- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- રાધાએ શરીર-અશરીરનો ભેદ પણ ભૂંસી નાખ્યો છે. કૃષ્ણ સાથે હોય ત્યારે, સાથે ન હોય ત્યારે - બધી વેળા તે પ્રેમથી જ રસાયેલી રહી છે.
હ જારો હજારો વર્ષથી 'રાધા' અને 'કૃષ્ણ' આ બે નામ લોકહૃદયમાં સ્થિર થઈ ચૂક્યા છે. જિહ્યાગ્રે રમતાં એ બે નામ લોક વારંવાર લેતું રહ્યું છે અને તે ખુદને તરો-તાજ કરતું રહ્યું છે. લોકનો આ રાધા-કૃષ્ણ સાથે એમ અતૂટ નાતો રહ્યો છે. કહો, ક્યો જાદુ છે એ બે નામમાં ? ક્યાં રહસ્યો ઘૂંટાયેલાં છે એ બે નામમાં ? રાધાને પામવી છે તો પહેલાં કૃષ્ણને મળીને આગળ વધવું પડે છે અને જો કૃષ્ણને મળવું છે તો પછી પહેલાં રાધાનો મેળાપ કરીને કૃષ્ણ સુધી પહોંચાય છે.
રાધા અને કૃષ્ણ વચ્ચે એક બંધ-બંધન વિનાનો સંબંધ છે. કૃષ્ણ કામ્ય છે, ઈચ્છા કરવા યોગ્ય છે. રાધા રમ્ય છે, રમણીય છે. ખુદનું જીવન જ રમણીય લીલારૂપ છે. અંદર અને બહારની રમણીયતાનો અપૂર્વ સંગમ છે. તે કોઈને આંજી દેતી નથી તો કોઈથી અંજાઈ જતી પણ નથી. તેનું સકલ આત્મ-સ્મિતથી તેની ઓળખ આપી રહે છે. કૃષ્ણને આપણે અનેક પ્રસંગે, અનેકવિધ છટાઓ સાથે બોલતા સાંભળીએ છીએ. તેના શબ્દો પ્રભાવિત કરી મૂકે તેવા હોય છે. ક્યારેક એનું વશીકરણ પણ એટલું જ જોવા મળે. રાધાનું કંઈક જુદું છે. તે મિતભાષી છે, મૃદુ ભાષી છે. જિહવા ભલે એ શબ્દને પ્રકટ કરતી હોય, પણ તેનું પ્રભવસ્થાન રાધાનું હૃદય છે. રાધા આંખથી નિહાળે છે વધુ. પ્રકટ કરવા જેવું તે પ્રકટ કરે છે પણ શક્ય હોય ત્યાં સુધી તે મૌનનો સહારો લે છે. તેનું સમર્પણ એવું સમર્પક હોય છે કે સામાવાળાનો પ્રશ્ન મનમાં જ પ્રશ્ન રૂપે રહી જાય. રાધા સહજ છે. મુક્તિપુર:સર તે કશું વિચારવાનું પસંદ કરતી નથી. મુક્તિપુરની એ ચિરનિવાસી છે. એ રીતે તે પ્રેમાત્મા છે તો મુક્તાત્મા પણ છે. લૌકિક વિધિનિષેધોને તે અતિક્રમી ગઈ છે. કૃષ્ણ યુક્તિ પુરુષ છે. ખેલ ખેલી શકે છે તો અન્યને તે ખેલાવી પણ શકે છે. તે માત્ર ભાવપુરુષ નથી, લૌકિક-અલૌક્કિના સંધિ બિન્દુ પર ઊભા રહી તે પોતાની બાજી ગોઠવે છે. રાધાને એવી બાજીની ખબર જ નથી. લૌકિક-અલૌકિક સીમાઓને તેણે ભૂંસી નાખી છે. તેની રઢ અને રટણા જો હોય તો તે કૃષ્ણ છે. અને એ પણ પ્રથમવાર જે કૃષ્ણને જોયો હતો તે કૃષ્ણ છે. રાધાનું એ જ જગત છે, એ જ ભાવલોક છે. યુક્તિ કે મુક્તિ બંને એ કૃષ્ણ છે. રાધાનો જીવન પ્રદેશ ગણતરી રહિત છે. તેની ગણતરી ને ગણિત કૃષ્ણ સિવાય બીજાં કશાં નથી. અને એથી ય આગળ વધીને કહીએ તો રાધાએ શરીર-અશરીરનો ભેદ પણ ભૂંસી નાખ્યો છે. કૃષ્ણ સાથે હોય ત્યારે, સાથે ન હોય ત્યારે - બધી વેળા તે પ્રેમથી જ રસાયેલી રહી છે. કૃષ્ણ ઈતરસ્થ છે જ નહીં. તેના માટે તે ભીતરસ્થ છે. આથી જ તેના અને કૃષ્ણ વચ્ચેના પ્રેમમાં શરત કે બીજા વ્યવધાનો આવતાં નથી. કૃષ્ણને, કૃષ્ણ નામને તેણે પોતાની ચેતનામાં કાલવી દીધાં છે. જો એમ છે તો પછી અપેક્ષા-અધિકાર-આકાંક્ષા બધું ત્યાં અપ્રસ્તુત બની રહે છે. પ્રેમ પછી એના બધા