Get The App

સ્વર્ગ સાવ ઢૂંકડું! .

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
સ્વર્ગ સાવ ઢૂંકડું!                                        . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કાવ્ય પ્રદેશમાં અરવરવની આણ હોય છે. ગુંજન ખરું પણ નીરવ. તે ક્યારેક અધ્ધર કરી મૂકે, નૃત્ય કરાવી રહે, નિર્બંધ અને નિ:સીમ પણ કરી મૂકે

ક્યા રેક ફિલસૂફીના કોઈ ગ્રંથ માટે ખાંખાંખોળા કરતો હોઉં છું અને હાથમાં આવી રહે છે કોઈક કવિનો કાવ્યગ્રંથ. ફિલસૂફીના ગ્રંથની વાત પછી ભૂલાઈ જાય છે અને પેલા કાવ્યગ્રંથમાં જ ડૂબોડૂબ થઈ જાઉં છું. ત્યાં ભાગ્યે જ કશી આંટીઘૂંટી હોય છે, બિનજરૂરી તર્કલીલા કે ડહાપણની કોઈક લહરો, અથવા કશાંક ખંડનમંડન. કવિતા-નાની કે મોટી-સમગ્રતા લઈને આવે છે. ત્યાં વણકલ્પ્યાં વિશ્વોમાં હરફર થતી હોય છે. કશે ઈતિસિદ્ધમ્ નહીં, બધા રસ્તા ખુલ્લા અને છતાં સમજ-સંવેદનાના દૂર દૂરના સીમાડા સુધી એવું કાવ્ય સહજ રીતે દોરી રહે છે. ત્યાં આકર્ષક વીથિકાઓ છે તો આપણને ઝીલી રહે તેવો અવકાશી માહોલ પણ હોય છે. શબ્દ હોય છે અને શબ્દ નથી પણ હોતો ! બધું સ્વયં મહેકતું લાગે, સ્વયં વીંટળાઈ રહે. બસ, ત્યાં લૂંટો એટલી લહાણ. માત્ર લૂંટવા માટે તન્મય થઈ જવું પડે. કાવ્ય પ્રદેશમાં અરવરવની આણ હોય છે. ગુંજન ખરું પણ નીરવ. તે ક્યારેક અધ્ધર કરી મૂકે, નૃત્ય કરાવી રહે, નિર્બંધ અને નિ:સીમ પણ કરી મૂકે. માત્ર તદ્રૂપ થવાની આપણી તૈયારી હોવી ઘટે.

આજે એથી જ પેલો બારમી સદીનો ઉમર ખય્યામ મને એની એક સ્પર્શી ગયેલી રૂબાઈ લઈને રૂમઝૂમ કરતો સન્મુખ આવી આવીને અંદર-બહારનાં અજવાળાનાં દ્રશ્યો પર દ્રશ્યોની ખેરાત કરતો રહ્યો છે. આમ તો આ રૂબાઈ અનેકવાર માણી છે, તે વિશે કશેક લખવાનું ય બન્યું છે, ફિટ્ઝિરાલ્ડે કરેલા તેનો અંગ્રેજી અનુવાદમાંથી પણ અનેકવાર પસાર થયો છું. પણ આજે એજ રૂબાઈ નવી-નવેલી નવોઢાની જેમ ભીતર-બહારને સ્પંદિત કરી રહી છે. મને વાંચતાં - અક્ષરો વચ્ચે રમતાં-ભમતા લાગ્યું કે અરે, કવિ માત્ર કવિ જ ક્યાં હોય છે ? તેમાંય ઉમર ખય્યામ જેવા તો ભૂગોળ-ખનીજ-યંત્ર વિદ્યા-ગણિત-ખગોળ-સંગીત- દર્શન-ફિલસૂફી બધાંમાં માહેર. એવા કવિનો શબ્દ સહજ હોય સાથે એટલો જ સંકુલ હોય. તે પડકારે ખરો અને પમરી પણ રહે. ગાવા-નાચવા-પીવા એના રવાડે પણ ચઢાવે. બધા છેડા ખુલ્લા રાખીને આપણને તે સાગમટે નિમંત્રી રહે... રૂબાઈ તો ખ્યાતિપ્રાપ્ત છે. અગાઉ આસ્વાદી છે પણ આજની ઝરમર વર્ષા વચ્ચે વાંચી ત્યારે વળી નૂતન હૃદયબોધના અણસાર મળ્યા...

