Get The App

નાસ્તિક અને આસ્તિક એટલે ? .

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
નાસ્તિક અને આસ્તિક એટલે ?                                 . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- એકને જે સત્ય લાગ્યું તે શું બીજાને પણ સત્ય લાગે છે? અનુભવો, પરિસ્થિતિઓ, આત્મબળ કે બૌદ્ધિક જ્ઞાપ્તિઓ વગેરે એવાં ખાનાંને પ્રભાવિત નથી કરતાં ?

આ માનવ અજીબ છે. ખાનાં પાડવાં - પડાવવામાં તે પૂરો માહેર છે. એવાં કોઈક કોઈક ખાનામાં તે પૂરાઈ જવામાં ગૌરવ માને છે. ક્યારેક કોઈક બીજું પણ એવા ખાનામાં પૂરાઈ જાય, પૂરાઈ રહે તેવું પણ તે ઇચ્છતો હોય છે. આવાં કેટલાંક ખાનામાં 'આસ્તિક' અને 'નાસ્તિક'નો પણ સમાવેશ કરી શકાય. આ બંને સંજ્ઞાઓ વિશે ઘણીવાર ચર્ચાઓ થતી રહી છે. પણ આવી ચર્ચાઓને કંઇ નિવેડો હોય ખરો કે ? બંને બાજુએથી ખેંચાતાણી તેથી થતી રહી છે, બંને પોતાનો કક્કો ખરો કરવામાં જ આજ દિન મરયા રહ્યા છે !

ખરું તો એ છે કે આવી સંજ્ઞાઓનું સત્ય સમયે સમયે શું એક હોય છે ખરું ? એકને જે સત્ય લાગ્યું તે શું બીજાને પણ સત્ય લાગે છે ? અનુભવો, પરિસ્થિતિઓ, આત્મબળ કે બૌદ્ધિક જ્ઞાપ્તિઓ વગેરે એવાં ખાનાંને પ્રભાવિત નથી કરતાં ? આપણે ખાનાં પાડીએ અને પછી આપણે જ સદા તેના કેદી થઇ રહીએ તેમાં શું આપણું સ્વતંત્ર અળપાતું નથી ? આપણા હોવાપણાને તે અમુક અંશે ક્ષતિ પહોંચાડનાર નથી બનતાં ? એવાં ખાનાં મનુષ્યને બધ્ધ નથી કરી રહેતાં ? 'નાસ્તિક' અને 'આસ્તિક' બંને સંજ્ઞા એ રીતે પોતે માની લીધેલા વિચારોને પ્રકટ કરતી હોવા છતાં સત્ય ક્યારેક તેનાથી આગળ જતું હોય છે. સામાન્યતઃ 'નાસ્તિક'નો અર્થ ઇશ્વર, પરલોક, કર્મફળ વગેરેમાં ન માનનાર કે એનો અસ્વીકાર કરનાર વ્યક્તિ એવો ઘટાવવામાં આવે છે. તો 'આસ્તિક' એટલે ઇશ્વર, પરલોક, કર્મા દિને કે કર્મફળને માનનાર વ્યક્તિ. અર્થાત્ તે સર્વમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ એવી એક પ્રાથમિક સમજ રહી છે. કહો કે એક પક્ષ માટે શ્રદ્ધા છે, શ્રદ્ધાસ્થાનો છે, અમુકતમુકમાં આસ્થા છે તો બીજાં પક્ષ પોતાને બુધ્ધિનિષ્ઠ લેખીને એ બધાં તત્ત્વોનો સ્વીકાર કરતો નથી. એવાઓની સમજ રહી છે કે જીવનની સહજ ગતિમાં, માનવીય ઉત્કર્ષમાં એ બધું બાધારૂપ બનતું હોય છે. અહીં આ બંને સંજ્ઞા સામે સહજ રૂપે થતો પ્રશ્ન આ છે : જો એક વ્યક્તિ પોતાને આસ્તિક કહેતો હોય તો તે આસ્તિકતા કથા શ્રવણથી, અન્યોનાં સલાહ-સૂચનથી કે ઉપર છલ્લી સાંભળેલી વાતોથી આવી છે, કે પછી તેના ખુદના વિવિધ સમયના અનુભવોમાંથી કે કપરા સમય વખતે થયેલા કેટલાક વિશેષ અનુભવોમાંથી જન્મી છે. ઉપરાંત ઊંડેથી તે તેવી પ્રતીતિ કરતો રહ્યો છે કે કેમ, વ્યવહારમાં તેનું એ પ્રકારનું ચલન-વલન છે કે કેમ - આ બધું પણ લક્ષમાં લેવું પડે. અર્થાત્ તેની અંતસ્થ પ્રતીતિ મહત્ત્વની ત્યાં લેખવી રહે, દેખાદેખીનું કશું નહીં. એજ રીતે પોતાને નાસ્તિક લેખનાર વિશે પણ પ્રશ્નો થવાના. આવી નાસ્તિકતા કશા ઉપલક વિરોધ ખાતર વિરોધમાંથી જન્મી છે, અથવા બુધ્ધિના કોરા આયામમાંથી, તર્કની પટાબાજીમાંથી તેનો પ્રભવ થયો છે. ઉપરાંત આસ્તિકોથી જુદા પડવા, બાગીરૂપ દર્શાવવા માટે એવી નાસ્તિકતાનો માર્ગ ગ્રહણ કર્યો છે. કે પછી બુધ્ધિ અથવા તર્કથી જ બધું શક્ય બને છે તે જીવનમાં શ્રદ્ધાનું કોઈ સ્થાન નથી એવાં કોઈ ખ્યાલને કારણે તે નાસ્તિકતાનો માર્ગ લે છે એ પણ ઝીણવટથી જોવું પડે. સાથે તટસ્થ રીતે જોનારે એ પણ વિચારવું જોઇએ કે 'નાસ્તિક' કે 'આસ્તિક' બંને સંજ્ઞાઓમાં ક્યાંક મનુષ્યત્વની તો બાદબાકી થઇ જતી નથી ને ? અથવા આ કે તેથી વિરુધ્ધ વિચારવાની જે એક ફેશન રહી છે એનું તો ત્યાં પરિણામ નથી ને ? ઉપરાંત અધ્યાત્મ કે બીજી બાબતોમાં અથવા સંવેદનશીલ મુદ્દાઓમાં કે વ્યાપક શાંતિ માટેની ઝંખના-ઇચ્છામાં શ્રદ્ધા કે બુદ્ધિ બંનેમાંથી એકથી ચાલી શકે કે પછી બંનેનો કોઈક એક સ્તરે યુગપદ્ આવિર્ભાવ રહેતો હોય છે - એ પણ વિચારવું પડે. કઠોપનિષદ તો અમુક આત્માને સ્પર્શતી બાબતોમાં બુધ્ધિ-તર્કથી ઉંચે ઊઠવાનું કહે છે. તો પોતાને આંતર બાહ્ય રૂપે ઊંચે ઉઠાવી શકે, મનુષ્ય તરીકે અધિકો બનાવી રહે તેવો માર્ગ છેવટે પસંદ કરવો પડે એવું તારણ આ વલોણામાંથી નીકળી શકે. પણ ભયસ્થાનો તો ઉભયપક્ષે છે જ. આજના જમાનાના કહેવાતા આસ્તિકો શ્રદ્ધાના બદલે અંધશ્રદ્ધાના કળણમાં ખૂંપેલા જણાય છે તેને કઇ રીતે જોઈશું ? ધર્મ-કર્મને નામે મોટી છેતરામણી થઇરહી છે તેને શું આસ્થા કહીશું ? એ જ રીતે નાસ્તિકની ઓળખ આપવામાં ગૌરવ અનુભવતા કેટલાક નિરર્થક વિતંડાબાદ કરી કરાવી પોતાને બુધ્ધિનિષ્ઠ કહીને અણીને સમયે પરિસ્થિતિનો મુકાબલો કરવામાં ઊણા ઉતરતા જણાય છે તેને પણ શું કહીશું ?

