રાષ્ટ્રનિર્માણ અને યુવાનો .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- યુવાપેઢી સૂર્યના કિરણોની જેમ સમસ્તને અજવાળી રહે છે, ઊર્જા પ્રદાન કરે છે. તેઓને જો યોગ્ય સમયે, યોગ્ય દોરવણી મળે તો તે પ્રચંડ શક્તિ બની રાષ્ટ્રમાં ઇપ્સિત પરિવર્તન લાવી શકે છે.
કો ઈપણ રાષ્ટ્રના નિર્માણમાં સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા રહી હોય તો તે યુવાનોની છે. આપણો દેશ એ બાબતમાં વિશ્વમાં સૌથી વધુ નસીબદાર છે. કારણ કે સૌથી વધુ યુવાનો અત્યારે આપણે ત્યાં છે. ભારત એ રીતે યુવારાષ્ટ્ર તરીકેનું માન લઇ શકે તેમ છે. સમયે સમયે ભારતના યુવાને એવું કૌવત દાખવી પણ બતાવ્યું છે. રાષ્ટ્ર અને યુવાન એ બંને એક અર્થમાં પરસ્પરાધીન છે. રાષ્ટ્રે યુવાનોના ઘડતરમાં પૂરતું ધ્યાન રાખવાનું છે તો યુવાનોએ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાની શક્તિઓનો યથાયોગ્ય હિસાબ આપવાનો છે. યુવાપેઢી સૂર્યના કિરણોની જેમ સમસ્તને અજવાળી રહે છે, ઊર્જા પ્રદાન કરે છે. તેઓને જો યોગ્ય સમયે, યોગ્ય દોરવણી મળે તો તે પ્રચંડ શક્તિ બની રાષ્ટ્રમાં ઇપ્સિત પરિવર્તન લાવી શકે છે. વિવેકાનંદ અને ગાંધીજી જેવાઓને યુવાનોમાં એવી શક્તિ જણાઈ છે. દાંડીકૂચ વેળા ગાંધીજીએ અંબાલાલ દરજી જેવા યુવાનની સમર્પિતતા જોઈ કહેલું કે મને આવા પાંચસો યુવાનો મળે તો 'સ્વરાજ મારી મુઠ્ઠીમાં છે'
આજનો યુવાન પણ એવી જ અપાર શક્તિ દાખવે છે. રૂઝવેલ્ટ જેવાએ યુવાનોમાં શ્રધ્ધા દાખવીને કહેલું કે આ યુવાનો જ દેશની કરોડરજ્જુ છે, રાષ્ટ્રનું ભવિષ્ય છે, દેશના નિર્માણમાં તેની ભૂમિકા સમજવી પડશે, તેના ઘડતરમાં જો પૂરતો રસ લેવાય તો તે રાષ્ટ્રની મોટી સંપદા બની રહે. ભારત જેવા, અનેક સંસ્કૃતિના સમન્વય જેવા, દેશમાં પાર વિનાની યુવા પ્રતિભાઓ છે. પૂરી માવજત મળતાં એવી શક્તિ કોળી ઊઠીને, રાષ્ટ્રનું ઘરેણું તો બની શકે જ પણ આખા રાષ્ટ્રને ય તે વિશ્વનું ઘરેણું બનાવી રહે તેમ છે. આઝાદીના દિવસોમાં એવું ખમીર દાખવવામાં યુવાનો અગ્રે રહ્યા હતા. એવા યુવાનોએ પરિવાર તજી અભ્યાસ તજી કારકિર્દી છોડીને રાષ્ટ્રની આઝાદીમાં સક્રિયતા દાખવી છે, અનેકોએ શહીદી વહોરી લીધી છે. વીરભગતસિંહ, મંગલપાંડે, ખુદીરામ, કિનારીવાલા અને એવા અસંખ્ય યુવાનોને અહીં નામ યાદ કરી શકાય. અરે, ધનાઢ્યોના પુત્રોએ પણ સર્વસ્વ તજીને એ લડતમાં કિંમતી યોગદાન આપ્યું હતું. મુંબઇનો લક્ષ્મીદાસ યુવાન ગર્ભશ્રીમંત હતો, પણ ઘરને છોડી આદિવાસીઓની, ભીલોની સેવામાં દાહોદમાં જીવન વીતાવ્યું. મલાવના સત્યાગ્રહમાં અગ્ર ભાગ લીધો. ભીલોની કાંધ પર, તેમની ઇચ્છા પ્રમાણે ેતમના શબને સ્મશાનમાં લઇ જવામાં આવ્યું હતું ! એવી ભીલો પ્રત્યેની તેમની નિષ્ઠા હતી. આવા યુવાનો જ રાષ્ટ્રની રેખાઓને ઉપસાવી રહે છે.
