જેસલ-તોરલ પ્રગટ-અપ્રગટ કથા...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન
- જાત ઓળંગવી જ અઘરી છે. સંતની જો સોબત હશે તો ઊગારવાનો ઉપાય દેખાવાનો છે
શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા,
નિજના ઘરને પિછાણ,જાડેજા.
કાળના તું પ્રવાહને ઓળખ,
તો જ તરશે વહામ, જાડેજા.
જ્યોત જગવી તું વાંચ કાગળને,
તો ઊકલશે લખાણ, જાડેજા.
પાપ તારાં બધાંય બોલી જા,
તો જ આપું પ્રમાણ, જાડેજા.
જાત ઓળંગવી સરળ ક્યાં છે ?
ખૂબ કપરાં ચઢાણ, જાડેજા.
બેડલીને ઉગારવા તારી,
સંતની કર સુવાણ, જાડેજા.
આંબવો હોય કાળને તારે,
પાંચ ઘોડા પલાણ, જાડેજા.
- દર્શક આચાર્ય
આં ખ સામે દર્શક આચાર્યની 'જાડેજા' રદીફ ધરાવતી આગઝલ મૂળમાં જોડાયેલી છે જેસલ-તોરલ સાથે. પરંતુ વાત સીધે સીધી કહી દે તો એ કવિ શાનો ? આપણી અંદર જ એક જેસલ પણ છે અને એક તોરલ પણ છે. ભૂજથી ૪૦-૫૦ કિ.મી.ના અંતરે અંજારમાં જેસલ-તોરલની સમાધિ આવેલી છે. ૧૪મી સદીની આ વાત હશે. જેસલને માટે મારધાડ લૂંટફાટ એ નવા નહોતા. જેસલને જે વસ્તુ ગમી જાય તે મેળવીને જ જંપતો હતો. કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના વખાણ ગામે ગામ થતા હતા. આ ઘોડીને ચોરવા માટે જેસલ જાય છે. સાંસતિયાજીને ત્યાં ભજન ચાલી રહ્યા છે. ઘોડી ચોરી જવાનો ઉત્તમ સમય છે એમ માનીને ઘોડીને ખીલેથી છોડે છે અને તેના હણહણાટથી લોકોનું ધ્યાન જાય છે. ઘોડી તેના માલિક પાસે જઇને ઉભી રહી જાય છે. કથામાં રંગ ઉમેરાય છે. ઘોડીને ફરી પાછી તેના સ્થાને લાવીને ખીલા સાથે બાંધી દેવામાં આવે છે. પણ જે ખીલો નીકળી ગયો હતો એ ખીલાને ઠોકતા-ઠોકતા જેસલનો હાથ વીંધાઈ જાય છે. જેસલ પેલા ભક્ત પાસે પકડાઈ જાય છે. ભગત પાસે ઘોડીની અને તેની પત્ની તોરલની બેઉની માંગણી કરે છે. જેસલને એક શરતે ભગતે ઘોડી અને પત્ની આપી દેવાની તૈયારી બતાવી કે તેણે ધર્મનું પાલન કરવું. જેસલ આ વાતસ્વીકારે છે. રસ્તમાં દરિયો આવે છે. હોડી થોડેક આગળ જાય છે અને દરિયામાં તોફાન આવે છે.
જેસલના હૃદય પરિવર્તનની આ ક્ષણ છે. ભક્તોની શ્રધ્ધાને વધારનારો આ પ્રસંગ છે. પરમશક્તિ સામા રસ્તે જનારની રક્ષા કરે છે તેનો પૂરાવો છે. હોડી હાલક-ડોલક થાય છે. દુનિયાની સુંદર સ્ત્રી તોરલ અને શ્રેષ્ઠ ઘોડી તોરીની સામેમોત દેખાય છે.તોરલ સતી હતા. તેણે જેસલને પોતાના પાપનો માર્ગ છોડી દેવા સમજાવ્યો. અને જોડેજા, જેસલ જાડેજા પોતાના પાપ એક પછી એક બોલતા જાય છે. મનનું રૂપાંતર થતું જાય છે. એક પાપીનું ભક્તમાં ઊર્ધ્વગમન થાય છે. તેનું જાણીતું ગીત અહીં આખ્ખું મૂક્યું છે.
