પિતાનો આભાર ભૂલાય તેવો નથી હોતો...
- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન
- નાનકડા ગામડામાં સીધું-સાદું જીવન જીવતા આ દલપતરામને ફાર્બસ સાહેબ પોતાના ગુરૂ તરીકે માને છે. સીધા-સાદા દલપતરામ જીવનના અંત સુધી હિંદુ ધર્મ અને હિંદુ સંસાર સુધારાની મશાલના પ્રહરી રહ્યા
પિતાની સેવા
છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
ચડી છાતીએ જે ઘડી મુછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી,
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો,
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખ માગી વસ્તુ મને લાવી દેતા,
પુરો પાડ તે તો ભુલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી,
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
મને નિર્ખતા નેત્રમાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી,
મુખ બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
ભણે ભાવથી જો ગણે છંદ સારા,
પિતુ ભક્તિ પામી ન થાશે નઠારા,
રૂડું જ્ઞાાન લૈ લાગશે શુભ કામે,
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.
- દલપતરામ.
ગુજરાતી ભાષાના ૧૯મા સૈકાના બે મહાન કવિ એટલે નર્મદ અને દલપત. દલપતરામ સમાજ સુધારક અને આધુનિક ગુજરાતના ઘડવૈયા પણ છે. દલપતરામના કાવ્યો સરળ ભાષામાં પણ સોંસરા ઉતરી જાય એવા છે. એક સમયે તેમના કાવ્યો ગુજરાતીઓના હૈયે અને હોઠે રમતા હતા. આપણા મહાકવિ ન્હાનાલાલના એ પિતા. પિતાની સેવા કાવ્ય ખૂબ જ સરળ ભાષામાં પુત્રના અને પિતાના પ્રેમને પ્રગટ કરતું કાવ્ય છે.
પિતાનો પ્રેમ જીવનમાં મીઠા જેવો છે. જેમ મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તેવી જ રીતે પિતાની હાજરી, હૂંફ, પિતાનો પ્રેમ આપણા જીવનને જીવવા જેવું બનાવે છે.મીઠું ના હોય તો ભોજન ફીક્કું લાગે છે. પિતા વગર જીવન ફીક્કું બની જાય છે. પિતાની હાજરીનું આટલું મહત્ત્વ છે. પરંતુ માતા વિશે જેટલા કાવ્યો રચાયા છે એટલા પિતા વિશે નથી લખાયા. પિતા વિશે લખાયેલું ગુજરાતી ભાષાનું આ પ્રથમ કાવ્ય કહી શકાય.
હે પિતાજી હું તમારો કેટલો આભાર માનું ? તમારો આભાર ભૂલી શકાય એમ નથી. મને પાળી પોષી મોટો કર્યો. મને હંમેશા અનેક રીતે તમે રાજી રાખવાના પ્રયત્નો કર્યા છે. નાના બાળકને તમે જોયું હશે. પિતાના પેટ ઉપર, છાતી ઉપર ચડી જતું હોય છે. આપણે મોટાભાગના આ રીતે જ મોટા થયા છે. હે પિતાજી ! હું નાનો હતો ત્યારે તમારી છાતી ઉપર ચઢી જઈને તમારી મૂછ ખેંચતો હતો. અને ત્યારે તમે કેવું ખડખડાટ હસી પડતા હતા. મેં તમને આમ હેરાન કર્યા હોય ત્યારે તમે ગુસ્સે નથી થયા.
ઊલટું મેં જેમ કહ્યું એમ તમે કર્યું છે. મને ખૂબ ભણાવ્યો, મને સુધાર્યો, મને આગળ વધાર્યો. જીંદગીના સાચા અને સારા પાઠ ભણાવ્યા. મને જોઈને તમે ખૂબ આનંદ પામતા હતા. મારી દરેક ઈચ્છાને તમે સંતોષી છે. હે પિતાજી ! તમે જે મારી ઉપર ઉપકારો કર્યા છે એ કઈ રીતે ભૂલાય ! કોઈ ખરાબ પુત્ર પાકે તો તે પિતાના ઉપકારોને ભૂલે.
