- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ડિનર ડિપ્લોમસીથી પણ આ ટી ડિપ્લોમસી કંઈક ન્યારી છે. ચા ક્ષણોમાં ક્યારેક વર્ષો જૂનાં બંધ દ્વાર ખોલી નાખે છે
તે દિવસે મારા એક પ્રવાસી મિત્રે વહેલી સવારે દાર્જિલિંગની રમણીય સવારનું વર્ણન કર્યું ત્યારે પાર વિનાની ખુશી થઈ. ચાના બગીચા, એ ચાની વિશેષતા, બગીચામાં કામ કરતાં માણસો, લહેરાતી મનગમંત ચાની પાંદડીઓ, તેની ખાસ પ્રકારની ઉત્તેજિત કરી મૂકે તેવી ભીની ભીની સુગંધ એ બધાંની સાથે ધુમ્મસના વેષ્ટનની વાત પણ કરી. ત્યાં ચારે તરફ સૌંદર્યની મહેફિલ જામી હતી તે પણ કહ્યું. પુષ્પોના દરબાર વિશે વાત કરી. અને ખરું તો ચા અને ચાહ ઉભયે જે કંપન જગવ્યાં એ તો વળી એક જુદું જ પ્રકરણ બની રહે. વાત તો ચા અને દાર્જિલિંગની છે. બંને આપણે ત્યાં પર્યાય બની રહ્યાં છે....
પણ અમે તો 'ચા' શબ્દથી રોમાંચિત થયા હતા. કલ્પો, પથારીમાંથી ઊભા થતાંવેંત કોઈ 'ચા'નું સ્મરણ કરાવે તો શું થાય ? થનગનાટ જ વધે ને ? દિવસ આખાની કુંડળી પણ કેવી આપોઆપ ઉમંગથી ભરી ભરી આકારાઈ રહે ! 'ચા' જેવા એકાક્ષરનો જાદુ જ એ છે - તે મનની અને ચરણની બંનેની ગતિ જ બદલી નાખે. અંદર-બહારથી તરંગિત કરી દે. મારે કહેવું હોય તો કહું કે કોઈ ઘેઘૂર વૃક્ષ આખું ને આખું, ડાળીઓ, પર્ણોસમેત કલશોરી રહેતું હોય તેવો એ અનુભવ છે. મિત્રો જાણે છે કે 'ચા' અને 'ચા' સાથે જોડાયેલું કે જોડાતું આવતું વિશ્વ મને અનેકશ: ઉત્સુક કરી રહે છે. કેટલાકને તે મારી મજબૂરી પણ લાગે છે, કેટલાક મને ચા નો કપ મારી સામે ધરી મને તેમના પણ કરી લે છે ! મને ય આ ચાનો પ્રેમ ક્યારેક ક્યારેક મજબૂરી જેવો લાગ્યો છે ! પણ દોસ્ત ! એ જ તો ક્યારેક જીવનની એ લિજ્જતભરી ક્ષણો બની જતી હોય છે. એ જ તો તેના પ્રત્યેક ઘૂંટ સાથે જુદાં જુદાં રહસ્યો ખોલી રહે છે. ક્યારેક એવો એક કપ કે પ્યાલો ચાની સાથે છેક ગોષ્ઠી અને ગોષ્ઠીથી આગળ તત્વ સુધી ખેંચી જાય છે. ડિનર ડિપ્લોમસીથી પણ આ ટી ડિપ્લોમસી કંઈક ન્યારી છે. ચા ક્ષણોમાં ક્યારેક વર્ષો જૂનાં બંધ દ્વાર ખોલી નાખે છે. ક્યારેક એ ચા નો કપ હોઠ માંડતાં માંડતાં જ રેશમી દોરની એવી કોઈ ગૂંથણી કરી રહે છે કે એ નક્શી એ ભાત પછી જીવનભર એની છાપ મૂકી જાય છે. ચા પીતા હોઈએ ત્યારે જાણે દરેક ક્ષણ નાજુક બની આપણને વીંટળાઈ રહે છે, મસ્તિષ્કની બધી રીતે નિર્ભાર કરી રહે છે, છૂટી ગયેલા લય સાથે પુન: આપણને જોડી આપે છે. ચા ત્યારે પીણું મટી જાય છે. દૈવે દીધેલ આસવ જેવું કદાચ અનુભવી રહેવાય.
પેલો કુમાશ ભરેલો દાર્જિલિંગની ટેકરીઓ પરથી આવેલો અવાજ હજી કાનમાં ગૂંજ્યા કરે છે. દાર્જિલિંગની સાથે ચા આમ અનાયાસ જોડાઈ જતાં મારી અકલ્પ્ય કહી શકાય તેની ચા પ્રીતિ મને આજે ચાનાં ગુણગાન ગાવા પ્રેરી રહી છે. કોઈ મને નિરાંતે ચા વિશે વાત કરવાનું કહે તો હું વાતની માંડણી કરતો, તેને વિસ્તારતો વિસ્તારતો, એક લઘુનવલ લખી બેસું. તેવું તેના તરફનું બાળપણથી જ આકર્ષણ રહ્યું છે. ચા નો કપ જે ક્ષણથી હાથમાં લઉં છું તે ક્ષણથી જ હું તેની સાથે ભિન્ન ભિન્ન પ્રકારનો વાર્તાલાપ આરંભી દઉં છું. એ વાર્તાલાપમાં પિતાજી વિશેષરૂપે આવે, પરિવાર આવે, ચા પ્રેમી મિત્ર સમુદાય આવે, ચા ને નિમિત્તે ક્યાંક બેસીને ભર શિયાળામાં મિત્રવૃંદ સાથે ધીમે ધીમે ચુસ્કી લીધી હોય, એક કપ નહીં પણ બે બે કપ પેટમાં ઠાલવી દીધો હોય છતાં ધરવ ન થાય તેવું વાતાવરણ હોય - કહો એ બધા વચ્ચે 'ચા'નું કશું કર્ષણ રહ્યું હશે ? તર્કથી કે આપણાં બૌદ્ધિક સમીકરણોથી ભલાદમી, ચાની વાત આપણે નહીં કરી શકીએ. કારણ કે ચા ચા છે, ચાહ પણ એટલી જ. કેટલાકને તિરસ્કારમાં 'ચા નાં કોડિયાં પીધા કરો' - એવું કહેતાં હું સાંભળું છું ત્યારે મને એ દુન્યવી જીવોની અપાર દયા આવે છે. તેમને હું ચા ના દુશ્મન કે નગુણા નહીં કહું પણ જીવનની એક મનોરમ ઘટનાથી તેઓ સદા અસ્પૃષ્ટ રહી ગયા એવું તો ચોક્કસ કહીશ. તેવાઓ અસંતુષ્ટ પણ છે એવું ય સમય આવ્યે કહી બેસું, ભલું પૂછવું !
