Get The App

ગ્રંથાલયો જ ખરાં મંદિરો .

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
ગ્રંથાલયો જ ખરાં મંદિરો                       . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- દેશપ્રેમી, માનવપ્રેમી નાગરિકો પેદા કરવા હશે તો ગ્રંથો કે ગ્રંથાલયો વિના ચાલવાનું નથી

ક હેવાય છે કે કોઈપણ સારા કામ માટે મોડું થયું છે તેમ ન કહી શકાય. એ રીતે કહું છું કે જાગી જાવ, ચેતી જાવ, સક્રિય થઇ જાવ - માણસ તરીકે ટકી રહેવા, માનવ તરીકે સુખભર્યું જીવી રહેવા. એનો સીધો ને સટ રસ્તો વાંચતા થાવ, વાંચતા રહો, વિચારતા રહો, સમજતા રહો, ડહાપણ કેળવો. આ સર્વનો આજે દુષ્કાળ છે. વાચન વિહોણો માણસ પશુ છે, પશુમાં પણ ઘેટું છે. કતારબંધ પંક્તિમાં મૂંગે મોંએ ચાલ્યા કરતું ઘેટુ ! વાચનના અભાવનું પરિણામ આપણી સામે છે. રોજનું છાપું જુઓ, ટી.વી.નો સ્ક્રીન જુઓ. માત્ર ને માત્ર કૂદકે - ભૂસકે વધતું જતું નકારાત્મક વિશ્વ જોવાય છે. હિંસા, બળાત્કારો, હત્યાઓ, દારૂ-ડ્રગ્સ, હીટ એન્ડ રન, ચોરી, ભ્રષ્ટાચાર, લાંચ, છેતરપિંડી, ફ્રોડ, તકરાર, મારામારી. મહદંશે આ બધું આપણું વૈચારિક દારિદ્રય સૂચવે છે, સમજશક્તિનો ધરાર અભાવ વ્યક્ત કરે છે. આપણું આભિજાત્ય ચાલી ગયું, શાલીનતા ભુલાઈ ગઈ. વિવેક અને નમ્રતાએ દેશવટો લીધો છે. ડિજિટલ વિશ્વે આંગળીનાં ટેરવાંની રહી સહી સંવેદનશીલતા પણ ઝૂંટવી લીધી છે. ભાષા ગઈ, લેખન-અક્ષર ગયાં. સ્વતંત્ર વિચારશક્તિને લૂણો લાગી ગયો. અજ્ઞાનીઓનાં ટોળાનો ફૂટતા વાંસની જેમ વિકાસ થતો રહ્યો છે. અંદરના ચૈતન્યનો એનાથીય વધુ ઝડપે રકાસ થતો ગયો. કહોજી, છે આનો કોઈ ઉપાય ? શું આવું નર્કાગાર આપણને કોઠે પડી ગયું છે ? ભવિષ્યની પેઢી માટે આવું વિશ્વ વારસામાં મૂકી જઈશું તો તે શું માફ કરશે ? શું કરીશું તો ?

