app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

શું થઇ રહ્યું છે આ? .

Updated: Sep 20th, 2022


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- આપણા સમયનું વિશ્વ આજે માનવને માત્ર એક નિષ્ક્રિય ખોખું બનાવી દેવાની પેરવીમાં છે.

કો ઈપણ ચતુર, સુજાણને ખુદને જ કંઇક આવો પ્રશ્ન પૂછવાનું મન થાય તેવું વૈશ્વિક ચિત્ર ઉપસી રહ્યું છે : 'અરે, આ બધું શું થઇ રહ્યું છે ?' આવા પ્રશ્નના ઉત્તરો આપનારની સંખ્યા પણ ખાસ્સી મળી રહે તેમ છે. છતાં પરિસ્થિતિ જ કંઇક એવી વિષમતાનો અનુભવ કરાવી રહી છે કે ભાગ્યે જ તેના આ કે તે એવા ખુલાસા સ્વીકારવાનું મન થાય. જે લોકો વિચારશીલ છે પછી તે સર્જક-ચિંતક હોય, કળાકાર હોય, મનોવિજ્ઞાની હોય, સમાજશાસ્ત્રી હોય, ન્યાયાધીશ, અધ્યાપક હોય કે ઇતર કોઈ વ્યવસાયના હોય - રાજકારણ સમેતના તે સૌને માટે આ પ્રશ્ન ચિંતા ઉપજાવનારો છે. આપણે સ્વીકૃત ધોરણોમાં ફેરફાર ન થાય તેવું માનતા નથી. પણ ધોરણોને અવળસવળ કરી નરી અવ્યવસ્થા કે અંધાધૂંધી તેનાથી ઊભી થાય એવું તો ન જ ઇચ્છીએ. હા, એમ કરવાથી કોઈ એક જૂથને, એક ચોક્કસ વર્ગને કે કોઈ કોઈ અમુક વિચારધારામાં બધ્ધ થયેલાઓને એવી અવ્યવસ્થાનો લાભ મળતો હશે કદાચ પણ તેનાથી સમાજનું અનુકૂલન તૂટી જવું ન જોઇએ. એવું માણસને એના મૂળ કેન્દ્રથી ખસેડીને અમાનવ થવા તરફ દોરી જાય તેવું ન બનવું જોઇએ. તેનાં ખુદનાં સત્ત્વ-તત્ત્વનું હનન જો તેથી થતું હોય તો તે વસ્તુ આખા સમાજ માટે ઘાતક પુરવાર થતી હોય છે. ઉપર કરેલા પ્રશ્નમાં અનેક પ્રશ્નો પ્રચ્છન્ન રીતે રહેલા છે. તેમાં મુખ્ય વાત વ્યક્તિચેતનાની છે, વ્યક્તિ સ્વાતંત્ર્યની છે. કોઈપણ સમાજનું, તેના તંત્રવાહકનું મૂળ લક્ષ્ય તો તંદુરસ્ત મનના વ્યક્તિ અને તંદુરસ્ત સમાજના નિર્માણનું રહ્યું છે. તેનું સ્વાતંત્ર્ય અકબંધ રહે, બલ્કે, તેની તંત્રએ વધુને વધુ માવજત કરવાની રહે, સાથે સાથે તે વડે તેની સર્જનાત્મકતા પાંગરે, સમાજને તે ઉપયોગી બને, રાષ્ટ્રને વધુ સમુન્નત કરી રહે તેવાંપણ અવકાશ રચી આપવાનો છે.

વ્યક્તિગત સ્તરે અને સામાજિક સ્તરે તેથી વધુને વધુ સકારાત્મક વિચારોની ભૂમિકા ઊભી થાય. કવિ પેટોફી જેવાએ તો એવા સ્વાતંત્ર્ય માટે પ્રેમ અને જીવન બંનેનો ભોગ આપવો પડે તો આપવાની તૈયારી રાખવાનો યુવાન પેઢીને અનુરોધ કરેલો. પણ આજે તો કામૂએ વર્ષો પહેલાં ચેતવ્યા હતા તે વાતને યાદ કરીને કહું તો માનવનો માનવ વચ્ચેનો અને ખુદની સાથેનો સંવાદ જ તૂટી ગયો છે. ચિત્ર તો વિશ્વમાં એવું ઊભું થઇ રહ્યું છે કે તમે - હું સર્વ તમાશાના સાક્ષી બની રહો, મૂંગા થઇ રહો, 'સ્વાતંત્ર્ય' શબ્દને કોશ પૂરતો મર્યાદિત રાખો. એક નાનો પ્રબુધ્ધ વર્ગ જો એ દિશામાં કશી પ્રતિક્રિયા દાખવે તો હવેનાં તંત્રો તે સહન કરી શક્તાં નથી. કોઇનીય સ્વતંત્ર વિચારધારાને આદર કરવાનું નથી સૌજન્ય કે નથી સહિષ્ણુતા, ઊલ્ટાનું, તેવા એકલ દોકલ વ્યક્તિ કે જૂથને તિતરબિતર કરી નાખી, ચૂપ કરી દેવાનું વલણ ચિંતાજનક સ્થિતિમાં પ્રબળતા ધારણ કરી રહ્યું છે. અસત્ય સામે લડનારનું મોં બંધ કરી દેવામાં આવે છે. આવા સમયે ફ્રાન્સના દગોલનું જુદી રીતે સ્મરણ થઇ આવે છે. તે સત્તા પર આવ્યા ત્યારે સાર્ત્ર જેવા સત્યવાદી સર્જકની સામે તેના અનેક વિરોધીઓએ દગોલની કાનભંભેરણી કરી સાત્રને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. પણ દગોલ જેવા શાણા, માનવપ્રેમી રાજકારણીએ કહ્યું 'ફ્રાન્સ પોતાના વોલ્તેરને કદી પકડતું નથી !' સાત્રને વોલ્તેર સાથે મૂકી દગોલે પોતાના દેશના ઉત્તમ સર્જક-ચિંતક આદર પ્રકટ કરી તેનું માન સન્માન જાળવ્યું હતું.

