Get The App

પ્રતિબધ્ધતા એટલે... .

Updated: May 28th, 2024

GS TEAM

Google News
Google News
પ્રતિબધ્ધતા એટલે...                                   . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- પરિપક્વ વિચાર વધુ દ્રઢ બનતાં તેને સંબધ્ધ રહેવાનું હોય છે - પછી 'પ્રતિબદ્ધતા' શબ્દ એનો સાચો, સહજ અર્થ, પ્રકટાવી રહે છે.

એ વિદુષી મિત્રનો મોબાઈલ પર મેસેજ આવ્યો કે 'મને' પ્રતિબધ્ધતા વિશે કંઈક કહેશો ? પ્રતિબદ્ધતાના અર્થથી તો તે વાકેફ હતાં જ. પણ હું માનું છું કે તેઓ તેની કંઈક વધુ અર્થચ્છાયાઓ વિશે જાણવા માગતાં હતાં. 'કમિટમેન્ટ' એવો અંગ્રેજી શબ્દ પણ તેમના ધ્યાનમાં જરૂર હશે જ. રોજ-બરોજ આપણે આપણી ભાષામાં 'પ્રતિબદ્ધતા' શબ્દનો પ્રયોગ તો કરીએ છીએ જ પણ વાત શબ્દના મૂળ સુધી જવાની છે. તે વડે શું સૂચવીએ છીએ કે સૂચવાય છે તેની છે. સંભવ છે કે કેટલાક જીભવગા શબ્દોનો ઉપયોગ કરતાં આપણે પૂરતા સતર્ક હોતા નથી. કશુંક ભળતું જ આપણે ત્યારે બોલી નાખતા હોઈએ છીએ. 'હું અમુકતમુક કામ માટે પ્રતિબદ્ધ છું' અથવા 'એ મારું કમિટમેન્ટ છે' ક્યારેક 'પાયસ કમિટમેન્ટ છે' તેવું પણ સાંભળવા મળે. આ કે એવાં વાક્યો સપાટી પરથી જોતાં તો તેનો અર્થ એવો કાઢી શકીએ કે મેં તેવી જવાબદારી માથે લીધી છે, તે કાર્ય મેં સ્વીકાર્યું છે, અથવા એ કર્મ માટે હું બંધાયેલો છું, અથવા તે સાથે હું સંકળાયેલો છું. કોઈ એમ પણ કહી શકે કે તે કાર્ય માટે હું વ્રતબધ્ધ છું. કંઈક-અંશે આ બધા અર્થ 'પ્રતિબદ્ધતા' શબ્દની નજીકના જરૂર છે. પણ ક્યારેક આવો શબ્દ કેટલાકમાં તેના એક બીજા પાસાનો અનુભવ પણ કરાવી રહે છે. પોતે એવા કાર્ય માટે કંઈક વધુ અધિકાર ધરાવે છે, અથવા તે જ તેનું લક્ષ્ય છે. કહો કે હઠ સાથે, જિદ્દ સાથે, તે એવા કાર્યને વળગેલો છે તેમ માને મનાવે છે. જ્યાં આવું હોય ત્યાં એવી વ્યક્તિ તે સિવાયનું બીજું સત્ય કે પાસું હોઈ શકે તે સ્વીકારવા તૈયાર થતી જ નથી. આવી અધિકારભાવના કે જિદ્દ પછી કશે તેને બાંધછોડ કરવા દેતી નથી. ત્યાં કામ પ્રત્યેના વલણમાં સકારાત્મકતા ઊભી કરવા કરતાં ચજજીિૌપી રહેવાની વાત વધુ આગળ છે. અનુકુલનનો મુદ્દો અપ્રસ્તુત બની જાય છે. જે વાજબી ખરું ?

