- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ગૃહપ્રધાનના ઊંચા હોદ્દા પર હતા છતાં તેમણે પોતાનાં સંતાનોને હાંસિયામાં, 'ગરીબ' થઈને જ જીવે એ વાત તેમણે પોતાના અત્યંત સાદગીભર્યા જીવન વ્યવહાર વડે પ્રકટ કરી બતાવી છે
આ પણે કેટલા નસીબદાર છીએ કે ભારતમાં જન્મ્યા છીએ, હજારો વર્ષ જૂની અનન્ય સંસ્કૃતિ આપણો વારસો છે, વેદ-ઉપનિષદ, મહાભારત-રામાયણ-ગીતા-ભાગવત કે પતંજલિના યોગ શાસ્ત્ર જેવા અનેક મહામૂલા ગ્રંથો વચ્ચે શ્વાસ ભરી રહ્યા છીએ. ગંગા જેવી મહાનદી મળી છે, હિમાલય જેવી દેવભૂમિ પ્રાપ્ત થઈ છે. ઋષિઓએ-દેવોએ જન્મીને આ ભૂમિને ગૌરવ અપાવી આપણને પણ અનેકરૂપે ગૌરવાન્વિત કર્યા છે.
હા, એ ભૂમિ પર જ બુદ્ધ-મહાવીર-વિવેકાનંદ અને ગાંધીજી જેવી બીજી અનેક વિભૂતિઓ પણ જન્મી છે. અહીં જ આપણને ગાંધીજી, નહેરૂ કે સરદાર વગેરે અનેક રાહબર પણ મળ્યા છે. આ સત્ભૂમિ છે, તપ ભૂમિ છે, પ્રેમ ભૂમિ છે, સંયોજના અને સંવાદની ભૂમિ છે. સમર્પણ-તર્પણ તેની ભીતરની કારિકા રહી છે. હું આ બધું કાગળ મળ્યો છે એટલે તેના પર નથી લખી રહ્યો. પણ કાળજું મળ્યું છે એટલે તેને વિસ્તારું છું. સરદાર વિશે ઘણી વાતો સાંભળીએ છીએ. તેમનાં મૂલ્યાંકન કે અવમૂલ્યન પણ જુદે જુદે છેડેથી થઈ રહ્યાં છે. તેમની વાત કરનારાઓ સાપેક્ષ ભાવે વાત કરી, પોતાના પૂર્વગ્રહો કે પૂર્વ નિર્ધારિત રમતોને પણ તેમાં ઠાલવે છે. ખરા સરદાર તેથી કંઈક નજીક આવી રહેવાને બદલે થોડાક દૂર રહી જાય છે, અથવા કોઈ ભ્રમિત કરી મૂકે તેવા ચીપિયા તેમને સમ્યક્ રૂપે પકડી શકતા નથી. સરદારનું સાચું મૂલ્યાંકન કરવા આપણી ધરોહર પાસે, આપણી ઋષિકથિત સમૃદ્ધ વિચાર પરંપરા પાસે, સરદારની ખુદની સાવ જુદી જ આંતરચેતના પાસે જવું પડે. સરદારે 'આમ કહ્યું અને આપણે ન માન્યાં,' 'સરદાર જો વડાપ્રધાન હોત તો....' અથવા 'સરદારને પૂરી મોકળાશ નથી મળી' પણ આ 'જો' અને 'તો'થી સરદારનું આપણા ટૂંકા, પ્રેરિત માપદંડોથી મૂલ્યાંકન ભાગ્યે જ થઈ શકે. આ 'જો' અને 'તો'ની વાત તો દરેક સમયે ચર્ચકો કે ટીકાકારોને મસાલો પૂરો પાડયા જ કરે. અરે, આજના આપણા સમય માટે પણ 'જો' અને 'તો'નો મુદ્દો વધુ તીવ્રતાથી કરી શકાય તેમ છે. સરદાર સરદાર હતા. 