Get The App

ભાષા એટલે અજવાળું, અજવાળું.... .

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ભાષા એટલે અજવાળું, અજવાળું....                             . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- 'મળી માતૃભાષા મને ગુજરાતી' એવું તો આપણા કવિવર શ્રી ઉમાશંકરે કહ્યું પણ 'મળેલી' વસ્તુના વારસાનેય જાળવવો, તેમાં સંવૃદ્ધિ કરવી એય જે તે ભાષાના ભાષકનું ઉત્તરદાયિત્વ છે.

વિ શ્વભરનાં સમૂહ માધ્યમો જે રીતે સમાચાર આપી રહ્યાં છે એ રીતે જણાય છે કે ભાષા વિશે આપણે કંઈક અંશે વિચારતા થયા છીએ. સાથે કંઈક ચિંતા કરતા પણ થયા છીએ. પ્રવર્તમાન સમયમાં, ખાસ કરીને કેન્દ્રમાં 'અર્થતંત્ર' જ આવીને ઊભું છે ત્યારે તો વિશેષ રૂપે 'અર્થતંત્ર' સર્વેસર્વા બનતાં માનવ સંવેદનાનાં ઘણાં ઝરણાં સૂકાઈ રહે છે અથવા નામશેષ થતાં જાય છે. તેનું પ્રાબલ્ય વધતાં સંસ્કાર-સંસ્કૃતિ-સભ્યતા કે રીત રિવાજો, રહેણીકરણી અને માણસની ચાલમાં પણ, અરે ઈતિહાસમાં પણ, કાં તો પરિવર્તનો આવે છે, કાં તો એવાં ક્ષેત્રો તેનાથી પ્રભાવિત થાય છે. 'ભાષા' પણ અર્થ સત્તાથી પ્રભાવિત થતી હોય છે. અર્થસત્તા સાથે રાજ્યસત્તા જોડાય, રાજ્યસત્તા સાથે અમુક પ્રકારનો વર્ગ જોડાય અને એમ એ બધું ભાષાના પ્રભાવને ઓછો કરે છે કે કાંતો મંદતેજ કરી મૂકે છે. તેઓને માટે ભાષા માત્ર બાતમી કે માહિતીની આપલે કરવા પૂરતી મહત્ત્વ દાખવે છે. કહો કે તેના સંપર્ક કે સંસર્ગમાં રહેવા પૂરતો. એ રીતે 'ભાષા' માત્ર તેવાઓ માટે એક સાધન છે. ત્યાં કમ્યૂનિકેશન છે પણ વ્યાપક અર્થમાં ભાષા વડે જે કમ્યૂન્યન થવું જોઈએ તે વાત સદંતર ભૂલાઈ જાય છે. કમ્યૂન્યન અર્થાત્ વિચારની આપલે, સંવેદનાની આપલે, પરસ્પરની લાગણીઓને જાણવાની વૃત્તિ અથવા આગળ વધીને ભાઈચારો રચી શકાય તેવી આત્મતત્ત્વ સભર ભાષા એ સાચી 'ભાષા' છે.

