- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- સાચા જીવનથી દૂર નીકળી ગયા છીએ અને વળી પાછું તેની નજીક પહોંચવું એ જ સાચી સ્થિતિ છે
ક્યા રેક થાકું છું, ગુંગળામણ અનુભવું છું કે ક્યારેક હતાશા ઘેરી વળે છે, ત્યારે કવિતા મને તેની પાસે બોલાવી લે છે. તે મને પસવારે છે, આશ્વસ્ત કરે છે, ઉપહાર રૂપે થોડાક શબ્દો આપે છે, વધુ ખુશ થાય ત્યારે કશુંક સંકેતી પણ રહે છે. હું મને ત્યારે ફરી મળતો હોઉં તેમ લાગે છે, કંઈક તાજો પણ થઈ જાઉં છું. કવિતા કશું બદલી નાખે છે કે કશુંક મોટું પરિવર્તન લાવી દે છે એવું મારે અહીં કશું કહેવું નથી. પણ હા, એટલું તો અનિવાર્યપણે કહેવું છે કે એનું સાન્નિધ્ય મને ઉષ્માથી ભરી દે છે. અસ્તિત્વનું એક નવું ગુંજન હું ત્યાંથી પામી રહું છું. મારા હોવાપણાના ટોડલે તે કોઈક એવો ટહુકો છોડી જાય છે જે પછી હું દિવસો સુધી તેને સાંભળ્યા કરું છું. ખરું કાવ્ય એકોકિતનું હોય છે, નાટકની પરિભાષામાં કહું તો તે એક રીતે અપવારિતક છે. અમુક જણ જ સાંભળી શકે. બધાં કાવ્યો બધા માટે નથી તો આગળ વધીને એમ પણ પ્રશ્ન પૂછી શકાય - શું કવિતા બધાં માટે છે ? અરે, કાવ્ય લખનાર બધા જ શું કવિ છે ? એવું ય આજે તો પૂછવું પડે !
કાવ્યનો જાદુ જ એ છે કે તે તેનો ઘૂંમટો સદા તાણેલો જ રાખે છે. ક્યારેક, કોઈક પળે તેનો ભૂ્રભંગ જોવા મળે તો મળે, ક્યારેક તેના ઓષ્ઠનો સાવ નોખો વળાંક નિહાળી શકો તો નિહાળી શકો. અને તે પણ તમારે તે માટે પૂરા ખબરદાર રહેવાનું કે, સતર્ક રહેવાનું છે. કાવ્ય એ રીતે મોંઘી જણસ છે. હાટે-ઘાટે ભમવાની કવિતાની પ્રકૃતિ જ નથી. કવિતા જલ્પન કે જલસા માટે નથી, એન્ટરટેઇનિંગ પણ નથી જ નથી. બલ્કે સાચી કવિતા એન્ટરપ્રાઇઝ છે, જોખમ ભરેલું સાહસ છે, મરજીવાઓ કરે છે તેવું સાહસ છે. કવિતા તેના ઘૂંમટામાંથી ઈશારો જરૂર કરે છે પણ ઈશારાની ક્ષણને ઝડપી લેવાનું - તત્ક્ષણેજ - જેનું ગજું છે ત્યાં જ એ થોડું સ્મિત વેરે છે, હૃદયગઠડી છોડે છે. ક્યારેક તેથી હું મને પ્રશ્ન પણ કરું છું કે કહેવાતા કવિઓ, કહેવાતા ભાવકો આટલી મોટી સંખ્યામાં થોકબંધ કાવ્યો વાંચે, હોંશભેર વાંચે, સાંભળનારા પણ ત્રણ-ચાર કલાક 'ટેસ'થી બધું સાંભળે, મજા લૂંટતા જણાય શું એ બધું 'કાવ્ય'માં ઘટાવાય ? કે પછી 'ઉત્સવ'માં ખપાવાય ? કાવ્ય, આજે સાચું કહીએ તો, ઝંખવાતું જાય છે. આનંદયાત્રા એમ મોજયાત્રા બની રહી છે... રે, કાળ ! રે, કવિ ! રે, શ્રોતાગણ !