કોઈ કાર્ય પ્રત્યે સમર્પણભાવ હોવો એ એક વાત છે, તેને નિષ્ઠાપૂર્વક પૂરું કરવું તે પણ મહત્વની વાત છે. પણ તમે કરવા જતાં જળગુણ કેળવ્યા વિના ક્યારેક પરિણામ વિપરીત પણ આવે. જળગુણ એટલે ુચાીનિૈંી પાણી જ્યાં, જે જગામાં પ્રવેશે તેવો આકાર ધારણ કરી લે. કાર્ય સંપન્ન કરવા ક્યારેક આવી બાંધછોડ અનિવાર્ય બનતી હોય છે.

'પ્રતિબદ્ધતા'ની વાત કરતાં કૃષ્ણનું દ્રષ્ટાંત એ સંદર્ભે વારંવાર સ્મરણમાં લાવવા જેવું છે. કૃષ્ણ પોતાની રીતે અનેકવેળા, અનેકકાર્યોમાં 'પ્રતિબદ્ધતા' દાખવી ચૂક્યા છે. પણ તેમની પ્રતિબદ્ધતા જિદ્દ સ્વરૂપની નહોતી. તે એટલા જ મુક્ત પણ જોવાય છે. ક્યાં કેટલું ચાલવું કે ક્યાં અટકવું તે તેમનામાં જોવા મળે છે. રણમાં યુદ્ધ કરી કરાવી જાણે છે તો પીછેહઠ ક્યારે કરવી, રણ ક્યારે છોડવું તેય ને સમજ્યા છે. સમય-સ્થળ આ બધઝું પણ જુદા જુદા વર્તન માટે તકાજો કરતું હોય છે. કૃષ્ણનાં અનેક વિરોધી રૂપોને અહીં આ સંદર્ભે યાદ કરી શકાય. કોમળ અને કઠોર, નટખટ અને ગંભીર વગેરે વગેરે. કાર્ય પ્રત્યે નિષ્ઠા ખરી, નિસબત ખરી, પણ પ્રતિબદ્ધતાનું પૂર્વ કોષ્ટક નહીં. કોષ્ટક આવ્યું ત્યાં આત્મા સ્થગિત થઈ જાય, તેની ગતિ અવરોધાય, આકૃષ્ટ કરી મૂકે તેવું તેનું વિકસન ન જોવા મળે. પ્રશ્ન પ્રતિબદ્ધતા તમારી કે મારી જે તે પ્રસંગ કે વસ્તુ માટે સો ટકાની છે કે પછી તે બીજા ભલતાં કારણોસર જન્મી છે. એ છે ક્યારેક કશું ફીલ કર્યા વિનાનું દેખાદેખીનું વલણ પણ આ પ્રકારની 'પ્રતિબદ્ધતા' માં જોવા મળે છે. કાફકા જેવો સર્જક જરૂર કહી શકે કે સાહિત્ય સિવાય બીજું કશું તે ઈચ્છતો નથી, અથવા સાહિત્ય સાથે જ તેની પ્રતિબદ્ધતા રહી છે. પણ બીજે કોઈ લેખક સાહિત્યેતર ક્ષેત્રોમાં ખૂંપેલો રહેતો હોય અને એ જો સાહિત્ય પ્રત્યે પ્રતિબદ્ધ છે, અથવા ભાષાવિજ્ઞાન કે લોક-સાહિત્ય જેવાં ક્ષેત્રોમાં તેનો જ શબ્દ સાચો જેવું હઠપૂર્વક કહેતો હોય તો તેવી 'પ્રતિબદ્ધતા' જરૂર શંકા પ્રેરવાનું કારણ આપી રહે. સંભવ છે કે અન્યમાં ગતિ અશક્ય છે તેથી પણ તે અમુકતમુક સાથે પ્રતિબદ્ધ હોય કે હોવાનો દાવો કરે.

