અખિલમ્ મધુરમ્ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ટાગોર નિરંતરના કોઈક મંદિરનો ઘંટારવ છે. જ્યાં એનો રવ ઁકાર સુધી પહોંચતો અનુભવી શકાય
ટા ગોર જેવા કવિ મનીષીને વારતહેવારે કે તેમની જયંતી યા પુણ્યતિથિએ જ યાદ ન કરવાના હોય. ટાગોર જેવાનું નિત્ય સેવન કરવાનું હોય. કારણ કે એ કેવળ વ્યક્તિ નહોતા ભારતીય અને આગળ વધીને કહું તો માનવ જાતની ચેતના હતા. તે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર-સભ્યતાનો જ એક ભાગ બની રહ્યા છે. તે શબ્દમાં પ્રકટયા, ચિત્રમાં અભિવ્યક્ત થયા, સંગીતમાં આવિર્ભૂત થયા. નાટક-શિક્ષણમાં પણ પોતાની રીતે વ્યક્ત થયા. જાણે કે એક જ અવતારમાં અનેક રૂપ ધારીને તેમણે અનેક જન્મોનું સાટું વાળી દીધું હોય તેમ લાગે.
ટાગોરને એટલે યાદ કરીએ કે તેમણે કાલિદાસની જેમ પૃથ્વીના ઉજમાળા રૂપને અવતારી આપ્યું. એ ધરતીનાં ધન-ધાન્ય, એના સૌંદર્યને, અકલિત લીલાઓને તેમણે નર્તતી કરી આપી. એમની નજરે પહાડો નિહાળીએ, ખીણો જોઈએ કે આકાશ નિરખીએ કે પછી વૃક્ષો-પુષ્પો-પંખી-પવનનો એમના થકી અનુભવ કરીએ ત્યારે જરૂર લાગવાનું કે અરે, આ તો નવી વાત છે, જુદી વાત છે. તેમણે એક આકાશનાં જ કેટકેટલાં રૂપોને આપણી સન્મુખ ધરી દીધાં છે ! અરે, તેમની નજરે નદી-નદીનાં જળને જોવાનું બને તો પણ ચકિત થઈ જવાય. સમુદ્રનાં, ખેતરોનાં, લહેરાતા મોલનાં, હોડીનાં, તેમના શબ્દ-ચિત્રો પણ આશ્ચર્ય જગવી રહે છે. ટાગોરે રાત્રિનાં, અંધકારનાં દ્રશ્યો પણ કેવી કેવી રીતે પ્રસ્તુત કર્યાં છે ! અને પવનને પામવા, તેની ભાત ભાતની ચેષ્ટાઓને અવગત કરવી હોય તો પણ ટાગોર પાસે જ જવું રહ્યું. અને હા, પંખી ગાન અને તેના અવાજનાં અનેકાનેક માધુર્યને છલકાતાં જોવા હોય તો પણ ટાગોરની જ સંગત કરવી પડે. અને પુષ્પો તો ટાગોર પાસે જ એમનું દિલ ખોલે છે. પુષ્પોનું વૈવિધ્ય તો પાર વિનાનું ખરું જ પણ મનહર-મનભાવન તેની સૌરભનું વિશ્વ પણ કાલિદાસની જેમ ટાગોર જ આપી રહે. પૃથ્વીને એક માણસ આટલો પ્રેમ કરી શકે, એની માટીમાં એક માણસ આટલો તદ્રૂપ - થઈ રહે તેનું પણ ટાગોર જ દ્રષ્ટાંત પૂરું પાડે... ટાગોર સરાબોર પૃથ્વીના કવિ છે...
ટાગોરને એટલે પણ યાદ કરવા પડે કે તે છેક તલથી અધ્યાત્મના કવિ હતા. હું 'અધ્યાત્મ' કહું છું ત્યારે એ અધ્યાત્મ ભિન્ન છે. ત્યાં પ્રેમ છે, નિષ્કપટનું વિશ્વ છે, તરતમતારહિત દ્રષ્ટિ છે, અકલિત રહસ્યો છે, રૂપ-અરૂપની ઘાટી રેખાઓ છે, સ્પષ્ટ-અસ્પષ્ટની કોઈક નિગૂઢ સંરચના છે, ત્યાં બાળવિશ્વ છે, પ્રૌઢ વિશ્વ છે, વૃદ્ધવિશ્વ છે, ભક્તજગત છે, સમર્પણની સૃષ્ટિ છે તો જે અદ્રષ્ટ છે તેની સાથેનો તાર પણ છે. એ અધ્યાત્મના આગોશમાં વિશ્રંભ છે તો વિશ્રાન્તિ પણ છે. ત્યાં હકાર છે, નકારનો અનાદર છે. ત્યાં સ્વને રતીએ રતીએ ઓગાળી નાખવાની વિનીત પ્રાર્થના છે, તો ત્યાં પ્રત્યેક શબ્દે આરત પણ છે. ગીત-પ્રીત-છે, જે રીતિ-રીતથી ઉપર ઊઠેલી છે. ટાગોરનું ગીતાંજલિ ઈશ્વરને જ ગીત રૂપે અંજલિ આપવાનો બળુકો પ્રયત્ન છે. ટાગોર નિરંતરના કોઈક મંદિરનો ઘંટારવ છે. જ્યાં એનો રવ ઁકાર સુધી પહોંચતો અનુભવી શકાય.