હું માનું છું કે 'ભાષા' છૂટી જાય અથવા ભાષાને કોઈ કારણોસર છોડવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમજવું રહેશે કે તેટલે અંશે જીવન પણ છૂટતું જતું હોય છે. કારણ કે ભાષા એ કંઈ બહારથી ચોંટાડેલ વરખ નથી, ઉપર ઉપરથી લગાવેલ એ મલમપટ્ટો નથી, એ તો રક્તના પ્રવહણમાં ભળી ગયેલી બાબત છે. એવી ભાષા પછી એ માતૃભાષા હોય કે અન્ય બીજી કોઈ ભાષા હોય, તે આપણા આદ્ય સમાજની, તે પછીના આજ સુધીના સમાજની ભાષકોની લગાતાર મથામણ કે મહેનતનું એ પરિણામ છે. ભાષા કંઈ રાતોરાત નીપજી આવતી નથી, તેમાં એક સાતત્યભર્યો પ્રવાહ હોય છે. સમયે સમયે જે તે ભાષા પોતાનામાં સમાજ ઉમેરે છે, સમાજની રીતરસમોને ભેળવે છે, રોજ બરોજની એની પ્રવૃત્તિઓનું ત્યાં પ્રતિબિંબ ઝિલાય છે સાથે તેણે જે કંઈ પ્રકૃતિમાંથી, અભ્યાસમાંથી અથવા આસપાસના સમાજમાંથી જે શ્રેષ્ઠ છે, સુગંધભર્યું છે, સૌહાર્દભર્યું છે, મૃદુ-મધુર છે, જીવનને ઊર્ધ્વગામી બનાવી રહે તેવું છે તેવું એ બધું જોયું-માણ્યું છે એ બધું પણ તેવી ભાષામાં વિવિધ શબ્દો વડે કલવાતું જાય છે. કહો કે જે તે ભાષાના ભાષકની આંતર-બાહ્ય ધબક તેમાં એકરૂપતા પામી હોય છે. એ રીતે ભાષામાં સમયનાં, માનવનાં અનેક રૂપો મુખરિત થતા જોઈ શકીએ. સંસ્કાર-સંસ્કૃતિ-ઈતિહાસ- વિવિધ ઘટનાઓ - સમાજની ચઢઉતર, માનવની મન:સ્થિતિઓ કે તેના જીવન વિભાવો, તેમાં આવતાં પરિવર્તનો-એવુંતેવું પાર વિનાનું તેમાં ઓગળી ગયેલું હોય છે. એ રીતે ત્યાં શબ્દ જ એક નિરાળી સૃષ્ટિ બની જાય છે. એ ભાષામાં માનવનું હૃદય સ્પંદે છે તો તેની સંવેદનાની એકાધિક લિપિઓ પણ તેમાં હોય છે. ભાષાનો લય, ભાષાનાં ચિહનો સુધી જે પહોંચે છે તે જાણે છે કે ભાષા માત્ર શબ્દ કે કોરી અભિવ્યક્તિ નથી. તેનામાં અનેક વિશ્વો નિહિત હોય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે આપણી માતૃભાષા અથવા બીજી કોઈપણ ભાષકની ભાષા એ સ્વયં એક ઐશ્વર્ય છે. ભાષા આપણી પૂંજી છે, મોલાત છે, આપણું સત્ત્વ અને તથ્ય છે અને એમ આપણું સત્ય પણ છે.

આજે આપણી ચોતરફ જે કંઈ થઈ રહ્યું છે એ વિષાદ પ્રેરે તેવું છે. માનવ અને એની સભ્યતા કસોટીની એરણ પર છે. હિંસા અને યુદ્ધથી તેનું માનસગ્રસ્ત છે. આ બધું વધુ સૂક્ષ્મતાથી જોનારને લાગશે કે આપણે ભાષાની મૂળ સુગંધથી ઘણા દૂર નીકળી ગયા છીએ, એ ભાષાના શબ્દ-સાહિત્યથી પણ એક દૂરનું અંતર બનાવી દીધું છે. જે માનવને અ-માનવ ભણી લઈ જાય છે. એટલું જ નહીં ભાષાને ભૂલતાં ભૂલતાં એક બીજી કૃતક ભાષા ઊભી કરી લઈ જાતે અને અન્યને ગુમરાહ કરી રહ્યા છીએ ! 'ભાષા'માં આવતા આવા બદલાવને પણ સમયે સમયે ઓળખવા પડે એવી ભાષા વિચારને પણ દૂષિત કરી રહે એ ઓરવેલની વાત યાદ રાખવી પડે. જે તે ભાષકે તેવા સમયે ભાષા કે તેના શબ્દોના મૂળ સુધી પહોંચવું પડે, તેના હાર્દને પણ પામવું પડે. માણસ નિ:સત્ત્વ થાય છે ત્યારે એની ભાષાને પણ એવા નિ:સત્ત્વનો મુકાબલો કરવો પડે છે. ભાષકની પણ ત્યાં કસોટી થઈ રહે છે.

