Get The App

રામાયણ-બાઉલ બરીટો? .

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
રામાયણ-બાઉલ બરીટો?                             . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- અગત્સ્યે લક્ષ્મણને જે દિવ્યધનુષ આપ્યું હતું તે શું આજની કોઈ ઘાતક મિસાઈલ સમું નહોતું ? 

રા માયણ-મહાભારતને  સમગ્ર ભારતીય સેના કે ભારતીય સંવેદના રૂપે, સંસ્કૃતિ રૂપે, જોવાનાં અનેક કારણો મળી રહે છે. કારણ કે આવાં કાવ્યોનાં કથાનકો, તેમાં આવતા નિર્દેશો નિ:સીમ રહ્યાં છે. અહીં ધરતીથી આકાશ સુધી અને મનુષ્યથી દેવ-અધિદેવ સુધીનો વ્યાપ છે. અહીં પ્રકૃતિ અને તેનાં બહુલ રૂપોને મનુષ્ય સાથે જોડાજોડ મૂકીને કશોક નવો ચમત્કાર દર્શાવાયો છે. અહીં વન અને જન જોડાયાં છે તો વિભિન્ન જ્ઞાતિ-જાતિય જોડાયાં છે. અહીં માત્ર અયોધ્યા કે તેનો જ પરિવેશ નથી, અહીં ઉત્તરકાંડમાં બને છે તેમ સુશાસનની જ માત્ર મહેક નથી, અહીં માત્ર પ્રજાને સરેરાશ રૂપે જોવાઈ નથી, રાજાશાહી છે તો સરમુખત્યારશાહી પણ છે. નગર છે તો અરણ્ય પણ છે, માણસ છે તો સામે વાનર અને રાક્ષસ પણ છે. સંતત્વ છે તો દુષ્ટત્વ પણ છે. રધુકુલ રીતિ છે તો સામે સ્વાર્થત્વ ભરેલી ઘટનાઓ પણ છે. અહીં કોઈ ચોક્કસ ધર્મને ફોક્સ કરવામાં આવ્યો નથી. અહીં પ્રજાને જ નહીં ઋષિમુનિઓને પણ, અરે બ્રહ્માંડને પણ રાવણ જેવાનો ભય છે. અયોધ્યા ઉપરાંત અહીં આદિવાસીઓનો વન્ય પ્રદેશ પણ છે. જનક રાજાનું મિથિલા પણ છે. પંચવટી-ચિત્રકુટ છે. કિષ્કિંધા છે, તો લંકા પણ છે. અહીં પશુ-પંખી-પ્રાણીનું એક જગત છે, સદ્દનાં એકાધિક રૂપ-પ્રરૂપોની સાથે અસદ્દનું પણ ભયાવહ વિશ્વ છે. અત્યાચારીઓ છે તો સમયે સમયે તેના સંહારકો પણ છે. એક અટપટી સૃષ્ટિ છે અહીં તેને એકાંગી ભાવે સમજી લેવામાં ઉતાવળ કરવા જેવી નથી. રામયાણમાં ભલે ઉલ્લેખ ન હોય પણ ત્યારે મનુષ્ય-દેવ-ગાંધર્વ-કિન્નર-કિરાત-વાનર, અસુર,રાક્ષસ વગેરેનું પ્રવર્તન હતું. તેમના ગુણાવગુણ હતા. ઊડવું, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું પહાડો ઊંચકવા, મંત્રવિદ્યા અને તાંત્રિકવિદ્યા વગેરેની સહસ્થિત કે સ્થિતિ જોવાય છે. ચુતુર્વર્ણનો ઝાઝો ઉલ્લેખ નથી. રાજકુમાર કે સાધારણ વ્યક્તિનું સંતાન એક સાથે અહીં અભ્યાસ કરી શકતું હતું. મહાભારતના એકલવ્યને નડેલી સમસ્યા અહીં નથી. કહો કે અહીં સમયની અને તત્સંદર્ભે વ્યાપક-વૈશ્વિક સમજની પણ અનેક ક્ષિતિજો એક સાથે જોવાય છે. સ્વત્વ કે સ્વસમજથી સત્ય કે સૃષ્ટિ સુધીનાં દ્વારોની અહીં ઉઘાડ-વાસ થતી રહી છે.