ભણાવીને મને ભાગ્યશાળી કર્યો. જે ખરાબ અને નકામી ટેવો હોય તેનાથી દૂર કઈ રીતે રહેવાય તે શીખવાડયું. લોકોમાં આપણી કીર્તિ કઈ રીતે રહે તે પાઠ તમે શીખવાડયા છે. હે પિતાજી ! તમારો આભાર કઈ રીતે ભૂલાય ?
એક સમયે વઢવાણ ગામ એટલું જાણીતું નહોતું. જોકે આજેય તે સુરેન્દ્રનગર સાથે જ બોલાય છે. વઢવાણ ગામમાં જ તે જન્મ્યા. ત્યાં જ ભણ્યા અને ત્યાં જ તે સ્વામીનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યા હતા. તેમને અંગ્રેજી આવડતું નહોતું. દલપતરામે ગુજરાતી અને વ્રજ ભાષામાં કવિતાઓ લખી છે. પરદેશની વિચારસરણીથી જરાય રંગાયા વગર દલપતરામે ભારતીય ભૂમિ, હિંદુ સંસ્કૃતિના સંસ્કાર ઝીલ્યાં છે અને આત્મસાત કર્યા છે.
નાનકડા ગામડામાં સીધું-સાદું જીવન જીવતા આ દલપતરામને ફાર્બસ સાહેબ પોતાના ગુરૂ તરીકે માને છે. સીધા-સાદા દલપતરામ જીવનના અંત સુધી હિંદુ ધર્મ અને હિંદુ સંસાર સુધારાની મશાલના પ્રહરી રહ્યા. દલપતરામ પોતાના શૈશવકાળના અનુભવો ''મારું વૃત્તાંત'' પુસ્તકમાં જણાવે છે.
''મારો જન્મ વઢવાણમાં ભિક્ષુક બ્રાહ્મણ કુળમાં એક આંબલીના ઝાડ નીચે છાપરી હતી જેના ઉપર બે શેરીના કૂતરાની ટોળીઓ મળીને લડતી હતી એની નીચે છાપરીમાં સં. ૧૮૭૬ના મહા સુદ ૮ એટલે તા. ૨૪મી જાન્યુઆરી સને ૧૮૨૦ની સાલમાં થયો હતો.'' પંદર વર્ષની ઉંમરે તો તેમણે પીંગળશાસ્ત્ર, વ્રજ ભાષાના અલંકારના ગ્રંથ વગેરેનો અભ્યાસ કર્યો હતો. સત્તાવીશ વર્ષની ઉંમરેથી માતા-પિતા ગુજરી ગયા ત્યાં સુધી આપણા આ મહાન કવિ દલપતરામ યજમાન વૃત્તિ કરતા હતા.
ભિક્ષા વૃત્તિથી ઘર ચલાવતા હતા અને કરજદાર હતા. તે સમયે તેમની કવિતાઓ ઘણી જગ્યાએ પ્રસિદ્ધ થઈ અને તેને લીધે ૧૮૪૮માં અમદાવાદના આસિસ્ટન્ટ જજ એ.કે. ફાર્બસ સાહેબે ભોળાનાથ સારાભાઈ દ્વારા વઢવાણ માણસ મોકલીને તેમને અમદાવાદ તેડાવી લીધા અને અહીંથી દલપતરામનું ભાગ્ય બદલાય છે. અને તેઓ સુધારાના કવિ, સુધારાના પ્રચારક તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા થયા. તેમની એક બીજી સરળ કવિતા વાંચીએ.
એક શહેરનો રાય કહે સુણો કવિરાય,
ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે.
તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે,
અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે,
કહે કવિ સુણો રાય સર્વ કવિ ટકે શેર,
એવું આ સભામાં હોય એ તો કાળો કેર છે.
ખાજાં ભાજી હતાં એક શહેરમાં ટકે શેર,
આજ જાણ્યું એવું બીજું આપનું શહેર છે.