ગાંધીજી જેવા પોતાને 'મારી શ્રદ્ધા બુદ્ધિથી એટલી બધી આગળ દોડે છે કે હું આખા જગતના વિરોધની સામે પણ કહું; 'ઇશ્વર છે, છે ને છે જ' ઇશ્વરાનુભવમાં ગાંધીજીએ બુદ્ધિવાદને અર્થહીન લેખ્યો છે. ગાંધીજીનંઞ આ પોતાનું સત્ય હતું, તેમની ઊંડી નિજી પ્રતીતિમાંથી, સમજમાંથી જન્મેલું સત્ય હતું. તો સામા પક્ષે ગોપરાજુ રામચંદ્ર રાવ જેવા 'ઇશ્વર માણસે ઉપજાવી કાઢેલું સત્ય છે... ઇશ્વર પરની શ્રદ્ધા જઇ શકે અને તાબડતોડ જવી જોઇએ જેથી અશુધ્ધિમાત્ર ધોવાઈ જાય અને માનવજાતિમાં નીતિની વૃદ્ધિ થાય'- અહીં બંનેને પોતાનું વલણ છે, પોતાની નિજી માન્યતા છે. પણ ઉમેરવું જોઇએ કે ગાંધીજીએ શ્રદ્ધાની સાથે યથાસમયે બુધ્ધિના હથિયારને પણ પ્રયોજ્યું છે. તો સામે ગોપરાજુના ઇશ્વર વિરુધ્ધ ખ્યાલમાં સત્ય જોનારને પણ પ્રશ્ન થાય કે નીતિની વૃદ્ધિ કરવા માટે ઇશ્વર સિવાયના કોઈક શ્રદ્ધા સ્થાનનો પણ તેમણે જરૂર વિચાર કર્યો હશે.'

વસ્તુતઃ બુદ્ધિ અને લાગણી-ભાવ-શ્રદ્ધાને વિરોધી લેખવા જેવાં નથી. ક્યાંક તો તેમની સહસ્થિતિ અનાયાસ જોવા મળી રહે. આસ્તિક હોય તો એવો આસ્તિક હોવો ઘટે જે નાસ્તિકતાને પણ નમન કરી રહે. કારણ કે બંને રસ્તે હરફર કર્યા પછી જ સત્યની નજીક પહોંચાતું હોય છે. એ જ રીતે ખરો નાસ્તિક પણ એજ છે જે આસ્તિકતાનો આદર કરે, તેને સમજે. કારણ કે તેનો માર્ગ પણ આસ્તિકતાને પામીને જ આગળ વધતો હોય છે. બંનેમાં જિદ્દીપણું નહીં, સાચી સમજનો, ખુદની સમજનો, મુદ્દો પ્રમુખ રૂપે રહે છે. બંનેમાં કશા પ્રકારની અજ્ઞાનતાને સ્થાન ન હોવું જોઇએ. બુધ્ધિ હૃદયને ન ભૂલવા દે અને હૃદય બુધ્ધિને ન ભૂલવા દે એવો યોગ સોક્રેટિસ કે ગાંધીજી વગેરે જેવામાં ઇચ્છીએ તો જોઈ શકીએ. આવી સંજ્ઞાઓ છેવટે સાપેક્ષ વધુ બની રહે છે.