Get The App

શું કેળવણી રસ્તો ચૂકી ગઈ છે? .

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
શું કેળવણી રસ્તો ચૂકી ગઈ છે?                            . 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કેળવણી માણસના દિલમાં પ્રવેશવી જોઈએ તેના બદલે તેના દિમાગમાં પડાવ નાખીને પડી છે

'કે ળવણી' અને 'સમાજ' આ બંને સંજ્ઞાઓ અને તેના કાર્યક્ષેત્રોમાં, સાથે તેનાં સાચાં અર્થ ઘટનો પણ, ઘણી સ્પષ્ટતા માગી રહ્યા છે. એકની આંખ અને બીજાની પાંખનો વિચાર કરીએ છીએ ત્યારે સમાજની આંખ ધૂંધળી થતી જાય છે. એમ પણ કહી શકો કે તેની આંખે ઝામરે દેખા છે, તો કેળવણીની પાંખ બીજી બાજુ કપાઈ ગઈ છે કે કપાતી જાય છે. વધુ સાચા શબ્દોમાં ચિત્ર રજુ કરું તો એમ કહેવું ગમે કે એક જ બાંકડા પર બેઠેલા બે સહયોગી બાંકડાના બંને છેડે વિરુધ્ધ દિશામાં પરસ્પરને પીઠ કરીને બેઠાં છે. પરિણામે પરસ્પરમાં ઓતપ્રોત એવાં આ બે તત્ત્વો વચ્ચે કશું સામંજસ્ય નથી તો એકબીજાને પ્રભાવિત કરી રહેવાની શક્તિ પણ તે ગુમાવી ચૂક્યા છે. કેળવણી સમાજ સુધી વિસ્તરવામાં ઊણી ઊતરે છે, તો સમાજ એના સ્ત્રોતરૂપ કેળવણી સુધી જવામાં ધરાર નિષ્ફળ નીવડયો છે. વાત છેવટે કેળવણી અને સમાજને લાગી ગયેલા લૂણાની છે. અલબત્ત, તે પાછળ ઘણાં પરિબળો કારણભૂત છે. આપણું શિક્ષણ, આપણો ધર્મ, આપણું રાજકારણ અને ખુદ આપણે પણ !

રૂઝવેલ્ટે એકવાર કહેલું કે કેળવણી હવે એનો રસ્તો ચૂકી ગઈ છે. કેળવણી માણસના દિલમાં પ્રવેશવી જોઈએ તેના બદલે તેના દિમાગમાં પડાવ નાખીને પડી છે. આપણે તેમાં ઉમેરણ કરીને એમ પણ કહીએ કે માહિતીને જ જ્ઞાનનો પર્યાય માની રહેનારો આજનો માણસ કુમળા બાળક કે મોટેરાં સૌમાં માહિતી જ ભરી રહ્યો છે. જે માહિતી માણસની વ્યક્તિતાને લગભગ તકલાદી બનાવી મૂકે છે. રૂઝવેલ્ટ તો ત્યાં સુધી કહે છે કે તેવી કેળવણી આતંકવાદીઓ પેદા કરે છે. મહદંશે તેની આ વાત આજે સાચી પડતી જણાય છે. બાકી શિક્ષણ અને કેળવણી વચ્ચે બહુ મહત્ત્વની ભેદરેખા રહી છે. એ ભેદરેખા સમજવી હજી બાકી છે. સાથે શિક્ષણ અને કેળવણી શબ્દોનાં અર્થઘટનોનો માર્ગ પણ કંઈક ફંટાઈ ગયો છે. બંને તેની મૂળ પ્રકૃતિથી દૂર જઈ રહ્યાં છે. શિક્ષણનું કામ સારા નાગરિક પેદા કરવાનું છે. એવો નાગરિક જે રાજયના નીતિ-નિયમોનું અનુસરણ કરે. તેની પ્રકૃતિ કે પ્રવૃત્તિ અન્યને કે રાષ્ટ્રને બાધક ન હોય. કંઈક અનૂકુલન સાધવાની તેની વૃત્તિ રહેવી જોઈએ. કહો કે તે સ્વયં અનુશાસિત બની રહે. સમાજની આન-બાનનું જતન કરે. સરળ ભાષામાં કહીએ તો તે ખોટું કરતાં, સમાજને જે નુકસાન કારક હોય તે કરતાં તે ડરે, ભોંઠપ અનુભવે, એવું ન થઈ શકે તેવી એક સમજ-સૂઝ સાથે જીવતો હોય. કેળવણીનું કામ શિક્ષણથી કંઈક આગળનું છે. કેળવણીએ માનવ પેદા કરવા તરફ ધ્યાન રાખવાનું હોય છે. નાગરિક ઉમદામાનવ બને એ કેળવણીનો પથ છે. વિનય-વિવેક-વર્તન-ભાષા, કાર્ય કહો કે માનવીની સમગ્ર ચાલના એવી હોય કે તેને આપણે સભ્ય કહેવા, શાલીન કહેવા, સંસ્કારી કહેવા પ્રેરાઈએ. તેનું વિનીત વર્તન બીજાને પ્રભાવિત કરી રહે. તેનામાં સ્વસ્થતા તો હોય, સાથે સંવાદભર્યું જીવન હોય, સાલસ અને સહજ-સરળ હોય. સર્વ કોમ-જાતિ-ધર્મનો એ આદર કરે. તૈત્તરીય ઉપનિષદ કહે છે તેવા, પંચકોશ-આનંદકોશ, વિજ્ઞાન કોશ, મનોમન કોશ, પ્રાણ કોશ, અન્નકોશ - ખૂલી ગયા હોય. તે જગતને નહીં, ખુદને સંસ્કારવાનું વ્રત લઈને બેઠેલો હોય. ભાષા-વિચાર બંને પ્રેમનિર્ભર એટલાં જ સત્ય નિર્ભર પણ હોય. સહિયારી સંવેદનાઓ, સામૂહિક અનુભવો વડે તેનું ભીતર-બાહ્ય મંજન થયેલું હોય. ભાવાત્મકતાના વાતાવરણ વચ્ચે તેનો પિંડ ઘડાતો રહે. તો જ તે બીજા માણસની વેદના કે લાચારીને, અન્યની પીડા કે દુ:ખને સમજી શકે. તેને સહાયરૂપ થવાની ભાવના જાગે. માણસનાં સદ્દકાર્યોની, તેની કળાની કે તેના વિચારોની-સંમત-અસંમત હોય ત્યારેય - તે કદર કરતો રહે. નિજ સુખાયની સાથે બહુજયહિતાય સુધી તેની દ્રષ્ટિ વિસ્તરેલી રહે. કેળવણીનું કામ માનવના એવા સર્વાંગીણ વિકાસનું છે. એક રીતે તો કેળવણી એના વ્યાપક અર્થમાં સતત ચાલતી પ્રક્રિયા છે. સ્વથી સમષ્ટિ સુધી જ ખરેખર એ નિરંતરની યાત્રા છે. રોટલો કમાય એ ત્યાં પૂરતું નથી, પણ રોટલો મીઠો કેમ લાગે તેની તે વિશેષ રૂપે ચિંતા કરતો હોવો જોઈએ. ત્યાં વૈયકિતક રીતે તો ઉત્ક્રાન્ત થવાની વાત મૂળે છે જ, સાથે તેમાં સુદ્રઢ સમાજ માટેનું પણ તેનું એવું જ નિસબત ભર્યું વલણ-વર્તન હોય. વિવેકાનંદે કેળવણીની વાત કરતાં કરતાં આવા માનવીય નિહિત સ્ત્રોતોને બહાર કાઢવાનું ભારપૂર્વક કહ્યુ છે.