દર્શકની ગઝલ પણ જાડેજા સાથેનો જાણે સંવાદ છે. પાપ તારું પરકાશ જાડેજા... આ ગીતમાં જાણે જેસલ અને તોરલનો સંવાદ છે અને જેસલે પોતે કરેલા પાપનું વર્મન પણ છે. ગઝલ એક એવું સ્વરૂપ છે જેમાં વર્ણનને બહુ અવકાશ નથી. ટૂંકી સચોટ વાતચીતની ભાષામાં ગઝલનું ભાવવિશ્વ ઊભું કરવાનું હોય છે. દર્શકનો જાડેજા પોતે જ છે. તોરલ પણ પોતે છે. પોતે જ પોતાને કહે છે. એ દ્રષ્ટિએ આ જાત સાથેનો સંવાદ છે. જેસલ-તોરલના ગીતમાં કયા કયા પાપ કર્યા છે તેની કબૂલાત છે. આ ગઝલમાં કયા કયા પગથિયા, કયા કયા પગલા ભરાવના છે તેની વાત છે.
શ્વાસના માર્ગનો આ પ્રયાણ છે. સૂર્ય-ચંદ્ર નાડીનો આ પ્રયાણ છે. હું શરીરમાં રહું છું પણ શરીર એ મારું કાયમી ઘર નથી એને પિછાણવાની વાત છે. જીવનમાં તોફાન આવે છે ત્યારે આપણા સૌની હોડી ડૂબતી જ હોય છે. આપણી હોડીને ડૂબતી અટકાવવા માટે કાળના પ્રવાહને ઓળખવો એટલો જ જરૂરી છે. આપણે સૌ અપ્રગટ દીવા છે. કોઈ સદગુરૂ કોઈ સાધના, કોઈ શબ્દ આપણી ભીતર જ્યોત જગવી શકે છે અને તો જ ઓ જાડેજા ! તને તારું લખાણ ઉકલી શકશે. જ્યાં સુધી આપણે આપણા પાપ, આપણા ખોટા કર્મો બોલવા માટેની તૈયારી નથી રાખતા ત્યાં સુધી એ પરમશક્તિ આપણી આંખ સામે હોય છે. છતાંય આપણને દેખાતી નથી. આપણે આપણો ભાર ઉતારી શક્તા થી. નવધા ભક્તિમાં આત્મનિવેદનમ્ છે. ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશન છે. આખી દુનિયાને ઓળંગવી સ્હેલી છે. જાત ઓળંગવી જ અઘરી છે. સંતની જો સોબત હશે તો ઊગારવાનો ઉપાય દેખાવાનો છે. અને આ બધી જ પ્રક્રિયામાંથી પસાર થતા પહેલા કાળને એટલે કે મૃત્યુને પણ ઓળખવું હોય તો પાંચ ઇન્દ્રિયોના, પાંચ ધાતુના ઘોડા પલાળવા પડે છે. શ્રધ્ધા પ્રગટાવવી પડે છે. બંને કવિતાનો અભ્યાસ થઇ શકે એટલા માટે અહીં આખુંગીત મુકું છું.
પાપ તારું પરકાશ જાડેજા,
ધરમ તારો સંભાર રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
એમ તોરલ કહે છે જી.
વાળીગોંદરેથી ગાય, તોળી રાણી
વાળી ગોંદરેથી ગાય રે
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે
એમ જેસલ કહે છે જી.
પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી
પાદર લૂંટી પાણિયાર રે
વનના મોરલા મારિયા, તોરલ દે રે
એમ જેસલ કહે છે જી.
ફોડી સરોવર પાળ, તળી રાણી
ફોડી સરોવર પાળ રે
વન કેરા મૃગલા મારિયા તોરલ દે રે
એમ જેસલ કહે છે જી.
લૂંટી કુંવારી જાન, તોળી રાણી
લૂંટી કુંવારી જાન રે
સતવીસું મોડબંધા મારિયા,
તોરલ દે રે
એમ જેસલ કહે છે જી.
હરણ કર્યાં લખચાર, તોળી રાણી.
હરણ હર્યા લખચાર રે
એવાં કરમ તો મેં કર્યાં, તોરલ દે રે
એમ જેસલ કહે છે જી.
જેટલા મથેજા વાળ, તોળી રાણી
જેટલા મથેજા વાળ રે
એટલા કુકરમ મેં કર્યાં, તોરલ દે રે
એમ જેસલ કહે છે જી
પુણ્યેપાપ ઠેલાય, જાડેજા
પુણ્યે પાપ ઠેલાય રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
એમ તોરલ કહે છે જી