'પ્રતિબદ્ધતા' એક પ્રકારની નિષ્ઠા-નિસબત કે સમર્પણભાવને જરૂર પ્રકટ કરે છે. હાથમાં લીધેલા કાર્યને પૂર્ણ કરવાની તેમાં પ્રબળ વૃત્તિનાં પણ દર્શન થાય છે. માત્ર તેની તે પ્રકારની પ્રતીતિ હોવી જોઈએ. પ્રતીતિ વિનાની પ્રતિબદ્ધતા અનેકનવાર અન્ય કારણો સાથે જોડાયેલી હોવાનું પણ માલૂમ પડયું છે. કારણવશાત-સ્વાર્થવશાત્ અમુક વસ્તુ કે કાર્ય માટે પોતે 'પ્રતિબદ્ધ' છે તેવું જોરપૂર્વક કહેતો હોય છતાં તેમાં એવું પણ જોવાયું છે કે દેખાડવાના જુદા અને ચાવવાના દાંત પણ અલગ હોય. ઈતિહાસ એનો સાક્ષી છે. આપણી સદીમાં બેરહમી બની ભાષાને ભોગવી રહેલા અનેક માણસો, અનેક ક્ષેત્રોના માણસો, તેનાં હાથવગાં દ્રષ્ટાંતો છે. 

માણસને એકાંગી બનાવી મૂકે, બંધિયાર બનાવી મૂકે, અન્ય તરફ જોવા કે અન્ય બાબતનો વિચાર કરતાં અવરોધે તો એવી 'પ્રતિબદ્ધતા' પ્રતિબદ્ધતા નહીં પણ જિદ્દ જ કહેવાય. બર્નાર્ડશો જેવા તો તરત આપણને પૂછી બેસે, તેનાથી જિંદગી ક્રિયેટ થાય છે ખરી ?

માઈકલ એન્જેલો જેવો કવિ-શિલ્પી તેના એક કાવ્યમાં ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે છે - 'પ્રભુ ! તું આ દીવાલો તોડી નાખ.' શિલ્પ-શબ્દને પ્રતિબદ્ધ વ્યક્તિ કહો, આવું ક્યાં કારણોસર કહેતો હશે ? તે પોતાની પ્રતિબદ્ધતાને વળગી રહ્યાનાં દ્રષ્ટાંતો 

પણ છે તો તેને ક્યારેક જતાં કરવાનાં હોય તો તેમ પણ તેણે કર્યું છે. સાચી 'પ્રતિબદ્ધતા' પુષ્કળ સમય માગી લે છે, પૂરી એકાગ્રતા અને સાધના ઈચ્છે છે.કારણ કે એવી વ્યક્તિ તેમાં દ્રઢપણે માને છે, તે જ વસ્તુ સાચી છે, તેજ વસ્તુ સૌથી વધુ મહત્વની છે. એ એની જ્ઞાતિ છે. તેવી પ્રતિબદ્ધતા તેની અશક્તિમાંથી નહીં, કશાની અવેજીમાંથી પણ નહીં, માત્ર ને માત્ર તેના હેતુમાંથી, તેના ઊંડાણમાંથી, તેના રસમાંથી જન્મી હોય છે. પછી તે સાહિત્યની કોઈ વિદ્યા પરત્વેનો લગાવ હોય, પર્યાવરણનો કોઈ પ્રશ્ન હોય, સામાજિક સેવાકાર્યની લગન હોય, કોઈ હાથમાં લીધેલું ગમતું કાર્ય પૂર્ણ કરવાનું હોય - તે માત્ર ગોપીભાવથી જ એ કાર્ય કરતો હોય છે. કમિટમેન્ટ-ને હકીકતમાં પરિવર્તિત કરવાનું હોય છે. તેથી જ 'પ્રતિબદ્ધતા' પૂર્વ તે વિશે પૂરતો વિચાર કરવાનો રહે છે. પરિપક્વ વિચાર વધુ દ્રઢ બનતાં તેને સંબધ્ધ રહેવાનું હોય છે - પછી 'પ્રતિબદ્ધતા' શબ્દ એનો સાચો, સહજ અર્થ, પ્રકટાવી રહે છે. તેમાં સ્વયં સતર્ક રહેવું પડે, પરિવર્તન માટે પણ તૈયારી રાખવી પડે, મુખ્ય આશયને કેન્દ્રમાં રાખી ચારિત્ર્યની સચ્ચાઈ સાથે દ્રઢતાથી આગલ પછી ડગલાં ભરવાનાં રહે છે.....