કેળવણી એ રીતે માણસને માનવ થવાનો ઉપાય બતાવે છે. એવો ઘાટ બની આવે તે માટે દિશા ચીંધે છે. એમ પણ કહીએ કે કેળવણીનું કામ કોઈ સાચી ગૃહિણી લોટને મસળી મસળી તેની જે કણક બાંધે છે એવું છે. પછી એ કણેકમાંથી તમે ફૂલકા-કૂલચા-ભાખરી-રોટલી-પૂરી જે કઈ ઈચ્છો તે બનાવી શકો. પ્રશ્ન આવી સાચી કણેક બાંધવાનો છે. જે કેળવણીનું સાચું કાર્ય છે. પછી તેવી વ્યક્તિ કોઈ પણ વ્યવહારમાં ભલે હોય, ત્યાં તેનું કાર્ય અને વ્યક્તિત્વ બંને ઉત્તમ છાપ મૂકીને જ રહે છે. લોખંડના ટુકડાને કે બીજી કોઈ ધાતુને ઘાટ આપીને નકશી કરીને તેને કલાકાર અમૂલ્ય કરી રહે તેવું કાર્ય કેળવણીનું છે. કેળવણીનો રસ હ્યુમનવેર અને હાર્ટવેરમાં વધુ રહ્યો છે. સોફટવેર, હાર્ડવેર પછી ભલે ઉમેરાતાં રહે. કળા-સૌંદર્ય-કરુણા-શીલ-પ્રજ્ઞા, પ્રકૃતિપ્રેમ-મનુષ્યપ્રેમ-બધુ પછી એક કમળપુષ્પની જેમ એનાં દલેદલ ખોલી રહે છે. ગ્રીકચિંતક ડાયોજિનસને ધોળે દહાડે ફાનસ, લઈને માનવ માટે જે ટહેલ નાખવી પડી હતી તે આ પ્રકારના માનવ માટે. પણ આજે ? આજે કેળવણી ભ્રષ્ટ થઈ ચૂકી છે.

ધૂળ ઉપર લીંપણ થઈ રહ્યું છે કે તૂટી રહેલા રસ્તા પર કાર્પેટિંગ જેવું થઈ રહ્યું છે. મૂળ સ્ટ્રોતોની ખિલવણી પશ્વાત ભૂમાં નંખાઈ ગઈ છે. નેલ્સન મંડેલા એ દુનિયાને બદલી શકે તો માત્ર કેળવણીની જ એવું જે કહેલું કે ગાંધીજીએ સર્વ તાળાં ખોલવાની ચાવી કેળવણી છે. તેવું ઠોકપૂર્વક કહેલું - એ કેળવણી આજે કોઈક અપવાદ સિવાય જોવાય છે ખરી ?