મારા હાથમાં અત્યારે 'ધ ગ્રીફીન પોએટ્રી પ્રાઇઝ' (એન્થોલોજી ૨૦૧૬) છે અને હું આવું-તેવું કંઈક કવિતા વિશે વિચારતો જાઉં છું. કાવ્ય-કવિ-કવિતા વિશે બીજાના જુદા મત પણ હોઈ શકે. આપણે તેનો નમ્રતાપૂર્વક આદર પણ કરીએ. પણ ખરું 'કાવ્ય' તો પહોંચની બહાર લગભગ રહેતું હોય છે એ સત્ય તો સ્વીકારવું જ રહ્યું. મારા-તમારા કે કોઈના પણ માટે એ સત્ય છે. આ સંગ્રહમાં આ પળે હું ડોન પેટરસનના એક સોનેટ પાસે થોભ્યો છું. હું અહીં એનું વિવેચન કરવા બેઠો નથી, પણ આનંદનું શેરિંગ કરવા ધારું છું. કાવ્ય એના ભાવકને એની પંક્તિઓમાં ગરક જરૂર કરે, પણ પછી એ પંક્તિઓમાં બાંધી ન દે. ઊલટાનું એ ઘૂટમુટ લાકડી કરી રહે. પંક્તિઓની બહારના વિશ્વના ઘણાં દ્વાર તે ખોલી આપે કે ખોલવા માટે આપણને ઉત્તેજિત કરી રહે. એકસામટાં અનેક દ્રશ્યો, અનુભવો, અનુમાનો પ્રસંગો મનમાં જાગી રહે. કવિ અહીં વિનંતીઓ કરી રહ્યો છે. કદાચ કોઈ બાળકને, કદાચ મને, કદાચ તમને પણ...
અરે, તું તારા પિતા વિશે કશુંક નવું, અજાણ્યું કહી શકે તો કહે. અથવા તું તારી બીજી પત્ની કેમ ગાંડી થઈ ગઈ હતી તે વિશે કશુંક કહે કે પછી તારે પસંદગીનો કોઈ વિકલ્પ જ હતો નહીં જેથી તું પેલા માણસને વચન આપી બેઠો ? અરે, તું પેલું હાલરડું પણ ગાઈ શકે અથવા ચીસો પાડતા તારા બાળકને ચૂપ પણ કરી દઈ શકે. તારા ખિસ્સામાંથી એકાદ બાફેલું ઈંડું આપી એને રાજી કરી દે અથવા તારા જેકેટના ખિસ્સામાંથી બંસી કે સિસોટી જેવું કશુંક આપીને પણ તેને રાજી કરી રહે. અથવા તું એવું રમૂજી જોડકણું ગાવાનું શરૂ કર. તેમાં તારા આદર્શો, વિચારો, વીતેલા સમય વિશે કે હયાત નથી તેવી વ્યક્તિ વિશે પણ કહી શકે. એમ કરતાં કરતાં તારા સેલફોનને તું છેવટે ટોઈલેટમાં પધરાવી દે અથવા પક્ષી વિશે કે બીજી કોઈ હસીમજાક પણ કરી શકે. તારી બુદ્ધિમત્તાનો બરાબરનો તું ઉપયોગ કરવા માંડ. કશું પણ કર, છેવટે તારું તેજભર્યું કાવ્ય વાંચી સંભળાવ... અને કાવ્ય ત્યાં પૂરું થાય છે. કોઈ અધીર મિત્ર કે ગઝલ-ગીતનો, શૃંગારપ્રેરિત કાવ્યશોખીન તો કહી દેશે - 'અરે, આને તો કંઈ કાવ્ય કહેવાય ? આ તો થોડી વેરવિખેર પંક્તિઓ છે. અર્થ પણ સહજ-સામાન્ય છે, કશું ભભકભર્યું પણ નથી... અને છતાં મિત્ર, કહું ? હું આ કાવ્ય પર આવીને થોભ્યો છું. ચારથી પાંચ વાર.'
