- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ટકી રહેવા માટે પહેલાં કરતાં વધુ શક્તિની જરૂર છે, આ ખૂબ અંધકારમય સમય છે'
હં ગેરીના લેખક લાસ્લો ક્રાસ્નાહોર્કાઈ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ઈ.સ. ૨૦૨૫નું નોબેલ પારિતોષિક તેમની સર્જકતાએ અંકે કરી લઈને સાહિત્યરસિકોને આશ્ચર્ય અને આનંદ બંનેની લહાણી કરી છે. લાસ્લો ઈકોતેર વર્ષના છે. ૫, જાન્યુ, ૧૯૫૪માં ગ્યુલા, હંગેરીમાં જન્મેલો આ લેખક કંઈક વ્યક્તિ તરીકે અણસરખો લાગે, સર્જક તરીકે વળી એનાથીય વધુ અણસરખો લાગે. મનમોજી, પોતાની ચાલનાએ ચાલનારો, મહાકાલની ભસ્મારતીનિરત સર્જક લાગે.
તેનું વ્યક્તિત્ત્વ અને તેનો શબ્દ બંને પરસ્પરમાં ભળી ગયેલાં લાગે, તત્ત્વત: ભળી ગયેલાં જણાય. જેની રાયડેને લીધેલી મુલાકાતમાં, તેણે દાખવેલી પ્રતિક્રિયામાંથી તેના સર્જનનાં કુળ-મૂળ-કુંડળીની કેટલીક રેખાઓ જરૂર પામી શકાય. તે લેખનમાં કટુતા-કડવાશને અગત્યની લેખે છે. ઉદાસી અને વિનાશને અડખેપડખે રાખી તે ડગ ભરતો રહ્યો છે. રાયડેનને તે કહે છે કે 'પુસ્તકો વાંચવાથી આપણને ધરતી પરના આ ખૂબ મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે વધુ શક્તિ મળે છે' એવો આ મુશ્કેલ સમય એની કેન્દ્રસ્થ સામગ્રી છે, એનો શબ્દચીપિયો પણ નવી નવી રીતે તેવી સંવેદનાને પ્રકટ કરવા મથતો રહ્યો છે. ઈનામની જાહેરાત વેળા બીમાર મિત્ર સાથે એના ફલેટમાં તે બેઠો હતો. પ્રેરણાસ્ત્રોત વિશે પૂછાયલા પ્રશ્નના ઉત્તરમાં ફરી એકવાર તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે :
'કોઈક રીતે ટકી રહેવા માટે આપણને ટકી રહેવા માટે પહેલાં કરતાં વધુ શક્તિની જરૂર છે, આ ખૂબ અંધકારમય સમય છે' તેનું આ વિધાન પણ આજના સમય સાથે તેની નિસબત કેટલી ઊંડેરી, સચ્ચાઈ ભરેલી છે તે જોઈ શકાશે. લેખનને તે ખાનગી વાત અંગત વાત લેખે છે. પોતાનાં લખાણો સામાન્યરીતે કોઈને બતાવવાનું તે પસંદ કરતો નથી. લેખક-કવિ મિત્રોને પણ નહીં. પુસ્તક પૂરું કરી પ્રકાશકને મોકલી આપે, પછી થોડો વિરામ અને વળી પાછું નવું પુસ્તક...એવી તેની પ્રકૃતિ છે. તેની પ્રકૃતિ અત્યંત ભ્રમણશીલ રહી છે. યૂન ફોસેની જેમ તે પણ પરિભ્રમણમાંથી ઘણું પામતો રહ્યો છે. હંગેરીમાં, બુડાપેસ્ટની બાજુમાં, એક ટેકરીની ટોચે તે નિવસે છે, સાથે ક્યારેક ટ્રાયસ્ટેમાં, ક્યારેક વિયેનામાં તો ક્યારેક જૂના ઓસ્ટ્રિયનમાં પણ ઠાઠમાઠથી થોડાંક શ્વાસ ભરી લે છે. પૂર્વનું આકર્ષણ પણ ખરું. પ્રસંગોપાત્ર ચીન, જાપાનનો આંટો પણ પૂરા રસ સાથે માર્યો છે અને માણ્યો છે. એટલું જ નહીં, તેના દ્રષ્ટિબિન્દુમાં પણ નવી તેજલકીરોનું તેથી ઉમરેણ થયું છે. નોબેલ પુરસ્કારની ઉજવણી જર્મનના છહસીનગીચસા પર સાંજે ફ્રેકફર્ટમાં મિત્રો સાથે પોર્ટવાઈન અને શેમ્પેન સાથે ને વળી સૌ મિત્રોની પસંદગીવાળું રાત્રિભોજન તો ખરું જ....