આપણા સમયનું વિશ્વ આજે માનવને માત્ર એક નિષ્ક્રિય ખોખું બનાવી દેવાની પેરવીમાં છે. સત્તા અને અર્થની અમર્યાદ કામનાથી ભરેલા રાજકારણીઓ અને તેમના સલાહકારે કે સાથીઓ તેની વ્યક્તિચેતના - વ્યક્તિ સ્વાતંત્ર્યને બદલે તે સમૂહનો, ટોળાનો કેમ બની રહે તે માટે અહર્નિશ પેરવી કરે છે. એકવાર એ ટોળાનો બની જાય, કોઈ ગળપટ્ટો ધારણ કરતો થઇ જાય, પછી ત્યાં તેના વ્યક્તિ સ્વાતંત્ર્યનો પ્રશ્ન રહેતો નથી. પ્રજ્વલિત અગ્નિ પર રાખ ફેરવી દેવાના આવા પ્રયત્નો કહેવાતી મહાસત્તાઓના શાસકો પણ જુદા જુદા તરીકાઓ વડે કરતા રહ્યા છે.

નિત્સે જેવા ચિંતકે આવો પૂર્વાભાસ 'બિયોન્ડ ગુડ એન્ડ ઇવિલ'માં રજૂ કરીને કહેલું કે વ્યક્તિગત રીતે ભાગ્યે જ ક્યાંક ઉન્માદ જોવા મળે, પણ જૂથમાં, ટોળામાં, એકત્રિત થયેલી લાખોની મેદનીમાં તો તે જ વર્ચસ્વ ભોગવે છે. અર્થાત્ ત્યાં નર્યું ઉન્માદનું ચલણ હોય છે. વિશ્વ આજે આ દિશામાં ઝડપથી ગતિ કરી રહ્યું છે અને કલ્પી ન શકાય એવા માણસોની તેમાં એક યા બીજા પ્રકારની સામેલગીરી વધતી જાય છે. 

કોઈ એક વર્ગ કે સ્તરે નહીં, બધા જ વર્ગમાં, બધા જ સ્તરે ! ચેરીસ હેઝીઝ નામના ચિંતકે તો ઉગ્ર ભાષામાં પ્રહાર કરતાં એવા સર્વ પ્રકારના વર્ગને આડે હાથે લેતાં કહેલું :

આપણે એક એવા વિશ્વમાં જીવીએ છીએ જ્યાં તબીબો સ્વાસ્થ્યને ખતમ કરી રહ્યા છે.

વકીલો ન્યાયનું હનન કરી રહ્યા છે.

વિશ્વ વિદ્યાલયો જ્ઞાનનું અચ્યુતમ કરી રહ્યા છે.

શાસકો સ્વાતંત્ર્યનો નાશ કરી રહ્યા છે.

મુદ્રણાલયો પ્રેસ માહિતીનું ધનોતપનોત કાઢી રહ્યાં છે.

ધર્મો નૈતિકતાને તોડી નાખવા સક્રિય છે.

અને આપણા વિશ્વની બેંકો આપણી અર્થવ્યવસ્થાને ખોરવી નાખવામાં નિમિત્ત બની રહી છે.

આપણા સમયનું આ કરુણ ચિત્ર છે. સર્વના મૂળમાં તો વાત આવે છે વ્યક્તિગત ચેતનાનો દીવો ઓલવાઈ રહ્યો છે તે. આપણે વ્યાપક અવ્યવસ્થાના ભાગ રૃપે ટોળું થતા જઇએ છીએ, મેદની બનતા જઇએ છીએ. પરિણામે ઉન્માદ વધતાં જાય છે, બલ્કે, તેના હાથમાં જ ધુરા આવી જાય છે, તે જ ધુરીકા બની રહે છે. માર્ટિન લ્યૂથરે એક બીજે પક્ષે તેથી કહેલું કે તિરસ્કાર અને કડવાશને બાજુએ રાખીને, સાધન શુધ્ધિ દાખવીને સ્વતંત્રતાને સ્વાતંત્ર્યનું જતન કરવાનું છે.

પણ ટોળું બની જવા ઇચ્છતા, અસત્યના જ પૂજક બની ગયેલાને રોકે તો કોણ રોકે ? ફિલસૂફ કાસેન્દ્રા કલેરા કહે છે : એવા લોકો જે સદ્ છે તેને આરોગી જઇ પછીની પ્રજા માટે કેવળ વિનાશ જ મૂક્તા જાય છે.

Gujarat