'જો' અને 'તો'નાં માપલાંને તે ધોળીને પી ગયા હતા. ગાંધીજીની જેમ જ તે પણ ઇચ્છતા હતા કે તેઓને કામ કરવા દો, મૂલ્યાંકન તો દેહ નહીં હોય પછી પણ કરી શકશો. પણ જે વાસ્તવ સાથે પ્રમુખ રૂપે જોડાયેલા છે, જેમનો શ્રદ્ધાદીપક સતત પ્રજ્વલિત રહ્યો છે, જેની રગેરગમાં ભારત-ભારતીય સંસ્કૃતિનો રવ સંભળાય છે, જે કશાનો પણ મુકાબલો કરવા પોતાના સબળ આત્માને હરપળે તૈયાર રાખતા હતા અને જે સત્યપરક હોય તે કહીને જ રહેતા હતા એવા સરદારનું જીવન કોઈ આધુનિક ઋષિથી લગીરે ઊણું નહોતું. તેમણે ગાંધીજીને માત્ર ગુરૂ રૂપે નહીં, પણ પોતાના એક આદર્શ રૂપે સ્થાપેલા. બધી વેળા તેઓ તેમની સાથે ભલે સંમત ન થયા હોય, પણ ત્યારેય ગાંધીજીની સામે તેમણે નારાજગી પ્રકટ કરી નથી. તેઓ સત્યને પ્રકટ કરી પોતાની રીતે તેને વળગી રહેતા પણ રાષ્ટ્રના, ભારતના વિશાળ હિતમાં, વ્યાપક સંદર્ભે તે ક્યારેય, ક્યાંય જુદા પડી રતીભાર તેનું નુકસાન થાય તેવું તેમણે ઈચ્છયું નથી. તેમનો રાષ્ટ્રપ્રેમ, ઊંડી રાષ્ટ્રપ્રીતિ, ભારતના નવનિર્માણને વરેલાં હતાં તે માટે તેમણે હઠ પકડી નથી. પદ-પ્રતિષ્ઠા કે અધિકારને આગળ ધરીને તે સાથે પોતાનો છેડો ફાડયો નથી. તેમની રાજનીતિ-રણનીતિ-મનનીતિ માત્રને માત્ર ભારત માટે હતી. તે માટે કશે કોઈ લગીરે શંકા કરી શકે તેમ નથી. વડાપ્રધાનપદ કે અન્ય હોદ્દાઓ માટે તે સૌથી વધુ ઉત્તમ વ્યક્તિ અવશ્ય હતા. પણ વધુ ઉત્તમ તો એ હતું કે સત્તા-પ્રતિષ્ઠાની તેમણે કદી ખેવના રાખી નહોતી. તેથી જ જીવનની છેલ્લી ક્ષણે પણ ભારત નિર્માણની ચિંતામાં જ પોતાના શ્વાસ છોડેલા. સરદાર તત્ત્વત: ભારતની ધૂલિ સાથે એકરૂપ થઈ ગયેલા. એ અર્થમાં તે એક પ્રબળ આત્મા હતો, સમર્પિત, સંનિષ્ઠ, નીડર અને નિર્ભેળ. આ તેમનું ઋષિત્વ હતું - પોતાની રીતનું ઋષિત્વ.
