Get The App

આકાશનું વર્ક ફ્રોમ હોમ? .

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
આકાશનું વર્ક ફ્રોમ હોમ?                                        . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- આકાશ પણ ખુદ એક અચંબો છે. એ અનાવરણ રહીને આવરણાવૃત રહે છે

જે ઠ આ વેળા પણ એની પ્રકૃતિ પ્રમાણે જિદ્દી તો રહ્યો જ, વદના દિવસોમાં એને ક્યાંક ડહાપણની દાઢ ફૂટયાનું લાગ્યું. આષાઢ સાથે તેમે આગોતરી સંધિ કરી લીધી હોય તેવું પણ જણાયું કદાચ એટલે જ જેઠના પાછળના દિવસોમાં નર્યો આષાઢનાં માહોલ જોવા મળ્યો. આષાઢે પણ જેઠ સાથે હાથ મિલાવી એક રીતે તો તેના શાલીન વ્યક્તિત્વનો જ પરિચય કરાવ્યો. બંનેની આવી સમરસતાનો મંત્ર ગમ્યો.

આવી સમરસતાએ અલબત, બીજા આડ લાભો પણ કરાવ્યા. કેટલાકની વર્ષાપ્રતીક્ષા ફળી. કવિઓ પણ તેથી રાજી થયા. એક જ પ્રકારનું ઋતુરૂપ પણ બદલાયું. કેટલાકના ચરણની ગતિમાં પણ ફેર પડયો કેટલાકની આંખો ચંચળ થઇ ઊઠી. કેટલાકના કંઠ ગાઈ ઊઠયા, કેટલાકનો સંભવ છે કે અજંપો પણ વધ્યો હોય. છતાં સરવાળે તો એવું લાગ્યું જ કે લોકહૃદયે નૃત્ય સાથે આષાઢ આવી રહ્યો છે, આવી રહ્યો છે એવો પરિતોષ જ સઘળે પ્રકટ કર્યો.આ બદલાયેલા પરિવેશમાં તરત નજરને ચોરી લેનારાં બે તત્ત્વો પર વારી જવા જેવું બન્યું. એક આકાશ અને બીજાં વાદળ. આકાશ પણ ખુદ એક અચંબો છે. એ અનાવરણ રહીને આવરણાવૃત રહે છે. સીમાહીન હોવા છતાં ક્યારેક તે તેની સીમાઓ અંકિત કરી રહે છે. નિગૂઢ અને છતાં સરળ એવો વિરોધ જ કદાચ સાચું આકાશતત્ત્વ છે. સૂર્ય-ચંદ્ર-તારા બધાંનો-ગ્રહો-નક્ષત્રો સમેતનો - એ વાલમ એ છતાં ક્યારેક એ બધાંને છૂટમૂટ લાકડી કહી તેઓને તેમની સ્વકીય ચાલ પર છોડી દે. જેઠના ઉત્તર ભાગમાં તેથી જ આકાશ કંઇક અદીઠ રહ્યા કરતું હતું. ક્યાંક અલપઝલપ જોવાય, પણ પાછું તે જાદુગરના જાદુની જેમ અદ્રશ્ય રહી કમાલ કરી મૂકે. આકાશ ભલે એનો કોઈ ખુલાસો ન કરે, પણ ભઈ ! એને ય વિશ્રામ તો જોઇએ ને ! તેને કોઈ પાંચ દિવસનું સપ્તાહ કરી આપી. શનિ-રવિ છુટ્ટી કરી આપે તેવું નથી. તે ય ચતુર છે, ચાલાક છે. તેણે કદાચ વર્ક ફ્રોમ હોમનો માર્ગ શોધી કાઢ્યો છે આ દિવસોમાં. લેખિત કોઇને ચાર્જ સુપ્રત કર્યા વિના વાદળોને જ બધી સત્તા હાલ પૂરતી તબદીલ કરી આપી છે. સૂર્ય-ચંદ્ર-તારકોને પણ તેણે નિત્યના સમયપત્રકમાં છૂટછાટ આપી દીધી છે. ઊગવું-આથમવું-પ્રકાશવું એ સર્વ તેઓને માટે સ્વૈચ્છિક બની રહ્યું છે. આકાશ માટે કંઇક મુક્તિ ઉત્સવ જેવા સોનેરી દિવસો છે. જે છે તે વાદળો છે, જે કંઇ ભરમ-મરમ છે તે વાદળોના છે, જે દ્રશ્યો રચાય, લોપાય, રંગપૂરણી થાય, જે નાટારંભો અને લીલાનું વિશ્વ જન્મી આવે એ બધું પેલાં વાદળો હસ્તક છે. આકાશ અને ધરતી સાથે, લોક અને પરલોક સાથે સેતુ બાંધવામાં જે હડિયાદોટ રહી છે તે આ વાદળોની રહી છે. અહીં વર્ક ફ્રોમ ઓફિસ છે. ચોવીસે કલાક વાદળોની એ ઓફિસ ધમધમે છે. ઓર્ડર પર ઓર્ડર છૂટે છે, ધરાના ખૂણે ખૂણે તેની નજર ફરતી રહે છે. એ માત્ર વરસે છે એમ નહીં, તરસ પણ ઊભી કરી આપે છે, એ ગાજે-ગર્જે છે કે ઝબૂકી રહે છે એવું જ નથી, તે મંદ્ર સ્વરે ગીત પણ ગાય છે, ઝરમરનો રાગ પણ આલાપે છે. પૃથ્વી પરના કોઈ પણ મહાન ચિત્રકાર કરતાં પણ આ દિવસોમાં તે વધુ મહાન કલાકાર હોવાનું પુરવાર કરી રહે છે. માત્ર એ આકારો, દ્રશ્યો, ચિત્રો નભ મધ્યે કે નભ નીચે જ નહીં, પૃથ્વીના પાટલે પણ તે પોતાની રીતે અવનવા આકારો સર્જી રહે છે, અકલ્પ્ય રંગોથી ધરાના ચહેરાની એકે એક લકીરોને સંભરી રહે છે.