આજે પણ રાષ્ટ્રોત્કર્ષમાં યુવાશક્તિ પોતાની રીતે જોડાયેલી રહી છે તેનાં પાર વિનાનાં દ્રષ્ટાંતો મળી આવે છે.ભોપાલની કનિકા ટેકરીવાલ પોતાની રૃા. ૫૬૦૦ની મૂડીમાં જતે દિવસે 'જેટસેટગો' જેવી સંસ્થાની સ્થાપના કરી, ૧૫૦ કરોડ રૂપિયા ઉપરનું ટર્નઓવર કરે છે અને હવે તે ઍરટેક્ષીનું સ્વપ્ન સિધ્ધ કરવા કાર્યરત છે. ઝારખંડની ચંપા નામની જામદાર નગરની કન્યા, જ્યાં ભણી શકાય જ નથી, કન્યાને ભણાવાય જ નહીં, એવા વાતાવરણમાં ભણી, અંધશ્રધ્ધાઓ સામે બંડ પોકાર્યું, બાળલગ્નો અટકાવ્યાં, સામાજિક કાર્યકર તરીકે નામ ઉજ્જવળ કર્યું અને વિશ્વની ૨૫ શ્રેષ્ઠ વ્યક્તિઓની પસંદગીમાં આવી બ્રિટનનો ડાયનાને નામે અપાતો એવોર્ડ મેળવ્યો. દુનિયા બદલવાની દિશામાં તેણે સૌને પ્રેરણા આપી. મહાન આર્યમન સિંધિયાનો ગર્ભશ્રીમંત યુવક છે. સુશિક્ષિત છે. છતાં તાજાં શાકભાજી-ફળફળાદિનો વ્યવસાય શર કરી અત્યારે તે ચાર જેટલાં મહાનગરોમાં એ બધું સમયસર, પહોંચાડી રહ્યા છે ! યુવાન આ પણ કરી શકે. ફાલ્ગુની નાયરની 'નાયકા' સંસ્થાને પણ યાદ કરી શકાય. બ્યૂટી પ્રોડક્ટમાં તેમણે પોતાનું એક વિશિષ્ટ સ્થાન નિશ્ચિત કર્યું છે. હજી હમણાં જ અમદાવાદના એક યુવકે અકસ્માત પછી પૂરતી માહિતીના અભાવે તરત તેને હોસ્પિટલ પહોંચાડવા પડતી મુશ્કેલીઓ સંદર્ભે જે તે વ્યક્તિ અકસ્માતનો ભોગ બની હોય તેની સઘળી માહિતી તરત પ્રાપ્ત થઇ રહે તેવી કીચેઇન તૈયાર કરી છે ! તિલક મહેતા જેવા બીજા અમદાવાદના યુવકે પેપર-પાર્સલનો, યુવાનોને પ્રેરક બને અને રાષ્ટ્રનું ગૌરવ વધે તેવો ઉદ્યોગ આરંભ્યા છે. આ બધું વ્યક્તિગત રીતે યુવાનની શક્તિઓનું દ્યોતક છે જ, પણ રાષ્ટ્રને ય તેનાથી ગૌરવ પ્રાપ્ત થતું હોય છે, અન્યોને તેમાંથી પ્રેરણા મળતી હોય છે કે દિશા પ્રાપ્ત થતી હોય છે.
