોટો પ્રશ્ન તો રોટલાનો છે.
બુભુક્ષિતમ્ કિમ ન કરોતિ પાપમ્... ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો ? પેટ કરાવે વેઠ. સવારથી સાંજ સુધીની તમામ પ્રવૃત્તિઓ, તમામ સારા-ખોટા કામો પાછળ ખૂબ ઊંડે-ઊંડે વિચારીએ છીએ તો સૂક્ષ્મ દ્રષ્ટિએ પ્રશ્ન રોટલાનો જ રહેલો છે. બધા યુદ્ધો ય જાણે રોટલા માટેના જ લાગે છે. જઠરાગ્નિને ઠારવા માટેની આ જગતની દોડ છે. જો મનુષ્યને પેટ જ ન હોત તો ? કે જો ભૂખ જ ન લાગતી હોત તો ? કદાચ ઘણી બધી સળગતી સમસ્યાઓ જ ના હોત. કવિતા સાવ સામાન્ય લાગે. નાની સ્કૂલના ટેણિયાઓને પૂછાયેલો આ પ્રશ્ન લાગે. પણ ના આ પ્રશ્ન તો વિશ્વવિદ્યાલયોમાં અને યુનિવર્સિટીઓમાં પણ જો પૂછાય તો બોલતી બંધ થઇ જાય તેવો છે. આપણી અંદર રહેલા મહેતાજીએ, આપણી અંદર રહેલા ટેણિયાને આ પ્રશ્ન પછ્યો છે. પ્રત્યેક માણસમાં બે માણસ જીવતા હોય છે. એક અત્યંત સ્ચોિીગ અને એક તદ્દન બાળક જેવો. ક્યારેક આપણી બુધ્ધિને આપણી ભીતર રહેલી સરળતાનો જવાબ કે સરળતાનો પ્રશ્ન મૂંગા કરી દેતી હોય છે.
મુકુન્દરાય પારાશર્યનો અસલી પરિચય તેમના દુહા અને ગીતોમાં મળે છે. તેમના થોડાંક દુહા જોઇએ.
મકનજીના દૂહા
માપે નભને પંખીઓ પાંખ પ્રમાણે ભાઈ !
આંખ પ્રમાણે માનવી ભાળે, કૈં ન નવાઈ.
*
મકના, મન મારીશ નૈં, દે હરિચરણે ધરી,
હરિશરણની નાવથી જા ભવસાગર તરી.
*
મરને તળિયે જીવીએ, દુનિયા દેખે નૈં.
મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.
*
ગણો મકનને પારકો એનું ન એને દુઃખ,
આપરૂપ સંસારમાં માણે મકનો સુખ.