નોબેલ પારિતોષિકનો શ્રેષ્ઠ પંક્તિના સર્જકોની હરોળમાં બેસવાનું મળ્યું તેથી આનંદ તો છે જ, પણ સર્જક તરીકે તેની ખરી ઓળખ વિષાદ છે, કડવાશ છે તેનું જીવન કંઈ સમુંસૂતરું નહોતું. ચઢઊતરતી અનેક જોખમી ક્ષણોએ તેનું ઘડતર કર્યું છે. બે આંખથી તેણે વિશ્વને, તેના મનુષ્યને, સાચા અર્થમાં 'આંખ ભરીને' જોયાં છે. તેથી જ કદાચ બર્લિનને તે ઘાયલ આત્માઓની હોસ્પિટલ રૂપે અનુભવી રહે છે. તેણે બિહામણી દુનિયાના રૂપરંગ જોયાં છે. તેમાં તેણે સંવેદેલી ઉદાસી, તોફાન, વિનાશ, પ્રલય, અવ્યવસ્થા, હતાશા, જડત્વ તેનાં અસહજ રૂપોથી તે ક્ષુબ્ધ હતો. શાસકોની નાગચૂડમાં આવી ખુદ તે તેનો ભોગ બન્યો હતો, તેનો પાસપોર્ટ પણ એક વખતે તો જપ્ત કરી લેવાયો હતો. તેણે મજૂરી કરી છે, મજૂરો વચ્ચે જીવ્યો છે, તેમના પરસેવાની ગંધ અનુભવી છે. કહો કે વિનાશનાં, વિષાદનાં ઘુમરાતાં વાદળદળ વચ્ચે તેણે શ્વાસ ભરવાનું બન્યું છે જ. તેથી જ 'તમે ભગવાનને માનો છો ?' એવા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેણે રણકાભર્યા શબ્દોમાં છતાં એટલી જ સચ્ચાઈથી કહ્યું હતું - 'ભગવાનને અરે, રહેવા દો. મને તે વિશે કશી ખબર સુદ્ધાં નથી પછી કહો, કહું તો શું કહું ? કદાચ, હું એટલે જ બુદ્ધિશાળી નથી.' લાસ્લોનો આ ઉદ્ગાર પણ ઘણો સૂચક છે. એ ઉત્તરમાં જોયેલું, અનુભવેલું દોજખ છે, તો તેની પ્રતિક્રિયા રૂપે અંદર ઉકળતો ઉલ્બણ પણ છે. તેની મોટાભાગની રચનાઓ એ બિન્દુએથી જ આકાર લે છે અને પછી એ દોજખનો કોઈક ને કોઈક ખૂણો તે સ્પષ્ટરેખ કરી આપણા સૌની સમક્ષ મૂકે છે. તે વ્યક્તિ અને સર્જક તરીખે એક રીતનો 'ખેરખાં' છે. નિર્ભય રીતે પોતાની વાત કહી શકે છે, લખી શકે છે અને જીવી પણ શકે છે. એના વિશે પોલીસોને મળેલી ખૂફિયા માહિતી વેળા, પાસપોર્ટ તો જપ્ત થયો, પણ વ્યંગ્યની ધાર સાથે લાસ્લોએ કહ્યું : 'તમને ખરેખર એમ લાગે છે ખરું કે હું કંઈ નહીં ને સાવ તમારા જેવા લોકો માટે લખું ?'- આ છે સર્જકનો સાચો મિજાજ. સત્ય હોય ત્યાં ન ડરે, ન નમે પણ એકાન્તપ્રિય લાસ્લો એ રીતે સર્જક તરીકે ભૂ-કંપ રૂપ છે. લેખન તેના માટે શબ્દક્રીડા નથી, પ્રસિદ્ધિનો વિકલ્પ નથી. તે અંદરથી ઉપરતળે થતો રહ્યો છે, સતત ઊડું ઉત્ખનન કરતો રહ્યો છે. પોતાને તે સાહિત્યકારોના વિશ્વ વચ્ચે કલ્પી શક્યો જ નથી. મૂળે તો તેણે એકાદ ગ્રંથ લખવા જ વિચારેલું અને તેય પેલા યૂન ફોસેની માફક જે કં કેટલાક ભૂંસાતા-ભૂંસાઈ રહેલા ચહેરાઓ છે, એ અદ્રશ્ય થઈ જાય, તે પૂર્વે તેને શબ્દબદ્ધ કરી લેવા હતા. પણ જુઓ, પેલો ઉલ્બણ ઉકળતો રહ્યો, વિષાદ-વિનાશ ઘૂંટાતાં રહ્યાં અને તે લખતો રહ્યો, વિશ્વને બચી શકે તો બચાવવાની પોતાની નોખી રીતે હંરેગિયન ભાષાની આંગણી પકડી લઈ, તે એ ભાષા સાથે એના લય સાથે એકાત્મ થઈ ગયો. અન્-અનુકરણીય ભાષા પેલા વિનાશ-પ્રલયે-ઉદાસીએ શીખવી. કાફકા-દોસ્તો-એ-વસ્કી કે કંઈક અંશે માર્કવેઝનું કે બર્નહાર્ડનું સ્મરણ જગાવી જતો લાસ્લો આપણા માટે અનેક નવી બારીઓ ખોલી આપે છે.
(ક્રમશ:)