કોઇને લાગશે કે હું વાદળઘેલો છું. લાગે તો ભલે લાગે. એવાઓને હું પ્રેમપૂર્વક પૂછું છું, તમે વાદળને સ્પર્શ કર્યો છે, ભીંજવી જતાં વાદળો વચ્ચે તમે ક્યાંક ઘેરાઈ ગયા છો ખરા ? ધુમ્મસ અને વાદળના અદ્વૈતને તમારી આંખમાં આંજ્યું છે ? અરે, તમે વાદળોમાં ક્યારેક ખોવાઈ ગયા છો ? પણ એવી પ્રશ્નાવલિ ભલા, શાને ? મને તો આ વાદળો છેક શૈશવથી આજ સુધી મોટો જ થવા દેતાં નથી. હું વાદળોને રિસ્ટોર કહું છું. તેને નિહાળો, ખૂંપીને નિહાળો એ તમારું તમારામાં પુન:સ્થાપન કરી રહે છે. તમે, તમારો મૂડ બધું આખે આખાં-આ વાદળ ક્યારેક બદલી રહે છે. વાદળને છેડે ક્યારેક અંકાતી તેજ રેખા ધ્યાનથી જોશો રાધાના ત્યાં હસ્તાક્ષર વાંચી શકશો આકાશ જરૂર સીમારહિત છે પણ ક્યારેક આ વાદળો પણ આકાશી કદનો જરા ભિન્ન રીતે અનુભવ કરાવી રહેશે. લાગશે કે ખરો સમ્રાટ, શહેનશાહ તો આ વાદળ છે. વિશ્વના બધા જ ગુપ્તરસ તો એ સાચવીને બેઠું. કૃષ્ણનું શ્યામપણું પણ એ વાદળમાં જ સંગોપિત છેે. ક્યારેક તો એવું ય લાગે કે સૂર્યોદય-સૂર્યાસ્ત કે ચંદ્રોદય અથવા ચંદ્રનો અસ્ત પણ વધુ તો સોહી રહે છે તેની આડે આવતી કે તેની આસપાસ તેને સજાવી રહેતી વાદળી-વાદળને કારણે જ.

આજેય વાદળને જોઉં છું ત્યારે ઘણું બધું સિમસિમ ખૂલ જા-જેવું અનુભવું છું. દાદીને ત્યારે પ્રશ્ન કરતો -ઇશ્વર ક્યાં છે ? દાદી આંગળી કરીને ઉપર વાદળમાં છે એમ કહેતી ! આજે જુદી રીતે પણ લાગ્યા તો એવું જ કરે છે હા, આ વાદળોનાં આવરણો જ તેનામાં ઇશ્વરને છૂપાવીને બેઠાં છે. વાદળો ઝંખનાનો પ્રદેશ છે, પ્રેમપ્રચુર પ્રદેશ છે, રહસ્યગર્ભ એ પ્રદેશ છે. તે હંમેશાં દૂર રહ્યે રહ્યે ય ક્યારેક શાંતિનું પ્રસ્રવણ કરી રહે છે, ક્યારેક રુદ્રતા સમક્ષ પણ મૂકી રહે છે. ત્યાં અંધકાર છે, તો પ્રકાશ પણ ગેરહાજર નથી. અલપઝલપ એક જ લિસોટામાં તે ઘણું બધું ઝળહળ કરી મૂકે છે. ક્ષણેક્ષણનું પરિવર્તન શું છે, તેનો ઉત્તર વાદળોને સતત નીરખ્યા કરતી, તેનામાં તદ્રૂપ થયેલી આંખ જ આપી શકે. સૌંદર્યશાસ્ત્રના ઘણા માર્ગો, સાથે સૌંદર્યની ઘણી કેડીઓ આ વાદળો પાસે જઇને અટકે છે. ગ્રીક ભાષાએ તો વાદળ અને પ્રેમને જોડાજોડ મૂકીને પ્રકૃતિ એન મનુષ્યના સંબંધનો મહામંડપ રચી આપ્યો છે - જ્યાં સ્પર્શ નહીં અનુભૂતિની સીમાઓ ઝગમગી રહે છે...

Tags :