આ બધુ સીધી રીતે કે આડકતરી રીતે આપણને બહુસંસ્કૃતિનાં મુદ્દા તરફ વિચાર કરવા પ્રેરે છે. કથાના નાયક રામ અને નાયિકા સીતા વગેરેને એક જગાએ ઠરી ઠામ રહેવાનું બન્યું નથી. અયોધ્યા-મિથિલા-લંકા-કિષ્કિંધા-ચિત્રકુટ-પંચવટી-એમ નાયક-નાયિકાનું અરણ્ય-ભ્રમણચાલ્યા જ કર્યું છે. પરસ્પરને છેદતાં બળો વચ્ચે તેઓ મુકાયાં છે, ક્યાંક તેમનો વિરોધ થયો છે, તેમની સાથે છળકપટ પણ થયું છે, છતાં તેમના ચરણ જ્યાં જ્યાં પડયા છે ત્યાં ત્યાં સમરસતાની, એકાત્મકતાની મહેક ઊઠી છે. બહુસંસ્કૃતિમાં જીવતી પ્રજાના ગુણધર્મો કેવા હોય કે હોઈ શકે તે રામ-સીતા વગેરેનાં પાત્રો વડે દર્શાવાતું આવ્યું છે. સ્થળ વિશેષે, પ્રેમવિશેષે દરેકની સંસ્કૃતિ નિરાળી રહી છે છતાં એકબીજામાં ભળી જવાની વૃત્તિ તીવ્ર રૂપે જોવાય છે. બહુસંસ્કૃતિ ભેદાભેદથી દૂર છે. અહીં શબરી છે, કેવટ છે, સુગ્રીવ-વિભીષણ છે, જટાયુ, રીંછ, વાનરો-રાવણ-નિષાદરાજ અહલ્યા, અંગદ, હનુમાન, નલ-નીલ વગેરે અલગ અલગ પ્રકૃતિનું જગત છે. અરે, અયોધ્યા અને રામના પરિવારમાં જ વિભિન્ન વિચારો, અને સંસ્કૃતિ ક્યાં ન હતા ? પણ રામની કરૂણા, રામનો પ્રેમ, સમાન્નભિમુખતા કે મૈત્રીની સુગંધ બધી વેળા વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે પણ માનવતાની સંસ્કૃતિનું નિર્માણ થઈ શકે, તે તેમણે પુરવાર કરી આપ્યું છે. રામાયણ એમ બહુ-સંસ્કૃતિના ગૂઢાર્થોને પ્રત્યક્ષ કરી આપે છે જે આજના આપણા પાર વિનાનાં, અનેક પ્રકારનું વૈવિધ્ય દાખવતા, વિશ્વ માટે માર્ગદર્શક નીવડી શકે તેમ છે. રામાયણ એ રીતે બાઉલ બરીટો શું નથી ? 

ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ અહીં રામાયણમાં આવતા ઘણા પ્રસંગો-વર્ણનો ખાસ નોંધ માગી લે તેવાં છે. એ બધાંની ભીતર જવાનું બને તો લાગવાનું કે ત્યારે પણ એડવાન્સ ટેકનોલોજી હશે. ત્યારે પણ દ્રષ્ટિવાન શોધકો-એન્જિનિયરો જરૂર હશે. ત્યારે પણ વૈજ્ઞાનિકો કે વિજ્ઞાનની સમજ ધરાવનાર એક વર્ગ રહ્યો હશે. મૃગ રૂપે સીતાને લલચાવી રહેલ મારીચે શું એવાં કોઈ વિદ્યા-શાસ્ત્રો અવગત નહીં કર્યાં હોય ? લંકા સુધી પહોંચવા માટે આજે પણ એ પ્રકારનો સેતુ બાંધવાનું દુષ્કર છે ત્યારે તે સમયમાં ઊભા ઊભ એવો પુલ તૈયાર કરવામાં કેવા કેવા કુશળ, દ્રષ્ટિવંત એન્જિનિયરોને કામે લગાડયા હશે. નલ-નીલ અહીં તેનાં દ્રષ્ટાંતો છે. અગત્સ્યે લક્ષ્મણને જે દિવ્યધનુષ આપ્યું હતું તે શું આજની કોઈ ઘાતક મિસાઈલ સમું નહોતું ? એવાં દિવ્ય ધનુષ્યનું નિર્માણ થઈ શકે તેવી કોઈક તો ટેકનોલોજીનો ઉપયોગ જરૂર થયો હશે. 'રામ-રાવણનું યુદ્ધ રામ-રાવણના યુદ્ધ જેવું જ' એવું જે કહેવાયું છે અને યુધ્ધ નિહાળી રહેલા દેવો પણ યુધ્ધથી ચકિત થઈ ગયા હતા તો પછી એ શસ્ત્રો, તેની કામયાબી કોઈ ને કાળની ઉત્તમ ટેકનોલોજીનું જ પરિણામ હશે ને ? ઉપરાંત શસ્ત્રો, ધર્નુવિદ્યા વગેરેના ઉલ્લેખો પણ ઈજનેરી-વૈજ્ઞાનિક તકનીકનું જ સ્મરણ કરાવી રહે છે ને ? રાવણ સીતાનું હરણ કરી ને જાય છે તે વિમાન તેની ગતિ વગેરે પણ ત્યારના શીુ ંર્હુનીગયી જ નું જ પરિણામ હશે ને ? રામબાણ પણ ખાસ પ્રકારનાં હતાં જે માણસને 

માત્ર હણી શકે જ નહીં, તેના આત્મામાં પણ અંતિમ સમયે બદલાવ લાવનારાં બન્યાં હતાં. મારીચ અને રાવણ બંનેને લાગેલા રામબાણમાં નિ:શંક ત્યારની કોઈ અદ્દભુત ટેકનોલોજીનો જ ઉપયોગ થયો હશે. રાવણનું યુધ્ધ કૌશલ અને તેણે, તેના પુત્રે ઉપયોગમાં લીધેલાં શસ્ત્રો પણ એક એકથી ચડિયાતાં હતાં. તેનો પણ ત્યારની ટેકનોલોજી સંદર્ભે વિચાર કરવો રહે. તત્કાલીન ઋષિઓની મંત્રશક્તિને પણ તે કાળની વિશિષ્ટ વિદ્યા, વિશેષે તો વિજ્ઞાનદ્રષ્ટિનું પરિણામ લેખવું રહે. એવી શક્તિથી તેઓ ધાર્યું કરી શકતા હતા. ટેકનોલોજીની સાથે આયુર્વેદ જેવી વિદ્યાઓનો પણ વિજ્ઞાનરૂપે વિચાર થઈ શકે તેવા ઉલ્લેખો પણ સંજીવની વગેરે વનસ્પતિ જેવા નિર્દેશો વડે થયેલા જોવાય છે.