આજે ભારત વિકસિત થવા તરફ એક રાષ્ટ્ર તરીકે ગતિ કરી રહ્યું છે. અનેક પડકારો વચ્ચે તાજેતરના દિવસોમાં જ આપણા ઇસરોના વૈજ્ઞાાનિકોએ (જેમાં યુવાન વૈજ્ઞાાનિકોની પણ મોટી સંખ્યા રહી છે) ચંદ્રયાને સફળતાથી ચંદ્ર પર ઉતરાણ કરાવ્યું છે. કોરોનાની રસી શોધકોમાં પણ યુવાનોનો હિસ્સો રહ્યો છે. કહો કે તૈત્તિરીય ઉપનિષદના ઋષિ કે સોક્રેટિસ ઇચ્છે છે તેમ આપણી ચોતરફ આજે આવા તેજસ્વી યુવકો રહ્યા છે. જે અડચણો વચ્ચે પણ કશુંક નવું કરવા માગે છે, નવી તકોની શોધમાં છે, નવા વિચારો દાખવે છે, તેને મૂર્તરૂપ આપવા ઝંખે છે. આજે સ્પેસના ક્ષેત્રે, શિક્ષણના ક્ષેત્રે, ઉદ્યોગક્ષેત્રે, સાહિત્ય-પત્રકારત્વ અને કલાના ક્ષેત્રે, વીરતાના ક્ષેત્રે, સરકારી સંસ્થાઓ ઉદ્યોગના ક્ષેત્રે અનેક પ્રકારના નવા આયામો માટે આપણો યુવાન કૃતનિશ્ચયી બન્યો છે. બિહારના આનંદકુમાર તો ગામડાનો છોકરો આઈઆઈટીના ક્ષેત્ર સુધી પહોંચી શકે છે તે માટે ઠેર ઠેર ગાંઠનું ગોપીચંદન કરીને શિક્ષણનો તે દિશામાં ફેલાવો કરી રહ્યા છે. બહેનોની જાગૃતિ પણ સર્વક્ષેત્રે વધી છે. 'પિન્ક ચળવળ' તેનું જ એક પરિણામ છે. ચેતન ભગત અને અમીષ ત્રિપાઠી જેવા નવ લેખકો પ્રવર્તમાન સંવેદનાનું સાહિત્ય તો આપે છે જ પણ અમીષ જેવા પુરાકલ્પનોની દુનિયામાં લઇ જઇ તેની સાથે વર્તમાનને પણ ઇજાગર કરી રહે છે. ટી.વી.નો 'શાર્કટેન્ક' જેવો કાર્યક્રમ જોનારને ખબર છે કે યુવાનો સાથે પ્રશ્નોત્તરી કરી તેને નવા ઉદ્યોગો કે શોધ માટે લોન પણ આપે છે. પ્રવાસના વ્યવસાયમાં પણ યુવાનો વડે એક નવી ક્રાંતી આવી રહી છે.
નાગાલેન્ડ અને છત્તીસગઢના યુવક-યુવતીઓ સાવ નિર્ધન હોવા છતાં પોતાનાં કરતબ-કૌશલથી તાજેતરમાં ગીનીસ વર્લ્ડ બુક્સ સ્થાન પામ્યો.
હા, આજના યુવાનની સામે કેટલીક વિકટ સ્થિતિઓ છે. બેકારી-બેરોજગારી તેની મોટી સમસ્યા છે. બીજાં સામાજિક રાજકીય પરિબળો પણ અવરોધક બની રહ્યાં હોય તેવો સંભવ છે. છતાં આ યુવાનમાં એવું ખમીર પણ રહ્યું છે કે તે જ પોતાની કથા જન્માવે અને તેના હાથે જ તે કથાની સ્ક્રિપ્ટ પણ પોતે લખે. યુવાનો આવી અંત વિનાની કથા છે. જરૂર છે તેઓને યોગ્ય શિક્ષણની, યોગ્ય માર્ગદર્શન અને હૂંફની બાકી રાષ્ટ્રનિર્માણનું મહાકાવ્ય તો તેજ લખી શકે તેમ છે. શક્તિનો એ પ્રચંડ સ્રોત છે. તેની માત્ર સંકુચિત ઉપયોગ થવો જોઇએ. ઠાલા વચનો, ભભપ ભર્યાં સૂત્રો કે જૂઠાં વેણથી એની ચેતનાને દૂર રાખવાનું કામ આજના શિક્ષણ અને જાગ્રત સમાજે કરવાનું છે. બાકી તો તેને જ્યારે આપણે ચિત્ર દોરતો, નાચતો નવું વિચારતો, ક્રીડાંગણોમાં પરાક્રમ કરતો, કલામાં નવાં પરિમાણો ઊભાં કરતાં, વિદ્વાત્તા સભર ગોષ્ઠી કરતો નિહાળીએ છીએ, કોઇનાં આંસુ લૂછતો જોઇએ છીએ ત્યારે આપોઆપ તેને સલામ કરવા આપણો હાથ ઊંચો થઇ જતો હોય છે.