Get The App

રામાયણને આમ જોઈ શકીએ ? .

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
રામાયણને આમ જોઈ શકીએ ?                        . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- સત્-સદ્ની સ્થાપના માટે વિશ્વના સંતુલન માટે પણ દરેક સમયના માનવીએ ઝઝૂમવું અનિવાર્ય છે. 

રામાયણ અર્થાત્ રામનું ચરિત સાચા અર્થમાં તો ઓછેવત્તે અંશે પૃથ્વીના માનવમાત્રનું ચરિત્ર છે, ચરિત્રના સંકેત છે. કવિની આર્ષદ્રષ્ટિએ કોઈ એક યુગની જ કથા નથી લક્ષમાં રાખી. રાખી હોય તો પણ દ્રષ્ટિતો સમયાતીત રહી છે. તેથી જ આગળ જે પ્રશ્નો ઉભા કર્યા તે અથવા બીજા પાર વિનાના પ્રશ્નો કૃતિ જન્માવી રહે છે. એવા પ્રશ્નો સાથે પોતપોતાના જે તે સમયની મૂંઝવણના ઉકેલો પણ તેમાં છે. આજે આપણે રામાયણ વાંચીએ છીએ ત્યારે કથાની બહાર નીકળી જઈ કથાથી ઇતર પ્રશ્નો - ઉકેલો પણ ઉભા કરીએ કે તેના ઉકલો મળતાં આનંદ થઇ રહે એ બધું પરોક્ષરૂપે કૃતિનું સામર્થ્ય કે ઘનતા સૂચવે છે. જેને યુરોપિયન કહીએ છીએ તેવું તો અહીં છે જ પણ સંભવ છે કે કોઈ એક સમયનું અનાગતમાં એ સત્ય પણ બની રહે. વાસ્તવ તો અહીં બહાર અને અંદરનું ડગલે ને પગલે જોવાય છે. એવા વાસ્તવમાં કોઈપણ સમયના માનવનું વાસ્તવ પણ પ્રતિબિંબિત થતું જોવાય. રામાયણને તેથી જ જરા જુદી રીતે જોવું પણ ગમે. આજે ચર્ચાની એરણ પર છે એવા મુદ્દાઓ પણ અહીં શોધી શકાય. માત્ર શોધી શકાય તેટલું જ નહીં તેની સાધક-બાધક ચર્ચા માટેની ભૂમિકા પણ સાંપડી રહે.

આજે શિક્ષણ વિશે આપણે સૌ કેટલું વલોણું કરી રહ્યા છીએ ! છતાં પરિસ્થિતિ જુઓ શિક્ષણ ઉડાઉ અને અટપટાંગ જીવતા દીકરા જેવું બની ગયું છે. એવે સમયે રામાયણ આશ્વાસન આપી રહે છે. જુઓ, ત્યાં વાલ્મીકિ છે. આહત કૌંચ પક્ષીના દર્દને જોઈ ભીતરથી હલી ઉઠે અને કરુણ-કરુણા બંને પાસે મૂકી આપે તેવો શાપ આપે છે. કરુણા-પ્રેમનો, પક્ષી સૃષ્ટિ સાથેનું અંત:જોડાણ, શાપ આપ્યા પછીની પણ વાલ્મીકિની વ્યથા-સંવેદનશીલતા, સૃષ્ટિમાં ક્યાંય પણ અસંતુલન કરી મૂકે તેવી ઘટના માટે મૂક પ્રતીકાર કરવો - આ બધાંને આપણે આજના શિક્ષણ સાથે જોડી શકીએ ? તો વસિષ્ઠ પણ જુઓ. ગુરુકુળના આદર્શો, રાજ્યાભિષેક વખતે નીતિ-પ્રામાણિકતા-પ્રજાવત્સલતા-ન્યાય, ઉજ્જવલ પરંપરાઓ અને તેનું અનુસરણ, જાતિ-પાતિથી દૂર રહી જ્યાં જંગલમાં ઉછરેલા ગૃહને પણ રામ સાથે સમાનભાવે, સમાનરીતે શિક્ષણ અપાતું હોય, જ્યાં દરેક કાર્ય નિષ્ઠાથી અને શ્રદ્ધાથી કરવાનું સૂચવાતું હોય, જ્ઞાન જ્યાં પોપટિયું નહીં, આત્મ સંપદા બની રહે તેવું મનાતું હોય - એવા આ વસિષ્ઠને આપણે આજના શિક્ષણ સુધી શું ન લાવી શકીએ ?