રૂપે માત્ર પ્રેમ જ રહે છે. રાધાએ પ્રેમનું એમ એક નવું જ રૂપ વિશ્વના નર-નારીને સંપડાવી આપ્યું છે. પ્રેમની પરાકોટિ કેવી હોય તેનો ઉત્તર સ્વયં રાધા છે. રાધા એટલે જ પોતાના પક્ષે કૃષ્ણને પૂરેપૂરી પામી ચૂકીને કૃષ્ણને સમર્પિત થઈ ચૂકેલી. કૃષ્ણની સાથે જે કંઈ થોડું ઘણું ચાલવા મળ્યું છે, ગોષ્ઠીનો સમય મળ્યો છે કે મૌનધારીને બંને પરસ્પર સંનિક્ટ બેઠાં છે ત્યારે આકાશ, પૃથ્વી, પવન, જલ બધું - તેનાં અદ્ભુત તત્ત્વો-સત્ત્વો - સાથે તેઓએ માણ્યું છે, સહપાંથ રૂપે, સહ-આત્મારૂપે. ત્યારે 'હું' નહીં, 'તું' નહીં, 'અમે' જ એવી ભાવલીલાનું પદ્મ મહેકી રહેતું. રાધા લૌકિક રહીને પણ અલૌકિક એમ બની રહે છે. રાધાનો પ્રેમ એ સંદર્ભે પ્રેમની બધી જ પરિભાષાને અતિક્રમી જતો જોવાશે. સાથે નથી રહેવાનું એમ જાણ્યા પછી પણ અહીં એનું જલ્પન નથી. કૃષ્ણ અન્યનો ન જ થઈ શકે કે તે માત્ર મારો છે તેવો અધિકાર ભાવ કે તેનો હુંકાર પણ નથી. કારણ કે અહીં તેની ચેતના વ્યક્તિ સાથે નહીં, વ્યક્તિને પણ પાર કરી જતી પ્રેમતત્ત્વ પર નિર્ભર છે, નિ:શેષ પ્રેમ પર. ત્યાં સાથે રહેવાનું બને પણ ખરું, ન પણ બને, ક્યારેક મળવાનું બને તો પણ ભયો ભયો અને કદાપિ ન જ બને તો પણ એ જ આનંદ, એજ ઉત્કટતા, એ જ સમર્પણ. ત્યાં હર પળ પરસ્પર પ્રત્યેના ઊંડા ભાવની હોય છે, વિશ્વાસની હોય છે, એકબીજાના શુભ માટેની હોય છે. ત્યાં જન્મજન્માતરના ઉત્તર દાયિત્વ માટેનો ભીતરી બોધ હોય છે. કહો કે નિરંતરનો આવો અવિરામ ભીતરી પ્રવાસ ત્યાં ચાલતો હોય છે. રુકિમણી કૃષ્ણ માટે સંસારસાર પુરવાર થાય છે. કૃષ્ણ પરત્વેના રાધાના સમર્પણથી પણ તે વાકેફ છે, તો સાથે રાધાની આત્મચેતનાથી પણ તે અંજાયેલાં રહ્યાં છે. રાધા પ્રેમસાર છે. રુકિમણી કૃષ્ણ માટે જીવનયાત્રિક છે તો રાધા પ્રેમયાત્રિક છે. કૃષ્ણ પણ રાધારત રહ્યા છે. તે પ્રેમથી પ્લાવિત છે. અહીં સાથે રહેવાની કોઈ પક્ષે ખેવના રહી નથી. પ્રેમની એ રીતભાત પણ નથી. અહીં પ્રેમ એની સર્વોત્કૃષ્ટ અવસ્થાએ નર્યું નિગરણ ઈચ્છે છે. ખુદમાં જ એકાકાર થઈ જવાનું, ઓગળી જવાનું. અપેક્ષાઓ-અધિકારો-મમત્વ-હુંકાર- પ્રેમપ્રદેશની બહાર રહેતાં હોય છે. જ્યાં એ છે ત્યાં પ્રેમ કેવો ?
કૃષ્ણ રાધાના આવા હેતુરહિત પ્રેમને કારણે રાધા પાસેથી ખુદ એક નવો ઉજાશ પામતા રહ્યા છે. ગોકુળથી મથુરા-દ્વારકા-કુરુક્ષેત્ર સુધીની દીર્ઘ જીવનયાત્રામાં રાધા કૃષ્ણનું આંતરબળ બની રહી છે. પોતાના મૃત્યુની પણ રાધા સુધી ખબર ન પહોંચે તેવું તે ઇચ્છતા હતા. રાધાના પ્રેમનું ગૌરવ, તેનું અપૂર્વ રૂપ અને તેની જીવનશૈલીને - આત્મસાત કરી ચૂકેલ કૃષ્ણ રાધા સાથે જ શ્વાસ ભરી રહેતાં જણાય છે. કૃષ્ણનાં નામ પૂર્વે રાધા નામ તેથી કદાચ મુકાતું આવ્યું છે. કબીર જેવાએ દ્રઢતાપૂર્વક જગતને સંભળાવી દીધું હતું કે - પ્રેમ પ્રેમ શું કરો છો ? જાવ, જમનાને તીર અને જુઓ રાધાનો પ્રેમ શું છે - લાખો કબીર પણ તે ગાઈ નથી શક્યા, બલ્કે એ પ્રવાહમાં વહી ગયા છે. રાધા સ્થિર પ્રેમ જ્યોત છે.