સૂફી ચાલનાનો આ કવિ જરા ભિન્ન છે. તે ભૌતિકતાના સીમાડા પરે અધ્યાત્મની અહાલેક જગવી રહે છે તો અધ્યાત્મના સંકેતોમાં ભૌતિકતાને પણ આંદોલિત કરી રહે છે. તો એ કહે છે : ચાલો, વૃક્ષની છાંય નીચે બેસીએ. બીજે કશે નહીં, વૃક્ષની છાંય નીચે. જે વૃક્ષ ખુદ જ લીલા છે, ખુદ જ પ્રેરક ને સૂચક છે, ખુદ જ બોધિરૂપ દાખવે છે, ખુદ જ પરાર્થે સમર્પિત છે. એવા વૃક્ષનો છાંયો પણ કેવો હોય ? તાજગીભર્યો, સુગંધભર્યો, અનાકુલ વૈષ્ણવ બનાવી રહે તેવો. પણ કવિ ત્યાં થોભી જતો નથી. તરત 'નિરાંતે' જમવાની વાત કરે છે. પ્રકૃતિના ઈશ્વરી રૂપથી સીધો અન્નબ્રહ્મ પર આવે છે. એટલું જ નહીં. પેલી 'નિરાંત',  Silence - Ease -એ પણ જોડીદાર હોય, અને એમ પણ રખે, માનતા કે અહીં બત્રીશાં ભોજનની વાત હોય, અન્નકૂટ હોય. અહીં તો માત્ર રોટલાના ટુકડાની જ વાત છે. કશું ચટપટું નહીં, મીઠું નહીં, સ્વાદિષ્ટ નહીં, માત્ર રોટલો અથવા બ્રેડ અને તેનોય વળી ટુકડો. અને છતાંય તે છે તો અન્નબ્રહ્મ જ. સ્વાદ ત્યાં જીભનો નથી, આત્માનો છે. પરિણામે એવો રોટલાનો ટુકડો મહામૂલો ભોજનથાળ બની રહે છે. માત્ર 'નિરાંત' જોઈએ, શાંતિ-ભીતરની સમૃદ્ધિ-જોઈએ. કવિ પછી આગળ કહે છે તેમ, ભરેલો જામ જો સાથે હોય તો મહેફિલ ઓર જામે. અહીં વાત તો છે A flask of Wine - માદક પીણાની. શું છે આ માદક પીણું ? ક્યો નશો છે આ ? હા, જામ જરૂર છે, માદક પીણું પણ છે, છતાં વાત તો ભરપૂર જીવનની છે, આત્માના ડોલનની છે, તેની મદિર-મદીલ મસ્તીની છે. એ જો છલોછલ હોય તો પછી 'કાવ્ય'માં ડૂબી રહેવાની બધી જ શક્યતાઓનાં દ્વાર ખૂલી રહે છે. અહીં માત્ર 'કાવ્ય' કે Book of Verseની જ વાત છે ? હા અને ના પણ. કારણ કે એ માત્ર પંક્તિ-કાવ્યની વાત નથી કરતો. કાવ્યમાં નિહિત પરાવિશ્વની વાત પણ છે. જ્યાં વાંચન માત્ર નથી, એકાકાર થવાનું ઈજન છે. જુદી રીતે કાવ્ય એટલે શું તેનો અર્થબોધ પણ થઈ રહે છે. અને વાત આગળ વિસ્તરતી જાય છે. છાંયો, નિરાંત, રોટલાનો ટુકડો, જામ, કાવ્ય અને હવે સનમનું સાન્નિધ્ય, પ્રિયપાત્રની સંનિધિ. સંમોહી લે તેવી સનમની શક્તિનો અહીં સ્વીકાર છે, પણ સાથે તેવી સનમ મધુર કંઠે, મધુરાં ગીત ગાતી હોય તેય અપેક્ષિત છે. કોણ છે આ સનમ ? હા, અધિકતમ પ્રિયપાત્રની અહીં મંછા રહી છે. પણ ખય્યામ જેવા સૂફી કવિ માટે એવી સનમ ઈશ્વરના રૂપને પણ ચીંધે છે. મધુર ગીતમાં અખિલમ્ મધુરમ્ ની વાત પણ છે. સંવાદનું, જીવનલય અને જીવનસંગીતનું પણ નિદર્શન છે. જો આવું જ - આટલું સદ્ભાગ્ય પ્રાપ્ત થઈ રહે તો પછી સ્વર્ગની કામના જ શા માટે ? જીવતે જીવ જ સ્વર્ગ સંપ્રાપ્ય બની રહે. દેખીતી રીતે ખય્યામે અહીં માત્ર એક જ ચતુષ્કમાં આખા આયખાના સંગીતને પોતાની હથેળીમાં ઝીલી બતાવ્યું છે. કાવ્ય ચાર પંક્તિમાં તો નિબધ્ધ થયું છે પણ ખરું કાવ્ય બીજી નથી લખાઈ તેવી સેંકડો પંક્તિઓમાં ફેલાયેલું છે. ત્યાં ઈશ્વર સાથે એકલય થવા ઉત્સુક પ્રાણની તરસ છે, ત્યાં સૂફી કવિનું આત્મનિવેદન છે. ત્યાં જીવતે જીવ સ્વર્ગની શક્યતાનો બોધ છે. ત્યાં છલકી-છલકાવી જવાની ઉત્કટતા છે. કવિતા ક્યારેક શબ્દો કરતાં શબ્દની બહાર વધુ હોય છે તેનું પણ અહીં સત્ય વિસ્તર્યું છે. વૃક્ષ, છાંયો, અન્ન, જામ, કાવ્ય કે સનમ અને ગીત-સ્વર્ગ એક બીજા સ્તરે પ્રતીક રૂપે ઊંચકાય છે. તેથી જ હજી પણ ભાવક અહીં વધુ ખાંખાંખોળા કરી રહે તેવી બધી શક્યતાઓ છે. અજાણતાં જ ફિલસૂફી અને કવિતાની સરહદો કેવી એકમેકમાં ઓતપ્રોત થઈ જતી હોય છે ! સ્વર્ગ સાવ ઢૂંકડું !