- અને વિશ્વામિત્ર પણ જુઓ. નર્યા વાસ્તવની ભૂમિકાએથી તેમણે જ્ઞાન-શિક્ષણને જોયાં છે. રામ તો હજી યુવાન છે, પૂરી યુવાની જોઈ- જાણી નથી. પણ મને 'રામ આપો' તેવું દશરથને તે ભારપૂર્વક જણાવે છે. સત કાર્યોમાં બાધારૂપ બનતાં દુરિતોને નષ્ટ કરવા રામને તૈયાર થવાનું છે. એક સાચી વ્યક્તિની એ નિયતિ છે. યુદ્ધ યુદ્ધભૂમિ, રક્તપાત આ પણ સમગ્ર જીવન ઘટાટોપનો ભાગ છે. સત્-સદ્ની સ્થાપના માટે વિશ્વના સંતુલન માટે પણ દરેક સમયના માનવીએ ઝઝૂમવું અનિવાર્ય છે. જગતને જોવાની આ બીજી દ્રષ્ટિ છે. આદર્શો છે, તો આવું વાસ્તવ પણ છે. જીવનનું આ પાસું પણ જ્ઞાનસમૃદ્ધિની સાથે એટલું જ મજબૂત હોવું ઘટે. કહો આપણા આજના શિક્ષણમાં વિશ્વામિત્ર પ્રસ્તુત છે ને ? વાલ્મીકિ-વસિષ્ઠ-વિશ્વામિત્ર એ ત્રણેયનો રચાતો ગુમ્ફ આજના ડિજિટલ-ગ્લોબલ વિશ્વ પણ સમજવા જેવો છે.

હમણાં હમણાં ડાયસ્પોરિક સાહિત્યની, એ પ્રકારની ચર્ચા પણ ચાલે છે. તેમાં 'વિદેશસ્થિત લેખકનું સાહિત્ય' એવી એક ટૂંકી, ખોટી દિશાની વાત પણ ઉમેરાતી આવી છે. એ બધાંની ચર્ચા અહીં શક્ય નથી. પણ મૂળ મુદ્દો લોંગિંગ - બિલોંગિંગનો છે. વિસ્થાપિત કે ભ્રમણની વ્યથા છે, મૂળથી છૂટી-તૂટી જવાની અહર્નિશ વ્યથા છે. રામાયણ એ દિશામાં પણ ઘણા સંકેત સંપડાવી શકે તેમ છે. અરણ્યકાંડમાં બનતી ઘટનાઓનું જે પરિણામ આવે છે તે મુખ્યત્વે સીતાહરણનું છે. રાક્ષસીઓના રક્ષણ હેઠળ સીતાને લંકામાં જેટલો સમય રાખવામાં આવે છે એ ઘટના, દરમ્યાનની સીતાની મન:સ્થિતિ, વતન અને રામ તેમજ સ્વજનોથી ખાસ્સા દૂરના અંતરે રહેવાની આકુલતા અને વેદના, પરાયા મુલકમાં બંદી બની, મૂળથી તૂટી જવાય તેવી સ્થિતિમાં સીતાની અંદરની હૃદય વલોવી નાખે તેવી વ્યથા એ ડાયસ્પોરિક સંવેદના છે. વિના વાંકે, વિના કારણે લંકામાં રહેવું, રાવણની તાબેદારીનો અસ્વીકાર કરવો, તેની માગણીઓને ઠુકરાવવી - આ બધું ડાયસ્પોરિકનો સાચો સંદર્ભ પૂરો પાડે છે. વળી સીતા તત્ત્વત: રામને સમર્પિત છે, ધરતી પુત્રી છે, જનક-નંદિની છે, દશરથની પુત્રવધૂ છે. તેવા સંદર્ભોની સામે રાવણનો સીતાને લગ્ન પ્રસ્તાવ, તેની બેહૂદી વાણી, અને સામે અનિશ્ચિત અનાગત - કહો આનાથી બીજી મોટી વેદના કઇ હોઈ શકે ? વાલ્મીકિએ રામાયણમાં મૂકેલો આ આખો પ્રસંગ એમ ડાયસ્પોરિક સંવેદનાની સાચી સમજ પ્રતિ દોરી જાય તેવો છે. સીતાનાં એ સમયનાં મર્માળાં વચનોને પણ તત્સંદર્ભ યાદ કરી શકાય.