હા, ચાલો ખંડેર થતાં જતાં ગ્રંથાલયો પાસે જઇએ, તે ઉપરની ધૂળ ખંખેરીએ. એ પુસ્તકોનાં બે પૂંઠાં વચ્ચે આપણે આપણું સાચકલું સ્વરૂપ ખોળીએ, આપણે આપણા કરતૂતોનો તાળો મેળવીએ. ત્યાં સભ્યતાના શબ્દો છે, ત્યાં સંસ્કાર-સંસ્કૃતિ ધબકે છે, ત્યાં માનવીય સંવેદનાનાં ઇન્દ્રધનુ પ્રકાશી રહ્યાં છે, ત્યાં વાદ-વિવાદ છે તો તેનાં પરિણામો પણ છે. ત્યાં યુદ્ધ અને શાંતિની પ્રેરક કથાઓ છે. તો આપખુદીઓની જંગાલિયત છે, તો પ્રેમ વરસાવી રહેનારાોનાં શબ્દોની ભૂરી જ્યોત અખંડરૂપે ઝળહળતી રહી છે. ત્યાં વેદના છે, સંવાદ છે, સહૃદયતા અને શિસ્ત કે અનુસાસનની વાર્તાઓ છે. કહો શું નથી ત્યાં ? આર્તનાદો, ચીસો, તૃપ્તિના ઓડકાર સઘળું છે. ચાલો એ ગ્રંથાલયો તરફ આપણા આપણા સંતાનોના ચરણ વાળીએ. ચાલો માહિતીના જંગલમાં અટવાઈ, ખોટવાઈ જવાના બદલે જ્ઞાનની અજસ્ર વહેલી ગંગામાં નિત્ય સ્નાન કરીએ. નરવા-ગરવા શબ્દો વડે નરવું-ગરવું વિશ્વ પામીએ, એવા વિશ્વમાં જીવતાં શીખીએ. સાચ્ચે જ આજે આપણે સૌએ પરિષ્કૃત કે પરિમાર્જિન થવાની બારણે ટકોરા મારી રહેલી ક્ષણોને સત્કારી રહીએ. સમાજ, શાસન, સંવેદનશીલ વ્યક્તિઓ અને જે કંઇ બચ્યા છે એવા બૌદ્ધિકોએ એવું ગ્રંથાલયમાં મંદિરો માટેનું આંદોલન શરૂ કરવાનું મુહૂર્ત આવી પહોંચ્યું છે. સાથે એવા અભ્યાસુ ગ્રંથપાલો મળી રહે, તેમને યોગ્ય આમદાની મળી રહે તેવું વાતાવરણ સર્જીએ. બાહ્ય, દેખીતો વિકાસ તો તકલાદી છે, રાષ્ટ્રિનિર્માણ કરવું હશે, ટકોરાબંધ દેશપ્રેમી, માનવપ્રેમી નાગરિકો પેદા કરવા હશે તો ગ્રંથો કે ગ્રંથાલયો વિના ચાલવાનું નથી. સયાજીરાવ ત્રીજા તો ગ્રંથપાલને સૂબા કરતાં પણ ઊંચા દરજ્જાનો લેખતા હતા. પ્રજાનો સાચો સેવક તો એ છે. યુવકો, બાળકો સૌને તેની વિનયી વાણી પુસ્તક પ્રતિ દોરતી રહે તો નવા ભારતનું, નવા વિશ્વનું સમણું સાર્થક થશે. ગ્રંથપાલ જ્ઞાનનો રખેવાળ છે, શિક્ષકોનો પણ શિક્ષક છે. ગ્રંથાલયને ગ્રંથમંદિરમાં રૂપાંતરિત કરનાર ખરો જણ તો એ છે. ફ્રાન્ઝ કાફકા તો કહે તો પુસ્તક જ થીજી ગયેલા જળ પર કુહાડી જેવો ઘા કરી તેને પ્રવાહિત કરી રહે છે. જે પુસ્તકમાં ગરક રહી તેને પામે છે એનું શિર હંમેશાં ઉન્નત રહે છે.

અબજો રૂપિયાના વેડફાટમાંથી શાસન જો થોડાક જ પૈસા બચાવી ઠેર ઠેર મંદિરોની જેમ ગ્રંથાલયો ઊભાં કરે, ગ્રંથપાલોની મહત્તા સમજે, લોક વાંચતું થાય, વિચારતું થાય તેવા નવા નવા ઉપક્રમો સર્જી રહે, ચારે દિશામાં જ્ઞાનની મહત્તા સમજાતી થાય તો જરૂર સમાજનાં મોટાભાગનાં અપકૃત્યો આપોઆપ ઓછાં થઇ જાય. કોલેજ હોય કે યુનિવર્સિટી હોય. તેના મકાનો હંમેશાં ગ્રંથાલયોથી ઘેરાયેલાં હોવાં જોઇએ. ત્યાં વિદ્યાર્થીને છેલ્લામાં છેલ્લું પુસ્તક ઉપલબ્ધ હોય તેવી વ્યવસ્થા વિચારવી જોઇએ. આરામથી તે વાંચી શકે, સંશોધન કરી શકે તેવું વાતાવરણ પણ સર્જી શકાય. શાસન માટે કશું અશક્ય નથી. માત્ર એ પ્રકારનું વલણ કે મનોવૃત્તિ હોવાં જોઇએ. નાનાં નાનાં ભૂલકાંઓ માટે ત્યાં ઉત્તમ બાળસાહિત્ય પણ હોવું ઘટે, કિશોર-યુવા વગેરે માટે પ્રેરણાદાયી, સાહસ કરવા પ્રેરે તેવું સાહિત્ય વસાવવું જોઇએ તો નિવૃત્ત થયેલાઓ માટે જીવનની સંધ્યા પણ કેવી સલૂણી હોય છે, દેશ માટે તેમની પણ ખાસ અગત્ય રહી છે, તેવાં પુસ્તકો પણ ત્યાં હોવાં જોઇએ. ગ્રંથાલયોમાં ચર્ચાઓ ગોઠવી શકાય, સેમિનાર પણ થઇ શકે, નાના પાયે નાાટક પણ ભજવી શકાય. વાચકની સાથે સંવાદ પણ રાખી શકાય. ઉત્તમ પુરુષોના જીવન ચરિત્રોમાંથી કેટલાક મહત્ત્વના અંશોને ઓનસ્ક્રીન રજૂ કરી શકાય. આ બધું સંતવાણીમાં કહું તો, જલમાં જ્યોતિ પ્રકાશવવા જેવું થઇ રહે છે.