'મળી માતૃભાષા મને ગુજરાતી' એવું તો આપણા કવિવર શ્રી ઉમાશંકરે કહ્યું પણ 'મળેલી' વસ્તુના વારસાનેય જાળવવો, તેમાં સંવૃદ્ધિ કરવી એય જે તે ભાષાના ભાષકનું ઉત્તરદાયિત્વ છે. ભાષા કે તેનાં પૂર્વજોનાં ગુણગાન કે અર્ચના કર્યા કરવાથી ભાષા શ્રેષ્ઠ થઈ જતી નથી. ભાષાને 'મા' લેખતા હોઈએ તો એ 'મા' પોતે પણ માવજત કે લાલનપાલન માગે છે. એટલે જ કવિવરની એ પંક્તિ સાથે મને કહેવાનું મન થાય છે કે 'જીવું માતૃભાષા મારી ગુજરાતી' - 'ભાષા' જીવવાની વસ્તુ છે. 

'જીવવાની' એટલે એના સોળે શણગાર સાથે, એના અપાર વૈવિધ્ય સાથે. જરૂર પડે તેના સવર્ધન અને પોષણ માટે પણ તૈયાર રહેવું પડે. જગતની ભાષાઓ ઈતિહાસ જોનારને ખબર છે કે આર્જેન્ટિયાની 'શાના' ભાષાને ઉગારી લેવા બ્લાસ ઓમારે કેવા મરણઇયા પ્રયત્નો કરેલા જે ભાષામાં એક જ ભાષક બચ્યો હતો એ બુઆએ પોતાના ટાપુ ઉપરની ભાષાને જીવતી રાખવા રાતદિન માણસ કે ભાષક ન મળતાં પ્રાકૃતિક તત્ત્વો સાથે કેવા કેવા વાર્તાલાપ માંડયા હતા તેને ય યાદ કરવું રહે. ૧૯૧૭માં રેવરંડ ટેલરે પોતાા ગુજરાતી વ્યાકરણના આરંભે ગુજરાતી ભાષા સંદર્ભે 'સદવિદ્યા, સદજ્ઞાન, સદધર્મ'ના સુબોધની વાત કરી હતી તે પણ સ્મરણમાં રાખવા જેવું છે. આપણી ભાષા 'શું શા પૈસાચાર' નથી પણ વૈશ્વિક સ્પંદ ઝીલી રહેલી એક બળવાન ભાષા છે તે સમજવું પડશે, એટલું જ નહીં તેની સાથે એકરૂપ થવા સતત ઉદ્યમ કરવો પડશે. ('ઉદ્યમ' શબ્દ મેં સકારણ વાપર્યો છે) અંગ્રેજી પ્રજાએ થોડાક જ શબ્દોમાંથી પોતાની માતૃભાષાને ઉત્ક્રાન્ત કરતાં કરતાં તેને કેટલી સમૃદ્ધ બનાવી દીધી છે ! પૂર્વ પાકિસ્તાનમાં યુવાનોએ ૧૯૫૨માં બંગાળી માતૃભાષા માટે કેવું આંદોલન કર્યું હતું અને છેવટે બંગાળી ભાષાને માન્યતા આપવા શાસકોને મજબૂર થવું પડયું હતું તે જાણીતી ઘટના છે.

માતૃભાષા સમેત વિશ્વની બધી જ ભાષાઓનો આદર કરવો રહે, તેની સજીવતાને ટકાવી રાખવી રહે. કારણ કે ભાષા કોઈ નિર્જીવ શબ્દોનો સમૂહ નથી. ખિલવાડ માટેનું રમકડું પણ નથી. તે સાક્ષાત અસ્તિત્વ છે. ભાષાને સાંગોપાંગ જીવવી પડે તો જ તે જીવે, તેજવંતી રહે - ભાષામાં જેને ખબર પડી છે તને માટે તો ભાષા અજવાળું, અજવાળું છે.