તેઓ માનવ હતા. તેમને વિધિનિષેધ નહોતા તેમ નહીં. ગમા-અણગામા હતા નહીં, એવું પણ નહોતું. પણ વ્યાપક હિતમાં તે બધું સાચા દિલથી માફ કરનાર, વધારે સાચું કહીએ જતું કરનાર હતા. પણ એ જતું કરતાં તે કોઈનો દ્વેષ નહોતા કરતા, બદલાની વૃત્તિ કે ભાવના તે પાછળ નહોતાં. કહો કે તે અંગતની ક્ષણોને કે નિજી સંવેદનાને પણ ભારતના વિશાળ સંદર્ભમાં ભૂલી જતા કે તેને બિનંગતમાં ફેરવી દેતા. તેઓ ગાંધીજીના એકનિષ્ઠ ચાહક તરીકે સમર્પણ અને શરણાગતિ વચ્ચેનો ભેદ બહુ સારી રીતે જાણતા હતા સરદારનું રાજકીય જીવન આજના અર્થમાં 'રાજકીય' નહોતું. દેશભક્તિનું તે સર્વોચ્ચ દ્રષ્ટાંત પુરવાર થાય તેવી તેમની નીતિ-રીતિ-વૃત્તિ રહ્યાં હતાં. ગાંધીજી સાથે તો અગાઉ ઉલ્લેખ્યું છે તેમ, તેઓ ક્યારેક જુદા પડયા છે જ, પણ નહેરૂ, આંબેડકર, મૌલાના કે ઝીણા સાથે પણ તેઓ તેમનાથી અલગ મત પ્રકટ કરવો પડે તો કરીને જ રહ્યા છે. સુભાષચંદ્ર બોઝ સાથે પણ ક્યારેક તેઓ તેથી પૃથક્ વિચાર વ્યક્ત કરી શક્યા છે. પણ સરદારની ખરી, સાચી વ્યક્તિમત્તા તો ત્યાં ઝળહળી રહે છે કે એવા અલગ પડતા મતને તેમણે પ્રતિષ્ઠાનો મુદ્દો નથી બનાવ્યો. તે માટે આજના નેતાઓની જેમ વેરઝેર ઓક્યાં નથી. આ સચ્ચાઈ કંઈ બધામાં હોતી નથી. સરદાર ત્યાં સાવ જુદા પડે છે. કાશ્મીર, ચીન કે તે કાળનાં કોમી હુલ્લડો વગેરે બાબતમાં તેઓ પોતાનો અભિપ્રાય જરૂર સ્પષ્ટ રૂપે પ્રકટ કરે છે પણ ત્યાંય ગાંધીજી કે નહેરૂ વગેરે સાથે ચર્ચા-વિચારણા કરી તેઓએ 'જતું' કર્યું છે, એકમત થયો છે. જતું કરવામાં પણ આમ રાષ્ટ્ર સંદર્ભ પ્રમુખ હતો. મતભેદને તેઓ મનભેદ સુધી ક્યારેય લઈ નથી ગયા. ગાંધીજી સરદારના આ સત્યને આરંભથી બરાબર પામી ગયેલા.
- અને એક બીજી વ્યક્તિ તરીકેની તેમની મુદ્દાને પણ વિશેષરૂપે યાદ કરવી પડે. તેઓ તળની વ્યક્તિ હતા. પ્રામાણિકતા અહિંસા, સત્યનિષ્ઠા, સંવાદ વગેરે સાથે તે જીવ્યા જરૂર છે. પણ તેમની ખુદવફાઈ એવી હતી કે અહિંસાની સાથે હિંસા જરૂરી બને તો ? કેટલુંક સીમાની બહાર જઈ કરવું પડે તો ? - તેવી બેધડક વાત તેઓ ગાંધીજી સાથે કરી શકતા હતા.
દેશના ગૃહપ્રધાનના ઊંચા હોદ્દા પર હતા છતાં તેમણે પોતાનાં સંતાનોને હાંસિયામાં, 'ગરીબ' થઈને જ જીવે એ વાત તેમણે પોતાના અત્યંત સાદગીભર્યા જીવન વ્યવહાર વડે પ્રકટ કરી બતાવી છે. ઋષિકથિત અને ગાંધી કથિત મૂલ્યોને તેમણે જીવનમાં વણી લીધાં હતાં. સરદાર ચપળ હતા, કડક હતા મક્કમ હતા, દ્રઢ હતા. પણ તેમની આંતરસંપદા તો ઋષિ જેવી સહજ રહી હતી. સરદારનું એમ મૂલ્યાંકન આપણા માપ દંડથી નહીં, આપણે આરોપેલી કથાઓથી નહીં, તેમની સાદગીભરી જીવનરીતિ અને તેમના નાભિ-હૃદયમાંથી જન્મેલા શબ્દો વડે, રાષ્ટ્રની એકતા માટેની તેમની દિનરાતની મથામણને ધ્યાનમાં રાખી કરવું જોઈએ. તે આપણી ધરોહર બની રહ્યાં છે.