ગ્રંથાલયનાં કબાટોને ઉધઇ લાગી રહી છે, પુસ્તકોને પણ ઉધઇ વળગી છે. ઇલેક્ટ્રોનિક મીડિયાએ ઘણું બધું વેરવિખેર કરી મૂક્યું છે એ શિક્ષણમાં પણ શિક્ષણથી દૂર જઇને જે કેટલાક આયામો શરૂ કરાયા છે તે બધું માનવને નિસ્તેજ કરી મૂકે તેવું છે. આજે સંશોધનો કેવાં થાય ? અધ્યાપકો કે શિક્ષકોમાંથી કેટલા ખરેખર 'અધ્યાપક' કે 'શિક્ષક' છે, તેઓએ શું ને કેટલું વાંચ્યું છે ? વર્ગમાં માહિતીની સાથે જ્ઞાનસ્રોત સુધી દોરી જવા માટે કેવા-કેટલા પ્રયત્નો થાય છે ? એ સર્વનો દોષારોપણ કર્યા વિના, તટસ્થ રીતે ક્યાસ કાઢવા જેવો છે. કહો કે વાચનદારિદ્રય આજનો મહારોગ છે. શાસને આ દિશામાં જો એ ઉચ્ચ નાગરિકોનું નિર્માણ ઇચ્છતું હોય તો અગ્રતાક્રમે કરવા જેવું કામ છે.

ખરાં મંદિર તો ગ્રંથાલયો છે. ત્યાં આત્માનું મંજન થતું હોય છે. તેમાં આરતી-પ્રસાદ કે જે કંઇ છે તે પેલો સંવેદનાનો, જ્ઞાનનો શબ્દ છે. ત્યાં વિશ્વના શ્રેષ્ઠ પુરુષોનાં જીવન છે, તેમના અવાજો છે, ત્યાં સૃષ્ટિનાં રહસ્યો છે, ત્યાં સ્ખલનો અને તેની સુધારણાનું વિશ્વ છે. ત્યાં જાતિ-પાતિ-રંગ-વર્ણથી-ધર્મથી પણ ઊંચે ઉઠેલો માણસ છે. ત્યાં સત્યનો જ દીપક જલે છે, જૂઠને સ્થાન નથી. જૂઠની કથા હોય તો તેનો છેવટનો મર્મ તો સત્યની નજીક જ લઇ જતો હોય છે. જ્યોર્જ બોર્હેસ જેવા તો ત્યાં લગી સ્વીકારે છે કે પોતાની કલ્પનાનું સ્વર્ગ તો ગ્રંથાલય જ છે ને પછી ઉમેરતાં તે કહે છે કે પુસ્તક વાંચ્યા પછી તેમાં ખુદના હોવાનો પડછાયો વિસ્તરતો રહે છે.

આપણી ચોતરફ ભ્રમનાં, અજ્ઞાનનાં, જુઠ્ઠાણાંનાં, હિંસાનાં જંગલો ઊગી રહ્યાં છે ત્યારે, ઘણું બધું વાંચવાનું છે ત્યારે, જેમાંથી જેટલું વાંચી શકાય તેટલું વાંચી લઇએ. દરેક ગ્રંથ એક દીપ છે. અજવાળું અંકે કરવાનું પર્વ એ વાચન છે. ચોવીસે કલાક તેની અખંડ જ્યોતિ રહી છે.