અમને દાર્જિલિંગની કડક પત્તી ચા ગમે છે, એમ તે અનહદ પ્રેમ કરનારાઓમાંના અમે એક છીએ. અમે તો જાહેરમાં ય સ્વીકારવા તૈયાર છીએ કે જિંદગીની તૃપ્તિ તો આ ચા માં છે, તેના પ્રત્યેક ઘૂંટમાં છે. તેની પ્રકૃતિ જ એવી છે કે કોઈને પણ તાજોમાજો, સ્ટેન્ડ અપ, કરી મૂકે. જેની પ્રાત:કાલીન ચા કડક-કમ-સક્કર કે ક્યારેક મીઠી હોય છે. તેનો દિવસ પણ ફક્કડ જ હોય છે એવું આ ચા પ્રેમીને હંમેશા લાગ્યું છે. યાદ રહે 'લાગ્યું' ક્રિયાપદ 'અનુભવી રહ્યા' પછી જ આવતું હોય છે... અમારી વહારે અમારા લેખક મિત્ર શ્રી અર્લિન ગ્રે પણ આવીને કહેવાના કે આત્માને જેમ સંગીત વહાલું છે તેમ આ શરીરને માટે ચા નું છે. ચા શાંતિતીર્થ છે, પરસ્પરને જોડે છે, આનંદ આપી રહે છે. કેટલાકની તો સદાની ગાંઠો ય આ ચા જ ઉકેલી રહે છે...!
રખે માનતા મિત્રો, કે મને ચા નું વળગણ છે તેથી 'ચા' નો પ્રેમભર્યો પક્ષપાત લઈ રહ્યો છું. સાચું કહું તો ચા ને તેના હોવાપણાની ખાત્રી આપવી પડે તેમ છે જ નહીં. તેનું સ્વયં હોવું એટલું દીવા જેવું સ્પષ્ટ છે કે સૌ કોઈને એ પ્રકાશનો - એની ઉષ્માનો લ્હાવો લેવો ગમ્યો છે. સુખમાં-દુ:ખમાં, આનંદમાં કે વિષાદમાં તેનો સંગ સૌ કોઈને આશ્વસ્ત કરતો રહે છે. તે કોઈને 'વળગે છે' એવું નથી, તેને કોઈ 'છોડતું નથી' તેવી તેની સ્વયંની સંપદા રહી છે.
એ સંપદાએ જ અનેક સર્જકો-વિચારકોને પોતાના વિચારોની આપ-લે માટે ભૂમિકા પૂરી પાડી છે. અનેકોને તાણ મુક્ત કરવામાં, ચિંતારહિત બનાવવામાં એક કપ ચા મેદાન મારી જતી હોય છે. કોઈકે સાચું કહ્યું કે ગરમ પાણીથી સ્નાન કરો છો ને જે તાજગી મળે છે એવી જ તાજગી એક કપ ચા પણ આપી રહે છે. દુનિયાભરની સમસ્યા આ 'ચા' કે ચા નો એક કપ ચપટીકમાં દૂર કરી રહે છે. ચા ને તમે પ્રેમથી ઝૂલાવો કે ચા ને તમે તિરસ્કારો પણ 'ચા' સ્થિરદ્યુતિ છે, અડોલ છે, નિષ્પક્ષ છે. તેનું કર્મ અને ધર્મ બંને
'ચાહ' છે તેથી જ એકાધિકો સ્વીકારતા આવ્યા છે કે તમે જ્યારે ઠંડાગાર હો છો ત્યારે તે તમને ઉષ્મા આપી રહે છે, તમે જ્યારે મનથી તપી ગયેલા છો ને ત્યારે તમને શાંત કરી રહે છે, તમે જ્યારે નિરાશ હો છો ત્યારે તે તમને આનંદિત કરી મૂકે છે અને તમે ક્યાંક વધુ પડતા ઉશ્કેરાઈ જાવ છો ત્યારે તે તમને સ્વસ્થ કરી રહે છે...
અરે, જુઓ તો ખરા... પેલી દાર્જિલિંગની સવારનો ટહુકો કેવો સ્વયં વિસ્તરી રહ્યો છે ને રચી રહ્યો છે ચા અને ચાહ પુરાણ ! આ પણ આજની વહેલી સવારે માણેલી ચુલબુલી ચા ના કપનો જ પ્રતાપ છે... જી !
'વીજળીની ભૂમિ' અને 'ટેકરીઓની રાણી'ના પર્વતીય વિસ્તારમાંથી પ્રાત:કાળે આવેલા મિત્રના એ અવાજમાં પણ ચા ના ઘૂંટની જ ઉષ્મા શું નહોતી ?