ઇકોલોજી કે ઇકોફેમિનિઝમનો અહીં રામાયણમાં બળવાન સંદર્ભ છે. આપણે જાણીએ છીએ કે સીતા અયોનિજન્મા છે. ધરતીપૂત્રી છે. ધરતીનું ગર્ભજગત અને ધરતીનું બાહ્ય ક્લેવર બંનેથી તે અભિજ્ઞા છે. પ્રકૃતિ સાથે એ રીતે સીતાનો નાળ સંદર્ભ રહ્યો છે. જનકના સંસ્કાર પણ સીતા માટે એ દિશામાં દોરી જનારા પુરવાર થાય છે. ભૂમિમાંથી જન્મ અને ભૂમિમાં જ એકાકાર થવું - આ બંને સંસ્થિતિ સીતાના સમગ્ર સંવિદનો ઇકોફેમિનિઝમ પરત્વે વિચાર કરવા પ્રેરે છે. વળી સીતાનો સ્વબોધ, અડગતા, નિર્ભકતા સાથે સત્યપરકતા અને ભારતીય સન્નારીના ચિત્રને ઊપસાવી રહે તેવી તેની સમર્પિતતા, પ્રેમ, વાત્સલ્ય વગેરે પણ જેેેને અન્ય નારીઓથી પૃથક્ બનાવી રહે છે.

રામ-લક્ષ્મણ વગેરે સંદર્ભે પણ ઇકોલોજી સાથે ઇકોક્રિટિસિઝમ પણ ઉપકારક નીવડે તેવા સંખ્યાબંધ પ્રસંગો કે ઘટનાઓ આપણને રામાયણમાં સંપ્રાપ્ય થઇ રહે છે. 

શિક્ષણ વગેરે ઋષિ સાન્નિધ્યમાં ગુરુકુળમાં, એટલે કે પ્રકૃતિ વચ્ચે જ બન્યું. તો ચૌદ વર્ષનો વનવાસ પણ પ્રકૃતિથી લગોલગ જ નહીં, તેનામય થઇને રહેવાનો બન્યો. તેમની જળસમાધિ પણ પ્રકૃતિતત્ત્વ સાથેની... રહી. વાલ્મીકિએ રામાદિનાં પાત્રોના અનુસંધાનમાં વિવિધ નદીઓનું, પર્વતોનું, પમ્પા વગેરે સરોવરોનું, તેની રામસીતા વગેરેના ચિત્ત પર પડતી છાપનું જે ચિત્ર આપ્યું છે, ઉપરાંત વનવાસીઓ સાથેના સંબંધોનું - એ સઘળું પર્યાવરણનું અનન્ય વિશ્વ સર્જે છે. અભ્યાસીઓ માટે રામાયણનું આ પાસું પણ અત્યંત પ્રબળ રહ્યું છે. વિભિન્ન રીતે તે આકર્ષણ જગવી રહે તેમ છે. ઇકોલોજી-ઇકોક્રિટિસિઝમ - ઇકોફેમિનિઝમ જેવા ઘણા મુદ્દાઓને લક્ષમાં રાખીને રામાયણને તપાસી શકાય. પ્રકૃતિવર્ણનના અનેક રમણીય અંશોએ કાલિદાસ-ભવભૂતિ વગેરે અનેક પર કામણ તો કર્યું છે જ પણ એ તરફ તેઓને વાળ્યા પણ છે.