ટાગોરને એટલે યાદ કરવા પડે અથવા કરીએ છીએ કારણ કે એ તસુએ તસુ મનુષ્ય હતા, માનવ હતા. તે માનવ માટે જ, માનવતા માટે જ, ગાંધીજીની જેમ, નિરંતર રચ્યાપચ્યા રહ્યા. માત્ર એમનો માર્ગ જુદો હતો. જલિયાંનવાલા બાગમાં થયેલા હત્યાકાંડ વખતે એ કવિ કતલની કવિતાથી દૂર રહ્યા, એ મૌન ગીતાંજલિના લેખનથી પણ અદકેરું હતું. એ જ કવિ આત્મા પર ઘા થતાં માન-અકરામ-ખિતાબો બધું પરત પણ કરી દે છે. શાંતિનિકેતન ઊભું કરવા જાતે નાટકો કરવાં પડે તો કરે છે. કપરા આર્થિક દિવસોમાં પણ અંદરનું સત્વ અળપાય નહિ તેટલા તે સજાગ હતા. તેઓ એ રીતે ભારતીય ઋષિઓના કુળના હતા. તેમણે જે ઉમળકાથી પ્રકૃતિનું ગીત ગાયું છે, તેટલા જ આનંદથી મનુષ્યનું ગાન પણ ગાયું છે. તેઓ સૂફીની ઓળખ વિના પણ સૂફીની જેમ નાચ્યા છે, કોળયા છે અને પ્રકૃતિની સાથે મનુષ્યમાં - મનુષ્યતત્ત્વમાં પણ એટલા જ લીન રહ્યા છે. આગળ ઉપર એજ તત્ત્વ તેમને ઈશ્વર સુધી લઈ જાય છે. મૃત્યુને પણ વહાલું જ લેખ્યું છે. તેમણે 'માનવ'ને મુક્ત રૂપે કલ્પ્યો છે, ઈશ્વરની અડોઅડ તેને આસન આપ્યું છે...
- અને ટાગોર અકાલ પ્રતિભા છે, ગાંધીની જેમ કવિ કાલિદાસ કે કવિ રિલ્કે અથવા વ્યાસ-વાલ્મીકિની જેમ. કારણ કે તેમણે વસ્તુના મૂળ સુધી પોતાનાં સંચાર-ગતિને રાખ્યાં છે. તેથી તો તે રાષ્ટ્રનાં ગુણગાન જરૂર કરે છે, પણ રાષ્ટ્રવાદની સંકીર્ણતાને ય ખુલ્લી આંખે જોઈ શક્યા છે. શાસકોની મેલી મુરાદોને ય તે જાણે છે. પરિણામે રાષ્ટ્રની ઉપર સત્યને લેખે છે. સત્ય જ સઘળું, સત્ય જ સદા-સર્વદા ને સર્વકાલીન. આપણા સમયમાં એટલે ફરી ટાગોરની 'ઘરે-બાહિરે' વાંચવી પડે, આપણા આજના આ સંદિગ્ધ સમયમાં તેમની 'ગોરા' પણ ધ્યાનથી આત્મસાત્ કરવી રહે. ટાગોરે પોતાની રીતે આપણામાં વ્યાપી ગયેલા અંધકારને ઉલેચવા એ રીતે સતત મથામણ કરી છે. રાષ્ટ્રની અભિવંદના સાથે, ગૌરવ સાથે, તે ઉભા છે તો રાષ્ટ્રનાં દૂષણો પ્રત્યે પણ તે એટલા જ સતર્ક રહ્યા છે. પેલી મૂળ સુધી પહોંચેલી દ્રષ્ટિને કારણે જ તે જાતિમુક્ત - બંધિયારપણાને તજી દેતા ગોરા જેવા વ્યક્તિનું પાત્ર આપે છે, તેથી જ નિખિલ જેવો બધું કોઈ દેવા તૈયાર થઈ સત્યનાં જ ઓવારણાં લે છે. ટાગોર તેથી અ-કાલ બની રહે છે. તેમણે પરોક્ષ રીતે તો આપણી પ્રાચીન ઋષિ પરંપરાને, આપણા ભારતીય તત્ત્વ વિચારને જ પુરસ્કાર્યો છે, તેનું જ સંવર્ધન કર્યું છે.
ટાગોરને એટલે પણ યાદ કરવા રહ્યા કે તેમણે કદર્પને હંમેશાં અવગણ્યું છે, વિરતિનો ક્યારેય મહિમા નથી કર્યો. ક્યારેય તેમણે સીમાઓ અંકિત કરવામાં સમય ખરચ્યો નથી. તેમણે સદૈવ સૌંદર્યનું અખિલાઈભર્યું દર્શન કર્યું - કરાવ્યું છે. અખિલમ્ મધુરમ્ એ તેમનો જીવનમંત્ર હતો. ટાગોરની સમગ્ર ચેતના અંદર-બહારથી અભિરામ રહી છે. તે સમય સાથે ટકરાયા જરૂર છે, જાત સાથે પણ અનેકવાર ઝઘડયા છે, જીવનમાં વેદનાની પળો પણ અવારનવાર આવી છે. છતાં જીવનને તેમણે 'દેવતા' રૂપે જ જોયું છે.
તેઓ કદી રોગિયા-સોગિયા તેથી લાગ્યા નથી. રમણીય અને સ્ફૂર્તિલા રૂપે જ જોવા મળ્યા છે. તેમનું પત્રકારત્વ-શબ્દ-વાણી-વર્તન સઘળું - બહુશ: તો સૌંદર્યાલોકને જ તાકે છે તે પોતે જ કહે છે તેમ, તેમણે બધું પુષ્પોને વાદળની રંગ લીલાને પ્રેમાળ યુગલોની માળાને, વિરહીજનોને તેમના આંસુને બકુલ પુષ્પોસભર વનભૂમિને અર્પી દીધું છે. જે કંઈ શોધવાનું છે તે આપણે તેમાંથી શોધવાનું છે. રવીન્દ્રનાથનો શબ્દ એ રીતે નિત્યની ઉપાસના માટેનો શબ્દ છે.