અહીં એક પિતાની, તેના પુત્રની વેદના છે. પિતા વિશે પણ કદાચ ઘણું કહેવા જેવું હશે. પણ કવિ ફોડ પાડતો નથી. આપણી પર છોડી દે છે. અહીં બીજી પત્ની ગાંડી થઈ ગયાની વાત છે. શાના કારણે ? કેમ ? એ પણ કવિ આપણા પર જ છોડી દે છે. પણ એક બાળકને અહીં એ પત્ની છોડી ગઈ છે અને તેનું જતન - લાલન-પાલન કરવાનું યુવાનના માથે છે તો તે કેવી રીતે કરે તેનું કવિ વધુ સ્પષ્ટતાથી ચિત્ર અંકિત કરે છે. પહેલાં બે ચિત્રો પિતા ને ગાંડી થઈ ગયેલી પત્ની - બે ત્યાં અકબંધ રહે છે. સામાજિક ચેતનાના ઘણાં મુદ્દાઓનો ત્યાં વિચાર થઈ શકે. સાથે યુવાન માટે પણ કશો વિકલ્પ નહીં હોય અને તેના તત્સંદર્ભે થયેલા નિર્ણયો પણ વિવશતાને કારણે લીધેલા હશે એ ય સૂચવાઈ રહે છે.
પછી બાળક ચીસ પાડે, રંજાડે તો તેને કેવી રીતે ખુશ કરી શકાય કે ચૂપ કરી શકાય તેની વાત છે. અહીં બાળમનોવિજ્ઞાનની સાથે પિતૃચેતનાએ બાળચેતના સાથે કેવી રીતે એકરૂપતા સાધવી તેનું વર્ણન પણ સિસોટી-ઈંડું-હાલરડું-ગાન વગેરેથી વ્યક્ત થયું છે અને છેલ્લે સેલફોનને ટોઈલેટમાં નાખી દેવાની વાત આવે છે. સંભવત: ત્યાં આપણા સમયનું વરવું સત્ય મુખરિત થઈ રહે છે. તેનું હાવીપણું સૂચવાય છે. તેથી જ બાળચેતનાની સાથે પરોક્ષ રીતે આપણા સમયનો રંગ-ચેતના- બધું ભિન્ન રીતે એ ઘટનામાંથી વ્યક્ત થાય છે. અહીં પક્ષીગાનની વાત પ્રકૃતિ તરફ ભાવકને દોરી જાય છે. હસી-મજાક-હળવાશનો પણ ઉલ્લેખ છે. સાચા જીવનથી દૂર નીકળી ગયા છીએ અને વળી પાછું તેની નજીક પહોંચવું એ જ સાચી સ્થિતિ છે એ પણ ત્યાં સમજાય. કવિ અંતિમ પંક્તિઓમાં આ બધા પછી પણ જે વિકલ્પ આપે છે તે આખી કૃતિ પર ફરી નજર નાખવા તકાજો કરે છે. તે કહે છે કે - છેવટે તું તારું કોઈ તેજભર્યું કાવ્ય વાંચ... બસ, ત્યાં કવિ અટકી જાય છે...
કાવ્ય આવું 'તેજભર્યું' હોય. કાવ્ય કાવ્યમાં હોય તેનાથી વધુ તે કાવ્ય બહાર હોય છે. કાવ્યનું સત્વ અંતિમ પંક્તિમાં એ રીતે વ્યક્ત થયું છે કે પુન: પિતા-પુત્ર-બાળક - સમાજ, પત્ની વગેરે સૌ કાવ્યથી દૂર લઈ જઈ અનેક વિચારકંપ જગવી રહે છે.


